દુર્ગાનું દીકરી તરીકેનું પણ એક સ્વરૂપ…

વરાત્રી અને દશેરા સાથે શક્તિ સંપ્રદાયની દેવીઓની અનેક કથા જોડાયેલી છે. દશેરાની કથા દેવીકથા સાથે રામકથાને પણ જોડે છે. ગુજરાતમાં અંબે માના ગરબા ગાજે, ત્યારે પૂર્વમાં બંગાળમાં દુર્ગા પૂજાની ધૂમ મચે. દરમિયાન એક સંશોધન વાંચવામાં આવ્યું કે સમુહગાનથી શાતા મળે છે. આ વાત વિચિત્ર પ્રકારના સ્ટેપ કરીને ગ્રુપમાં કૂદાકૂદ કરનારી પેઢીને  નહીં સમજાય, પણ ગોળાકારમાં ગરબો ગાતા ગાતા ઘૂમનારી નારીને ખ્યાલ આવશે કે કેવો આનંદ મળતો હોય છે. સમુહગાનને કારણે હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ એક સમાન થાય છે અને તેના કારણે શરીરની ગતિવિધિઓ પણ લયમાં આવે છે.

તહેવારોની ઉજવણી સામુહિક રીતે થાય છે. તેના કારણે પણ પ્રજાજીવનમાં આનંદનો સરવાળ થતો હશે. સાથે જ તહેવાર સાથે એકથી વધુ કથાઓ જોડી દેવામાં આવતી હોય છે. તેમાં પણ સમાજ જીવનનું જ માહાત્મ્ય થતું હોય છે. સામાજિક સંબંધોના તાણાવાણાને તેમાં એવી રીતે વણી લેવામાં આવે છે કે ગૂંચ ના થાય, પણ એક સરસ મજાની ભાત ઉપસે. તાણા અને વાણા મળીને પોત તૈયાર થાય, જે જલદી ફાટે  નહીં.

દુર્ગા પૂજા સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંની સૌથી જાણીતી મહિષાસુર મર્દિનીની કથા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી મહિષ અસુરને જુદી રીતે જોવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. મહિષ અસુરને અયોગ્ય પદ્ધતિએ મારી નાખીને એક સંસ્કૃત્તિ ખતમ કરવામાં આવી હતી. વીજેતા પ્રજાએ હારેલી પ્રજાને રાક્ષસી ચીતરવા માટે ધર્મ અને તહેવારનો આશરો લીધો. કથાઓમાં આપણે ત્યાં ઇતિહાસને વણી લેવામાં આવે છે. પછી ઇતિહાસ અને કલ્પનાની ભેળસેળ થાય, જે આગળ જતા છુટી પાડવી મુશ્કેલ બને.

આ સિવાયની એક કથા બંગાળના કુટુંબમાં પરંપરાગત રીતે સાંભળવામાં આવતી રહી છે – તે છે દુર્ગાની એક દીકરી તરીકેની કથા. દીકરી પણ હવે પરણીને સાસરે જતી રહેલી દીકરી. દીકરી મહિયર આવે છે અને પિયરમાં ચાર દિવસ રહીને ફરી સાસરે જતી રહે છે. આ એક કુટુંબ કથા છે. પારિવારિક સંબંધોના તાણાવાણાની કથા. દીકરી ભૂલાતી નથી, પણ દીકરી પારકી થઈ ગઈ છે એટલે તે મળવા આવે, પણ તેણે પરત ફરવું પડે પોતાના ઘરે. આ સ્થિતિ યોગ્ય છે કે અયોગ્ય તેમાં પડ્યા વિના સામાજિક બંધનો કેવા કામ કરે છે તે કથા મારફતે વ્યક્ત થાય છે.

નવરાત્રી નવ દિવસની, પણ દીકરી દુર્ગા છઠના દિવસે પિયર આવે છે. નવમી તેનો આખરો દિવસ. દસમા દિવસે ફરી પતિ મહાદેવ તેડવા આવી જાય છે.

કથાની શરૂઆત દીકરીની યાદ સાથે થાય છે. એક વર્ષથી દીકરી મળવા આવી નથી. સાસરે શું કરતી હશે, કેમ રહેતી હશે, પિયરને યાદ કરતી હશે કે  નહીં અને હવે મળવા આવશે કે  નહીં એની ચિંતા માને થઈ રહી છે. દીકરી દુર્ગાની એટલે કે પાર્વતીની એટલે કે ઉમાની મા તેના પિતા અને પોતાના પતિને ઠપકો આપે છે. ‘એક વરસ થઈ ગયું. મારી દીકરીના કંઈ ખરખબર નથી. તમે જરાક તપાસ તો કરાવો. દીકરીને તેડી તો આવો. સ્મશાનમાં ભૂતપ્રેત વચ્ચે બેસી રહેતા જમાઈરાજ મારી દીકરીની શી કાળજી લેતા હશે. કેમ રહેતી હશે મારી દીકરી. તમે જઈને તેડી આવો.’ દીકરીની યાદમાં વ્યાકુળ મા કહે છે કે આ વખતે દીકરી આવે પછી પાછી જ નથી જવા દેવી.

સાસરે જતી રહેલી દીકરી કુટુંબની ક્યારેય મટી જતી નથી તે ભાવના અહીં વ્યક્ત થઈ રહી છે. પણ વાસ્તવિકતા એ છે કે દીકરી મળવા આવે, પણ તેણે પતિગૃહે ફરી જવું પડે. દીકરીની યાદની ઉદાસી, તેના સુખની ચિંતા, પણ પછી દીકરી આવે અને ચાર દિવસ આનંદમંગળમાં પસાર પણ થાય. પછી ફરી સામાજિક વાસ્તવિકતા. ફરી દીકરીને વિદાય. ફરી એક વર્ષની રાહ દીકરી મળવા આવે તેની જોવાની.

પિતા ગિરિરાજ દીકરીને તેડવા માટે કૈલાસ જવા રવાના થયા. ઉમાની માતા મયણા હવે રાજી રાજી થવા લાગી છે. પોતાની દીકરી ફરી આવશે અને ઘરમાં ફરી કિલ્લોલ થશે. મયણા દીકરીની સ્વાગતની તૈયારીમાં લાગે છે. નગરવાસીઓને પણ કહે છે કે ઉમા આવે છે. નગરવાસીઓ ગામની લાડકી ફરી આવે છે તેને વધાવવા તોરણ લગાવે છે. આંગણા સજાવે છે. ઉમા આવે છે, ઉમા આવે છે એવા નાદથી ગામમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે.

સાતમના દિવસે ઉમા પિયરમાં આવે છે. એક વર્ષ પછી દીકરીને મળી રહેલી માનો ઉમળકો ક્યાંય સમાતો નથી. ઉમાના આગમનથી નગરમાં પણ મંગળ ગીતો ગુંજી રહ્યા છે. સમગ્ર નગર ઉલ્લાસમય છે, કેમ કે લાંબા સમય પછી સ્વજનનું મિલન થયું છે.

આઠમનો ઉત્સવ અનેરો છે. ઉમા સાસરે જતી રહી છે તે વાત જ ભૂલાઈ ગઈ છે. ઉમા ગામની દીકરી, અહીં જ જન્મી, મોટી થઈ, આ જ ગલીઓમાં હસતી, કુદતી, ખેલતી ઉમા પોતાના વીતેલા બચપણને માણી રહી છે. વ્યક્તિ ગમે તેવા દુખમાં હોય, બચપણને યાદ કરે એટલે આનંદની પ્રાપ્તિ થાય છે. દુખમાં વીતેલું બચપણ પણ યાદગીરીમાં સુખમય થઈને આવે છે. કદાચ બચપણની મજા જ એ છે. કપરા કાળને બાળક  નહીં જાણતું હોય તેમ  નહીં, પણ પોતે આમાં કશું કરી શકે તેમ નથી તે જાણતું હશે. કદાચ કશું કરી શકાય તેની પણ બાળકને ખબર નથી. બાળકને જીવનનો એટલો જ અનુભવ થયો છે જે પ્રાપ્ત થાય છે તેનો સ્વીકાર કરવાનો છે. થોડું રડવાનું છે, ને પછી તરત હસવાનું છે.

બચપણની એ ફિલોસોફી જીવનભર આપણે પાળી શકતા નથી. કદાચ તેથી જ બચપણને યાદ કરીને ખુશ થયા કરીએ છીએ અને વર્તમાન જીવનનો અફસોસ. ઉમા અને મયણા અને આખું ગામ જાણે વર્તમાન સ્થિતિ ભૂલીને બચપણમાં ઉમા અહીંની જ દીકરી હતી અને આનંદ આનંદ હતો, તે યાદમાં તરબોળ છે.

એક સરખા દિવસો કદી કોઈના જતા નથી. દિવસ ગમે તેટલો આનંદમય હોય, વીતી જાય છે. આઠમની રાત ઉલ્લાસમાં વીતી ગઈ. નવમીની પરોઢ થઈ અને ફરી યાદ મા મયણાને કે દીકરી માવતરને મળવા આવી છે. દીકરી માવતરમાં રહેવા નથી આવી. નવમીની રાત દીકરીની છેલ્લી રાત. દીકરી ફરી દસમના દિવસે પોતાના દેશ જતી રહેશે.

માતા પ્રાર્થના કરે છે નવમી ભલે આવે, પણ નવમીની રાત પડે જ  નહીં. નવમીની રાત વિદાય લે જ  નહીં. નવમીની રાત સદાય રોકાય જાય. પણ એવું થતું નથી. ભારતીય પરંપરામાં દીકરી સદાય માવતરના ઘરે રહી શકતી નથી. નવમીનો દિવસ વીતે અને નવમીની રાત પડે એટલે તેની વિદાયનો સૂરજ ઉગવાની ઘડીઓ ગણાવા લાગે.

નવમીની રાત પણ વીતિ ગઈ. ઉમા સાથે આનંદમાં તરબોળ સૌ હવે નવા દિવસના અને તેડવા આવનારા મહાદેવની રાહમાં છે. ડમરુ વગાડતા શિવજી આવી રહ્યા છે. ડમરુનો અવાજ સાંભળીને હજી પણ મયણા કહે છે કે રોકો કોઈ મહાદેવને. પહેરદારોને કહે છે કે જાવ અને શિવજીને નગરના દ્વારે જ રોકી દો. તેમને નગમરાં ના આવવા દો. હું મારી દીકરી ઉમાને નહી જવા દઉં. ત્રણ દિવસથી મારી સાથે રહીને કેટલી ખુશ છે. તેની ખુશી હું તૂટવા  નહીં દઉં. તે હવે મારી પાસે જ રહેશે.

દીકરી ઉમા ખુદ માતાને સમજાવે છે. મૈયા, તારી સાથે ત્રણ દિવસ રહી. મૈયા તારી સાથે મારું આખું બચપણ વીતાવ્યું છે, પણ હવે મારે મારા ઘરે જવાનું છે. ને મા તું પણ દીકરી છે. તું પણ તારું પિયર છોડીને મારા પિતાને ઘરે આવી છો. તું આ ઘરને મારું કહી રહી છે. એમ મારુંય ઘર છે. માતા તું તો હવે પિયર પણ જઈ શકતી નથી. પણ હું તો હજી આવું છેને દર વર્ષે એક વાર તમને મળવા…

ફરી એકવાર દીકરીની વિદાય. દસમીએ ઉમા, પાર્વતી, દુર્ગાની વિદાય. વિષાદ પણ છે દીકરીને વિદાય આપવાનો, પણ ખુશી પણ છે કે ત્રણ દિવસ દેવી સૌની સાથે રહી હતી. એક તરફ દીકરીની વિદાયનો વિષાદ, બીજી તરફ દીકરી ખુશીથી સ્વગૃહ જઈ રહી છે તેનો આનંદ. સુખ અને દુઃખ એક સાથે… જીવન, સમાજ, પરિવારની આ કથાઓ વારંવાર સૌ સાંભળે છે. દર વર્ષે એક સરખી તલ્લીનતાથી સાંભળે છે. દર પેઢી નવેસરથી કથા સાંભળે છે. કારણે કે દિવસ બદલાવા સાથે જીવન બદલાતું નથી. પેઢી બદલાવા સાથે જીવન બદલાતું નથી. એનું એ જ જીવન, એની એ જ કથા. એના એ જ તહેવારો. એનો એ જ ઉત્સવ. અને એનું એ જ વિસર્જન અને સમાપન.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]