ઈમરજન્સીની ડરામણી યાદઃ શું થયું હતું ત્યારે?

1975માં દેશભરમાં ઈમરજન્સી લાગુ કરનાર ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની સરખામણી જર્મનીના કુખ્યાત સરમુખત્યાર હિટલર સાથે કરીને કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ઈમરજન્સીની ડરામણી યાદોને આજે તાજી કરી.

ઈન્દિરા ગાંધીની સરકારે વિપક્ષની તાકાતને કચડી નાખવા માટે દેશમાં લાદેલી ઈમરજન્સીની આજે 43મી વરસી છે. બરાબર 26 જૂન, 1975ના દિવસથી ઈન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરી હતી. 25 જૂનની મધરાતે એમણે તે વખતના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી એહમદ સાથે બેઠક કરી હતી અને એહમદ પાસે ઈમરજન્સીની ઘોષણા કરતા દસ્તાવેજ પર સહી કરાવી હતી.

જેટલીએ કહ્યું છે કે હિટલર અને ઈન્દિરા ગાંધી, બંનેએ લોકશાહીને સરમુખત્યારશાહીમાં બદલવા માટે પોતપોતાના દેશના બંધારણનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરા ગાંધીએ તો વળી ભારતને વારસાગત લોકશાહીમાં ફેરવી નાખ્યું હતું. આમ, ભારતીય જનતા પાર્ટી દર વર્ષે 26 જૂનનો દિવસ કાળા દિવસ તરીકે મનાવે છે.

કટોકટી અથવા ઈમરજન્સી માત્ર ત્રણ પ્રકારની સ્થિતિ હોય તો જ દેશમાં લાગુ કરી શકાય. એક, જો દેશમાં આંતરિક અશાંતિ પર ખતરો હોય તો, બીજું, બાહ્ય આક્રમણ થવાની સંભાવના હોય અથવા ત્રીજું, ગંભીર આર્થિક સંકટની સ્થિતિ આવી પડી હોય તો. ભારતના બંધારણમાં આ ત્રણ સ્થિતિમાં જ ઈમરજન્સી ઘોષિત કરવાની પરવાનગી છે.

ઈમરજન્સીનો અર્થ થાય છે, સામાન્ય નાગરિકોના તમામ મૌલિક અધિકારોનો હ્રાસ (નાશ).

ઈન્દિરા ગાંધી સરકારની જાહેરાત બાદ 26 જૂન, 1975થી 21 માર્ચ, 1977 સુધી એટલે કે 21 મહિના સુધી દેશભરમાં ઈમરજન્સી લાગુ રહી હતી, જેને ભારતીય લોકશાહીના ઈતિહાસના સૌથી કાળા સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. ઈન્દિરા ગાંધીએ બહુ ચાલાકીથી ઈમરજન્સીની જાહેરાત કરી હતી. એમની અપીલનો સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કરાવવામાં આવ્યો હતો, જેથી રાયબરેલી સંસદીય ક્ષેત્રમાંથી ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરવાના અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાને ઉલટાવી શકાય. આમ, ઈન્દિરાએ માત્ર પોતાના અંગત લાભ ખાતર અને સત્તા બચાવવા માટે ઈમરજન્સી લાગુ કરાવી હતી.

દેશમાં ઈમરજન્સી લાગુ કરવાની ઘોષણા કરવાની જ્યારે ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી એહમદને સૂચના આપી હતી ત્યારે એમણે પોતાનાં પ્રધાનમંડળની સલાહ પણ લીધી નહોતી.

ઈમરજન્સી લાગુ કરાઈ એ પહેલાં જ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આદેશ આપી દેવામાં આવ્યો હતો કે વિપક્ષી નેતાઓની ધરપકડ કરી લો. કેદીઓમાં લગભગ તમામ મુખ્ય સંસદસભ્યોનો સમાવેશ થતો હતો. એમની ધરપકડ કરવાનો ઉદ્દેશ્ય એવો હતો કે સંસદમાં ઈન્દિરા ગાંધી જે ઈચ્છે એ કરાવી શકે.

વિપક્ષી નેતાઓની ધરપકડ કરવાની જાણ એમના સગાંવહાલા, મિત્રો અને સહયોગીઓને પણ કરવામાં આવી નહોતી. એમને પકડીને ક્યાં રાખવામાં આવ્યા હતા એની પણ કોઈને જાણકારી આપવામાં આવી નહોતી. બે મહિના સુધી એમને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા હતા. ઈમરજન્સીના પહેલા જ અઠવાડિયા દરમિયાન લગભગ 15 હજાર જણને કેદી અવસ્થામાં રાખવામાં આવ્યા હતા. અમુક વિપક્ષી કાર્યકર્તાઓ પર પોલીસ અત્યાચાર પણ કરવામાં આવ્યા હતા, જેમ કે રાતે એમને સૂવા ન દેવા, જમવાનું ન આપવા, તરસ્યા રાખવા કે બહુ ભૂખ્યા રાખ્યા બાદ ખૂબ ખવડાવીને એમને કોઈ પ્રકારે આરામ કરવા ન દેવો, કલાકો સુધી ઊભા રાખવા જેવી તકલીફો આપવામાં આવી હતી.

અમુક કાર્યકર્તાઓની ખૂબ મારપીટ કરવામાં આવી હતી. એમાંના એક હતા, જ્યોર્જ ફર્નાન્ડિસ (વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારના સંરક્ષણ પ્રધાન)ના ભાઈ લોરેન્સ ફર્નાન્ડિસ.

મહિલા કેદીઓ સાથે પણ શરમજનક વર્તાવ કરવામાં આવ્યો હતો. જયપુર (ગાયત્રી દેવી), ગ્વાલિયર (વિજયારાજે સિંધીયા)ની રાજમાતાઓને અસામાજિક તથા બીમાર કેદીઓની સાથે રાખવામાં આવ્યા હતા. મૃણાલ ગોરે (મહારાષ્ટ્રનાં સમાજવાદી નેતા) અને દુર્ગા ભાગવત (સમાજવાદી વિચારક)ને પાગલોની સાથે રાખવામાં આવ્યા હતા.

ઈમરજન્સીના સમયગાળામાં અમલદારશાહી અને પોલીસોને અનિયંત્રિત સત્તા આપવામાં આવી હતી, જેનો ઘણાએ વ્યાપક રીતે દુરુપયોગ કર્યો હતો. પ્રચાર એવો કરાયો હતો કે ઈમરજન્સી દરમિયાન ભ્રષ્ટાચાર ઓછો થયો હતો, પરંતુ શરૂઆતના બે-ત્રણ મહિના બાદ સ્થિતિ પહેલાથી પણ વધારે ખરાબ બની ગઈ હતી. જેમણે સંજય ગાંધીની વાતો માની નહોતી એમને સકંજામાં લેવામાં આવ્યા હતા.

છેવટે, 1977માં દેશની સમગ્ર જનતાએ સંગઠિત થઈને ઈન્દિરા ગાંધી અને એમની કોંગ્રેસ પાર્ટીને પાઠ ભણાવ્યો હતો અને ચૂંટણીમાં એને હાર આપી જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવ્યો હતો.

અરૂણ જેટલીના કહેવાનો અર્થ એ છે કે ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદવામાં હિટલરની નકલ કરી હતી. હિટલરે ઈમરજન્સી લાગુ કરતા પહેલા જર્મનીના બંધારણની 48મી કલમનો આધાર લીધો હતો જેમાં દેશની જનતાના રક્ષણ માટે ઈમરજન્સી સત્તા આપવામાં આવી હતી. એ ઈમરજન્સી સત્તાએ નાગરિકોની અંગત સ્વતંત્રતા અને વાણી સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂકી દીધા હતા. હિટલરે ઈમરજન્સી લાદવા માટે એવું બહાનું કાઢ્યું હતું કે જર્મનીના સંસદભવનને આગ લગાડવામાં આવી છે. હિટલરે એવો દાવો કર્યો હતો કે તે આગ સામ્યવાદીઓએ લગાડી હતી.

જોકે 13 વર્ષ બાદ એક અદાલતી કાર્યવાહીમાં એવું માલુમ પડ્યું હતું કે તે આગ વાસ્તવમાં નાઝીઓનું જ કૃત્ય હતું.

હિટલરે પણ મોટા ભાગના વિપક્ષી નેતાઓની ધરપકડ કરાવી હતી. ઈન્દિરા ગાંધીએ પણ એવું જ કર્યું હતું અને વિપક્ષી નેતાઓની ગેરહાજરીમાં સંસદમાં અનેક બંધારણીય સુધારા અનેક ખરડાઓ પાસ કરાવી લીધા હતા.

ઈમરજન્સી દરમિયાન બંધારણમાં જે સુધારા કરવામાં આવ્યા હતા એને બાદમાં જનતા પાર્ટીની સરકારે બદલાવી નાખ્યા હતા.