ઝારખંડમાં આજસુની ભૂમિકા શિવસેના જેવી સાબિત થશે

16 ડિસેમ્બર સોમવારે ચાર તબક્કાનું મતદાન ઝારખંડમાં પૂર્ણ થઈ ગયું છે અને 20 તારીખે છેલ્લા અને પાંચમાં તબક્કામનું મતદાન યોજાશે. 23 તારીખ અને સોમવારે પરિણામો પણ આવી જશે. ભાજપને આશા છે કે એકલા હાથે બહુમતી મળશે. ઝારખંડની રચના પછી પ્રથમવાર 2014થી 2019 સુધી ભાજપના મુખ્યમંત્રી રઘુબર દાસ સ્થિર સરકાર આપી શક્યા છે. સ્થિર સરકારથી જ વિકાસ થાય તેવું જરૂરી નથી, પણ સ્થિર સરકારના ફાયદા પણ હોય છે. તેથી જ ભાજપને બહુમતીની આશા છે. તેથી જ ભાજપે પાંચ વર્ષ દરમિયાન સરકારમાં સાથે રહેલા આજસુ એટલે કે ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે સમજૂતિ તોડી તાડી.

સમજૂતિ ભલે તોડી નાખી, પણ ખાનગીમાં બંને પક્ષોના સંબંધો ચાલતા રહ્યા છે. આજસુના નેતા સુદેશ મહાતો સામે ભાજપે ઉમેદવાર ઊભો રાખ્યો નથી. કદાચ પરિણામો હરિયાણા અને મહારાષ્ટ્રની જેવા આવે ત્યારે કદાચ ફરી આજસુ સાથે ગઠબંધન કરવું પણ પડે. 2014માં ભાજપને આજસુના પાંચ સભ્યોનો ટેકો મળ્યો ત્યારે જ સરકાર બની હતી. 81 બેઠકોમાંથી ભાજપને 37 બેઠકો મળી હતી. જોકે થોડા જ મહિના પછી ઝારખંડ વિકાસ મોરચાના 8માંથી 6 ધારાસભ્યોને તોડીને ભાજપે લઈ લીધા હતા. તેથી આજસુની ગરજ રહી નહોતી.

આજસુના ટેકેદારો 15 બેઠકોમાં અગત્યના ગણાય છે, પણ તેણે 20 જેટલી બેઠકો માગી હતી. શિવસેનાએ જે રીતે અડધોઅડધો બેઠકો માગી હતી તેમ. પણ ભાજપે 7થી 10 બેઠકો આપવાની જ તૈયારી બતાવી હતી અને તેના કારણે 2019ની ચૂંટણીમાં ગઠબંધન થયું નથી. શિવસેનાએ અડધાથી ઓછી બેઠકો સ્વીકારી લીધી, પણ પરિણામો આવ્યા પછી ગઠબંધન તોડી નાખ્યું હતું. આવતા સોમવારે આજસુને કેટલી બેઠકો મળે છે અને તે શિવસેનાવાળી કરે છે કે કેમ તે જોવાનું રહેશે.

સવાલ એ પણ છે કે ઝારખંડમાં કોઈ વિદ્યાર્થી આંદોલન ચાલતું નથી ત્યારે નામ કેમ હજીય ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન છે? તેના નેતાઓ કહે છે કે પક્ષની સ્થાપનામાં અને અત્યારે તેના સંચાલનમાં યુવાનો અને વિદ્યાર્થીઓનું હજીય મહત્ત્વ છે એટલે પક્ષનું નામ આવું જ રાખવામાં આવ્યું છે. તેની રચના અલગ ઝારખંડ રાજ્યની રચનાના આંદોલન માટે થઈ હતી. અલગ રાજ્ય બની ગયું, પણ પક્ષનું નામ હજીય એ જ રખાયું છે. આસામમાં વિદ્યાર્થી આંદોલનને ભારે સફળતા મળી હતી અને પ્રફુલ્લ કુમાર મહંતો મુખ્યમંત્રી બન્યા હતા. તેમના પક્ષનું નામ આસામ ગણ પરિષદ હતું અને આજે હવે ભાજપની સાથે છે અને નથી. નાગરિકતા મુદ્દે બંને પક્ષે વચ્ચે વિખવાદો ચાલી રહ્યા છે.
આસામમાં થાય તે ખરું, પણ ઝારખંડના પરિપક્વ બનેલા વિદ્યાર્થી નેતાઓ શું કરશે તે જ અત્યારે અગત્યનું છે. નામ ભલે વિદ્યાર્થીનું હોય, પણ પક્ષ ભારતમાં હોય છે તે રીતે જ્ઞાતિલક્ષી છે. ઝારખંડની કૂર્મી વૉટબેન્કના આધારે આજસુ જોર કરે છે. ઝારખંડમાં આદિવાસી મતો 27 ટકા જેટલા છે, પણ તે ભાજપ અને જેએમએમ વચ્ચે વહેંચાયા છે, ત્યારે આજસુની વૉટબેન્ક અગત્યની બની છે.

પક્ષની સ્થાપના થઈ ત્યારે મુખ્ય મુદ્દો અલગ ઝારખંડનો હતો. બિહારમાં પૂરતું પ્રતિનિધિનત્વ નથી મળતું તે ફરિયાદ હતી. 1977માં કેન્દ્રમાં અને બિહારમાં બંને જગ્યાએ જનતા પક્ષની સરકારો બની પણ ઝારખંડનો ઉકેલ આવ્યો નહિ. 1986માં ઝારખંડ વિસ્તારના વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા અને આજસુની રચના કરીને અલગ રાજ્યની માગણી ઉપાડી હતી. માત્ર માગણીઓ કરવાના બદલે બંધ અને ઘેરાવના કાર્યક્રમો સાથે આંદોલન ઉગ્ર બનવા લાગ્યું હતું. ઝારખંડ નહિ, તો ચૂંટણી નહિ એવા નારા સાથે ચૂંટણી બહિષ્કાર માટેની ચેતવણી તે વખતે વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવી હતી.

ઝારખંડની માગણીનો ઇતિહાસ બહુ જૂનો છે, છેક 1910ના દાયકાનો. તે વખતે આદિવાસી અધિકારો માટેનું આંદોલન શરૂ થયું અને બિરસા મુંડા નાયક બની ગયા હતા. બાદમાં જયપાલ સિંહ મુંડા નેતા બન્યા હતા અને દાયકા સુધી તેઓ મથતા રહ્યા હતા. એ ઇતિહાસ બહુ લાંબો છે, તેમાં ના પડતા નજીકના ઇતિહાસને યાદ કરીએ. દક્ષિણ બિહાર ઉપરાંત પશ્ચિમ તરફ મધ્ય પ્રદેશ અને પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોને જોડીને વિશાળ ઝારખંડની માગણી ચાલતી હતી. જયપાલ સિંહની ઝારખંડ પાર્ટી હતી અને બાદમાં બીજા પક્ષો પણ ઊભા થયા. પણ હવે ઝારખંડ મુક્તિ મોરચાનું પ્રભુત્વ વધ્યું હતું. મોરચાની વિદ્યાર્થી પાંખ તરીકે આજસુની રચના 22 જૂન 1986માં થઈ હતી. ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનનું મૉડલ અહીં ધ્યાનમાં લેવાયું હતું અને તેથી જ આગળ જતા આ સંગઠન અલગ પડીને સ્વતંત્ર રાજકીય પક્ષ બની ગયો. ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે નીકટતા વધી અને તેથી વાજપેયીની સરકાર હતી ત્યારે વિશાળ ઝારખંડ નહિ, પણ બિહારમાંથી અલગ પડેલું રાજ્ય બન્યું.

જોકે તે પહેલાં એક દાયકો સંઘર્ષ કરવો પડેલો, તેમાં આજસુની ભૂમિકા મહત્ત્વની હતી. રાજીવ ગાંધીને આપેલી ચેતવણી પ્રમાણે 1989માં ચૂંટણી આવી ત્યારે તેની બહિષ્કારની જાહેરાત કરાઈ હતી. વિદ્યાર્થી નેતાઓએ ધમાલ મચાવી દીધી હતી. 72 કલાકનો બંધ અને 96 કલાકનો બંધ એવા કાર્યક્રમો અપાતા રહ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમના નેતાઓ સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરી. આ બધા વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચા કરતાં તેની વિદ્યાર્થી પાંખ જેવી આજસુનું મહત્ત્વ વધી ગયું.

ઝારખંડ મુક્તિ મોરચો ચૂંટણી ગુમાવવા માગતો નહોતો. વર્ષોની આદત પ્રમાણે તેમના નેતાઓ બિહાર અને કેન્દ્રમાં જીત્યા કરતા અને માગણીઓ રાબેતા મુજબ કર્યા કરતા હતા. તેમનું પોતાનું રાજકારણ વધારે મહત્ત્વનું હતું, તેથી આજસુની ચૂંટણી બહિષ્કારની વાત માનવામાં આવી નથી. તેથી 1989માં જ આજસુ અલગ પડી ગયું. 1990માં બિહાર સરકારે ઝારખંડ ઑટોનોમસ કાઉન્સિલ બનાવવા માટે તૈયારી કરી. 1995માં તેની રચના પણ થઈ. 90 સભ્યો નિમાયા, તેમાં ઝારખંડ મુક્તિ મોરચાના સૌથી વધુ 41 સભ્યો હતા. લાલુ પ્રસાદ યાદવના જનતા દળના 31 સભ્યો હતા. ઝારખંડ મુક્તિ મોરચાએ ચૂંટણી લડવાનું ચાલુ રાખ્યું હતું અને તેના ધારાસભ્યો પટણા વિધાનસભામાં બેસતા હતા તેનો ફાયદો થયો હતો. આજસુના યુવાન નેતાઓ ચૂંટણી લડ્યા નહોતા એટલે તેમના ભાગે કંઈ ના આવ્યું. આજસુએ ચૂંટણીની જેમ કાઉન્સિલનો પણ બહિષ્કાર કર્યો હતો તેથી તેમને પ્રતિનિધિત્વ મળ્યું નહોતું.


આંદોલનમાંથી ઊભા થતા સંગઠનોમાં થતું હોય છે તે રીતે આજસુમાં પણ તડજોડ થતી રહી. વિભાજન થતા રહ્યા, નેતાઓ જુદા પડતા રહ્યા. દરમ્યાન 1998માં કેન્દ્રમાં વાજપેયીની સરકાર આવી ત્યારે ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડની રચના માટેની તૈયારીઓ થવા લાગી હતી. લાલુ પ્રસાદ યાદવ છેક સુધી રાજ્યનું વિભાજન ના થાય તે માટે મથતા રહ્યા હતા. તેમણે જેએમએમના વિરોધી આજસુના નેતા સુદેશ મહતોને સાધવાની કોશિશ કરી હતી. 2000માં 25 વર્ષના થઈ ગયેલા સુદેશ મહતો ધારાસભ્ય પણ બની ગયા. આજસુને બે બેઠકો મળી હતી. યાદવ તેમને બિહાર સરકારમાં પ્રધાન બનાવવા તૈયાર થઈ ગયા હતા.

પણ હવે ઝારખંડની રચના રોકી શકાય તેમ નહોતી. ભાજપની ચડતી કળા હોવાથી સુદેશ મહતોએ પણ ભાજપ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. ઝારખંડની પ્રથમ નવી સરકાર બની. બાબુલાલ મરાન્ડી મુખ્યમંત્રી બન્યા અને યુવાન સુદેશ મહતોને પ્રધાનપદું પણ મળ્યું. આદિવાસી રાજ્યમાં હોવા છતાં યુવા નેતાને છાજે તે રીતે મહતો જીન્સ અને ટીશર્ટમાં ફરતા રહેતા હતા. તેમનું ભણવાનું પણ હજી ચાલુ હતું. 2000 પછી 2005 અને 2009માં ધારાસભ્ય બન્યા. દરમિયાન રાજ્યમાં રાજકીય અસ્થિરતા ચાલતી રહેતી હતી અને સરકારો બદલાતી રહેતી હતી. 2009માં તેમને ઉપમુખ્યમંત્રી બનવાનું પણ મળ્યું હતું. જોકે 2014માં સુદેશ મહતોને ઝટકો લાગ્યો, કેમ કે તેઓ વતન સીલ્લીની બેઠક હારી ગયા.


2000 અને 2005માં આજસુને બે બેઠકો મળી હતી. 2009 અને 2014માં બેઠકો વધીને પાંચ સુધી પહોંચી છે. પહેલાંની ચૂંટણીમાં વધારે બેઠકો પર તે લડતી હતી, પણ 2014માં ભાજપ સાથે ગઠબંધનને કારણે 8 જ બેઠકો પર લડી અને પાંચ બેઠકો જીતી હતી. તેમાં પણ સુદેશ મહતોએ હારવું પડ્યું હતું. 2009માં સ્વતંત્ર રીતે પણ પાંચ મળી અને 2014માં ગઠબંધન પછીય પાંચ બેઠકો મળી એટલે સુદેશ મહતો હવે શિવસેનાની જેમ પાંખ પસારવા માગે છે. પ્રાદેશિક પક્ષ તરીકે અમારો વિકાસ થવો જોઈએ એવી માગણી સાથે 20 બેઠકો સુધી માગી હતી અને 12 બેઠકો સુધી તૈયાર થઈ ગયા હોત, પણ ભાજપે મહારાષ્ટ્રની ભૂલ અહીં ના કરવાનું નક્કી કર્યું હતું. જોકે સુદેશ મહતો પર હાથ રાખવા માટે ભાજપે તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો નથી. તેથી ભલે બંને અલગ લડ્યા અને પણ પરિણામ પછી જ સમીકરણો ગોઠવાશે – શિવસેનાવાળી થશે કે પછી…