મમતા બેનરજી પણ મેદાનમાં: મહા રેલીની મમત

કોલકાતામાં એકઠા થયેલા વિપક્ષના નેતાઓમાં મમતા ઓછી છે, પણ મમત વધારે છે. મમત એ પકડી છે કે ભારતીય જનતા પક્ષે ભાગલા પડાવીને જીત મેળવી લીધી હતી તેવું ફરી થવા દેવું નહિ. ઇન્દિરા ગાંધી સામે પક્ષમાંથી જ વિરોધ થવા લાગ્યો હતા, ત્યારે તેમણે પક્ષના જ ટુકડા કરી નાખ્યા હતા. સિન્ડિકેટની સામે ઇન્ડિકેટ ફાવી હતી અને બાંગલાદેશના યુદ્ધ પછી ઇન્દિરા ગાંધી અજેય લાગતા હતા. તે વખતે કુસલાહને કારણે કટોકટી લાદી અને તેના કારણે વિપક્ષને એક થવાની જરૂર સમજાઈ ગઈ.

2014માં ભારતીય જનતા પક્ષને એકલા હાથે બહુમતી મળી હતી. ભાજપના સાંસદોની સંખ્યા 283 થઈ ગઈ હતી. એનડીએના સાથી પક્ષો સાથે ખૂબ સારી બહુમતી હતી, પરંતુ થોડા જ વખતમાં ખ્યાલ આવી ગયો કે ભાજપની ગણતરી વિપક્ષને જ ખતમ કરી નાખવાની છે. ચીન કે રશિયામાં એક જ પક્ષનું એકહથ્થુ શાસન ચાલ્યા કરે તેવી દાનત ભાજપની દેખાઈ ત્યારે વિપક્ષના તંદ્રામાંથી જાગ્યા. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે 325 બેઠકો જીતી લીધી ત્યારે વિપક્ષને લાગ્યું કે એકલા હાથે ભાજપને હરાવવો મુશ્કેલ બનશે.

તેથી જ 2019 પહેલાં ચારે તરફ ગઠબંધનની વાત ચાલી રહી છે. 1977માં જનતા મોરચાની રચના થઈ તેમાં મોટા ભાગના રાજકીય પક્ષો જોડાઈ ગયા હતા. ભાજપનો પૂર્વાવતાર જનસંઘ પણ તેમાં સામેલ હતો. કેટલાક અંશે જનતા મોરચો તૈયાર કરવામાં જનસંઘની ભૂમિકા પણ હતી. આ વખતે ફરક એટલો છે કે કોંગ્રેસ અને ભાજપનો પોતપોતાનો મોરચો છે, પણ એક ત્રીજો મોરચો ઊભો થાય તેની પણ કોશિશ થઈ રહી છે. 1977માં જનસંઘ શક્તિહિન હતો તે રીતે આજે કોંગ્રેસ શક્તિહિન છે એટલે કોંગ્રેસે પણ ત્રીજા મોરચા સાથે કોઈક રીતે સંબંધ રાખવો જરૂરી છે. જનસંઘ તો ત્રીજા મોરચામાં સામેલ જ થઈ ગયો હતો, પણ વર્તમાન સમયે કોંગ્રેસને સીધી રીતે સામેલ કરવા માટે ત્રીજો મોરચો તૈયાર નથી. કારણ સમજી શકાય તેવું છે. મોટા ભાગના પક્ષો કોંગ્રેસ વિરોધમાંથી ઊભા થયા હતા અને પોતપોતાના રાજ્યોમાં કોંગ્રેસને હટાવીને તેનું સ્થાન લીધું છે.

પશ્ચિમ બંગાળમાં પણ એ જ કારણ અગત્યનું છે. ડાબેરીઓ સામે લડવા માટે મમતા બેનરજી મથામણ કરતાં હતા, પણ કેન્દ્રીય નેતાગીરી તેમને ફાવવા દેતી નહોતી. કેન્દ્રમાં જુદા પ્રકારનું રાજકારણ ચાલતું હોવાથી કોંગ્રેસ ડાબેરીઓનો ટેકો લેતી હતી. તેથી બંને વચ્ચે ગુપ્ત સમજૂતિ ચાલતી હોય તેમ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓને ચાલવા દેતી હતી. મમતા બેનરજીને પ્રાદેશિક જૂથબંધી પણ નડતી હતી. આખરે મમતા બેનરજીએ પોતાનો અલગ પક્ષ કર્યો. ભાજપ સાથે ગઠબંધન કરીને શરૂઆત કરી અને મજબૂતી મેળવી તે પછી ભાજપને પણ છોડી દીધો છે. હવે તેઓ ત્રીજા મોરચામાં આગેવાન બનવા માગે છે, જે ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધી હોય.

જોકે ભારતીય રાજકારણની વર્તમાન વાસ્તવિકતા એ છે કે હજી પણ બિનકોંગ્રેસી અને બિનભાજપી અસલી ત્રીજો મોરચો કેન્દ્રમી સત્તા કબજે કરી શકે તેમ નથી. 2004માં કોંગ્રેસ ફરી બેઠી થઈ અને 10 વર્ષ સત્તામાં રહી. 2014માં માત્ર 44 બેઠકો સાથે ખતમ થવાને આરે લાગતી કોંગ્રેસ હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં વાપસી સાથે 2019ની લડત માટે તૈયાર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એનસીપી સાથે દોસ્તી થઈ ગઈ, કર્ણાટકમાં જેડી(એસ)ને સાથી બનાવી લીધો અને આંધ્ર તથા તામિલનાડુના મજબૂત પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને સમર્થન આપતા થઈ ગયા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવામાં આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથે સમજૂતિ કરવા તૈયાર થઈ છે તેનો અર્થ એ થયો કે 2019માં કોંગ્રેસની ગણતરી કરવી પડશે.

પરંતુ તે ગણતરી ચૂંટણી પરિણામો પછી કરવાની છે. તેથી ચૂંટણી પૂર્વે સ્ટ્રેટેજી પ્રમાણે કેટલાક પ્રાદેશિક કોંગ્રેસને દૂર રાખી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એસપી અને બીએસપીએ કોંગ્રેસની બાદબાકી કરીને સત્તાવાર રીતે સમજૂતી જાહેરી કરી દીધી છે. ખાનગીમાં તેમની દોસ્તી ચાલવાની રહેવાની છે. બિહારમાં સત્તાવાર રીતે કોંગ્રેસને સાથે રખાશે તેમ લાગે છે, પણ તેમાં બહુ ઓછી બેઠકો અપાશે. અથવા બિહારમાં પણ જાહેરમાં અલગ, ખાનગીમાં દોસ્તી તેવું થઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં પણ શું એવું થશે ખરું? મમતા બેનરજીની મહારેલીમાં કોંગ્રેસ સામેલ નથી. જોકે રાહુલ ગાંધીએ મમતા દીદીને મેસેજ મોકલીને દેશને પણ સંદેશ આપ્યો છે. માયાવતી પણ જવાના નથી, કેમ કે માયાવતીની મહત્ત્વાકાંક્ષા મમતા દીદી જેવી જ છે. બીજા ના જનારા નેતાઓમાં તેલંગાણાના કેસીઆર છે અને ઓરિસાના પટનાયક છે. કેસીઆર અને ભાજપની ખાનગી દોસ્તી જાહેર છે અને તેઓ પણ ત્રીજો મોરચો તૈયાર કરવા માગે છે. તેમની સાથે સત્તાવાર રીતે આંધ્રના જગનમોહન જોડાયા છે. ઓરિસાના પટનાયક મન કળાવા દેતા નથી – તેમણે ભાજપ, ત્રીજા મોરચા અને ભાજપ (એ જ ક્રમમાં) ત્રણેયથી અંતર જાળવીને ત્રણેય સાથે સંબંધો જાળ્યા છે.

આ રીતે ત્રણ ત્રણ ત્રીજા મોરચા થઇ રહ્યા હોય તેમ લાગે છે. ત્રીજો ત્રીજો મોરચો યુપી-બિહારનો બની શકે છે. એસપી-બીએસપીના ગઠબંધન પછી તેજસ્વી યાદવ માયાવતી અને અખિલેષને મળી આવ્યા હતા. હવે ત્રણેય મોરચાઓની સંયુક્ત બેઠકો કેટલી હશે તે જોવાનું રહેશે. જોકે કોલકાતામાં મમતા બેનરજીની મહારેલીમાં હાજર બધા જ નેતા મમતાના ત્રીજા મોરચામાં નથી તે યાદ રાખવાનું છે. એ પણ યાદ રાખવાનું છે ત્રણેય ત્રીજા મોરચા હજી સત્તાવાર રીતે રાષ્ટ્રીય કક્ષાના મોરચા બન્યા નથી.

મમતા બેનરજી સાથે મંચ પર એનસીપી, જેડી(એસ), આમ આદમી પાર્ટી પણ હશે, પણ આ પક્ષો કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસના નેતાઓ પણ (મલ્લિકાર્જુન ખડગે અને અભિષેક મનુ સિંઘવી) હાજર રહેવાના છે અને શત્રુઘ્ન સિંહા જેવા ભાજપના સાંસદ પણ હાજર રહેવાના છે. અર્થાત ભાજપવિરોધી ખરા, પણ મમતાના ત્રીજા મોરચાના સભ્યો હોય તેવું જરૂર નથી. બીએસપીએ પણ પોતાના પ્રતિનિધિને મોકલ્યા છે અને અખિલેશ યાદવ પણ હાજર રહ્યા છે. બિહારમાંથી તેજસ્વી યાદવ પણ છે. એટલું જ નહિ કોંગ્રેસના યુપીએમાં સામેલ ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને ડીએમકેના એમ. કે. સ્ટાલિન પણ છે.

એ રીતે સમગ્ર રેલીને ભાજપવિરોધી રેલી બતાવાઈ રહી છે, પણ મમતા બેનરજીની મહત્ત્વાકાંક્ષા પોતાને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની તાકાતને રોકનારા નેતા તરીકે ઉપસાવાની છે તે સ્પષ્ટ છે. હકીકતમાં તેમણે ભાજપનો સામનો પોતાના રાજ્યમાં પણ કરવાનો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ ઝડપથી મજબૂત બની રહ્યો છે. છેલ્લે યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ભાજપે એવું જોર દેખાડ્યું છે કે મમતા બેનરજીએ વિચારવું પડે. ભાજપ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ભોગે આગળ વધી રહ્યો છે, પણ મમતા બેનરજી તેની અવગણના કરી શકે નહિ. યુપીમાં એસપી અને બીએસપી અલગઅલગ લડ્યા ત્યારે ભાજપ ફાવી ગયો હતો. બંગાળમાં એક તરફ મમતા હોય અને બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી હોય ત્યારે ત્રીપાંખીયા જંગમાં ભાજપ સારું એવું જોર કરી શકે છે. એવી ગણતરીઓ મંડાઈ રહી છે કે ઇશાન ભારતમાં અને પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ આશ્ચર્યજનક દેખાવ લોકસભા ચૂંટણીમાં કરી શકે છે.

તેથી મમતા બેનરજી માટે રાષ્ટ્રને સંદેશ આપવા ઉપરાંત સ્થાનિક મતદારોને પણ એ સમજાવવાના છે કે તેમના માટે બેસ્ટ બેટ મમતા જ છે. બંગાળમાં 27 ટકા જેટલા જંગી મુસ્લિમ મતદારો છે. આ મતદારો કોંગ્રેસ અને ડાબેરીઓમાં વહેંચાઈ ના જાય તે માટે મજબૂત મેસેજ આપવો જરૂરી છે કે ભાજપને રોકવા માટે માત્ર મમતા’દિ જ શક્તિમાન છે. મુસ્લિમોના સ્ટ્રેટેજિક મતદાનનો લાભ લેવા માટે મમતા બેનરજીએ એવો મેસેજ આપવો જરૂરી છે કે તેમને બંગાળમાં જેટલા મજબૂત કરશો એટલા રાષ્ટ્રીય લેવલે ભાજપને કાબૂમાં રાખી શકાશે. કદાચ બંગાળના નેતા પ્રથમ વડા પ્રધાન પણ બની જાય! આ પ્રકારના નિવેદનો આવતા પણ થયા છે. હકીકતમાં બંગાળ ભાજપના પક્ષપ્રમુખ દિલીપ ઘોષ પણ આવું બોલી ગયા તેના કારણે ભારે ચર્ચા જાગી હતી. હાલમાં જ મમતા દીદીનો જન્મદિવસ ગયો ત્યારે અભિનંદન આપવા સાથે દિલીપ ઘોષે તેમના વખાણ પણ કરી નાખ્યા. તેઓ એવા સક્ષમ નેતા છે કે કદાચ પ્રથમ બંગાળી વડાપ્રધાન પણ બને એવું તેમણે બોલી નાખ્યું તે ભાગે ચગ્યું હતું.

મમતા બેનરજીની મહત્ત્વાકાંક્ષા રાષ્ટ્રીય છે જ, પણ આ રેલી દ્વારા તેઓ સ્થાનિક ધોરણે પોતાને મજબૂત કરવા માટે કોશિશ કરી રહ્યા છે તે પણ યાદ રાખવાનું છે. કદાચ તેથી જ કોંગ્રેસ, એસપી-બીએસપી સહિતના નેતાઓ રેલીમાં હાજર રહ્યા છે. તેઓ જાણે છે કે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ વિના ઉદ્ધાર નથી. ભાજપ સિવાય કદાચ કોંગ્રેસ એક જ એવો પક્ષ હશે જેની પાસે ત્રણ આંકડામાં બેઠકો હોય. કોંગ્રેસ પણ આ સમજે છે. તેથી જ બહેનજી માયાવતીને પણ અને દીદી મમતાને પણ કોંગ્રેસના નેતાઓ પૂરતું માન આપી રહ્યા છે. બંને લઈ પણ રહ્યા છે, કેમ કે કેન્દ્રમાં મજબૂત થવા માટે પોતાના પ્રદેશમાં પહેલાં મજબૂત થવાનું છે એ વાત બંને સન્નારીઓ પણ સમજે છે.