કાર્તિ ચિદમ્બરમને જામીન આપવાનો ઈનકાર; 6 માર્ચ સુધી કસ્ટડીમાં

કરોડો રૂપિયાની લાંચને લગતા આઈએનએક્સ મિડિયા કેસમાં સીબીઆઈએ ઝપટમાં લીધેલા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે જામીન મંજૂર કરવાનો ઈનકાર કરી દીધો છે. સ્પેશિયલ જજ સુનીલ રાણાએ કાર્તિને પાંચ દિવસ સુધી એટલે કે 6 માર્ચ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

સ્પેશિયલ જજ સુનીલ રાણાએ એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતા અને કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીની કલાકો સુધી દલીલો સાંભળી હતી.

તુષાર મહેતાએ કહ્યું કે, આ ફાઈનાન્સને લગતો ગંભીર કેસ છે અને એમાં વિગતવાર તપાસ કરવા માટે કાર્તિને 14 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની જરૂર છે. એ દલીલ સામે કાર્તિના વકીલ સિંઘવીએ વાંધો ઉઠાવ્યો હતો.

કાર્તિ ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં રહેશે ત્યાં સુધી દરરોજ સવારે એક કલાક અને સાંજે એક કલાક એમને મળવાની એમના વકીલોને કોર્ટે પરવાનગી આપી છે. કોર્ટે કાર્તિને ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ જેલમાં સાથે રાખવાની પણ પરવાનગી આપી છે, પરંતુ ઘેરથી જમવાનું મગાવવાની છૂટ આપી નથી.

એવો આરોપ છે કે કાર્તિએ એરસેલ-મેક્સિસ અને આઈએનએક્સ મીડિયાને લાભ કરાવવા માટે ગેરકાયદેસર રીતે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) પાસેથી મંજૂરી મેળવી આપી હતી. બંને કેસ 2007ની સાલના છે. એ વખતે પી. ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં પ્રધાન હતા.

કાર્તિએ મુંબઈની આઈએનએક્સ મીડિયા પાસેથી કથિત રીતે 3.5 કરોડની લાંચ લઈને એને FIPB પાસેથી મંજૂરી મેળવવામાં મદદ કરી હતી. એ વખતે પી. ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા.

આઈએનએક્સ મીડિયાનું નામ બદલાઈને હવે 9X થઈ ગયું છે. એ વખતે પીટર મુખરજી અને ઈંદ્રાણી મુખરજી તેનું સંચાલન કરતા હતા. મુખરજી દંપતી શીના બોરા હત્યા કેસમાં આરોપી છે.

આઈએનએક્સ મીડિયાના પ્રમોટર્સ, મુખરજી દંપતીએ કરેલા નિવેદનના આધારે કાર્તિની ધરપકડ કરવામાં આવી છે. એમનો આરોપ છે કે એમણે કાર્તિને લાંચ તરીકે રૂ. 3 કરોડથી વધુની રકમ ચૂકવી હતી.

દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમિત આનંદે કાર્તિને ગુરુવારે બપોરે 12.30 વાગ્યા સુધી પોલીસ રીમાન્ડ પર રાખવાની ગઈ કાલે, બુધવારે મંજૂરી આપી હતી. આજે બપોરે 12.30 વાગ્યે સીબીઆઈ જજ સમક્ષ કાર્તિ ચિદમ્બરમને હાજર કરવામાં આવ્યા હતા. જજે સીબીઆઈની દલીલો સાંભળી હતી. સીબીઆઈના વકીલે 14 દિવસ માટે કાર્તિની કસ્ટડીની માગણી કરી હતી, પણ જજ રાણાએ સીબીઆઈ રીમાન્ડની મુદત એક દિવસથી વધુ પાંચ દિવસ સુધી લંબાવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ માગણી કરી હતી કે આ મની લોન્ડ્રિંગ કેસમાં વિગતવાર તપાસ કરવાની હોવાથી કાર્તિને વધુ દિવસો સુધી પોતાને સુપરત કરવામાં આવે.

અગાઉ બુધવારે, સીબીઆઈએ ડ્યૂટી મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે કાર્તિ તપાસમાં સહકાર આપતા નથી અને વારંવાર વિદેશ જતા રહે છે એટલે એને કસ્ટડીમાં 15-દિવસ માટે લઈ વિગતવાર પૂછપરછ કરવી છે.

એની સામે સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એમના અસીલ કાર્તિ વિરુદ્ધના સીબીઆઈના આરોપો ખોટા છે. કાર્તિ સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સમક્ષ પૂછપરછ માટે કુલ 30-40 કલાક માટે હાજર થઈ ચૂક્યા છે અને તપાસમાં સહકાર આપી રહ્યા છે.

EDએ કાર્તિ ચિદમ્બરમની ચેન્નઈ એરપોર્ટ પરથી બુધવારે ધરપકડ કરી હતી. કાર્તિ લંડનથી પાછા ફર્યા બાદ કે તરત જ એમની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં થોડાંક દિવસ પહેલાં જ કાર્તિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ભાસ્કર રમણની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં પી. ચિદમ્બરમનું નામ નથી, પરંતુ એવો આરોપ છે કે એમણે 18 મે, 2007ના રોજ મળેલી FIPBની એક બેઠકમાં આઈએનએક્સ મીડિયામાં રૂ. 4.63 કરોડના મૂડીરોકાણની મંજૂરી આપી હતી. એ મંજૂરી મેળવવા માટે ચિદમ્બરમે લગભગ 6 કરોડ રૂપિયાની માગણી કરી હતી.FIPBએ INX મીડિયાને વર્ષ 2007માં વિદેશી ભંડોળ એકત્ર કરવા મંજૂરી આપી હતી. આ કેસમાં કાર્તિનું નામ બહાર આવ્યું છે. તે સમયે કાર્તિના પિતા પી.ચિદમ્બરમ તત્કાલીન UPA સરકારમાં નાણાંપ્રધાન હતા. EDએ એમ પણ દાવો કર્યો છે કે, કાર્તિના CA ભાસ્કર રમણએ ખોટી રીતે કંપની  હસ્તગત કરવા સંપત્તિ મેનેજમેન્ટમાં કાર્તિની મદદ કરી હતી.

આ કેસમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની વિવિધ જોગવાઈઓ અંતર્ગત કાર્તિ ચિદમ્બરમ પર ગત વર્ષે મે મહિનામાં કેસ નોંધ્યો હતો. FIRમાં કાર્તિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોતાના પિતા કેન્દ્રીય નાણાંપ્રધાન હોવાને કારણે તેના પદનો દુરુપયોગ કરીને કાર્તિએ INX મીડિયાને FIPXની મંજૂરી આપવાના બદલામાં 3.5 કરોડ રુપિયાની રકમ લીધી હતી.