મધ્ય પ્રદેશ હની ટ્રેપઃ ઇસ હમામ મેં સબ નંગે હૈ

ધ્ય પ્રદેશમાં અમલદારો, નેતાઓ અને પત્રકારોને સંડોવતું હની ટ્રેપનું રેકેટ દિલ્હીમાં બહુ ગાજી રહ્યું છે. જોકે બીજા રાજ્યોમાં તેની બહુ ચર્ચા થઈ રહી નથી, પણ મધ્ય પ્રદેશમાં અને દિલ્હીમાં વીઆઈપી વર્તુળોમાં તેની ભારે ચર્ચા જાગી છે. મધ્ય પ્રદેશની સરકાર ક્યારે પડી જશે તેની ચર્ચા વચ્ચે જાતીયતાનો મામલો રાજકીય પણ બની રહ્યો છે, કેમ કે એવી ધારણા છે કે હની ટ્રેપનું વાવાઝોડું આગળ વધશે તો સરકાર પડી જશે. જોકે હાલમાં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પર સૌનું ધ્યાન છે અને દિવાળી બાદ તરત ઝારખંડ અને દિલ્હીની ચૂંટણી આવશે. તેથી થોડા મહિના માટે મધ્ય પ્રદેશમાં રાજકીય શાંતિ જોવા મળી શકે છે, પણ ચારેય રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી અને તેના આધારે મધ્ય પ્રદેશમાં રાજકીય હલચલ જોવા મળી શકે છે.

દરમિયાન હની ટ્રેપનો મુદ્દો ગાજ્યા કરશે, પણ કેટલો તે સવાલ છે, કેમ કે ફરી એકવાર, આ પ્રકારના સેક્સ કૌભાંડમાં જોવા મળતું હોય છે તેમ, એકથી વધુ પક્ષના નેતાઓ અને વિવિધ વિભાગોના અમલદારો સંડોવાયા છે. તેથી ભીનું સંકેલી લેવાશે. કચ્છની મીઠી ખારેકનું સેક્સ કૌભાંડ થોડું ગાજે એટલે તરત તેને શાંત કરી દેવા માટે દોડધામ થતી હતી. વળી પાછું ખૂન થાય અને આરોપી પકડાય ત્યારે કચ્છની મીઠી ખારેક સેક્સ કૌભાંડ ચમકે, વળી પાછું તેને શાંત કરી દેવામાં આવે. મધ્ય પ્રદેશના જાણકાર લોકો હની ટ્રેપને ભાજપની શિવરાજસિંહ સરકારના વ્યાપમ કૌભાંડ સાથે સરખાવા લાગ્યા છે. ભાજપના મળતિયાઓ અને તેમના સગાઓને નોકરીઓ મળી જાય તે માટે મોટા પાયે સરકારી નોકરી ભરતી પ્રવેશ પરીક્ષામાં ગોટાળા કરવામાં આવ્યા હતા. વ્યાપમનું કૌભાંડ દાયકાથી ગાજતું રહ્યું છે, પણ તેમાં કશું પરિણામ આવ્યું નથી. હની ટ્રેનમાં પણ કોઈ પરિણામ આવે તેનું જાણકારોને લાગતું નથી.

થોડા દિવસ પહેલાં ઇન્દોરની પોલીસે બે મહિલા અને તેના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ઇન્દોર નગર નિગમના એન્જિનિયર હરભજન સિંહને બ્લેક મેઇલિંગ કરવા બદલ તેમની ધરપકડ થઈ હતી. હરભજન સિંહ શોખીન માણસ હતા અને તેઓ છોકરી સપ્લાય કરનારી ગેંગના શિકાર બની ગયા હતા. તેમની પાસે યુવતીઓ મોકલીને વિડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. પછી ધમકી આપીને ત્રણ કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. હરભજન સિંહે પોલીસની મદદ લીધી. પોલીસે ટ્રેપ ગોઠવી. બંને યુવતીઓ પહેલાં હપ્તામાં 50 લાખ રૂપિયા લેવા માટે આવી ત્યારે પકડી લેવામાં આવી. તે પછી તો ખ્યાલ આવ્યો કે આ બે સિવાય બીજી પણ ઘણી સ્ત્રીઓ અને કોલેજિયન છોકરીઓ કૌભાંડમાં સામેલ છે. ઉચ્ચ અધિકારીઓ, આઇએએસ અને આઇપીએસ ઓફિસરો, નેતાઓને ફસાવવામાં આવતા હતા.

કાવતરું ખૂલતું ગયું તેમ ચોંકાવનારી વાતો બહાર આવવા લાગી. હકીકતમાં માત્ર પૈસા પડાવવા માટે આ ખેલ ચાલતો નહોતો. સરકારી કોન્ટ્રેક્ટ્સ મેળવી લેવા માટે યુવતીઓનો ઉપયોગ થતો હતો. અધિકારી અને નેતા પાસે યુવતીને મોકલવાની. તેમને રસ પડે એટલે યુવતી તેમની સાથે ફરવા જવા તૈયાર થઈ જાય. સંબંધો આગળ વધે એટલે મોકો જોઈને વિડિયો ઉતારી લેવાનો. બાદમાં સરકારી કોન્ટ્રેક્ટના ટેન્ડર નીકળે ત્યારે પોતાના ટેન્ડર પાસ કરાવી લેવા માટે આ વિડિયોનો ઉપયોગ થવા લાગ્યો હતો. હરભજન સિંહની ફરિયાદ પછી બેની ધરપકડ કરવામાં આવી પછી આ બધી માહિતી બહાર આવી તેવી વાત પણ નથી. જાણકારો કહે છે કે મોટું સેક્સ રેકેટ ચાલી રહ્યું છે તેની સત્તાવર્તુળોમાં સૌને ખબર હતી. શિવરાજસિંહ ચૌહાણના વ્યાપમ ગોટાળાની જેમ સૌને ખબર હતી અને છતાં કૌભાંડ ચાલતું રહ્યું હતું. પરંતુ નેતાઓ ફસાવા લાગ્યા અને નેતાઓનું બ્લેકમેઇલિંગ વધી પડ્યું ત્યારે મામલો દિલ્હી સુધી પહોંચ્યો. દિલ્હીના સત્તાધીશોને ખ્યાલ આવી ગયો કે નેતાઓની ચોટલી પકડી લેવાનો આ સારામાં સારો મોકો છે.


જોકે પોલીસ કાર્યવાહી ના થવાની હોય અને ખાનગીમાં કૌભાંડ ચાલતું રહેવાનું હોય તો નેતાઓ કે અમલદારો ડરે નહિ. તેથી હની ટ્રેપને ડરામણું સ્વરૂપ આપવા માટે તેને જાહેરમાં લાવવું પણ જરૂરી હતું. જાણકારો કહે છે કે મધ્ય પ્રદેશની પોલીસે અને કેન્દ્રની એજન્સીઓએ સમગ્ર કાવતરાનો તાગ ઘણા સમયથી મેળવી લીધો હતો. પણ ફરિયાદી કોણ બને તે સવાલ હતો. વિડિયોમાં નગ્ન પકડાઈ ગયેલા કોઈ નેતા કે અમલદાર ફરિયાદી બનવા તૈયાર નહોતા. આખરે કમજોર કમી કૌન એ કેન્દ્રની એજન્સીઓએ શોધી કાઢ્યું. હરભજન સિંહને ફરિયાદ કરવા મજબૂર કરાયાની વાત છે. વાત ગળે ઉતરે તેવી છે, કેમ કે હરભજને ક્યાં બાપના પૈસા બ્લેક મેઇલિંગમાં આપવાના હતા. તેઓ તો સરકારી કોન્ટ્રેક્ટમાંથી લાખોની કમાણી કરતા હતા અને હની ટ્રેપમાં ફસાયા તેમને આપતા હતા. સમગ્ર તપાસ હવે એસઆઇટીને સોંપવામાં આવી છે. એક પછી એક નેતાઓ અને અમલદારોના નામ બહાર આવી રહ્યા છે. બધા નામ બહાર નહિ આવે તે પણ નક્કી છે. પાંચેક ઢોંગી પત્રકારોના નામ પણ જાહેર થયા છે. બ્લેક મેઇલિંગ કરવાનું કામ ટોળકીમાં આ પત્રકારોને સોંપવામાં આવ્યું હતું.


મધ્ય પ્રદેશમાં નેતા રંગરેલિયા કરી લે પછી દિલ્હીમાં તેમને મળવા માટે પત્રકારો પહોંચી જતા હતા. પત્રકારો નિર્દોષ ભાવે કહેતા કે કોઈએ તમારી ક્લિપ અમને મોકલી છે, પણ અમે તો કંઈ તમને બદનામ કરવા માગતા નથી. હિસાબ કરી લો. હવે હિસાબ રાજકીય રીતે પણ થશે તેમ લાગે છે. નેતાઓની ક્લિપ હાંસલ કરીને તેનો રાજકીય ઉપયોગ શું કરવો તે શાસકોને આવડતું હોય છે. સરકારી કચેરીઓમાં પાંચ વાગ્યા પછી પત્રકારોને પ્રવેશ પર અમલદારોએ પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે સૌને ખ્યાલ આવ્યો કે પાંચ વાગ્યા પછી ત્યાં શું ખેલ થતા હતા. કોલેજની યુવતીઓને કોઈ રિસર્ચ કે એવા કોઈ પણ બહાને અમલદાર પાસે મોકલવામાં આવતી હતી. આ યુવતીઓ એવી હતી જે ઇન્દોર કે ભોપાલ જેવા મોટા શહેરોમાં ભણવા આવી હોય. ગરીબ પરિવારની હોય. તેમની જરૂરિયાતનો લાભ લઈને તેમને કૌભાંડમાં સામેલ કરવામાં આવતી હતી. મુખ્ય મંત્રી કમલનાથ જાણે છે કે કૌભાંડનો રેલો તેની સરકારની નીચે આવશે તો સરકાર ડૂબી જશે. તેથી તેમણે તપાસની જવાબદારી એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીને સોંપી છે. કોંગ્રેસના નેતા કે. કે. મિશ્રા કહે છે કે આ તો વ્યાપમ નંબર 2 છે. તેઓ કહે છે કે મોટા વેપારીઓ, કોન્ટ્રેક્ટરો, અમલદારો, નેતાઓ અને પત્રકારો આમાં સંડોવાયેલા છે. અમે કોઈને નહિ છોડીએ અને બધાને બેનકાબ કરીશું એમ તેઓ કહે છે.

તેમની વાત પર વિશ્વાસ બેસે તેવો નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ ક્લિપિંગમાં નગ્ન થઈ ગયાની શક્યતા છે. અમલદારો પણ આગળ જતા એકબીજાને બચાવી લેવાની કોશિશ કરશે. નાના અને નકલી પત્રકારોના નામ અત્યારે સામે આવ્યા છે. મોટા પત્રકારો કે મોટા અખબાર સમૂહનું નામ આવશે ત્યારે મીડિયાનો રસ પણ હની ટ્રેપમાં ઓછો થઈ જશે. આ સંજોગમાં હની ટ્રેપ અન્ય અર્થમાં વ્યાપમ કૌભાંડ બની રહેશે તો નવાઈ નહિ લાગે. અર્થાત કૌભાંડ મોટું ખરું, પણ તેમાં ન કોઈ આરોપી ઠરે, ન કોઈ મોટી કાર્યવાહી થાય, ન કોઈ મોટી સજા થાય. મધ્ય પ્રદેશમાં હવે ભાજપ વિપક્ષમાં છે એટલે તેમના નેતાઓ પણ આ કૌભાંડમાં સીબીઆઈની તપાસની માગણી કરવા લાગ્યા છે. ભાજપના ભૂતપૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે સીબીઆઈને તપાસ સોંપી દો. ભાજપના પ્રવક્તા વિજયવર્ગીયે પણ માગણી કરી છે કે કમલ નાથ સરકારે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. મોકો જોઈને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે ભાજપ સીબીઆઈ તપાસની એટલા માટે માગણી કરે છે કે હની ટ્રેપના મામલાને પણ વ્યાપમની જેમ દબાવી દેવા માગે છે.

અત્યારે પાંચ મહિલા સૂત્રધારોના નામ બહાર આવ્યા છે. પાંચેક પત્રકારોના નામ પણ બહાર આવ્યા છે. પરંતુ જાણકારો કહે છે કે હની ટ્રેપનું નેટવર્ક બહુ મોટું બની ગયું હતું. જિલ્લા સુધી પહોંચ્યું હતું અને જિલ્લામાં પણ અધિકારીઓને અને નેતાને ફસાવીને કોન્ટ્રેક્ટ મેળવવાનું કામ થવા લાગ્યું હતું. પ્રાથમિક અંદાજ અનુસાર 100થી વધુ વિડિયો અને 200 જેટલા ફોન નંબર અને મેસેજીસ પોલીસના હાથમાં આવી ગયા છે. મુખ્ય સૂત્રધાર મહિલાઓ રાજકીય રીતે પણ સક્રિય હતી. મોટા નેતાઓ, મોટા નેતાઓની પત્નીઓ સાથે કાર્યક્રમમાં તે દેખાતી અને તેની તસવીરો લોકો હવે કાઢી કાઢીને સોશ્યલ મીડિયા પર મૂકવા લાગ્યા છે. કેટલાક વિડિયો લીક પણ થઈ ગયા છે. આમ છતાં આટલી મોટી સંખ્યામાં નેતાઓ અને અમલદારો ફસાયા હોય ત્યારે તપાસ સાચી દિશામાં જાય તેવી શક્યતા બહુ ઓછી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]