તમારા ક્રેડિટ કાર્ડની ક્વેરી આદિવાસી કન્યાએ સોલ્વ કરી, કેમ કે…

દાંતેવાડા એવું કહીએ ત્યારે કેટલાકને યાદ આવી જશે, પણ બસ્તર કહીએ તો બધાને યાદ આવી જાય. યાદ આવી જાય કે સૌથી નપાણિયા વિસ્તારની વાત થઈ રહી છે. બસ્તર એટલે આદિવાસી વિસ્તાર, ભૂખમરાથી ઉજ્જડ થઈ ગયેલો વિસ્તાર એ છાપ આપણા મનમાં દૃઢ રીતે બેસી ગયેલી છે. એ વિસ્તારનું એક અગત્યનું શહેર એટલે દાંતેવાડા. દાંતેવાડા પણ નિયમિત સમાચારો વાંચનારે યાદ આવે, કેમ કે નક્સલવાદી હુમલા અથવા નક્સલીઓને અથડામણમાં ઠાર કરાયા હોય તે સમાચાર આવે ત્યારે તેમાં દાંતેવાડા જિલ્લાનું નામ આવે.દાંતેવાડા પણ એ જ ચિત્ર આપણા મનમાં ઊભું કરે છે – પછાત, અંતરિયાળ, ઉજ્જડ આદિવાસી વિસ્તાર. આ દાંતેવાડામાં બીપીઓ ચાલે છે તેવા સમાચાર નવાઈ પમાડે છે. ચાલે છે એટલું જ નહિ, પણ ધમધોકાર ચાલે છે અને અહીંના શિક્ષણનો લાભ લઈ શકેલા યુવાનો માટે એક નવો માર્ગ ખૂલ્યો છે. ધરતીપૂત્રોનો ઉદ્ધાર કરી દઈશું તેવી સામ્યવાદી વિચારધારાના માર્ગે જવાના બદલે કામ કરો તો વહાલા લોકો જેવી દેશી ડહાપણની ભૂમિ તરફ આ વિસ્તારે ડગ માંડ્યા છે.

માર્કેટ ઇકોનોમી નિષ્ઠુર હોય છે. તે દયાભાવનામાં નથી માનતી, પણ તમે કામ કરો અને રિઝલ્ટ આપો બજારની ચાલ પ્રમાણે તમારા ભાવ ઊંચકાઇ શકે છે.

દાંતેવાડામાં એજ્યુકેશન સિટિ ઊભું કરવામાં આવ્યું હતું. એક વિશાળ શિક્ષણ સંકુલ, જ્યાં સ્થાનિક યુવાનોને દુનિયામાં ચાલતા ટ્રેન્ડ પ્રમાણેની ટ્રેનિંગ મળે. છત્તીસગઢ અલગ રાજ્ય થયું પછી તેની માળખાકીય સુવિધાઓ વધવા લાગી છે. સડક, બીજલી, પાની પછી છેલ્લા પાંચેક વર્ષથી કોલેજો ખોલવા તરફ વિશેષ ધ્યાન અપાયું હતું. દરેક જિલ્લામાં કોલેજ હોવી જોઈએ તેવા લક્ષ્ય સાથે વ્યવસાયી કોલેજો શરૂ કરાઈ હતી. વ્યવસાયી તાલીમ આપતી શાળાઓ પ્રાયોગિક ધોરણે બધા રાજ્યોમાં ચાલે છે, જેનો ઉદ્દેશ હોય છે કે માત્ર પુસ્તકિયું જ્ઞાન આપી દેવાને બદલે વ્યવસાય કરી શકે તે પ્રકારની તાલીમ આપવી.

કોલેજ કક્ષાએ વ્યવસાયને ધ્યાનમાં રાખીને મૂકાયેલા અભ્યાસક્રમોને કારણે પાંચેક વર્ષમાં સ્થિતિ એવી છે કે દાંતેવાડામાં એક સાથે 500 લોકો કામ કરતાં હોય તેના બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) સેન્ટર્સ તૈયાર થઈ ગયા છે. આવા સેન્ટર્સમાં જઈને તપાસ કરો એટલે એકથી વધુ અનાથ યુવતીઓ મળી આવે, જેમના માબાપ માઓવાદી હિંસાનો ભોગ બન્યા હોય. અન્ય કોઈ સંજોગોમાં આ યુવતીઓ દિલ્હી, મુંબઈના કૂટણખાનામાં પહોંચી ગઈ હોત, પણ આજે દાંતેવાડામાં જ તેમને ફોન પર ગ્રાહકો સાથે વાત કરવાનું કામ મળવા લાગ્યું છે.તમારા ક્રેડિટ કાર્ડની પૂછપરછ માટે તમે ફોન કરો ત્યારે તમારી સાથે બહુ સારી ભાષામાં વાત કરનારી આવી કન્યા દિલ્હી મુંબઈની નહિ, પણ દાંતેવાડાને હોઈ શકે છે. અમેરિકાની અનેક કંપનીઓના કોલ સેન્ટર્સ પણ દાંતેવાડામાં ખૂલ્યા છે. અમેરિકન છાંટવાળું અંગ્રેજી બોલવા માટે બહુ જ્ઞાનની જરૂર હોતી નથી. નક્કી કરેલા વાક્યો તમારે નાકમાંથી બોલવાના છે – વ્યવસ્થિત તાલીમથી તે કામ સહેલું થઈ જાય છે.

બીપીઓની શરૂઆત ગુડગાંવ (હવે ગુરુગ્રામ)થી થઈ હતી અને બહુ ઝડપથી હૈદરબાદ, બેંગાલુરુ, પૂણેમાં તે ફેલાયા. ત્યારબાદ કેરળના અંતરિયાળ વિસ્તારોમાં તે સફળ રહ્યા, કેમ કે અંગ્રેજી શિક્ષણનો ફાયદો ત્યાં પહેલેથી હતો. પછી ટેલિકમ્યુનિકેશન્સની ક્રાંતિને કારણે હવે વધારે ગ્રામીણ વિસ્તારમાં પણ સેન્ટર્સ ખોલી શકાયા છે. 1991ની આસપાસ ભારતે પોતાના માર્કેટ ખોલવાની શરૂઆત કરી ત્યારથી થયેલી શરૂઆત 25 વર્ષ બાદ દાંતેવાડા સુધી પહોંચી છે. મેટ્રો સિટિમાં રિયલ એસ્ટેટ મોંઘું છે તેથી વિશાળ ઓફિસ ખોલવી મોંઘી પડે. લાઇફ સ્ટાઇલ પ્રમાણે પગારો ઊંચા રાખવા પડે. દાંતેવાડા જેવા સેન્ટરોમાં બહુ ઓછા ખર્ચે ઇમારત તૈયાર થઈ જાય છે. તે પછી દર મહિને કંપનીનું પગારબિલ પણ નાનું રહે છે તે ફાયદો વર્ષો સુધી રહે છે.

2001માં દાયકાની શરૂઆતમાં 10 હજાર કરોડ રૂપિયાનું બીપીઓ માર્કેટ હતું, તે વધીને ગયા વર્ષે 2017માં 1.7 લાખ કરોડનું થઈ ગયું છે. અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પને બહુ ગમતું નથી, છતાં આ ગતિ અટકાવી શકાય તેમ નથી અને એક અંદાજ પ્રમાણે 2015માં 3.6 લાખ કરોડનું માર્કેટ હશે. તેનો અર્થ એ થયો કે ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ દાંતેવાડા જેવા નાના સેન્ટરોમાં ખુલેલા સેન્ટરોને એક દાયકા સુધી ચિંતા કરવા જેવી નથી. આ સમગ્ર બિઝનેસમાં એકલા ભારતનો હિસ્સો 38 ટકા જેટલો છે. તેમાં મોટા પાયે ઘટાડો થાય તો પણ આગામી દાયકા સુધી ભારતના યુવાનોને રોજગારી આપવા માટેનું આ એક અગત્યનું માધ્યમ રહેશે.

કોઈક કારણસર અમેરિકા અને યુરોપની નીતિ બદલે અને ત્યાંથી કામ આવતું બંધ થાય તો પણ દાંતેવાડાના ફોન પર વાતચીત કરવાનું શીખેલા આદિવાસી યુવાનોને ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ભારતમાં ઇ-કોમર્સનું માર્કેટ તેજીથી વધી રહ્યું છે. તમે જાણો છો કે ઓર્ડર આપ્યા પછી તમને ફોન આવતો હોય છે અને તમારા ઓર્ડરને વેરીફાઇ કરીને તમને ખાતરી અપાતી હોય છે કે સમયસર તમારી વસ્તુ તમારી સુધી પહોંચશે. આ માર્કેટમાં તો અંગ્રેજીની પણ જરૂર નથી. સારું હિન્દી ઉપરાંત ભારતીય ભાષાઓમાં પણ વાતચીત કરવાની હોય છે.

તેથી આ બીજું મોટું માર્કેટ તૈયાર થઈ રહ્યું છે. એક અંદાજ અનુસાર 30 ટકાના દરે વધી રહેલું ઇ-કોમર્સનું માર્કેટ 2026 સુધીમાં 200 અબજ ડોલરનું એટલે કે 13.3 લાખ કરોડ રૂપિયાનું હશે. બીજું અત્યારે કોલ સેન્ટર મુખ્યત્વે વિદેશી કંપનીઓ અને ઇ-કોમર્સ સિવાયના બેન્કિંગ, ઇન્સ્યુરન્સ જેવા સેક્ટરમાં જ સક્રીય છે. ભારતના ઇ-કોમર્સ માટે બીપીઓ 30 ટકા જેટલા જ છે. તેથી તેમાં વધારાને પુષ્કળ અવકાશ છે.

સરકારી યોજના અને સહાયથી કોઈ બિઝનેસ ચાલતો નથી. જિલ્લે જિલ્લે કોલેજો ખોલી નાખવાથી બિઝનેસ આવી જાય તેવું પણ નથી. બિઝનેસની પોતાની જરૂરિયાત હોય છે અને તે જ્યાં પુરી પડે ત્યાં બિઝનેસ પહોંચતું હોય છે. 2007ની આસપાસ ડોલર મોંઘો થવા લાગ્યો અને આઇટી હબ ગણાતા શહેરોમાં બીપીઓમાં પગારો બહુ ઊંચા જવા લાગ્યા ત્યારે કંપનીઓ જ ગ્રામીણ વિસ્તારોમાં જવા લાગી હતી. સોફ્ટવેર ટેક્નોલોજી પાર્કની યોજના સરકારે લાવી તેનો ફાયદો એ રીતે થયો કે અંતરિયાળ વિસ્તારમાં જમીન સંપાદન ઝડપી અને સસ્તુ બન્યું.આ નાના સેન્ટરોમાં શરૂઆતમાં મુશ્કેલી લાગી, પણ એક વાર સ્થાનિક યુવાનોમાં તે ટ્રેન્ડ બન્યો તે પછી બહુ ઝડપથી સ્કીલ્ડ મેનપાવર મળવા લાગ્યો. દેખાદેખીમાં વધુ ને વધુ યુવાનો ગંભીરતાથી તાલીમ લઈને કોલ સેન્ટરમાં કામ કરતા થયા. સૌરાષ્ટ્રમાં એક જમાનામાં દેખાદેખીમાં લોકો હિરાઘસુ તરીકે કામ કરવા સુરત દોડવા લાગ્યા હતા. સુરતની કમાણી ગામડામાં ઊડીને આંખે વળગતી હતી. તેના કારણે સુરતનું હિરાબજાર વિશ્વકક્ષાનું બની ગયું.
ગ્રામીણ વિસ્તારમાં કોલ સેન્ટરની જોબ બહુ ચમકદમકવાળી લાગે છે. એસીમાં કમ્પ્યૂટર સામે બેસીને કામ કરવામાં એક નવો ચાર્મ લાગે છે. તેનો આડકતરો ફાયદો એ થયો કે નોકરી છોડીને જનારાની સંખ્યા ઓછી થઈ. (એટ્રિશન રેટ ઘટ્યો.) બીજું વતનની નજીક કામ મળે ત્યારે વ્યક્તિ જલદી નોકરી બદલતો નથી. તેના કારણે થોડા હજાર માટે નોકરી છોડીને કર્મચારી જતા રહે અને વધુ ઊંચા પગારે બીજાને લેવો પડે તે સ્થિતિ પણ બીપીઓ ઇન્ડસ્ટ્રીઝને સતાવતી નથી. આ બધા ફાયદાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બીપીઓ ચલાવવામાં મલ્ટિનેશનલ કંપનીઓને પણ રસ છે અને પરસ્પરની આ સ્વાર્થની દુનિયા અત્યારે બહુ સારી રીતે ચાલી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]