20 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવતા નિર્ણય વિરુદ્ધ AAP કોર્ટમાં જશે

નવી દિલ્હી – દિલ્હીની શાસક આમ આદમી પાર્ટી (AAP)ના 20 વિધાનસભ્યોને લાભનું પદ સ્વીકારવાના મામલે અયોગ્ય ઘોષિત કરવાની ચૂંટણી પંચની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે માન્ય રાખી છે. આ સાથે કેન્દ્ર સરકારે પણ AAPના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણય વિશે નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આમ, આ 20 વિધાનસભ્યોનું સભ્યપદ રદબાતલ થયું ગણાય. 70-સભ્યોની દિલ્હી વિધાનસભામાં AAPના 67 સભ્યો છે અને બાકીના ત્રણ સભ્યો ભાજપના છે.

જોકે AAP પાર્ટીએ કહ્યું છે કે તે આ મામલે દિલ્હી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જશે.

AAPના નેતા અને દિલ્હી સરકારના પ્રધાન ગોપાલ રાયે કહ્યું છે કે અમે રાષ્ટ્રપતિને મળવાની આશા રાખી હતી જેથી અમને અમારી રજૂઆત કરવાનો મોકો મળે. એમાં હવે સમાચાર આવ્યા કે અમારા 20 સભ્યોને ગેરલાયક ઠેરવવાની ચૂંટણી પંચની ભલામણનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. હવે જરૂર પડશે તો અમારી પાર્ટી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જશે.

AAPનાં વિધાનસભ્ય અલકા લામ્બા, જેમનો સમાવેશ ગેરલાયક ઠેરવવામાં આવેલા 20 જણમાં થયો છે, એમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ ઉતાળવે નિર્ણય લીધો છે એ કમનસીબ બાબત છે. અમને કંઈ જણાવવાનો મોકો જ ન આપ્યો. અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા અમારે માટે ખુલ્લા છે.

તમામ 20 વિધાનસભ્યોએ એમને ગેરલાયક જાહેર કરતી ચૂંટણી પંચની ભલામણને દિલ્હી હાઈ કોર્ટમાં પડકારી હતી, પણ ન્યાયમૂર્તિ રેખા પલ્લીએ કોઈ પણ વચગાળાનો ઓર્ડર આપવાનો ઈનકાર કર્યો હતો.

બીજી બાજુ, ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને સંસદસભ્ય મીનાક્ષી લેખીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યો છે કે ભાજપ/કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ પર દબાણ કર્યું હતું, પણ એ આરોપ સાવ ખોટો છે. ચૂંટણી પંચે બંધારણીય રીતે નિર્ણય લીધો છે. એનું કામ કાયદાનું પાલન કરવાનું છે.

કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કહ્યું કે ભાજપ અને ચૂંટણી પંચે નિર્ણય લેવામાં મોડું કરીને AAPને મદદ કરી છે. જો આ વિધાનસભ્યોને વહેલા ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હોત તો તેઓ રાજ્યસભાના સંસદસભ્યોની ચૂંટણી કરી શકત નહીં.

AAPના એ 20 વિધાનસભ્યો આ છે… શું છે લાભના પદનો મામલો?

અલકા લામ્બા (ચાંદની ચોક), સરિતા સિંહ (રોહતાસ નગર), વિેજેન્દ્ર ગર્ગ (રાજેન્દ્ર નગર), સંજીવ ઝા (બુરાડી), રાજેશ ગુપ્તા (વઝીરપુર), નીતિન ત્યાગી (લક્ષ્મી નગર), પ્રવીણ કુમાર (જંગપુરા), શરદ કુમાર ચૌહાણ (નરેલા), મનોજ કુમાર (કોંડલી), આદર્શ શાસ્ત્રી (દ્વારકા), કૈલાશ ગેહલોત (નજફગઢ), મદનલાલ ખુફિયા (કસ્તુરબા નગર), શિવચરણ ગોયલ (મોતીનગર), નરેશ યાદવ (મેહરૌલી), રાજેશ રિષી (જનકપુરી), અનિલકુમાર બાજપાઈ (ગાંધીનગર), સોમ દત્ત (સદર બાઝાર), અવતાર સિંહ (કાળકાજી), સુખવીર સિંહ દલાલ (મુંડકા), જરનૈલ સિંહ (તિલક નગર).

લાભનું પદ સ્વીકારવાના મામલે અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણી પંચને AAP 21 વિધાનસભ્યોના નામ આપવામાં આવ્યા હતા, પરંતુ એમાંના એક અન્ય જરનૈલ સિંહ (રાજૌરી ગાર્ડન બેઠક પરથી જીતેલા)એ પંજાબમાં ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. તેથી 20 વિધાનસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે.

દિલ્હીની શાસક આમ આદમી પાર્ટીની સરકારે 2015માં પોતાની પાર્ટીના 20 વિધાનસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. વકીલ પ્રશાંત પટેલ (ડાબે તસવીરવાળા)એ રાષ્ટ્રપતિને લેખિતમાં વિનંતી કરી હતી કે AAPના આ 20 વિધાનસભ્યો લાભના પદ ઉપર છે, તેથી એમનું વિધાનસભ્ય પદ રદ કરવું જોઈએ. દિલ્હીની સરકારે દિલ્હી એસેમ્બલી રિમૂવલ ડિસ્ક્વોલિફિકેશન એક્ટ-1997માં ફેરફાર કર્યો હતો. તે ખરડાનો આશય સંસદીય સચિવના પદને લાભના પદથી મુક્તિ અપાવવાનો હતો, પરંતુ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તે ખરડાને મંજૂરી આપી નહોતી.

નિયમ અનુસાર, કોઈ પણ સંસદસભ્ય કે વિધાનસભ્ય કોઈ પણ પ્રકારના લાભના પદ પર રહી ન શકે.

કેજરીવાલનો વિશ્વાસઃ ‘અંતે સત્યની જીત થશે’

પોતાની પાર્ટીના 20 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવતી ભલામણ પર રાષ્ટ્રપતિની મંજૂરી વિશે AAPના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે નજફગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું કે, ‘એ લોકોએ (ભાજપવાળાઓએ) અમને ખૂબ ત્રાસ આપ્યો છે. અમારા વિધાનસભ્યો વિરુદ્ધ નકલી કેસ કરાવ્યા. મારી પર સીબીઆઈ દ્વારા દરોડા પડાવ્યા. પરંતુ એમને કંઈ મળ્યું નહીં. આખરે આજે એમણે અમારા 20 વિધાનસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા. પરંતુ ઉપરવાળો (ઈશ્વર) આમ આદમી પાર્ટીની સાથે છે. અમને જરૂર ન્યાય મળશે, અંતે જીત સત્યની જ થશે. ઉપરવાળાએ AAPને વિધાનસભાની 67 સીટ સમજીવિચારીને જ આપી હતી. ડગલે ને પગલે ઉપરવાળો આમ આદમી પાર્ટીની સાથે છે, નહીં તો અમારી તો હેસિયત જ નહોતી. બધો ઉપરવાળાનો ચમત્કાર છે. એમને પણ ખબર હશે કે ત્રણ વર્ષ બાદ આ લોકો અમારા 20 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવી દેશે એટલે જ ઉપરવાળાએ અમને કુલ 70માંથી 67 બેઠકો અપાવી હતી. સત્યનો માર્ગ વિઘ્નોથી ભરેલો હોય છે, પણ ઉપરવાળાની શક્તિ ચોક્કસ મદદ કરે છે. અમારા 20 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બતાવે છે કે બંધારણીય સત્તાધિશો કેન્દ્ર સરકારના હાથના રમકડાની જેમ વર્તે છે.’