કર્ણાટક અને ગુજરાતઃ પેટાચૂંટણીઓ ક્યારેય મહત્ત્વની બની જાય

ગુજરાત અને કર્ણાટકમાં ભાજપની શરૂઆતમાં ઘણું સામ્ય હતું. બંને જગ્યાએ પ્રથમવાર ભાગીદારીમાં સત્તા મેળવી અને તે પછી બીજી ચૂંટણીમાં એકલા હાથે સત્તા મળી. જોકે સત્તા મળ્યા પછી તરત જ પક્ષમાં વિખવાદો જાગ્યા. સત્તા મેળવવા માટે જેમના નામનો ઉપયોગ કરાયો હતો – કેશુભાઈ પટેલ અને યેદીયુરપ્પાનો – બંનેને કોરાણે કરી દેવાયા હતા. સરખામણી તે પછી અટકી ગઈ. ગુજરાતમાં હજૂરિયા-ખજૂરિયા અને મજૂરિયાની લડાઈમાં હજૂરિયા ફાવ્યા અને મજૂરિયા આજ સુધી મજૂરિયા જ રહ્યા છે. આ મજૂરિયાઓની લાગણી આજકાલ ગુજરાતની પેટાચૂંટણી વખતે વરાળ બનીને બહાર આવી રહી છે. મજૂરિયા એટલે ભાજપ માટે લોહી-પરસેવો એક કરીને કામ કરનારા અને બદલામાં સત્તાનો સ્વાદ ના ચાખી શકેલા કાર્યકરો. એકાદ દાયકાથી ખજૂરિયાને પાછા લાવીને અને કોંગ્રેસમાંથી ખેડવીને, ટકોરાબંધ નેતા લાવીને ભાજપનું કામ ચાલી રહ્યું છે. આ વખતે પણ એવા જ બે નેતાઓને પેટાચૂંટણીમાં ટિકિટ આપવાની ભાજપને ફરજ પડી છે. તેના કારણે છ બેઠકોમાંથી ત્રણ બેઠકોમાં ખાસ કોઈને રસ નથી, પણ દગાખોર, પક્ષપલટુ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ટિકિટ અપાશે તે બેઠકો પર આંતરિક ભાંગફોડ થશે. ત્રીજી બેઠક શંકર ચૌધરીને જ્યાં ટિકિટ અપાશે ત્યાં થશે, થરાદ અથવા ખેરાલુ. મોટા ભાગે થરાદ.

થરાદ બેઠક ખાલી થાય તે માટે શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોરનો ખેલ ગોઠવ્યો હતો તે વાત પરબત પટેલના ટેકેદારોથી અછાની રહી નહોતી. કસદાર પ્રધાનપદું છોડીને દિલ્હીની લોકસભાના નાહકના ધક્કા ખાવાના વારો પરબત પટેલને આવ્યો તેની પણ નારાજગી ટેકેદારોમાં હતી. પણ હજૂરિયા જૂથ સામે આજે બળવાની કલ્પના પણ થતી નથી, તેથી નાછૂટકે મજૂરિયા થવા સિવાય છૂટકો નથી. આ રીતે ગુજરાતની હાલની પેટાચૂંટણીમાં આ આંતરિક લડાઈ સિવાય કોઈ સ્પર્ધા હોય તેવું લાગતું નથી. તેથી પેટાચૂંટણીઓ ખાસ મહત્ત્વની બનતી દેખાતી નથી. કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર થાય તે પછી સ્થિતિ સ્પષ્ટ બનશે. ગયા વખતે અપક્ષ તરીકે લડેલા મૂકેશ ચૌધરી બીજા નંબરે આવ્યા હતા. અલ્પેશના કારણે મૂકેશ ચૌધરીને કોંગ્રેસની ટિકિટ મળી નહોતી. અલ્પેશના કારણે જયરાજસિંહને પણ ટિકિટ મળી નહોતી. આ વખતે હવે મૂકેશ ચૌધરી કે જયરાજસિંહ તે બે વચ્ચે કોંગ્રેસે સમજી-વિચારીને અને બંનેની સમજાવટ કરીને ટિકિટ આપવી પડે. તો આ વધુ એક બેઠકની ચૂંટણી રસપ્રદ બનશે, નહિતો એકતરફી રહેશે.

બીજી બાજુ કર્ણાટકમાં આ વખતે મુખ્ય ચૂંટણી જેટલી જ રસપ્રદ બનશે પેટાચૂંટણીઓ. કર્ણાટક સરકારને પાડી દેવા માટે ભાજપે સતત પ્રયાસો કર્યા હતા. એક ડઝનથી વધુ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી નાખવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં દિવસો સુધીના કાનૂની જંગ પછી, નારાજ થયેલા ધારાસભ્યોને પાછા લાવવા માટેની ડી. કે. શિવકુમારની ભારે મહેતન પછીય આખરે કુમારસ્વામીની સરકાર જતી રહી હતી.ગત ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ભાજપને જ મળી હતી અને સત્તા પરનો તેનો દાવો વાજબી હતો. અપક્ષો અને જનતા દળ (એસ)ના ટેકા સાથે ભાજપની સરકાર બની હોત. પરંતુ કોંગ્રેસે રાતોરાત ઓછી બેઠકો મેળવનારા જેડીને કુમારસ્વામીની આગેવાનીમાં સરકાર રચવાનું જણાવી દીધું હતું. એ વ્યવસ્થા પ્રથમથી જ અનૈતિક હતી. કોંગ્રેસના હારી ગયેલા મુખ્યમંત્રી સિદ્ધરમૈયા મૂળ જેડીના નેતા હતા. કુમારસ્વામી અને તેમના પિતા દેવે ગોવડાના ખાસ હતા. પણ ગોવડાનો પુત્રમોહ જોયા પછી સિદ્ધરમૈયા જેડી છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા. ગોવડા પરિવાર સાથે તેમની જૂની દુશ્મની હતી.

આ દુશ્મની તેમણે અંગત સ્વાર્થ ખાતર કુમારસ્વામીની સરકાર સામે કાઢી અને કોંગ્રેસની ભાગીદારીવાળી, આમ તો પોતાની જ સરકારને તોડી પડાવી. બળવો કરનારા મોટા ભાગના સિદ્ધરમૈયાના ટેકેદારો હતા. સિદ્ધરમૈયા જેવા નેતાઓનો પાર કોંગ્રેસમાં નથી, જેઓ પોતાના જ પક્ષની ઘોર ખોદી નાખે છે. સ્વાભાવિક છે કે તેનો ફાયદો ભાજપ ઉઠાવે. પરંતુ હવે 15 બેઠકો પર પેટાચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ અને જેડી બંને ધોવાઈ જવાના છે. જોકે ભાજપને પણ ચિંતા થાય તેવું છે, કેમ કે આ પેટાચૂંટણીઓ જીતવામાં ના આવે તો યેદીયુરપ્પાની સરકાર અસ્થિર જ રહેશે. બહુ પાતળી બહુમતીથી ચાલતી સરકાર માટે જરૂરી છે કે 15માં મહત્તમ બેઠકો જીતી લેવામાં આવે.

કર્ણાટકમાં કુલ 17 રાજીનામાં પડ્યાં હતાં. તેમાંથી બે અપક્ષ હતા, ત્રણ ધારાસભ્યો જેડીના હતા અને બાકીના કોંગ્રેસના. તેમાંથી 12 રાજીનામાં એક સાથે પડ્યા હતા, અપક્ષો અને બાકીના ધારાસભ્યોના રાજીનામાં અલગથી પડ્યા હતા. તે વખતે હજી કુમારસ્વામીની સરકાર હતી. મૂળ કોંગ્રેસી એવા સ્પીકર પણ હતા. તેમણે ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર્યા નહોતા. બાદમાં છેલ્લે છેલ્લે કેટલાક સ્વીકાર્યા, કેટલાકને ગેરલાયક ઠરાવ્યા હતા. તેમાંથી બે બેઠકોનો મામલો હજીય કોર્ટમાં છે તેથી તેની ચૂંટણી અટકી છે, પણ બાકીની 15 બેઠકો પર ચૂંટણીઓ આવી છે.
ગુજરાતમાં પણ પ્રથમ જાહેરાત માત્ર ચાર જ બેઠકોની જ થઈ હતી. તે વખતે લાગેલું કે અલ્પેશ ઠાકોરને લટકાવી દેવા માટે રાધનપુર અને બાયડનો મામલો પણ બે મહિના પાછો ધકેલી દેવાયો છે. બે મહિના પછી ઝારખંડની ચૂંટણી સુધી આ પેટાચૂંટણીઓ લંબાવી શકાય તેમ હતી. જોકે ચૂંટણી પંચ ભાજપના ઇશારે જ કામ કરતું હોય તેવી છાપ પડી અને ભારે ટીકા થઈ. ટીકા સાચી નહિ પણ હોય, જે હોય તે, પરંતુ બીજા દિવસે જ બાકીની બે બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ. મોરવાહડફના ભૂપેન્દ્ર ખાંટના આદિવાસી સર્ટિફિકેટનો મામલો હજી કોર્ટમાં છે, તેથી તે એક બેઠક હજીય બાકી છે. દરમિયાન કર્ણાટકમાં ભાજપ માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે કોંગ્રેસ અને જનતા દળનું ગઠબંધન પડી ભાંગ્યું છે. લોકસભાની ચૂંટણી પછી ગઠબંધન નામનું જ રહ્યું હતું. કુમારસ્વામીના પુત્ર અને ભત્રીજા બંને લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. કોંગ્રેસ સાથે ગઠબંધન હોય અને છતાંય કુટુંબના બે પુત્રો હારી જાય તે પછી ગઠબંધન અર્થહિન બની ગયું હતું.

તેથી સરકાર પણ ગઈ અને હવે સત્તાવાર રીતે ગઠબંધન પણ ગયું. કુમારસ્વામીએ જાહેરાત કરી દીધી છે કે પેટાચૂંટણીઓ અમે એકલા હાથે લડીશું. કોંગ્રેસમાં દિલ્હીમાં પણ કોઈ રણીધણી નથી, ગુજરાતમાં પણ કોઈ રણીધણી નથી અને કર્ણાટકમાં રણીધણી જેવા લાગતા ડી. કે. શિવકુમાર જેલમાં છે અને કુમારસ્વામીના દુશ્મન સિદ્ધરમૈયા કોંગ્રેસને જીતાડવા કરતાં જેડીને હરાવવામાં વધારે રસ લેશે. ટૂંકમાં કર્ણાટકમાં પણ કોંગ્રસનું હવે કોઈ રણીધણી નથી.
અમે બધી જ 15 પેટાચૂંટણીઓ લડીશું અને એકલા હાથે લડીશું એવી જાહેરાત કુમારસ્વામીએ મૈસૂરુમાં કરી દીધી છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે કર્ણાટકની અસ્થિરતા હજી પૂરી થઈ નથી. પેટાચૂંટણીઓના પરિણામ પછી રાજ્યમાં અસ્થિરતા વધશે એમ તેમનું કહેવું છે. તેમની વાતનો સાર એ કે કર્ણાટકનું નાટક હજી પૂરું થયું નથી. તેનો વધુ એક અંક પેટાચૂંટણીઓના પરિણામ પછી ભજવાશે.

કાગળ પર આંકડાંઓ મૂકીને જોઈએ તો ભાજપ માટે રસ્તો આસાન લાગે છે. કોંગ્રેસ અને જેડી અલગઅલગ લડે છે, સાથે એકબીજાને હરાવવામાં વધારે રસ ધરાવે છે. બેમાંથી એકેય પક્ષ ભાજપને હરાવવા માટે મથી રહ્યો હોય તેવું લાગતું નથી. અલબત, તેનો અર્થ એ નથી કે ભાજપ માટે રસ્તો આસાન થઈ ગયો છે. ગુજરાતમાં હજૂરિયા-ખજૂરિયામાં ફેંસલો થઈ ગયો હતો. ખજૂરિયા હાથ ખંજવાળતા રહી ગયા હતા. આજ સુધી બાપુડિયા હાથ ખંજવાળી રહ્યા છે. બાકીના બધાને મજૂરિયા બનાવી દેવાયા છે. કર્ણાટક ભાજપમાં યેદીયુરપ્પાનો ઉદય બધા જૂથોને માફક આવ્યો નથી. યેદીયુરપ્પનાની ઉંમર પણ થઈ છે, પરંતુ તેમને એકેય વાર મુખ્યપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂરો કરવા મળ્યો નથી તેની અકળામણ રહી ગઈ છે. તેઓ ગમે તેમ કરીને સત્તા પર રહેવા માગે છે.

કર્ણાટકમાં એકાદ મહિનો નાટક ચાલ્યું ત્યારે એવા અણસાર મળ્યા હતા કે દિલ્હીમાં બેઠેલા મોવડીમંડળને યેદીયુરપ્પાની રમતો બહુ ગમતી નહોતી. દિલ્હીથી ભાગ્યે જ કોઈ નિવેદનો થયા હતા. ગોવામાં થોડા ધારાસભ્યો ભાજપમાં જોડાયા તો પણ દિલ્હીમાં પત્રકાર પરિષદમાં દેખાડા થયા. કર્ણાટકમાં આખી સરકાર મળી તોય દિલ્હી ખાતે ભાજપમાં ક્યારેય ઉત્સાહ પ્રગટ થયો નહોતો. યેદીયુરપ્પા એકલા મુખ્ય પ્રધાન તરીકે ઘણા દિવસો રહ્યા. તેમની સાથે કોણ પ્રધાનો બને તેની યાદી દિલ્હીથી ક્લિયર કરવામાં દિવસો કાઢી નાખવામાં આવ્યા હતા.
આ સંજોગો દર્શાવે છે કે કર્ણાટકમાં ભાજપ માટે પડકાર કોંગ્રેસ કે જેડીનો નથી, પડકાર આંતરિક છે. ભાજપને કર્ણાટકમાં સરકાર સ્થિર બને તેમાં રસ છે. દક્ષિણનું અગત્યનું રાજ્ય અને ત્યાં સત્તા હોય તે જરૂરી છે. સાથે જ  ધારાસભ્યોની સંખ્યા વધે તો ભવિષ્યમાં રાજ્યસભામાં પણ એક સભ્ય વધી શકે. પરંતુ યેદીયુરપ્પાની સરકાર બચી પણ જાય, પણ તેમનું કદ ના વધે તેવા પ્રયત્નો ભાજપના જૂથો કરશે તેવી ધારણાઓ વચ્ચે કર્ણાટકની પેટાચૂંટણીઓ રસપ્રદ બની છે. ગુજરાતમાં ભૂતકાળમાં સાબરમતી અને સાબરકાંઠાની પેટાચૂંટણીના પડઘા લાંબા પડ્યા હતા. માણસાની પેટાચૂંટણી બહુ ચર્ચામાં રહી હતી. છેલ્લે જસદણની પેટાચૂંટણીનો જંગ પણ જોરદાર બન્યો હતો. આ વખતે છમાંથી કોઈ એકાદ બેઠકનું પરિણામ એટલું મહત્ત્વનું બનશે ખરું? રાહ જુઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]