સિનેમા, સરકાર, સનસનાટી, સત્ય અને સનાતન સમસ્યા

નાતન સમસ્યાની વાત પહેલાં. સનાતન સમસ્યા એ છે કે રાજા પ્રજાને મદદ ના કરે તો પણ મુશ્કેલી, કરે તો પણ મુશ્કેલી. શાસક સમસ્યામાં વહારે ના આવે ત્યારે પ્રજાની મુશ્કેલી વધે. પ્રજા પરેશાન હોય ત્યારે તેની મદદ કરવી પડે. દુકાળ પડે ત્યારે રાજા મહેલ ચણાવતા, તળાવો ખોદાવતા, ધર્મસ્થાન બંધાવતા. બદલામાં લોકોને અનાજ અપાતું હતું. પરંતુ આવી મદદ મુશ્કેલ સમયમાં કરવાની હોય છે. સામાન્ય સંજોગોમાં લોકોએ સ્વંય પોતાની પરેશાની દૂર કરવા પ્રયાસો કરવા પડે. સામાન્ય સંજોગોમાં રાજા ઉલટાનો તૈયાર પાક હોય તેમાંથી પોતાનો ભાગ લઈ જાય છે. ઓછો પાક થયો હોય તો પણ મહેસૂલ વસૂલ કરવી પડે નહી તો રાજ ચાલે નહીં.

આધુનિક યુગમાં એવી અપેક્ષા રખાય છે કે સરકાર બધું કરી આપે. સરકાર શાળા પણ ચલાવે, દવાખાના પણ ખોલે, બે રૂપિયે કિલો ચોખા અને ઘઉં આપે, અડધા ભાવે ગેસ આપે. આગળ વધીને સરકારો હવે મફતમાં લેપટોપ આપતી થઈ છે. મફતમાં સાયકલ, મફતમાં પંખા, મફતમાં ગ્રાઇન્ડર, મફતમાં ટીવી પણ ખરું. મફતમાં ટેબ્લેટ લગભગ બધી સરકારો આપતી થઈ છે.

આ મફતિયું રાજકારણ દેશને અને પ્રજાને સરવાળે મોંઘું પડે છે. આવી યોજનામાં ફાવે છે કે ખાનગી કંપનીઓ. તેમની નબળી વસ્તુઓ લાખોની સંખ્યામાં વેચાઈ જાય. નેતાને કટકી મળી જાય. અમદાવાદમાં મફતમાં સિટી બસનું ગતકડું થયું હતું. બદલામાં કંપનીને જાહેરખબરના બોર્ડ મળે. કંપની કમાણી કરી રહી છે, પણ બસ મફતમાં ચાલે છે અથવા કેટલી ચાલે છે તેની તપાસ કરવા કોઈ જતું નથી. મફતિયું રાજકારણ દેશને અને પ્રજાને દેવાળિયું કરી શકે છે, તેથી સરકારની તીજોરીનો એક એક રૂપિયો સમજીને વપરાવો જોઈએ તેવો આગ્રહ રાખનારા પણ છે.પરંતુ આવા પ્રજાહિતના મુદ્દાને લઈને તામિલનાડુમાં એક ફિલ્મ આવી તેનો ભારે વિવાદ થયો છે. વક્રતા એ છે કે વિવાદના કારણે તે 100 કરોડની કમાણી કરી લેશે. ફિલ્મનું નામ જ ‘સરકાર’ છે અને તામિલનાડુની મફતિયા રાજકારણની મહારાણી જયલલિતાના રાજકીય વારસદારોની સરકારને તેની સામે વાંધો પડ્યો છે. તામિલનાડુમાં બધા સુપરસ્ટાર હોય એવું જ લાગે છે, કેમ કે અહેવાલો અનુસાર વધુ એક સુપરસ્ટાર વિજયની આ ફિલ્મ છે અને તેમાં જયલલિતાની સરકારની મફતમાં વસ્તુઓ આપવાની ટીકા કરવામાં આવી છે. બીજી પણ ઘણી ટીકા કરવામાં આવી છે – આમ તે ચીલાચાલુ લાગે, પણ આમ સાવ સાચી પણ છે. આ ટીકાઓ એટલે સરકારની લાપરવાહી, ભ્રષ્ટાચાર, ગેરરીતિ, સગાવાદ વગેરે. પરંતુ સુપરસ્ટાર વિજયે સરકારની ટીકા કરી એટલે સરકારના ટેકેદારો રસ્તા પર ઉતરી આવ્યા. તેમની ફિલ્મના પોસ્ટરો ફાડી નાખ્યા અને ફિલ્મમાં ફેરફાર ના થાય તો રજૂ ન થવા દેવાની ધમકી પણ આપી.

સુપરસ્ટાર વિજયના ટેકામાં બીજા બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસન પણ આવ્યા. તેમણે કહ્યું કે સીનેમામાં સરકાર દખલ કરે તે યોગ્ય નથી. સેન્સર બોર્ડે એકવાર ફિલ્મ પાસ કરી દીધી, પછી નેતાઓ નાકનું ટીચકું ચડાવીને સુપરસેન્સરશીપ લાવે તે યોગ્ય નથી. તેમની વાત સાથે સહમત થનારા ઘણા હશે, પણ આ ‘સરકાર’ ફિલ્મના મુદ્દે સામી બાજુનો પણ વિચાર કરવો પડે તેમ છે, એવું તામિલનાડુના કેટલાક જાણકારોએ કહ્યું છે. ફિલ્મ સરકાર જોયા પછી તામિલ વિશ્લેષકોએ કહ્યું કે એક તો વાહિયાત ફિલ્મ છે. વાહિયાત ફિલ્મ છે અને વિવાદ થયો છે એટલે 100 કરોડની કમાણી કરી લેશે, પણ આ પ્રકારની પ્રચારની ફિલ્મો બનાવવી અને પછી ફ્રિડમ ઑફ એક્સપ્રેશનની કસમ ખાવી કેટલી યોગ્ય છે તેવો પ્રશ્ન પણ ઊભો કરાયો છે. ફિલ્મમાં કોમલાવલ્લી નામનું પાત્ર છે. તેના પિતા મુખ્યપ્રધાન છે, પણ રાજ કોમલાવલ્લી ચલાવે છે. કોમલાવલ્લીનું પાત્ર જયલલિતા પરથી બનાવાયું છે. હકીકતમાં જયલલિતાનું અસલી નામ કોમલાવલ્લી હતું. તેમનું ફિલ્મી નામ જયલલિતા હતું, જે વધારે જાણીતું બન્યું. કોમલાવલ્લીના પાત્ર દ્વારા જયલલિતાની ઠેકડી ઉડાવવામાં આવી છે. જયલલિતાએ આપેલા ટીવી, ગ્રાઇન્ડર, પંખા – બધું મફતમાં – તે ફેંકી દો અને આવા રાજકારણીને પણ ફેંકી દેવો એવો મેસેજ સરકાર ફિલ્મમાં છે. થયું છે એવું કે વિવાદ વધ્યા પછી સુપરસ્ટાર વિજયના અસલી ટેકેદારોએ અસલમાં તેમને મળેલી મફતિયા વસ્તુઓ – ગ્રાઇન્ડર, પંખા, ટીવી ફેંકવાનું શરૂ પણ કરી દીધું છે. તેની તસવીરો સોશ્યલ મીડિયામાં મૂકાવા પણ લાગી છે.

તેનો અર્થ એ થયો કે સરકાર ફિલ્મનો રાજકીય હેતુ હતો તે પાર પડ્યો છે. જયલલિતાનો વિરોધ અને હાલમાં શાસનમાં રહેલા તેમના પક્ષ એઆઇએડીએમકેનો વિરોધ એ ફિલ્મની મુખ્ય થીમ છે. આ એક રાજકીય પ્રચાર ફિલ્મ છે, તેથી તેને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાતમાં લેવી જોઈએ નહિ. આવી દલિલો સામે દલિલ એ પણ થઈ રહી છે કે તામિલનાડુમાં આ નવી વાત નથી. તામિલનાડુમાં ફિલ્મો રાજકીય પ્રચાર, હકીકતમાં ભરપુર દુષ્પ્રચાર માટેનું માધ્યમ પહેલેથી જ રહી છે.

જયલલિતાના ગુરુ રામચંદ્રન હીરો તરીકે આવી જ ફિલ્મો બનાવતા હતા અને લોકપ્રિય થયા હતા. તેમના હરીફ કરુણાનિધિ આવી જ ફિલ્મોના લેખક હતા. રજનીકાંત પણ આવી જ ફિલ્મો બનાવીને હવે અભિનેતામાંથી રાજનેતા બનવા માગે છે. કમલહાસન પણ એ જ રસ્તે હોય ત્યારે વિજય શા માટે તે માર્ગ ના પકડે તે સવાલ છે.

આ ફિલ્મનું નિર્માણ કર્યું છે સન ફિલ્મે. સન ફિલ્મ એટલે બદનામ અને ભ્રષ્ટ મારન બંધુઓની માલિકીની કંપની. કરુણાનિધિના ભાણીયાના સંતાનો તામિલનાડુમાં ભ્રષ્ટાચાર, દાદાગીરી, ગેરરીતિ, સગાવાદને કારણે અબજોપતિ થઈ ગયા છે. ટીવી ચેનલ અને ટીવી કેબલ પર તેમની મોનોપોલી છે. તેમણે બનાવેલી ફિલ્મમાં એઆઇએડીએમકેની બદનામી કરવામાં આવી હોય ત્યારે તેને કલા ફિલ્મ નહીં, પણ પ્રચાર કરનારી રાજકીય ફિલ્મ જ ગણવી પડે.
સામી બાજુ સરકારમાં બેઠેલા એઆઇએડીએમકેના નેતાઓ પણ કંઈ ગાંજ્યા જાય તેવા નથી. તેમના કાર્યકરો ફરી વળ્યા હતા અને સરકાર ફિલ્મોના પોસ્ટરો ફાડી નાખ્યા હતા. સન ફિલ્મના નિર્માતાએ મજબૂર થઈને ફિલ્મમાં ફેરફારો કરવા પડ્યા. મફતમાં મળતી વસ્તુઓ ફેંકી દેવાય છે તે દૃશ્યો કાપી નખાયા છે. કોમલાવલ્લીનું નામ લેવાતું હોય તે બધા અવાજ મ્યુટ કરી દેવાયા છે. બીજા પણ ફેરફારો કરાયો છે.જોકે આખરે ફિલ્મ અને ફિલ્મના નિર્માતાઓ જે કરવા માગતા હતા તે થઈને રહ્યું. વિવાદને કારણે કમાણી કરી લેશે. કમાણી કરવાનો હેતુ સિદ્ધ થઈ જશે. ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને વર્તમાન સરકારને બદનામ કરવાની હતી. તે બદનામી વધારે સારી રીતે થઈ શકી છે. સુપરસ્ટાર વિજયને રાજકારણમાં લાવવાનો છે અને તેનો તખતો તૈયાર કરવાનો છે. તે તખતો પણ તૈયાર થઈ ગયો.

રાજાશાહી હોય કે લોકશાહી, રાજા મદદ કરે કે ના કરે, શાસકો સારો વહીવટ આપે કે ના આપે, પ્રજાએ આખરે મૂરખ જ ઠરવાનું હોય છે એ સનાતન સત્ય છે. આ તે કેવું સત્ય… આવા સબ્જેક્ટ પણ કોઈ સારી ફિલ્મો કેમ બનાવતું નથી?