મહારાષ્ટ્ર ચૂંટણીઃ ભાજપે શિવસેનાને કેવી રીતે મનાવી?

મેરિકાના પ્રવાસે જતા પહેલાં નરેન્દ્ર મોદીએ મુંબઈમાં સભા કરી હતી. મેટ્રો ટ્રેન સહિતના કેટલાક પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત કર્યા હતા. મેટ્રો ભવન, ત્રણ નવી મેટ્રો લાઈન, ભારતમાં જ તૈયાર થયેલા મેટ્રો ટ્રેનના કોચનું લોકાર્પણ એમ એકથી વધુ જાહેરાતોને એક સાથે જોડી દેવામાં આવી હતી. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં એક સાથે પ્રોજેક્ટ્સના ઉદ્ધાટનો કરી લેવાયા હતા. ભાજપની આ નવી પદ્ધતિ બની છે. અલગ અલગ ઉદ્ધાટન કરવાના બદલે પ્રોજેક્ટ્સને ભેગા કરવાના અને ધામધૂમથી ઉદ્ધાટન કરવાના જેથી ભરપૂર પ્રચાર થઈ શકે. પરંતુ આ કાર્યક્રમ યોજનાઓની જાહેરાત કરતાંય શિવસેના સાથેના ગઠબંધનના સંદર્ભમાં વધારે મહત્ત્વનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના નામોનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું: માજે લ્હાન ભાઉ ઉદ્ધવ ઠાકરેજી.

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મારા નાના ભાઈ એવી રીતે નરેન્દ્ર મોદી સંબોધન કરે તેમાં આમ કશું ખોટું નથી, પણ સભામાં શિવસેના કે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેજી એવું હિન્દીમાં પણ કહી શક્યા હોત. યહાં કે લોકપ્રિય એવમ્ યશસ્વી મુખ્યમંત્રી એવી રીતે હિન્દીમાં જ પોતાના પક્ષના નેતા ફડણવીસનું નામ તેમણે લીધું હતું. પરંતુ મરાઠીમાં માજે લ્હાન ભાઉ એવું ખાસ કરીને નરેન્દ્ર મોદીએ કેટલાક અણસાર આપી દીધા હતા તેમ માનવામાં આવે છે. આત્મિયતા બતાવવા માટે કોઈને નાના ભાઈ કહેવા બરાબર છે, પણ રાજકારણમાં ચૂંટણી સમજૂતિમાં નાના ભાઈનો સ્પષ્ટ થાય છે જૂનિયર પાર્ટનર. શિવસેના સાથે ભાજપની સમજૂતિ થવાની છે તે નક્કી જ હતું, પણ બેઠકોની વહેંચણીનો મામલો છેક સુધી અટવાતો રહેશે તેમ લાગતું હતું. તેવું જ થયું છે અને હજી સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ શનિ-રવિમાં મોટા ભાગે જાહેરાત થઈ જશે કે કયા પક્ષના ફાળે કેટલી બેઠકો આવશે.

રવિવારે ભાજપની મહારાષ્ટ્રના મૂરતિયા નક્કી કરવાની અગત્યની બેઠક પણ મળવાની છે. લગભગ 100 જેટલા ઉમેદવારોના નામને મંજૂર કરવા માટે બેઠક મળે તે પહેલાં શિવસેના સાથે સમજૂતિની સમજણ પણ કેળવી લેવી જરૂરી છે. તેથી જ સોર્સીઝ તરફથી સમાચારો વહેતા થઈ ગયા છે કે ભાજપ અને શિવેસના વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી છે અને એક કે બે દિવસમાં જાહેરાત થશે. ભાજપ 144, શિવસેના 126 અને

18 બેઠકો આરપીઆઈ સહિતના નાના સાથી પક્ષો માટે ફાળવાશે અમે ચિત્રલેખાએ આપેલો આ અહેવાલ જુઓ: (https://chitralekha.com/news/mumbai/maharashtra-seat-pact-sealed-bjp-to-contest-144-sena-126-seats-sources/)

થોડા દિવસ પહેલાં સંજય રાઉતે એવું કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીનો મુદ્દો ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તેટલો ઉગ્ર થઈ ગયો છે. શિવસેનાના બીજા નેતા અને સરકારમાં મંત્રી દિવાકર રાઉતે પણ સંજય રાઉતને ટેકો આપેલો અને કહ્યું કે અગાઉના વચન પ્રમાણે બેઠકોની વહેંચણી અડધી અડધી થવી જોઈએ. પરંતુ આ વખતે 26 તારીખની બેઠક પછી વહેતા થયેલા સમાચારો પછી હજી શિવસેનાના કોઈ નેતાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી નથી. તેથી માની લેવું રહ્યું કે કોઈક પ્રકારની સમજૂતિ થઈ ગઈ છે. ખાસ કરીને શિવસેનાના નેતાને ઉપ-મુખ્યમંત્રી બનાવાશે તેવો નિર્ણય પણ લેવાયો છે.

તેનો અર્થ એ થયો કે આખરે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઉપ મુખ્યમંત્રીપદ સ્વીકારી લેવાયું છે. શિવસેના તરફથી જનઆશિર્વાદ યાતા શરૂ થઈ હતી, તેનો ટોન એવો હતો કે આદિત્ય ઠાકરે મુખ્યમંત્રી બની શકે છે. બંને પક્ષ સરખી બેઠકો લડશે અને જેમની વધારે બેઠકો આવશે તેનો મુખ્યમંત્રી. તેથી કાર્યકરોમાં કામે લાગી જવાનો જોશ પૂરવામાં આવી રહ્યો હતો.

સાચી વાત એ છે કે શિવસેના કરતાંય ભાજપનું ગજું હવે મહારાષ્ટ્રમાં વધી ગયું છે. બીજું, ઉપર જે સભાનો ઉલ્લેખ કર્યો, તેમાં નરેન્દ્ર મોદીએ મેટ્રો સહિતની યોજના દ્વારા વિકાસની વાતો કરી હતી, પરંતુ સાથે જ કાશ્મીરના લોકો માટે પણ આવો જ વિકાસ થશે એમ કહ્યું હતું. તે રીતે તેમણે કલમ 370નો મુદ્દો, રાષ્ટ્રવાદનો મુદ્દો, પાકિસ્તાન સામેની અને ત્રાસવાદ સામેની લડાઈનો મુદ્દો જ મહત્ત્વનો રહેવાનો છે તેનો અણસાર પણ આપી દીધો હતો. મહારાષ્ટ્રના મુદ્દાઓ પર, દુકાળ કે છેલ્લે આવેલા પૂર પર, કે મરાઠા અનામત પર ચૂંટણી લડાશે નહિ તેવી સ્થિતિ ઊભી થાય તો ભાજપ જ વધારે ફાવે.

1995માં બંને પક્ષોની સંયુક્ત સરકાર બની હતી. તે વખતે બાલ ઠાકરેનો દબદબો હતો. મુખ્યમંત્રી શિવસેના તરફથી મનોહર જોશી નક્કી થયા હતા. જોકે તે સંયુક્ત સરકારને બીજી ટર્મ મળી નહોતી અને કોંગ્રેસ તથા એનસીપીની સંયુક્ત સરકાર ફરી સત્તામાં આવી હતી. 2014 સુધી 15 વર્ષ ભાજપ અને શિવસેના સત્તાની બહાર રહ્યા. શિવસેનામાં બાદમાં તડ પણ પડી, રાજ ઠાકરે અલગ થયા અને ઉદ્વવ ઠાકરેએ પક્ષનું સુકાન સંભાળ્યું. દરમિયાન ભાજપ પોતાની રીતે પાંખ પસારવા લાગ્યો હતો. 2014માં કેન્દ્રમાં સત્તા સાથે જ ભાજપ માટે રસ્તો આસાન થઈ ગયો હતો.

બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન પણ પડી ભાંગ્યું હતું એટલે તેનો પણ ફાયદો થયો હતો. લોકસભામાં શિવસેના કરતાંય વધુ બેઠકો અને મતો ભાજપને મળ્યા હતા. 2014માં શિવસેનાએ પણ જોખમ લીધું હતું અને નક્કી કર્યું હતું કે એકલે હાથે ચૂંટણી લડશે. ભાજપ અને શિવસેના બંને જુદા જુદા લડ્યા, પણ ફરી એકવાર ભાજપને વધારે બેઠકો મળી.

ભાજપને 122, જ્યારે શિવસેનાને માત્ર 63 બેઠકો મળી હતી. ત્રણ મહિના ભાજપે શિવસેના વિના પણ સરકાર ચલાવી, અને આખરે શિવસેના ભાજપ સરકારમાં જોડાઈ ગઈ હતી. 2019માં શિવસેનાને 17 ટકા, જ્યારે ભાજપને 27 ટકા મતો મળ્યા. તે પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે મહારાષ્ટ્રમાં હવે ભાજપ જ મોટો ભાઈ છે. પ્રાથમિક સર્વે થયા તેમ પણ સ્પષ્ટ થઈ ગયું કે બંને પક્ષો અલગ લડે તોય ભાજપને નુકસાન થાય તેમ નથી. ભાજપને એકલા હાથે સત્તા મળે તેમ છે.

આ સંજોગોમાં શિવસેના માટે સમજૂતિ કરી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બીજું આદિત્ય ઠાકરેને શિવસેનામાં જે રીતે આગળ કરવામાં આવી રહ્યા છે, તેનો અર્થ એ કે ત્રીજી પેઢીની રાજકીય યાત્રાનો જ વિચાર કરવાનો છે. ઉદ્ધવ ઠાકરે પોતે ક્યારેય ચૂંટણી લડ્યા નથી અને લડવાના પણ નથી. આદિત્ય ઠાકરે મુંબઈની કોઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેમ મનાય છે. ઠાકરે પરિવારમાંથી પ્રથમવાર કોઈ ચૂંટણી લડશે.

ઉંમરની રીતે પણ આદિત્ય માટે હજી લાંબો સમય છે. સંગઠનમાં તેમને સ્થાન મળ્યું છે તે પરિવારના વારસાને કારણે. પરંતુ સરકારમાં રહીને કામગીરી કરીને અનુભવ લેવો તેમના માટે વધારે જરૂરી છે. લાંબા ગાળાની રાજકીય કારકિર્દી માટે સત્તા સ્થાને બેસવું જરૂરી છે.

જુદા લડવાથી કદાચ ભાજપે પણ ધારણા કરતાં પાંચ સાત બેઠકો વધારે ગુમાવવી (સામા પક્ષે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન આ વખતે થયું છે તેથી પણ), પણ મોટું નુકસાન થાય તેવા કોઈ અણસાર નથી. કોંગ્રેસમાં 2019ની હાર પછી હજી કશોય સળવળાટ થયો નથી. એનસીપીમાંથી એક પછી એક નેતાઓ શરદ પવારને છોડીને જઈ રહ્યા છે. શરદ પવાર સામે પણ ઇડીની ફાઇલો ખૂલી ગઈ છે. તેમના માટે રાજકીય લડાઈ સાથે કાનૂની લડાઈ લડવાનો વારો પણ આવ્યો છે. આ સંજોગોમાં ભાજપ માટે આગામી ચૂંટણી આસાન છે. નરેન્દ્ર મોદીના નામે, પાકિસ્તાન અને કલમ 370ના નામે જ ચૂંટણી લડાવાની છે. તે સંજોગોમાં શિવસેનાએ પોતાનું અને આદિત્ય ઠાકરેનું ભવિષ્ય વિચારવું વધારે જરૂરી બન્યું છે.

2014માં પણ એનસીપીનું વલણ એવું રહ્યું હતું કે ભાજપની સરકાર તૂટી ના પડે તે રીતે ભૂમિકા ભજવવી. સંપૂર્ણ બહુમતી ના હોવા છતાં ફડણવીસની સરકાર બની હતી. 2019માં તેનું પુનરાવર્તન થવાની પૂરી શક્યતા છે. કોંગ્રેસ અને એનસીપી સાથે લડે છે તેનાથી ભાજપને ખાસ ફરક પડતો નથી, પરંતુ તે બંનેના સંયુક્ત ઉમેદવાર મજબૂત હોય ત્યાં શિવસેના માટે મુશ્કેલી થઈ શકે. સાર એટલો કે 2014ની સ્થિતિમાં બહુ મોટું નુકસાન ના થાય, પણ થોડું નુકસાન શિવસેનાને થાય. તેની સામે ભાજપને ફાયદો વધારે છે. ભાજપે 122થી 135 સુધી જ પહોંચવાની જરૂર છે. તે પછી સેનાના ટેકા વિનાય સરકાર બની શકે તેમ છે, તેથી જ આખરે શિવસેના માની ગઈ છે.