ગુજરાતમાં ચૂંટણીની તારીખની જાહેરાતમાં વિલંબને લીધે શંકા

વડાપ્રધાન બન્યા એ પહેલા નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન તરીકે જેને દેશમાં એક ઉમદા દ્રષ્ટાંત સમાન મોડેલ સ્ટેટ બનાવ્યું છે તે ગુજરાત રાજ્યમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે, પણ ચૂંટણી પંચે હજી સુધી એ માટે તારીખ જાહેર કરી નથી. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નક્કી કરી એ જ દિવસે એણે ગુજરાતની ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવાની હતી, પણ એણે તેમ ન કરતાં વ્યાપક રીતે ચર્ચા ચગી છે.

વિરોધ પક્ષો તરફથી આક્ષેપ કરાયો છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ચૂંટણી પંચના કામકાજમાં દખલગીરી કરી રહી છે. ગુજરાત સરકારે અમુક જનવિકાસના કાર્યો પૂરા કરવાના હજી બાકી છે એટલે આચારસંહિતા લાગુ કરવાનું મોડું કરવા માટે એ રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં ઈરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી સરકારે ગયા વર્ષના નવેંબરમાં જે રીતે નોટબંધીની જાહેરાત કરી હતી એને પગલે એવી ચર્ચા શરૂ થઈ હતી કે ભારતીય રીઝર્વ બેન્કની સ્વાયત્તતા જેવું હવે કંઈ રહ્યું નથી અને તે કેન્દ્ર સરકારના આદેશ મુજબ કામ કરે છે. હવે એવી જ હાલત વડા ચૂંટણી કમિશનર એ.કે. જોતિની આગેવાની હેઠળના ચૂંટણી પંચની થઈ છે એવા આક્ષેપો છે.

ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ જ કહ્યું છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત, બંને રાજ્યની વિધાનસભાની મુદત એકસાથે પૂરી થઈ રહી છે તેથી બંને રાજ્યમાં ચૂંટણીની તારીખ સાથે જ થવી જોઈતી હતી. ગુજરાત માટે ચૂંટણીની તારીખ જાહેર ન કરાઈ એને કારણે શંકાનો જન્મ થયો છે.

ઉલ્લેખનીય છે કે બંને રાજ્યની હાલની વિધાનસભાની મુદત આવતા વર્ષના જાન્યુઆરીમાં પૂરી થાય છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદત 7 જાન્યુઆરીએ તો ગુજરાતની 22 જાન્યુઆરીએ પૂરી થાય છે, પણ ચૂંટણી પંચે માત્ર હિમાચલ પ્રદેશમાં જ ચૂંટણીની તારીખ નક્કી કરી છે – 9 નવેંબરે મતદાન અને 18 ડિસેંબરે પરિણામ. હવે ધારો કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ 18 ડિસેંબર પછી થાય તો એના પરિણામ પર હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામની અસર જરૂર પડે.

વિરોધ પક્ષ કોંગ્રેસનો આક્ષેપ છે કે વડાપ્રધાન મોદીનું 16 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે જવાનું નક્કી હતું એને કારણે જ ગુજરાતમાં ચૂંટણીની તારીખ ઘોષિત કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. જો વડાપ્રધાન મોદી આચારસંહિત લાગુ કરાઈ ગયા બાદ ગુજરાતમાં જાત તો એ પક્ષના પ્રચારક તરીકે ગયા એવું ગણાત અને લોકોને લાભદાયી જાહેરાતો કે વચનો આપી ન શકત.

અખબારી અહેવાલો અનુસાર ગુજરાત સરકારે ચૂંટણી પંચને ઔપચારિક રીતે એવી વિનંતી કરી હતી કે રાજ્યના સાત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસનના કામો હજી ચાલુ છે તેથી હાલ જો ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવે તો એ કામો પર માઠી અસર પડે.

ચૂંટણી પંચના વડા કમિશનર જોતિ કહી ચૂક્યા છે કે હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામની તારીખ – 18 ડિસેંબર પૂર્વે જ ગુજરાતમાં ચૂંટણી યોજવામાં આવશે.

અચલ કુમાર જોતિની નિમણૂક ચૂંટણી કમિશનર તરીકે 2015ના મે મહિનામાં કરાઈ હતી. ત્યારબાદ આ વર્ષની 6 જુલાઈએ એ વડા ચૂંટણી કમિશનર બન્યા હતા. 2010થી 2013 દરમિયાન તેઓ એ વખતના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પદે હતા.

ચૂંટણી પંચના કામમાં ભાજપની કોઈ દખલગીરી નથીઃ રૂપાણીની સ્પષ્ટતા

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થવાથી શરૂ થયેલી ચર્ચાને લીધે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અમુક સ્પષ્ટતા કરવી પડી છે. એમણે કહ્યું છે કે ચૂંટણી પંચના કામકાજમાં ભારતીય જનતા પાર્ટી કોઈ રીતે દખલગીરી કરતી નથી. રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર કરવાનું કામ ચૂંટણી પંચનું છે.

વિરોધ પક્ષ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે નરેન્દ્ર મોદીની કેન્દ્રીય ભાજપ સરકાર ચૂંટણી પંચની કામગીરીમાં ખૂબ દખલ દઈ રહી છે.

રૂપાણીનું કહેવું છે કે ગુજરાતમાં ચૂંટણી સમયસર જ યોજાશે અને વિરોધ પક્ષે તો જ વિરોધ કરવો જોઈએ જો અમે ચૂંટણી યોજવાનું મોડું કરાવતા હોઈએ.

‘ગુજરાત સરકાર જો રાજ્યમાં વિકાસલક્ષી કામોનો અમલ કરાવતી હોય તો એમાં ખોટું શું છે? અમને ચૂંટણીની તારીખ સાથે કોઈ લેવાદેવા નથી. અમે છેલ્લી તારીખ સુધી જનતાની સેવા કરવાનું ચાલુ રાખીશું. જેવી ચૂંટણીની તારીખ નક્કી થશે કે અમે એ કામો કરવાનું બંધ કરી દઈશું,’ એવું રૂપાણી આક્ષેપોના જવાબમાં કહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]