શિવસેનાઃ હિન્દુત્વના કઢિયેલ દૂધમાં પાણી ઉમેરવાનો સમય

સૌ પ્રથમ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની વાત કરી લઈએ. તેમણે પણ આખરે રાજ્યપાલોની પરંપરા પાળી. તક મળે ત્યારે રાજ્યપાલના પદને કલંક લગાવવું એ ખોડા ઢોર જેવા વૃદ્ધ રાજકારણીઓની પરંપરા રહી છે. સાંભરણમાં નથી કે કોઈ રાજ્યપાલને અનોખી સ્થિતિ ઊભી થઈ હોય ત્યારે નિયમો પ્રમાણે અને નીતિમત્તા પ્રમાણે કામ કર્યું હોય. બધા જ રાજ્યપાલો દિલ્હીમાં બેઠેલા પોતાના માયબાપની સૂચના પ્રમાણે અહેવાલો આપી દે છે.

કેન્દ્રમાં સરકાર હોય તે પક્ષ પોતાના ખખડી ગયેલા અને નક્કામા થઈ ગયેલા નેતાઓને રાજ્યપાલો તરીકે મોકલી આપે છે. જરૂર પડે ત્યારે આ રાજ્યપાલો સૂચનાનું પાલન કરી આપે છે. એ જ રીતે ભારતીય જનતા પક્ષના મોવડીઓની સૂચના મળી કે ઊભાઊભા ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેની ભલામણ મોકલી પણ આપી. દિલ્હીમાં તાત્કાલિક કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક પણ બોલાવી લેવાઈ અને બ્રાઝીલ ઊડી જતા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો પત્ર રાષ્ટ્રપતિને મોકલાવી આપવાની વ્યવસ્થા કરી આપી.

મંગળવારે 8.30 વાગ્યા સુધી એનસીપીને સમય આપવામાં આવ્યો હતો. સાંજ સુધી રાહ જોવામાં ના આવી અને સવારે 11 વાગ્યે જ કોશિયારીએ અહેવાલ કેન્દ્રમાં મોકલી આપ્યો. નિયમ, નૈતિકતા એવું કહે છે કે કમ સે કમ મંગળવારની રાત અને તે પછી બીજા 24 કોંગ્રેસને આપીને બુધવારની રાત પછી જ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ થઈ હોત તો વાજબી ગણાયું હોત. આમ તો શિવસેના અને એનસીપીએ પણ 48 કલાકનો સમય માગ્યો હતો. 48 કલાકનો સમય માગવો વાજબી છે અને આપી શકાય છે. ભાજપને આમ તો 15 દિવસનો સમય આપ્યો હતો, પણ તે 15 દિવસ બધા માટે હતા તેમ માની લઈએ. ત્યારબાદ આખરે રાજ્યપાલે ભાજપને એકલાને સરકાર રચનાની ઈચ્છા માટે પૂછ્યું ત્યારે 48 કલાકનો જ સમય આપ્યો હતો. આ ભેદભાવ સ્પષ્ટ દેખાઇ આવે છે અને કોશિયારીએ પણ પ્રથમ તકે જ રાજ્યપાલના હોદ્દાને કલંક લગાવવાની તક છોડી નહિ.

અહીં મજાની એક ડિટેઇલ ધ્યાન ખેંચે એવી છે. એનસીપીએ બુધવારે રાત્રે રાજ્યપાલને મળવા જવાનું હતું અને સ્પષ્ટતા કરવાની હતી કે સરકાર રચવાની તેમની ઈચ્છા અને બહુમતી છે કે કેમ. તેના બદલે રહસ્યમય રીતે એનસીપીનો એક પત્ર સવારના સમયે જ રાજ્યપાલને મળે છે. તેમાં 24 કલાકના બદલે 48 કલાક જોઈશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલે તેનો અર્થ એવો કર્યો કે એનસીપી સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી કે તેની ઈચ્છા નથી. તેથી તેમણે ઊભેઊભ તાબોડતોબ રાષ્ટ્રપતિ શાસન માટેનો અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો.
કોશિયારી એટલા હોંશિયાર નીવડ્યા કે તેમણે ધારી લીધું અને જાણી લીધું કે કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં છે જ નહિ. એ તો આપણનેય ખબર છે, પણ રાજ્યપાલની પરંપરા એ કહે છે કે તમે એક પછી એક ત્રણ પક્ષોને બોલાવ્યા ત્યારે ચોથા પક્ષને વિધિ ખાતર પૂછવું પડે. કોંગ્રેસને કદાચ 24 કલાકના બદલે 15 કલાકનો સમય આપી શકાયો હોત. બુધવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસ આવીને જણાવે કે સરકાર બનાવવાની ઈચ્છા અને બહુમતી છે કે કેમ. તે પછી તરત રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય.

મૂળ રહસ્ય તરફ પાછા ફરીએ. એનસીપીએ શા માટે મંગળવારની રાત સુધી રાહ જોવાને બદલે સવારે જ રાજ્યપાલને જાણ કરી દીધી કે તેમને 48 કલાક જોઈએ છીએ? શિવસેનાને સોમવારે રાત્રે રાજ્યપાલે જણાવ્યું હતું કે તેઓ 24 કલાકથી વધારે સમય આપી શકશે નહિ. એ જવાબ એનસીપીને રાત્રે મળ્યો હોત, પણ તેણે સવારે જ 48 કલાક માગી લીધા. વાત વાજબી લાગશે કે રાત્રે વધારે સમય માગવાના બદલે, સવારે માગી લઈએ તો ખબર પડે કે સમય મળ્યો છે કે નહિ.

સરકાર રચવા માટે બહુમતી એકઠી કરવાનો 48 કલાકનો સમય મળ્યો છે તેવી એનસીપીને ખાતરી મળે તો શું ફરક પડે? કશો ફરક ના મળે. સવાલ સમયનો નથી, કેવી શરતોને આધારે ગઠબંધન કરવાનું છે તે છે. શરતો નક્કી કરવા માટે 48 કલાક કરતાં વધારે સમય લાગે તેમ છે. તેથી એનસીપીએ મોકો જોઈને રાજ્યપાલને તક આપી દીધી કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકે.

અહીં ભાજપ અને એનસીપી બંને સંપીને મહારાષ્ટ્રમાં શિવસેનાનો ખેલ પાડી રહ્યા છે તે સ્પષ્ટ થઈ જાય છે. બંનેને તક મળી છે કે શિવસેનાને વધારે નબળી પાડવી, વધારે એક પ્રાદેશિક પક્ષને નબળો પાડવો, વધારે એક હરિફને નબળો પાડવો. ઇશારા પ્રમાણે જ એનસીપીએ પત્ર મોકલીને રાષ્ટ્રપતિ શાસનની ભૂમિકા ઊભી કરી આપી. રાષ્ટ્રપતિ શાસનને કારણે ભાજપ ફાયદામાં જ છે, પણ એનસીપી અને કોંગ્રેસને પણ ફાયદો જ છે. તેઓ શિવસેના પર વધારે દબાણ કરી શકશે.

શિવસેના પર વધારે દબાણ લાવવા અને તેની પાસે કેટલીક શરતો પાકી કરાવી લેવા માટેનો જ આ ખેલ છે. શિવસેના પણ સમજી ગઈ છે અને તેથી મંગળવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ પણ લગભગ એવો જ સૂર કાઢ્યો કે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે સમય જોઈએ. આ ત્રણેય પક્ષોએ એક સાથે ક્યારેય કામ કર્યું નથી, તેથી કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી લેવી જરૂરી બને.

આ સ્પષ્ટતા એટલે શિવસેનાના હિન્દુત્વમાં પાણી ઉમેરીને તેને પાતળું કરવું. એનસીપી કદાચ અઢી વર્ષ માટે સીએમપદ અથવા વધારે સારા ખાતાં માટે મથી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ શિવસેનાના હિન્દુત્વમાં પાણી ઉમેરીને તેને સોફ્ટ હિન્દુત્વ બનાવવા માગે છે. શિવસેનાનું કઢિયેલ દૂધ જેવું હિન્દુત્વ કોંગ્રેસને પચે તેમ નથી. તેથી પચી શકે તેવું હિન્દુત્વનું પીણું તૈયાર કરવાનું છે.

યાદ હશે કે વાજપેયીની આગેવાનીમાં ભાજપે કેન્દ્રમાં સરકાર રચવાની હતી, ત્યારે ત્રણ મહત્ત્વના મુદ્દા પડતા મૂકવામાં આવ્યા હતા. એનડીએમાં વધુ લોકો સામેલ થઈ શકે તે માટે કલમ 370, રામમંદિર અને સમાન નાગરિક ધારાના ત્રણ મુદ્દા ભાજપે કોરાણે રાખવાની જાહેરાત કરી હતી. શિવસેના પાસે પણ આવી જાહેરાતો કરાવવા માટેનું આ દબાણ છે.

ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં તેનો પ્રથમ અણસાર આપ્યો પણ ખરો. રામમંદિરના નિર્માણ માટે રાજીપો છે તેમ જણાવીને તેમણે અમુક પ્રકારે હિન્દુત્વ કરવાનો શો અર્થ એવું પણ કહ્યું. એટલે કે શિવસેના હવે હિન્દુત્વની નવી વ્યાખ્યા તૈયાર કરશે, જે કોંગ્રેસ અને એનસીપીને સ્વીકાર્ય હોય. પ્રાંતવાદના મુદ્ધે, મરાઠી માણુસ મુદ્દે શિવસેનાએ વધારે સ્પષ્ટતાઓ કરવી પડશે.

દિલ્હીમાં ચર્ચા અનુસાર કોંગ્રેસના કેરળના નેતાઓ શિવસેના સાથે જવાની ના કહી રહ્યા છે. કેરળમાં મુસ્લિમ ઉપરાંત ખ્રિસ્તી મતો પણ અગત્યના છે. બીજું છેલ્લી ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીમાં હારી ગયા, પણ કેરળના વાયનાડમાંથી જીત્યા હતા. તે સંજોગોમાં કોંગ્રેસ અહીં મજબૂત બનવા માગે છે અને સાથે જ કેરળમાં મજબૂત બની રહેલા ભાજપને રોકવા માગે છે. તેથી શિવસેનાએ હિન્દુત્વને પાતળું કરવું પડે કે પડતું મૂકવું પડે.

ફરી એકવાર ભાજપને પણ અહીં ફાયદો થઈ રહ્યો છે. શિવસેના એનસીપી સાથે અને કોંગ્રેસ સાથે સરકાર બનાવે તેના કારણે તેનું પોત આમ પણ પાતળું થઈ જવાનું છે. તેનું હિન્દુત્વ જે ભાજપ કરતાંય પ્રખર અને પ્રબળ હતું તે ભાજપના સમાન સ્તરે આવી જશે. (સમાન સ્તરે એટલા માટે કે ભાજપનું હિન્દુત્વ તેને અબ્દુલ્લા પરિવાર સાથે અને મુફ્તિ પરિવાર સાથે અને ઈશાન ભારતના બીફ ખાનારા ખ્રિસ્તી નેતાઓ સાથે ગઠબંધન કરવાની છુટ આપતું જ આવ્યું છે.) સરકાર ચલાવવાનું પણ મુશ્કેલ બનવાનું અને તેના કારણે સુશાસન આપી શકે તેમ નથી તે વાત પણ સ્પષ્ટ થતી જશે.

હવે કોંગ્રેસના દબાણના કારણે હિન્દુત્વને પાંચ વર્ષ માટે બાજુએ રાખવાની વાત કરવી પડે તોય ભાજપને મહારાષ્ટ્રમાં અને રાષ્ટ્રીય સ્તરે ફાયદો છે. તેથી રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા પછીય ભાજપ ટેકાના ભાવે ધારાસભ્યોની ખરીદી નહિ કરે તેવી ધારણા છે. ટૂંકમાં અત્યારે ભાજપ અને એનસીપી ભેગા મળીને શિવસેના મજા લઈ રહ્યા છે. કોંગ્રેસને તો કશું મેળવવું નહોતું કે કશું ગુમાવવાનું નહોતું. તેને તો સરકારમાં બેસવા મળે એટલે હાઉં. જોકે સ્પીકરપદ માટેની માગણી કોંગ્રેસની હોવાનું કહેવાય છે. સ્પીકર પોતાના હોય તો તબેલામાંથી નાસી જતા ખચ્ચર જેવા ધારાસભ્યોને નાથી શકાય. (ઘોડા ના કહેવાય, ખચ્ચર જ કહેવાય. દગાબાજ પક્ષપલ્ટુઓને ખચ્ચર જ કહેવાય ભઇ. અને ભઇ સ્પીકરનું કામ પણ પરંપરા પ્રમાણે પોતાના હોદ્દાને કલંક લગાવવાનું હોય છે. રાજ્યપાલની જેમ સ્પીકર પણ હંમેશા પોતાના પક્ષ માટે જ કામ કરે છે, તટસ્થ કામ કરતા ઓછા સ્પીકર જોયા છે.)

આ બધા કારણોસર રાષ્ટ્રપતિ શાસન લદાયાની ટીકા થશે, પણ તેનો બહુ ઉગ્ર વિરોધ થશે તેવું લાગતું નથી. સમય મળી ગયો છે તેનો ઉપયોગ શિવસેનાને દબાવવા માટે થશે. ભાજપે પણ આડકરતી રીતે દબાણ કર્યું છે. મંગળવારે રાત્રે નારાયણ રાણેને છુટ્ટા મૂકીને ધમકી આપી હતી કે અમે સરકાર બનાવી લેવાના છીએ. મને કામ સોંપાયું છે એવું રાણેએ કહ્યું. તેમની ભાષામાં ધમકી એ હતી કે શિવસેનાને તોડી નાખવાની સોપારી તેમને મળી છે. નારાયણ રાણે મૂળ શિવસૈનિક. શિવસેનાએ 1999માં તેમને મુખ્યપ્રધાન પણ થોડો સમય બનાવ્યા હતા. બાદમાં ઉદ્વવ ઠાકરેનો તેમણે વિરોધ કર્યો એટલે તેમને તગેડી મૂકવામાં આવ્યા હતા. તેઓ કોંગ્રેસમાં આંટો મારી આવ્યા અને ત્યાંથી ચૂંટણી પહેલાં જ ભાજપમાં આવ્યા છે.

મહારાષ્ટ્રની રાજકીય ડ્રામાબાજીની સિરિયલની ટીઆરપી બધા જ પક્ષો માટે સારી આવી હોવાથી નિર્માતાએ નક્કી કર્યું છે કે સિરિયલના એપિસોડ વધારવા. જોતા રહો મહા મહા મહા… મહા તડજોડ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]