ગુજરાતમાંથી પરપ્રાંતિયોની હિજરતઃ રૂપાણી, અલ્પેશ સામે બિહારમાં કેસ…

ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર કરાયેલા હુમલાઓના મામલે નવો વળાંક આવ્યો છે. બિહારથી ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય મજૂરો પર કરાયેલા હુમલા સામે બિહારના પટનાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત કોંગ્રેસના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર સામે કરવામાં આવ્યો છે.

સામાજિક કાર્યકર્તા તામન્ના હાશ્મીએ મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો છે.

હાશ્મીએ એમની પીટિશનમાં કહ્યું છે કે ગુજરાતમાં બિહારી સ્થળાંતરિત મજૂરો પરનો હિંસાચાર રોકવામાં રૂપાણી નિષ્ફળ ગયા છે અને અલ્પેશ ઠાકોરના ઠાકોર સેના સંગઠને સ્થળાંતરિત મજૂરોને ગુજરાતમાંથી ભાગવાની ફરજ પાડી છે.

કોર્ટે આ કેસમાં સુનાવણી માટે બીજી નવેંબરની તારીખ નક્કી કરી છે.

અલ્પેશ ઠાકોર વિવાદમાં…

અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી કોંગ્રેસના વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગુજરાતમાં પરપ્રાંતિયો સામે હિંસાના 42 કેસ નોંધાયા છે. એમાં જે 342 લોકોની ધરપકડ કરવામાં આવી છે એમાંના મોટા ભાગના લોકો ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેના સાથે સંકળાયેલા હોવાનું માલૂમ પડ્યું છે.

ઠાકોરને ગુજરાતના ઉભરતા નેતાઓમાંના એક તરીકે ગણવામાં આવ્યા છે.

અલ્પેશ ઠાકોર ઉપરાંત હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની યુવા ત્રિપુટીએ ગુજરાતમાં વિધાનસભાની ગઈ વેળાની ચૂંટણી પૂર્વે શાસક ભારતીય જનતા પાર્ટી સામે મોટો પડકાર ઊભો કર્યો હતો. આ ત્રણેયને અનુક્રમે ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ), પાટીદાર તથા અનુસૂચિત જાતિનાં લોકોનો ટેકો છે.

2016માં, અલ્પેશ ઠાકોરની રાજકીય મહત્ત્વાકાંક્ષા નહોતી. એમણે ત્યારે કહેલું કે હું ચૂંટણી લડવાનો નથી કે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. પરંતુ ગુજરાતની ચૂંટણીના અમુક મહિના પૂર્વે જ એ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને આખરે વિધાનસભાની ચૂંટણી પણ લડીને જીત્યા હતા. એમણે ભાજપના ઉમેદવારને 15 હજાર મતોથી હરાવ્યા હતા.

ચૂંટણી પૂર્વે અલ્પેશે કરેલા પ્રચારથી એમને ફાયદો થયો હતો – ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં. એમણે એવો દાવો કર્યો હતો કે એમની ક્ષત્રિય ઠાકોર સેના, જે 2012માં રચાઈ હતી, એમાં 6.5 લાખ રજિસ્ટર્ડ સભ્યો છે અને 7000 ગામોમાં એની સમિતિઓ છે.

ગઈ 28 સપ્ટેંબરે બિહારના એક મજૂરે ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં 14-મહિનાની એક બાળકી પર બળાત્કાર કર્યો હોવાનું કહેવાય છે. એને પગલે ઠાકોર સેના અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિય લોકોની રહેણાંક વસ્તીઓમાં હુમલા કર્યા હોવાનું કહેવાય છે.

43 વર્ષીય અલ્પેશે એવી ઝુંબેશ આદરી હતી કે ઉત્તર ગુજરાતમાં ઓટોમોબાઈલ મેન્યૂફેક્ચરિંગ કંપનીઓમાં સ્થળાંતરિત મજૂરોની જગ્યાએ સ્થાનિક મજૂરોને નોકરીએ રાખવા જોઈએ. એ માટે એમણે અધિકાર યાત્રા કાઢવાની પણ જાહેરાત કરી હતી, પણ બાદમાં રદ કરી હતી.

ઠાકોરનો આરોપ છે કે એમના સમુદાયને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઠાકોરને તાજેતરમાં જ બિહાર કોંગ્રેસનો ચાર્જ આપવામાં આવ્યો હતો.