પાલઘરની પેટાચૂંટણીના મુદ્દે ફરી સેના-ભાજપમાં વિખવાદ

હારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સંબંધો કડવાશભર્યા બન્યાં છે, તે નવી વાત નથી. પરંતુ તેમાં એક એક પ્રકરણ ઉમેરાતું જાય છે અને લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધીમાં સંબંધો સુધરે તેના કરતાં બગડે તેવા સંજોગો નિર્માણ પામી રહ્યાં છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામો દેશના રાજકારણમાં નવા સમીકરણો રચશે, પણ લાગે છે કે ભાજપ અને શિવસેના વચ્ચે હવે સમીકરણો સરળ રીતે બેસાડવા મુશ્કેલ બની ગયાં છે.હાલમાં જ બે પેટાચૂંટણીના કારણે ભાજપ અને શિવસેના સામસામે આવી ગયાં છે. બંને વચ્ચે ગઠબંધન ન રહે ત્યાં સુધી બરાબર છે, પણ બંને એકબીજાને નબળા પાડવા માટે જે રીતે પ્રયાસો કરી રહ્યાં છે તેના કારણે બંને પક્ષના સમજદાર નેતાઓ ચિંતામાં પડ્યાં છે. કડવાશ એટલી વધી જાય કે ભવિષ્યમાં જોડાણ કરવું અનિવાર્ય હોય તો પણ વટ ખાતર જોડાણ ન થાય અને વિપક્ષ ફાવે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.

ગુજરાત અને મુંબઈની લાઈન પર આવેલું જાણીતું સ્ટેશન એટલે પાલઘર. પાલઘર લોકસભા બેઠકની પેટાચૂંટણી 7મેના રોજ યોજાઈ ગઈ. આ સ્ટેશન બંને પક્ષોના સંબંધો માટે અગત્યનું સાબિત થશે, કેમ કે ભાજપમાંથી જેમને ટિકિટ મળવાની આશા હતી, તેમને ન મળી ત્યારે શિવસેનાએ તેમને આવકાર આપ્યો અને ટિકિટ પણ આપી.

પાલઘરમાંથી ગત ચૂંટણી વખતે ભાજપની ટિકિટ પર ચિંતામણ વનગા જીત્યાં હતાં. તેમના અવસાનથી આ બેઠક ખાલી પડી. રાજકીય રીત એવી છે કે વારસદારને ટિકિટ આપવામાં આવે. આ કિસ્સામાં પણ વનગા પુત્ર શ્રીનિવાસ વનગાને ટિકિટ મળશે તેવી અપેક્ષા હતી. તેવું થયું નહીં. ભાજપે તેમને ટિકિટ આપી નહી. નારાજ થયેલા વંગા શિવસેનામાં ભળી ગયા. શિવસેનાએ પણ મોકો જોઈને ભાજપના નારાજ નેતાને આવકાર્યા અને તેમને આ જ પેટાચૂંટણી માટે ટિકિટ આપી દીધી.

કોઈ નેતાનું મૃત્યુ થાય એટલે સહાનુભૂતિ ખાતર તેમના સંતાનોને ટિકિટ આપવાની આખી વાત જ વાહિયાત છે, પણ અહીં ચર્ચાનો મુદ્દો એ નથી. અહીં ચર્ચાનો મુદ્દો એ છે કે ભાજપે ટિકિટ સહાનુભૂતિના મોજા પર જીતી જાય એવા વારસદારને આપવાના બદલે એવા કોંગ્રેસી પાટલીબદલુને આપી, જે આવતા વખતે પૂર્ણ કક્ષાની ચૂંટણીમાં પણ જીતી શકે.

ભાજપે પોતાના જ નેતાને ટિકિટ ના આપી અને કોંગ્રેસમાંથી આવેતુને ટિકિટ આપી એથી ભાજપમાં પણ કચવાટ હતો. વનગાના ટેકેદાર જૂથમાં જાગેલી નારાજગીનો ફાયદો યોગ્ય રીતે શિવસેનાએ ઉપાડી લીધો.

તેના કારણે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બરાબરના અકળાયા છે. જોકે તેમણે વળી મહારાષ્ટ્રની પરંપરાની યાદ દેવરાવી. અહીં મોટી વક્રતા રહેલી છે. તેમણે પરંપરા યાદ કરાવી કે કોઈ નેતાનું અવસાન થાય અને પેટાચૂંટણી થાય ત્યારે તે બેઠક પર મોટા ભાગે વિપક્ષ પોતાનો ઉમેદવાર મૂકતો નથી. શિવસેનાએ આ પરંપરાનો ભંગ કર્યો છે અને આ બેઠક અમારી હતી અને અમારા ઉમેદવારના અવસાનને કારણે ખાલી પડી ત્યારે અમારે માટે છોડી દેવી જોઈએ હતી એમ ફડણવીસે કહ્યું. તેમણે બે દાખલા પણ આપ્યાં કે શિવસેનાના બાંદરાના ધારાસભ્ય અને શિવસેનાના મુંબઈના એક નગરસેવકના અવસાનથી ખાલી પડેલી બેઠકો પર ભાજપે પેટાચૂંટણીમાં ઉમેદવારો મૂક્યા નહોતા.

ફડણવીસ જોકે એ વાત કહેવાનું ભૂલી ગયા કે પરંપરા ભાજપે પણ તોડી અને અવસાન પામેલા નેતાના સગાને ટિકિટ ના આપી. ભાજપની બેઠક હોવા છતાં ભાજપના પણ કોઈ નેતાને ના આપી, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા પાટલીબદલુને આપી.

બીજી બાજુ પાલઘરના શિવસેનાના કાર્યકરોને અહીં તક દેખાઈ હતી. તેથી તેઓ ઉદ્ધવ ઠાકરેને ખાસ મળ્યા હતા અને સ્થાનિક નેતાઓના આગ્રહના કારણે ઉદ્ધવ ઠાકરેએ શ્રીનિવાસ વનગાને આવકાર આપીને ટિકિટ આપી દીધી તેમ મનાય છે.ફડણવીસે ખુલાસો કરવાની કોશિશ કરી કે ભાજપ શ્રીનિવાસને જ ટિકિટ આપવા માટે સર્વસંમતિ તૈયાર કરી રહ્યું હતું. તે જ વખતે શિવસેનાએ તેમને હાઈજેક કરી લીધા. તેમણે એવો પણ દાવો કર્યો કે ‘પાંચ કે છ દિવસ સુધી શ્રીનિવાસને અજ્ઞાત સ્થળે રખાયા હતા, જેથી અમે તેમનો સંપર્ક ના કરી શકીએ.’

ફડણવીસ ખોટી વાત કરી રહ્યા છે તેમ પાલઘરના સ્થાનિક ભાજપના નેતાઓ જ કહે છે. જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર શ્રીનિવાસને ટિકિટ નહીં મળે તે નક્કી જેવું લાગતું હતું, કેમ કે પિતાના પગલે શ્રીનિવાસ રાજકારણમાં એટલા સક્રિય નહોતા. ભાજપના કાર્યકરો સાથે શ્રીનિવાસનો કોઈ પરિચય નહોતો તેમ પણ સ્થાનિક કાર્યકરો કહે છે.
દરમિયાન શ્રીનિવાસને શિવસેનાના કાર્યકરો લઈ ગયા એટલે ભાજપને ફાવતું ને વૈદ્યે કહ્યું એવું થયું. ભાજપે તેમને ટિકિટ મનાઇ માટે બહાનું શોધવાની જરૂર રહી નહી.

ફડણવીસ પેટાચૂંટણી જીતીને શિવસેનાને મેસેજ આપવા માગે છે કે ભાજપના સાથ વિના શિવસેનાનું કોઈ વજૂદ નથી. તેમણે આ પેટાચૂંટણી હોવા છતાં તેમાં બહુ રસ લીધો છે. ઉમેદવારની પસંદગીમાં પણ તેમનો જ હાથ હોવાનું કહેવાય છે. ભૂતકાળમાં કોંગ્રેસમાં પ્રધાન રહી ચૂકેલા રાજેન્દ્ર ગાવિતને તેઓ જ લઈ આવ્યા હોવાનું કહેવાય છે.

શિવસેના માટે પણ પેટાચૂંટણી એક મેસેજ આપવાનો અને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાની તક હતી. તેથી ઉદ્ધવ ઠાકરેએ રિસ્ક લીધું અને ભાજપ સામે ભાજપને સોખમણ થાય તેવો ઉમેદવાર મૂક્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે આ રીતે જ લડવાનું થશે ત્યારે કઈ રીતે લડવું તેનું રિહર્સલ આ બેઠક પર થઈ ગયું છે.
બીજું ભાજપ વિરુદ્ધ ગ્રાન્ડ એલાયન્સ તૈયાર થાય ત્યારે શું કરવું તેનો ટેસ્ટ પણ શિવસેનાએ અન્ય એક પેટાચૂંટણીમાં કરી લીધો છે. પાલઘરની સાથે જ કોંગ્રેસના જાણીતા નેતા પતંગરાવ કદમના અવસાનથી ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી હતી. પલૂસ કડેગાવ બેઠક પર તેમના અવસાન પછી તેમના પુત્ર વિશ્વજિતને કોંગ્રેસે ટિકિટ આપી. ફડણવીસ જે પરંપરાની વાત કરે છે તે પ્રમાણે તેમણે અહીં ઉમેદવાર મૂકવાની જરૂર નહોતી. પરંતુ તેમણે જ પરંપરા તોડી અને ભાજપનો ઉમેદવાર અહીં મૂકાયો છે.તેની સામે શિવસેનાએ જે પગલું લીધું તે ચોંકાવનારું છે. શિવસેનાએ પાલઘર પછી અહીં પણ ભાજપને મૂઝવણમાં મૂકી દીધો છે. શિવસેનાએ જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજિતને ટેકો આપશે. તેના કારણે કોંગ્રેસ માટે આ બેઠક સલામત થઈ ગઈ છે.

સાંગલી જિલ્લામાં આવેલા આ વિસ્તારમાં શિવસેના એટલી મજબૂત નથી, તેથી પોતાનો ઉમેદવાર મૂક્યો હોત તો કોઈ ફાયદો થવાનો નહોતો. ફાયદો થયો હોત તો ભાજપને થયો હતો. પરંતુ ભાજપને ફાયદો ના થાય અને કોંગ્રેસને ફાયદો થાય તે રીતે શિવસેનાએ નિર્ણય લીધો તેના પડઘા પડવા લાગ્યા છે, જે લોકસભાની આગામી ચૂંટણી સુધી પડતા રહેશે.

થોડા વખત પહેલાં એનસીપીના નેતા શરદ પવાર અને મનસેના નેતા રાજ ઠાકરે પણ એક મંચ પર એકઠા થયા હતા. તેમના દ્વારા પણ ટેસ્ટિંગ થઈ રહ્યું હતું કે પ્રજા તેમને બંનેને એક સ્ટેજ પર જોઈ શકે છે ખરા. એટલે કશ્મીરમાં જો ભાજપ પીડીપી સાથે બેસી શકતો હોય તો મહારાષ્ટ્રમાં પણ શિવસેના અને મનસે કોંગ્રેસ અને એનસીપી સાથે બેસી શકે છે તેમ જાણકારો કહેવા લાગ્યા છે.