લિંગાયતનો મામલો ધાર્મિક કરતાં રાજકીય વધારે છે

શૈવ અને વૈષ્ણવ એક જ ધાર્મિક અને પ્રાચીન પરંપરાના બે ફાંટા છે કે બે ફાંટાને એક કરીને ઊભી થયેલી હિન્દુ પરંપરા છે? આનો એકલઠ જવાબ મળે તેમ નથી. આ મામલો અને આર્ય અને દ્વવીડના મામલા જેવો છે – આર્ય બહારથી આવ્યા હતા તે થિયરી અંગ્રેજોએ આપી હતી તેવું માનનારો વર્ગ પણ મોટો છે. લિંગાયતને લઘુમતી ગણવાનો મુદ્દો ઊભો થયો છે ત્યારે આ ચર્ચા ફરી થશે. મૂળ નિવાસી પ્રકૃત્તિની અને લિંગની પૂજા કરતા હતા, જ્યારે આગંતુક તેમની સાથે વેદની પરંપરા લઈ આવ્યાં હતાં. લાંબા ઘર્ષણ પછી સંતો, મહાત્માઓએ બંને પરંપરાઓને એક કરીને આજે જેને હિન્દુ પરંપરા ગણીએ છીએ તે ઊભી થઈ છે.

સંતોએ સમજદારી દાખવી જેમને એક કર્યા તેને શા માટે વિભાજિત કરી રહ્યા છીએ તે સવાલ આવીને ઊભો રહે છે. તેની પાછળના પરિબળો ધાર્મિક ઓછા અને રાજકીય વધારે છે. લિંગાયતનો મામલો પણ ધાર્મિક ઓછો અને રાજકીય વધારે છે તે સ્વંયસ્પષ્ટ છે, પણ તેની પાછળનો ઇતિહાસ સમજીએ તો મુદ્દો વધારે સ્પષ્ટ થશે.

દેશના લગભગ દરેક રાજ્યમાં એક જ્ઞાતિનું વર્ચસ્વ રહ્યું છે. સમયે સમયે તેને પડકાર ફેંકાતો રહ્યો છે અને વિરુદ્ધમાં અન્ય જ્ઞાતિઓનું જોડાણ પણ થતું રહ્યું છે. બીજું આઝાદી પછી ઓળખ ઊભી કરવાનો તબક્કો શરૂ થયો ત્યારે પ્રારંભમાં ભાષાકીય એકતાનો મામલો ઊભો થયો હતો. ભાષા મુદ્દે એકતાના માહોલના કારણે જ્ઞાતિનો ભેદ ભૂંસાઈ ગયો હતો. પણ ભાષાવાર રાજ્યો બની ગયા એટલે જ્ઞાતિવાર અને પ્રદેશવાર વિભાજનો ઊભા થયા. મદ્રાસ રાજ્યમાંથી તેલુગુભાષી જુદા પાડવા માગતા હતા, ત્યારે બધા જ એક હતા. આંધ્રની રચના થઈ ગઈ એટલે તેલંગણા પ્રદેશમાંથી અલગતાની માગ ઊઠી. ભવિષ્યમાં રેડ્ડી અને કમ્મા જેવી જ્ઞાતિઓ વચ્ચે સ્પર્ધા થશે.

ગુજરાતમાં પ્રારંભમાં જ્ઞાતિ મુદ્દો નહોતો. સૌરાષ્ટ્ર અલગ હતું અને મુંબઈમાં બે ભાષા હતી. એટલે મહાગુજરાતની ભાવના ઊભી થઈ. ગુજરાત મળી ગયું એટલે ગુજરાતીપણું ભૂલાઈ ગયું અને પટેલ વર્સિસ ક્ષત્રિય અને હવે પટેલ વર્સિસ ઓબીસીનો માહોલ બન્યો છે.

સંપૂર્ણ કર્ણાટકની રચના પહેલાં કન્નડ ભાષાના નામે સૌ એક થયા હતા. તે વખતે વોક્કાલિગા અને લિંગાયત અને ઓબીસીના ભેદ નહોતા. કન્નડભાષી ત્રણ પ્રદેશોમાં વહેંચાયા હતા. મૂળ મૈસુર સ્ટેટ, મુંબઈ સાથે જોડાયેલો હિસ્સો અને હૈદરાબાદ સ્ટેટ સાથે જોડાયેલો હિસ્સો. ભાષાની એકતાનો માહોલ ઊભો થયો અને ત્રણેયને એક કરી કર્ણાટકની રચના માટે 1856માં નિર્ણય લેવાયો હતો.

અહીં રસપ્રદ વાત એ છે કે નિર્ણય લેવાનો હતો ત્યારે મૂળ મૈસુર રાજ્યના વોક્કાલિગામાં વિરોધ થયો હતો ખરો. વોક્કાલિગા સમાજની બેઠક પણ બોલાવાઈ હતી અને ચિંતા વ્યક્ત કરાઈ હતી કે ત્રણ પ્રદેશને ભેગા કરીને કર્ણાટક બનશે તો લિંગાયતોની સંખ્યા વધી જશે. હૈદરાબાદ સ્ટેટમાં લિંગાયતની વસતિ વધારે હતી, તે ભળે એટલે વોક્કાલિગાનું વર્ચસ ઘટે. તે વખતે કોંગ્રેસના નેતા કે. હનુમંથૈયા હતા. તેઓ વોક્કાલિગા હતા, પણ આઝાદીની ચળવળમાં ભાગ લેનારા જૂની પેઢીના રાષ્ટ્રવાદી નેતા હતા. તેમણે કહ્યું કે જ્ઞાતિ અને રાજકીય ગણતરીથી કર્ણાટકની એકતાનો વિરોધ કરશો તો કન્નડ લોકો આપણને કદી માફ નહી કરે.

તે પછી સ્થિતિ એવી થઈ કે વોક્કાલિગા લોકોએ તેમને કદાચ કદીય માફ નહી કર્યા હોય. 1956માં કર્ણાટક બની ગયું અને કોંગ્રેસને સત્તા પણ મળી, પરંતુ હનુમંથૈયાના હાથમાંથી સત્તા ગઈ. તેમની જગ્યાએ કોંગ્રેસે લિંગાયત નેતા એસ. નિજલિંગપ્પાને મુખ્ય પ્રધાન બનાવ્યા. વોક્કાલિગા લોકોની ચિંતા સાચી પડી હતી અને 38 વર્ષ સુધી કોઈ વોક્કાલિગા નેતા સીએમ બની શક્યો નહોતો. છેક 1994માં જનતા દળના નેતા તરીકે એચ. ડી. દેવે ગોવડા સીએમ બની શક્યા હતા.

નિજલિંગપ્પા પછી એક પછી એક એમ ચાર લિંગાયત નેતા સીએમ બન્યા. છેક 1972માં ક્ષત્રિય દેવરાજ ઉર્સ સીએમ બન્યા અને બ્રાહ્મણ ગુંડુરાવનો વારો પણ આવ્યો. 1983માં કોંગ્રેસને પહેલીવાર હરાવીને રામકૃષ્ણ હેગડે સીએમ બન્યા. તે પણ બ્રાહ્મણ હતા, પણ તેઓ પોતાને લિંગાયત નેતા ગણાવતા હતા અને કોંગ્રેસના લિંગાયત મતોમાં તેમણે ગાબડું પાડ્યું હતું. પણ તે લાંબો સમય ચાલ્યું નહિ કેમ કે કોંગ્રેસે ફરી એકવાર લિંગાયત નેતા અને અગાઉ પણ સીએમ રહી ચૂકેલા વીરેન્દ્ર પાટીલને આગળ કર્યા. તેથી 1989માં ફરી કોંગ્રેસ અને લિંગાયત નેતાગીરીને સત્તા મળી. કોંગ્રેસની કઠણાઈ એ કે એક જ વર્ષમાં રાજીવ ગાંધીએ પાટીલને સીએમની ખુરશી પરથી હટાવી દીધા. ગુજરાતમાં પણ ચીમનભાઇ પટેલને સીએમ બનવું હતું, પણ ઇન્દિરા ગાંધીએ બનવા દીધા નહોતા. તે કારણ અને અન્ય કારણોસર પટેલો કોંગ્રેસ છોડીને અલગ થયા અને સત્તા ગુમાવી.

જોકે કોંગ્રેસ સામે અન્ય કારણસર પણ કર્ણાટકમાં વિરોધ જાગ્યો હતો અને જનતા મોરચાનો પ્રયોગ અહીં પણ અસર બતાવી રહ્યો હતો. એટલે પ્રથમવાર એવું બન્યું હતું કે બિનકોંગ્રેસી પક્ષો અને લિંગાયત અને વોક્કાલિગા બંને ભેગા થયા હતા અને 1994માં કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. તેના કારણે ગુજરાતની જેમ જ કર્ણાટકમાં પણ ભાજપ માટે જગ્યા થઈ ગઈ હતી. લિંગાયતના નેતા તરીકે ઉપસેલા યેદીયુરપ્પા ભાજપ સાથે હતા તેનો પણ ફાયદો થયો.
જોકે કોંગ્રેસે ફરી સત્તા મેળવવા માટે વોક્કાલિગા અને લિંગાયત બંનેના બદલે ત્રીજા ઓબીસીના નેતાને આગળ કર્યા અને સિદ્ધરમૈયા કોંગ્રેસ માટે સત્તા મેળવી શક્યા. યાદવ સિદ્ધરમૈયા ઓબીસીના નેતા છે, પણ તેઓ જાણે છે કે યેદીયુરપ્પા ભાજપમાં પાછા ફર્યા છે ત્યારે લિંગાયત મતો કાંતો મેળવવા પડે અથવા તો તેમાં ભાગલા પાડવા પડે.
લિંગાયત મતોમાં ભાગલા પડે, વોક્કાલિગાના મતો દેવે ગોવડાના જનતા દળ સાથે રહે અને ઓબીસીનો ટેકો જળવાઈ રહે તો કોંગ્રેસ કર્ણાટકમાં ફરી સત્તા મેળવી શકે છે.

કેટલી બેઠકોમાં કઈ જ્ઞાતિનું વર્ચસ એ આંકડાં ફરતા રહેતા હોય છે. તેમાં થોડા મતભેદને સ્થાન હોય છે, પણ મહદ અંશે તેના આધારે રાજકીય પક્ષો ચાલે છે. 100 જેટલી બેઠકો લિંગાયત મતો મહત્ત્વના છે તેવો દાવો થાય છે, જે વધારે પડતો છે. ત્યાંથી ઘટીને 52 બેઠકો પર વર્ચસનો આંકડો આવે છે. લિંગાયત 17 ટકા વસતિનો દાવો કરે છે, પણ જાણકારો 14 ટકાથી વધારે વસતિ ના હોવાનું કહે છે. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે, સરખાવી જોશો.
ઓબીસી ઉપરાંત દલિતો અને મુસ્લિમ વસતિ (19 ટકા અને 16) પણ કર્ણાટકમાં અગત્યની ગણાય છે, પણ દલિતો સંગઠિત નથી અને તેમના મતો બધી જ બેઠકોમાં વહેંચાઈ ગયેલા છે. તેથી લડાઈ આખરે ઉત્તર કર્ણાટકમાં વોક્કાલિગા (જેમની વસતિ ઘટીને 11 ટકા થઈ ગઈ હતી) અને દક્ષિણમાં લિંગાયત વચ્ચે આવીને ઊભી રહે છે.
વર્ષો જતા લિંગાયત ધારાસભ્યોની ટિકિટ ઘટતી રહી છે. અત્યારે માત્ર 45 લિંગાયત ધારાસભ્યો છે. 1994માં ભાજપના ઉદય વખતે તે સંખ્યા 68 હતી અને જૂની કોંગ્રેસ સરકાર વખતે 89 હતી. ગુજરાતની જેમ ઓબીસીનું પ્રતિનિધિત્વ છેલ્લા બે દાયકામાં કર્ણાટકમાં વધ્યું છે.

તેનો અર્થ એ થયો કે માત્ર લિંગાયતના આધારે કોંગ્રેસે ચૂંટણી જીતવાની નથી, પણ તે એક અગત્યનું પરિબળ છે. બીજું ભાજપ હવે નવી પરિસ્થિતિમાં લિંગાયતને લઘુમતીનો વિરોધ કરતો દેખાય એટલે તે લિંગાયતો માટે એટલો આકર્ષક ના રહે. પરંતુ યેદીયુરપ્પા જેવા નેતા હોવાથી લિંગાયત મતો સાવ ગુમાવે પણ નહીં.

ભાજપ જે સનાતન ધર્મની વાત કરે છે તેનો જ સૌથી વધુ વિરોધ લિંગાયતોમાં છે, કેમ કે મંદિરમાં પ્રવેશ ના આપવા સહિતના જુલમો થતા હતા, તેના કારણે જ બસેશ્વવરાએ અલગ શીવમંદિરો ઊભા કર્યા અને વૈદિક અને પુરોહિતોની રૂઢિચૂસ્ત વિધિઓનો વિરોધ કર્યો હતો. તેની સામે નવા જમાનાના હિન્દુત્વમાં હિન્દુ એકતાનો નારો પણ ભાજપ બુલંદ કરતું રહ્યું છે. એટલે ધાર્મિક વર્ચસ કરતાંય રાજકીય રીતે ફાયદો લેવાની ગણતરી જ બંને પક્ષે વધારે રહેશે. દેવે ગોવડાએ તેમનું વલણ હજી સ્પષ્ટ નથી કર્યું, તેથી વોક્કાલિગાના મતો કઈ તરફ જશે તે નક્કી નથી. હકીકતમાં ત્રીજા મોરચા તરીકે તે લડે તો મતો વેડફાઈ જવાનો જ સંભવ વધારે છે. કદાચ ઇતિહાસનું અલગ રીતે પુનરાવર્તન પણ થાય. કોંગ્રેસને કાઢવા માટે વોક્કાલિગા અને લિંગાયત એક થઈ ગયા હતા. આ વખતે કોંગ્રેસને રાખવા માટે બંને એક થાય તો તે કર્ણાટકના રાજકીય ઇતિહાસનું ઓર એક રસપ્રદ પ્રકરણ બની રહેશે.