કર્ણાટકમાં ફરી નાટક, નિશાન ઉત્તર પ્રદેશ પર

ત્તર પ્રદેશમાં બીએસપીના નેતા માયાવતી અને એસપીના નેતા અખિલેષ યાદવ એક સાથે પત્રકાર પરિષદમાં હાજર થયા અને ગઠબંધનની જાહેરાત કરી. બંને વચ્ચે સમજૂતિ થશે તેવી હવા ઘણા સમયથી હતી, પણ સત્તાવાર પવન ફૂંકાયો મકરસંક્રાતિ પહેલાં. હવે કોના પતંગ કેવા ચગશે તે જોવાનું રહેશે. ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીઓ થઈ ત્યારે બંને પક્ષો વચ્ચે સમજૂતિ થઈ હતી. તેમની સાથે અજિત સિંહનો રાષ્ટ્રીય લોક દળ પણ જોડાયેલો હતો. તેમના માટે ફક્ત બે બેઠકો રાખવામાં આવી છે અને બે બેઠકો કોંગ્રેસ માટે છોડી દેવાઈ છે.

આ સત્તાવાર જાહેરાત ભાજપ માટે આંચકાજનક છે, કેમ કે સીબીઆઈ મારફતે માયાવતી પર દબાણ કામ કરી ગયું નથી. અખિલેષ સામે ખનીજ કૌભાંડનો જૂનો કેસ પણ કાઢવામાં આવ્યો, પણ તે દબાણ પણ કામ કરી ગયું નથી. તેના કારણે હવે દબાણમાં આવી ગયેલા ભાજપ માટે બીજો દાવ ખેલવો જરૂરી છે.

એ દાવ કર્ણાટકમાં ખેલાયો છે. કર્ણાટકમાં ફરી નાટક શરૂ થયું છે. ફરી એકવાર પાટલીબદલુ પાત્રો જાહેરમાં નાટક કરતાં દેખાયા છે. કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યોએ પાટલી કુદાવી છે. તેમણે જાહેરાત કરી છે કે જેડી (એસ)ની સરકારને તેઓ હવે ટેકો આપતા નથી. તેઓ હવે ભાજપને ટેકો આપે છે. ભાજપ છાવણીમાં એવી હવા ચાલી છે કે જાણે એક કે બે દિવસમાં કર્ણાટકમાં તેમની સરકાર બની જવાની હોય. ભાજપની એવી સરકાર બનશે અને અમે તેને ટેકો આપીશું તેવું અપક્ષ ધારાસભ્યોએ કહ્યું ત્યારે જોણું થયું હતું.

આ બે અપક્ષોમાંથી એકનું નામ આર. શંકર છે. કર્ણાટકમાં તેમનું હુલામણું નામ લોલક શંકર છે. લોલક શંકર એટલા માટે કે લોલક શંકર ઘડિયાળના લોલકની જેમ આમથી તેમ ડોલતા રહે છે. તેઓ એક મહિનો કોંગ્રેસમાં હોય છે અને એક મહિનો ભાજપમાં હોય છે. કર્ણાટકમાં સરકાર બની તેને થોડા મહિના થયા છે તેટલી વારમાં એકથી વધુ વાર શંકરે પાટલી બદલી છે.

આર. શંકર અને એચ. નાગેશ નામના બે અપક્ષો છેલ્લા થોડા દિવસથી ગૂમ થઈ ગયા હતા. તેઓ મુંબઈમાં ફાઇવસ્ટાર હોટેલમાં પ્રગટ થયા અને જાહેરાત કરી કે તેમણે કુમારસ્વામી સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. આ બાજુ દિલ્હીની નજીક પડે તેવા અત્યંત વૈભવી રિસોર્ટમાં ભાજપના 104 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યારે એટલી કડકડતી ઠંડી હોય છે કે ફરવા જવા માટેની સિઝન ના ગણાય, પણ આ ધારાસભ્યોને ત્યાં લઈ જવાયા છે, જેથી ગઠબંધનનું રાજકારણ ગરમ રહે.

બે અપક્ષો ગૂમ હતા, તેમ કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો પણ એકાદ અઠવાડિયાથી ગૂમ થયા છે. દાવો એવો થઈ રહ્યો છે કે ત્રણેય કોંગ્રેસી ધારાસભ્યો પણ મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં છે અને ભાજપે તેમને પટાવી લીધા છે. થોડા વધારે ધારાસભ્યોને પટાવવાના બાકી છે. તે સાથે જ કર્ણાટકમાં ગઠબંધનની સરકાર ઉથલાવી નખાશે તેવો દાવો થઈ રહ્યો છે.

કર્ણાટક વિધાનસભાની સ્થિતિ જુઓ તો આ દાવો ઝટ ગળે ઉતરે નહિ, પણ

દાવો કરવા પાછળનું કારણ જૂદું છે તે સમજો તો વાત ગળે ઉતરશે. કર્ણાટકમાં ભાજપ 104 બેઠકો જીત્યો હતો અને સૌથી મોટો પક્ષ બન્યો હતો. પરંતુ પરિણામો હજી જાહેર થઈ રહ્યા હતા ત્યારે બપોરે જ સોનિયા ગાંધીએ દેવે ગોવડાને ફોન કરીને ટેકો આપી દીધો કે તમારી સરકાર બનાવી લેશો.

ભાજપની ગણતરી હતી કે ભલે સંપૂર્ણ બહુમતી ના મળી, પણ જેડી (એસ)ના ટેકા સાથે સરકાર બનાવી લઈશું. પણ દાવ ઊંધો પડ્યો. બેંગાલુરુમાં રાજ્યપાલ તરીકે ભાજપના એક જમાનાના નેતા વજુભાઈ વાળા બેઠા છે. તેમણે બરાબરનો ખેલ પાડ્યો અને યેદીયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે લાંબો સમયગાળો આપી દીધો. યેદીયુરપ્પાને મુખ્યપ્રધાનના શપથ પણ લેવરાવી દીધા હતા. જોકે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવાયા હતા. કોર્ટે લાલ આંખ કરી હતી કે રાજકીય નાટકો બંધ કરો અને તાત્કાલિક ગૃહ બોલાવી બહુમતી સાબિત કરાવો. તેના કારણે રાજ્યપાલે સમયગાળો ઘટાડવો પડ્યો અને યેદીયુરપ્પાએ શરમજનક રીતે ગૃહમાં ડાહ્યુંડાહ્યું ભાષણ આપીને રાજીનામું આપવું પડ્યું.

પરંતુ તેની પાછળનો થોડો હેતુ સર્યો હતો. કોંગ્રેસે પણ બેશરમ બનીને, પોતે હારી ગઈ હોવા છતાં, ભાજપને માત્ર સત્તામાંથી બહાર રાખવા જેડી(એસ) સાથે ગઠબંધન કર્યું છે તેવો મેસેજ આપવાનો હતો. કોંગ્રેસ કાવાદાવા કરે છે, કોંગ્રેસ અનૈતિક સમજૂતિઓ કરે છે તેવા આક્ષેપો થયા હતા. એવું જ અનૈતિક ગઠબંધન ઉત્તર પ્રદેશમાં થયું છે તેવું ભાજપ જોરશોરથી કહેવા માગે છે.

ભાજપ દેશદ્રોહી મુફ્તિ પરિવારના પીડીપી સાથે ગઠબંધન કરે તો દેશહિત અને ભાજપની એકહથ્થુ નીતિ સામે વિપક્ષ ગઠબંધન કરે તો અનૈતિક! ઈશાન ભારતમાં યેનકેનપ્રકારેણ સત્તામાં આવવા રાષ્ટ્ર સામે આંદોલનો કરનારા અને ભાજપના કોમવાદનો ખુલ્લેઆમ વિરોધ કરનારા ખ્રિસ્તી સમર્થન સાથેના પક્ષો સાથે ભાજપ ગઠબંધન કરે તો દેશહિત અને એસપી – બીએસપી ભાજપનો કોમવાદ સામે સત્તા ખાતર અને અસ્તિત્ત્વ બચાવવા ખાતર ગઠબંધન કરે તો અનૈતિક! વાહ ભઇ વાહ!

પણ રાજકારણમાં નૈતિકતા અને અનૈતિકતાની વ્યાખ્યા જુદી હોય છે. લોલક શંકર આમથી તેમ ડોલ્યા કરે, પણ જીત્યા કરે છે. પ્રજાને લોલક શંકરોનો વાંધો નથી. તેથી ભાજપ વધુ એકવાર પ્રયાસ કરીને કર્ણાટકની સરકારને ઉથલાવી નાખે તેની ટીકા થશે, પણ તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી. અયોગ્ય રીતે સરકાર ઉથલાવી નાખી તેવી ટીકા થશે અને પ્રજા નારાજ થશે તેવું કેટલાક વિશ્લેષકો કહેતા હતા, પણ પ્રજા એવી રીતે નારાજ થતી નથીના દાખલા છે.

રોજના 30,000 રૂપિયાનું ભાડું ધરાવતા રિસોર્ટમાં 100થી વધુ નેતાઓને પૂરી રાખીને ભાજપે તૈયારીઓ કરી છે. દાવો એવો પણ થયો છે કે ભાજપના ધારાસભ્યોને તોડવાની કોશિશ થઈ રહી છે. પણ ગણતરી એવી છે કે બે અપક્ષોએ ટેકો પાછો ખેંચ્યો તે પછી હવે કુમારસ્વામી પાસે 114 સભ્યો રહ્યા છે. ભાજપ વત્તા અપક્ષોની સંખ્યા 106 થઈ. સ્પીકર સહિત કોંગ્રેસ અને જેડી(એસ)ના દસ ધારાસભ્યોને તોડી નાખવા પડે. 10ના રાજીનામાં પડે તો સરકાર પાસે 104 સભ્યો રહી જાય. તે પછી અવિશ્વાસની દરખાસ્ત દાખલ થાય ત્યારે સરકાર પડી જાય. કદાચ ધમાલ થાય અને ભાજપના સભ્યોને તોડી નાખવામાં આવે તે સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન પણ દાખલ કરવું પડે. તો પણ ભાજપને ફાવે, કેમ કે રાજ્યપાલ વજુભાઈ વાળા છે.

આ બધા ખેલ લોકસભાની ચૂંટણીમાં ઉપયોગી થાય તેવા છે. વિવાદ કરીને એ મુદ્દાને ગજવવાનો છે કે કોંગ્રેસ અને જેડી(એસ)ની જેમ ગઠબંધનો થાય ત્યારે અસ્થિરતા આવે છે. એસપી-બીએસપીના ગઠબંધનથી પણ આવી જ અસ્થિરતા આવશે. ગઠબંધનની સરકાર આવશે તે ‘મજબૂર સરકાર’ હશે, જ્યારે અમારી ભાજપની સરકાર ‘મજબૂત સરકાર’ છે એવી પ્રચારની થીમ ભાજપે તૈયાર કરી છે. પરંતુ જે રીતે લોકોને નૈતિક અને અનૈતિક ગઠબંધનમાં બહુ ફેર લાગતો નથી, તે જ રીતે મજબૂત અને મજબૂર સરકારનો બહુ ફેર લાગતો નથી. સરકાર મજબૂત હોય કે મજબૂર હોય, પ્રજાને વહીવટમાં ક્યારેય દેખીતો ફરક દેખાયો નથી.

આમ છતાં બે તબક્કે પ્રચાર કરવાનો હોય છે. એક લોકો વચ્ચે જઈને, જ્યાં જ્ઞાતિના અને સ્થાનિક ફાયદા કરાવી દેવાની વાત કરવાની હોય છે અને બીજો જાહેર પ્રચાર, જેમાં વૈચારિક મુદ્દા ચર્ચા ખાતરની ચર્ચા માટે ઉછાળવાના હોય છે. એટલે કર્ણાટકમાં ભજવાઈ રહેલા નાટકના અંક બેમાં શું સરપ્રાઇઝ આવશે તે ખબર નથી, પણ કર્ણાટકના બહાને યુપીના ગઠબંધન પર નિશાન તાકવામાં આવ્યું છે એટલી ખબર તો સૌને પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]