વૉલમાર્ટ ડીલઃ ઇ-કોમર્સ માર્કેટમાં નવાં પાસાં?

ભારતમાં સ્વતંત્ર રીતે વિકસેલી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વેચાઈ ગઈ. અમેરિકાન રીટેલ જાયન્ટ વૉલમાર્ટે તેને ખરીદી લીધી. વૉલમાર્ટ અમેરિકાની સૌથી મોટી રીટેલ કંપની, પણ તેને અમેરિકાની જ માર્કેટમાં એમેઝોન સહિતની ઇ-કોમર્સ કંપનીઓએ મોટો ફટકો માર્યો છે. એમેઝોન ઇન્ડિયામાં મોનોપોલી ના જમાવે તે માટે વૉલમાર્ટ ભારત આવીને એમેઝોન સામે સ્પર્ધામાં ઊભી રહી. એમેઝોન વિચાર કરતી રહી અને વૉલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધી. એમેઝોનમાં જ જોબ કરીને, ઇ-કોમર્સની આંટીઘૂંટી સમજીને બે બંસલદોસ્તોએ ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.ફ્લિપકાર્ડને વિદેશી મૂડી ગળી ગઈ તે વાત સાચી છે, પણ એ વાત પણ એટલી જ સાચી જ છે કે વિદેશી મૂડીને કારણે જ ફ્લિપકાર્ડ ઊભી થઈ હતી. 70 ટકાથી વધુ હિસ્સો જાપાનની સોફ્ટબેન્ક અને બીજી વિદેશી કંપનીઓનો હપ્તો. ફાઉન્ડર્સ અને કર્મચારીઓ વગેરેના માંડ 15 ટકા હતા.

વૉલમાર્ટ અમેરિકામાં જેટલું સર્વવ્યાપી એટલું જ વિવાદી પણ છે. કરિયાણાની નાની દુકાનોનો ધંધો તેણે બંધ કરાવી દીધો. સપ્લાયરોનું નાક દબાવીને તેને બહુ ઓછો નફો થાય તે રીતે ધંધો કરવાની ફરજ પાડે છે. પોતે પણ માર્જિન ઓછું રાખે છે, પણ તે બહોળો વકરો કરે છે. એટલો મોટો વકરો કરે છે કે હરીફને ખતમ કરી નાખવામાં માટે અમુક સમય સુધી સતત ખોટ પણ કરી શકે છે. ખોટ કરીને હરીફને ખતમ કરવો એ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ છે. તમારી કંપનીના પ્રચાર પ્રસારનું 100 કરોડનું બજેટ હોય, તેમાંથી 50 કરોડ તમે પ્રચાર કરવાના બદલે ખોટ કરવામાં વાપરો. હરીફ કંપની બેસી જાય એટલે તમારી કંપનીના વિસ્તારની શક્યતા વધી જાય.

જોકે ભારતમાં અમેરિકાનું મોડેલ સીધેસીધું બેસાડી શકાતું નથી. ભારતમાં ડિસ્કાઉન્ટ ભારતીય માનસિકતા પ્રમાણે આપવું પડે. અમેરિકન માનસિકતા પ્રમાણે આપો તો બરબાદ થઈ જાય. દાખલા તરીકે સાબુ જેવી વપરાશની વસ્તુ મફતના ભાવે આપો તો ગ્રાહક તમારા સ્ટોર સુધી આવે. સાથોસાથ બે વસ્તુઓ એવી ખરીદતો જાય, જેમાં માર્જિન વધારે હોય. ભારતમાં તમે સાબુ અડધા ભાવે આપો તો લોકો પાંચ વર્ષના સાબુ એકસાથે ખરીદીને જતાં રહે. બીજી એકેય વસ્તુ અડે નહીં. ઠેકઠેકાણે શોપિંગ મોલ બંધ થયાં છે તેનું કારણ આ પણ છે. જે વસ્તુમાં ડિસ્કાઉન્ટ હોય તે જ વસ્તુઓ ચપોચપ વેચાતી હતી અને બાકીની વધારાની કોઈ ખરીદી થતી નહોતી તેવું ભારતીય બજારોમાં જોયા પછી રીટેલરોએ સ્ટ્રેટેજી બદલવી પડી છે.

વૉલમાર્ટની બધી રીત ભારતમાં નહીં ચાલે, પણ તે ફ્લિપકાર્ટના મોડેલને જાળવી રાખે તો પણ એમેઝોનને ટક્કર આપી શકશે. ફ્લિપકાર્ટ હવે પોતાના પગ પર લાંબો સમય ઊભું રહી શકે તેમ નહોતું. સતત ખોટ કરીને વેચાણ કરવા માટે મૂડીની એક મર્યાદા આવીને ઊભી રહેવાની હતી અને ત્યારે દેવાળું કાઢવાનું થયું હોત. હવે તે બોજ વૉલમાર્ટ ઉપાડી લેશે. એમેઝોનની સ્પર્ધા માટે વૉલમાર્ટે પોતાના નફામાંથી જે હિસ્સો અલગ તારવ્યો હશે એટલી ખોટ કરીને ફ્લિપકાર્ટને ચલાવવામાં આવશે.ભારતમાં ઇ-કોમર્સ ચાલશે કે નહી તેની ચર્ચાનો હજીય અંત આવ્યો નથી, પણ હવે આ ચર્ચા અર્થહિન થઈ ગઈ છે તેમ કહેવું પડે. કેમ કે ફ્લિપકાર્ટને ટેકઓવર કરવામાં આવી તેને જાણકારો ઇ-કોમર્સનો ત્રીજો તબક્કો ગણી રહ્યા છે. પ્રથમ તબક્કો આરંભનો હતો, જ્યારે માનવામાં આવતું હતું કે ભારતમાં લોકો ઓનલાઇન ખરીદી ના કરે. પરંતુ સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો તે પછી નાના તાલુકા સેન્ટરમાંથી પણ ઓનલાઇન ખરીદી થવા લાગી છે. પરંતુ તે હમણાં થયું, 2000ની શરૂઆતમાં અનેક ઓનલાઇન શોપિંગ કંપનીઓ ડૂબવા લાગી હતી. એક તો નેટનો બબલ બર્સ્ટ થયો હતો. ડોટકોમના નામે અબજોનું રોકાણ થયું હતું તે બધું પાણીમાં વહી ગયું.

ડોટકોમ એ કોઈ ચમત્કાર હોય તે રીતે તેના નામે મૂડીરોકાણ થતું હતું અને ચમકદમકમાં એટલો બધો ખર્ચ થયો કે સરવાળે આ ઇન્ડસ્ટ્રી નહીં ચાલે તેમ લોકોએ નક્કી કરી નાખ્યું.

જોકે 2000ના પ્રથમ દાયકાના મધ્યભાગ પછી બીજો તબક્કો શરૂ થયો હતો. જે કંપનીઓ બચી ગઈ તે ઓનલાઇન શોપિંગને આગળ વધારવા લાગી. દરમિયાન શોપિંગ મોલનો ક્રેઝ વધવા લાગ્યો હતો અને લોકોને ખરીદીમાં ચોઇસની લત લાગી હતી. આ તબક્કો લાંબો ચાલ્યો અને સ્માર્ટ ફોનના કારણે માર્કેટ સતત ડબલ ડિઝિટમાં વધતું રહ્યું હતું. તેના કારણે સહ્ય ખોટ કરીને કેટલીક કંપનીઓ આગળ વધતી રહી. ફ્લિટકાર્ટે પણ એકથી વધારે ઇન્વેસ્ટમેન્ટના રાઉન્ડ જોયા. તેનું મૂલ્ય 15 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું ત્યાંથી વળી ઘટીને 5 અબજ ડૉલર સુધી પણ આવી ગયું હતું.

પણ હવે ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે અને તે છે કોન્સોલિડેશનનો. ટેલિકોમમાં પણ કોન્સોલિડેશનનો તબક્કો જીયો સાથે શરૂ થયો તે રીતે એમેઝોનની પાછળ ભારતમાં પ્રવેશેલી વૉલમાર્ટને કારણે માર્કેટમાં હજી વધારે કોન્સોલિડેશન થશે. ઇ-કોમર્સ હવે અહીં રહેવાનું છે એટલું નક્કી થઈ ગયું છે.પણ આગળ જતા કેવું રૂપ લેશે તે જોવાનું રહે છે. ભાજપની ભગિની સંસ્થા સ્વદેશી જાગરણ મંચે આ સોદાના જોરદાર વિરોધ કર્યો છે. ભારતના સપ્લાયરોના એસોસિએશનને સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેમની પાસેથી મફતના ભાવે વસ્તુઓ પડાવી લેવામાં આવશે તે ચલાવી લેવાશે નહીં. જો સપ્લાયરોનું માર્જિન ઓનલાઇન કંપનીઓ કાપી ના શકે તો માર્જિન ક્યાંથી આવશે તે સવાલ ઊભો થવાનો છે. સ્નેપડિલ અને મિન્ત્રા સહિતની કંપનીઓ પણ અત્યારે સર્વાઇવ થઈ ગઈ છે, પણ તેમણે હવે નફો કરવો પડશે.

રીલાયન્સ પણ રીટેલિંગમાં પડ્યું હતું અને શરૂઆતમાં તેની ક્ષમતા હતી તેથી મોટા પાયે ખોટ સહન કરીને કોન્સોલિડેશન કર્યું છે. પરંતુ તેના સ્ટોરની સંખ્યા પણ વધતી અટકી છે અને ઘણી બધી જગ્યાએ રીલાયન્સ ફ્રેશ બંધ કરી દેવાયા છે. આ સેક્ટરમાં સૌથી જૂની કંપની ફ્યુચર્સ ગ્રુપે પણ હવે એક્સાપન્શન નહી, પણ કોન્સોલિડેશન તરફ ધ્યાન આપ્યું છે. ડી-માર્ટે બહુ જાણીતી કંપનીઓને ચૂપચાપ હરાવી દીધી હતી અને પોતાનું સ્થાન જમાવી દીધું હતું. તેનો પબ્લિક ઇશ્યૂ આવ્યો તે સાથે ડી-માર્ટ પણ હવે સ્ટેબલ અને પ્રોફિટેબલ બ્રાન્ડ થઈ ગઈ છે.

તેથી ઇ-કોમર્સમાં હવે શું થશે તેની અસર શોપિંગ મોલ, રિટેલચેઇન અને કરિયાણા સહિતની નાની દુકાનોને પણ થશે. એક મોડેલ જે વિકસાવવા રિડિફ જેવી કંપનીએ કોશિશ કરી છે, તે વ્યાપક બન્યું નથી. આ મોડેલમાં વેચનારા નાના કે મધ્યમ કદના દુકાનાદારો જ રહે છે, ફક્ત તેમની ઓનલાઇન પ્રેઝન્સ વેબ અને સોફ્ટવેર કંપનીઓ મેનેજ કરે છે. આ મોડેલમાં ઓનલાઇન કંપનીઓ અને સ્ટોર ધરાવનારા વેપારીઓ બંને સર્વાઇવ થઈ શકે છે.

જોકે એમેઝોન અને વૉલમાર્ટ સફાયો કરનારી કંપનીઓ છે. તે હરિફ કંપનીઓને ખતમ કરે છે, સાથોસાથ પોતાની ભાગીદાર કંપનીઓને પણ નબળી કરી નાખે છે. તેમને પરાવલંબી કરી દે છે. દાખલા તરીકે પુસ્તકની પ્રકાશક અને મ્યુઝિકની રેકર્ડ કંપનીઓએ એમેઝોનના શરણે જવું પડે છે. નાના મોટા મેન્યુફેક્ચરરે વૉલમાર્ટના શરણે જવું પડે છે.
ભારતનું વૈવિધ્ય ભારતીયો પણ સમજી શકતા નથી, ત્યારે આ વિદેશી કંપનીઓ કેવી રીતે સમજશે તે સમજવું મુશ્કેલ છે. ભારતીયો નવીનતા ખાતર અથવા મહેમાન આવ્યા હોય ત્યારે દેખાડો કરવા માટે ઓનલાઇન ઓર્ડર બૂક કરીને જમવાનું ઘરે મંગાવશે. પણ તે તેમની ટેવ નથી. તે રાબેતા મુજબ શનિ-રવિ સાંજે ફરવા અને બહાર જમીને આવવાનું પસંદ કરશે. એક કે બે વાર ઓનલાઇન શર્ટ્સ અને શૂઝ ખરીદી લીધા તેના કારણે તેને આદત પડી જશે અને તે સ્ટોરમાં જવાનું બંધ કરી દેશે તેવું ભારતમાં શક્ય નથી.

બીજી બાજુ ભારત એટલો વિશાળ દેશ છે કે થોડા લોકો ઓનલાઇન, થોડીવાર માટે પણ ખરીદી કરે તો પણ બહુ મોટું બજાર છે. દાખલા તરીકે છેલ્લે નાણાકીય હિસાબો જાહેર થયા ત્યારે ફ્લિપકાર્ડનું કુલ વેચાણ 50,000 કરોડથી વધુનું હતું. થોડા વખતમાં તેનું કુલ વેચાણ એક લાખ કરોડનું થઈ જવાનું છે. ફ્લિપકાર્ટમાં પણ વેચનારા ટ્રેડર્સ હોય છે, પણ વૉલમાર્ટ તેમની પાસેથી કસીને કેટલા ભાવ કઢાવશે તે જોવાનું રહ્યું. ફ્લિપકાર્ટે 8770 કરોડની ખોટ કરી છે પણ જંગી છે અને તે ખોટ પૂરીને નફો કરતી કેવી રીતે કરાશે તે જોવાનું રહ્યું.

તેના કારણે જ આ ડિલને અગત્યની ગણવામાં આવે છે, કેમ કે 10 હજારની ખોટ પુરી કરવા માટે જ્યારે કંપની પ્રયાસ કરશે ત્યારે જે ઇ-કોમર્સનું મોડેલ ઊભું થશે, તે મોડેલ જ લાંબા ગાળે ભારતમાં ચાલવાનું છે. તે મોડલ કેવું હશે, નફો ક્યાંથી આવશે, ગ્રાહકો પાસેથી વધારે કિંમત વસુલાશે કે સપ્લાયરોનું માર્જિન ઓછું કરાશે, પોતાની રીતે જાયન્ટ મેન્યુફેક્ચરિંગ યુનીટો ઊભા થશે, ટ્રાન્સપોર્ટેશન અને ડિલિવરીમાં એફિશયન્સી લાવીને ખર્ચ ઘટાડાશે, શું થશે તેના પર સૌની નજર છે.વૉલમાર્ટ માટે 70 દેશોમાં ઉત્પાદનો તૈયાર થાય છે, 27 દેશોમાં તેના 11,000થી વધારે સ્ટોર્સ છે અને તેની પાસે 32 અબજ ડોલરની વસ્તુઓ પડેલી હોય છે. ભારતમાં રિટેલમાં એફડીઆઇ શક્ય નહોતી. વૉલમાર્ટે મોટા પાયે પોતાના સ્ટોર્સ ભારતમાં ખોલી શક્યું નહોતું, પણ હવે બેકડોર એન્ટ્રી થઈ છે તેમ ઘણા માને છે. કપડાં અને શૂઝ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટેમ ઓનલાઇન વેચાય ત્યાં સુધી બરાબર છે, પણ ચા અને ખાંડ પણ ઓનલાઇન વેચાવા લાગે ત્યારે ભારત જેવા દેશોની બજારમાં તેના પડઘા પડ્યા વિના નહીં રહે. અમેરિકામાં નાના દુકાનદારનો પ્રતિસાદ કંઈક અલગ હતો. નાનો દુકાનદાર દુકાન બંધ કરીને સલામત નોકરિયાત બનવા તૈયાર થઈ જાય. એટલે કે પોતાનો સ્ટોર ચલાવતો હોય અને હજાર ડોલર કમાતો હોય તો 900 ડોલરની નોકરી સ્વીકારવામાં બહુ તકલીફ ના પડે. ભારતમાં શાકભાજીની લારીવાળાને પોતાની રેકડી જ ફાવે, કોઈની નોકરી ના ફાવે.

રેકડી અને નોકરીના આ મોડેલ્સની હવે ચકાસણી થશે.