બિપ્લવ દેબની વાણી કરી રહી છે સૂરસૂરિયા

નેતાઓની વાણી મોટા ભાગે વિસ્ફોટક સાબિત થાય. વાજપેયી અને નરેન્દ્ર મોદી જેવા વક્તાઓ હોય ત્યારે સમૂહનો મૂડ ફેરવી નાખે. તેની સામે સાક્ષી મહારાજ જેવાની વાણી એવા વિસ્ફોટક નિવેદનો કરે કે આ નેતાઓએ પણ મૌન થઈ જવું પડે. આ બધા વચ્ચે ત્રિપુરામાં યુવાનવયે મુખ્યપ્રધાન બની ગયેલા બિપ્લબ દેબની વાણી ગમે ત્યારે વિસ્ફોટ કરે તેવી શક્યતા છે. બંગાળીઓ વનો બે કરે છે એટલે બિપ્લબ દેબ, જે આમ તો વિપ્લપ દેવ છે.

જોકે અત્યારે તેમની વાણી સૂરસૂરિયા છોડી રહી છે. તેઓ દર થોડા દિવસે એવું કશુંક બોલે છે કે મજાકનું કામ બની જાય છે. ઈશાન ભારતમાં ભાજપે સફળતા મેળવી તેમાં કેટલાક નવા નેતાઓ મળ્યા છે. કોંગ્રેસમાંથી હેમંત બિસ્વા સરમા જેવા અનુભવી અને પીઢ નેતા માત્ર આસામમાં નહિ, પણ સમગ્ર ઈશાન ભારતમાં ઉપયોગી થઈ રહ્યા છે. બીજી બાજુ બિપ્લવ કુમાર દેબ જેવા નેતાઓ દર્શાવે છે કે ઈશાન ભારતમાં ભાજપમાં હજી ટેલેન્ટ ઊભી થઈ નથી.

ગયા બુધવારે તેમણે વધુ એક લોચો માર્યો. ઉદયપુરમાં એક કાર્યક્રમ હતો અને તેમને આમંત્રણ મળ્યું હતું. રવિન્દ્રનાથ ઠાકુર (અંગ્રેજીને કારણે આપણે ટાગોર કરી નાખ્યું છે) વિશે તેમણે પોતાના અજ્ઞાનનું પ્રદર્શન કર્યું. બંગાળીબાબુઓ આવી બાબતમાં બહુ સાવધાન હોય છે, પણ અહીં એક બંગાળીએ જ અધૂરી માહિતી દર્શાવી. તેમણે રવિન્દ્રનાથ વિશ્વપ્રસિદ્ધ કવિ હતા તેમ કહીને તેમના યોગ્ય રીતે વખાણ કર્યા. તેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું તે વાત પણ તેઓ જાણતા હતા, પણ તે પછી પોતાના ખિસ્સામાંથી કાઢીને ઉમેર્યું કે આવા મહાન કવિને આપણે એવી રીતે પણ જાણીએ છીએ કે તેમણે બ્રિટિશ સરકારનો વિરોધ કરવા માટે નોબેલ પુરસ્કાર પરત કરી દીધો હતો.
ઇતિહાસ ભાજપના લોકોનો પ્રિય વિષય છે, પણ તેમાં તોડમરોડ કરવી તેમને બહુ ગમે છે. ઇતિહાસના મામલે વારંવાર એવા નિવેદનો આવ્યા છે કે આમ આદમી વિચારીમાં પડી જાય. અહીં પણ ઇતિહાસનું અધૂરું જ્ઞાન બિપ્લબ દેબે દેખાડ્યું. સાચી વાત એ હતી કે રવિન્દ્રનાથે સરનો ખિતાબ મળ્યો હતો તે બ્રિટિશ સરકારને પરત કરી દીધો હતો. નોબેલ બ્રિટિશરો નથી આપતા, તેથી તે પરત આપવાનો સવાલ થતો નથી તેટલી સામાન્ય વાત દેબ ના સમજે જે સમજી શકાય છે, કેમ કે તેમણે કહ્યું હતું કે પ્રાચીન સયમમાં ભારતમાં ઇન્ટરનેટ હતું.

જલિયાવાલા બાગમાં બ્રિટિશરોએ બેફામ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો ત્યારે સમગ્ર દેશ હચમચી ગયો હતો. બ્રિટિશ સરકાર માટે થોડી ઘણી લાગણી ત્યારે સમાજના ઘણા વર્ગોમાં હતી, પણ આ ઘટના પછી બ્રિટિશરો કેટલા અત્યાચારી છે તે સ્પષ્ટ થયું હતું. રવિન્દ્રનાથે અત્યંત વ્યથિત થઈને નાઇટહૂડનો ખિતામ પરત કરી દીધો હતો. 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો અને તે પછી તરત જ તેમણે ખિતાબ પાછો આપ્યો હતો. તેમને નોબેલ 1913માં મળ્યો હતો અને તેની સાથે બ્રિટિશરોને કશો સંબંધ ના હોવાથી તે પરત કરવાનો સવાલ ઊભો થતો નહોતો.
મહાભારતમાં અંધ ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં શું ચાલી રહ્યું છે તેનું વર્ણન સંજય કરે છે. આ ઘટના વિશે ભૂતકાળમાં પણ ભાતભાતના નિવેદનો થતા રહ્યા છે. સંજય પાસે દિવ્યદૃષ્ટિ હતી ત્યાંથી માંડીને ટેલિપથી સુધીના દાવા થતા રહ્યા હતા. ટીવી પણ હશે, કેમ કે ટીવી જોઈને સંજય કોમેન્ટ્રી આપતા હતા તેવી વાતો કરનારા પણ હતા. પરંતુ મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિએ કહ્યું કે એ તો ઇન્ટરનેટ હતું એટલે ઇન્ટરનેટથી લાઇવ જોઈને સંજય યુદ્ધમેદાનની સ્થિતિ જાણતા હતા.

ઇન્ટરનેટ વિશેના તેમના નિવેદન પછી દેશભરમાં બિપ્લબ દેબ જાણીતા થઈ ગયા હતા. સોશ્યલ મીડિયામાં તરત જ આવી વાતની મજાક ઉડાવાતી હોય છે. આ વાત હજી ચાલતી જ હતી ત્યાં તેમણે બીજો એક ગોટો વાળ્યો. આ વખતે જાણકારીનો અભાવ નહિ, પણ સમજદારીનો અભાવ દેખાયો હતો. તેમણે કહ્યું કે યુવાન લોકોએ સરકારી નોકરીઓ પાછળ દોડવાના બદલે પાનના ગલ્લાઓ કરવા જોઈએ.

વાત કંઈ ખોટી નથી. પોતાનો નાનકડો ધંધો કરીને યુવાનો રોજગારી મેળવી શકે છે, પણ સવાલ રોજગારી સરકાર ઊભી કરી શકતી નથી તેનો પૂછાયો હતો. બીજું મુખ્યપ્રધાન એમ કહે કે તમે પાનના ગલ્લા ખોલી લો તેનો અર્થ એ થાય કે રોજગારી સર્જન કરવામાં તેઓ મુખ્યપ્રધાન નિષ્ફળ ગયા છે. એટલે સામાન્ય ચર્ચામાં જે વાત કહી શકાય તે મંચ પરથી જવાબદાર વ્યક્તિ ના કહી શકે તે સમજવું રહ્યું.

વળી ફરી મજાકનું પાત્ર બને તેવી એક વાત તેમણે યુવાનો વિશે જ કહી હતી. તેમણે કહ્યું કે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તેમણે સિવિલ પરિક્ષાઓ આપવી જોઈએ નહિ, માત્ર સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય તેમણે જ સિવિસ સર્વિસીઝમાં જોડાવું જોઈએ. ફરી એકવાર તેમની બહુ ટીકા થઈ ત્યારે તેમણે કરેલો ખુલાસો પણ એટલો જ બાલીશ હતો. તેમણે કહ્યું કે સરકારી અમલદારે બહુ સિવિલ વર્ક કરવાના હોય છે (એટલે કે મકાનો, રસ્તા વગેરેના બાંધકામ કરવાના હોય છે) તેથી સિવિલ એન્જિનિયર હોય તો સારું એમ પોતે કહેવા માગતા હતા.

એક પછી એક તેમના નિવેદનો પછી ભાજપમાં પણ કેટલાક લોકો એવા છે, જેમને ચિંતા થવા લાગી છે કે ત્રિપુરામાં માંડ મળેલી સત્તા પછી ભાજપની આબરૂનો સવાલ ઊભો થયો છે. ત્રિપુરાના મુખ્યપ્રધાન તરીકે તેમને કેમ પસંદ કરવામાં આવ્યા તેવો સવાલ પણ ભાજપમાં આંતરિક રીતે વિખવાદનું કારણ બન્યો છે.

એવા પણ અહેવાલો હતા કે મહાભારત કાળમાં ઇન્ટરનેટ હતું તેવા તેમના નિવેદન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તાત્કાલિક દિલ્હી આવવાનું તેડું મોકલ્યું હતું. તેમને ઠપકો આપવા માટે બોલાવાયા હતા અને જૂથબંધી વધી રહી છે તે પણ એક કારણ છે એમ ભાજપના વર્તુળોએ જણાવ્યું હતું. જોકે બિપ્લબ દેબે સ્પષ્ટતા કરી હતી કે કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનોની પીએમ સાથે બેઠક છે અને તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ પોતે દિલ્હી ગયા હતા.
બિપ્લબ દેબની માત્ર વાણી વિશે ફરિયાદો નથી મળી. બીજી પણ કેટલીક ફરિયાદો મળી રહી છે. ત્રિપુરામાં ડાબેરીઓનો ગઢ તોડી પાડીને ભાજપે સત્તા મેળવી ત્યારે સમગ્ર ઈશાન ભારતમાં ફાયદો થાય તે માટે કોઈ આદિવાસીને મુખ્યપ્રધાન બનાવવા માટેની માગણી થઈ હતી. તેના બદલે પ્રભારી તરીકે મૂકાયેલા સુનીલ દેવધરને કારણે બિપ્લબ દેબને લોટરી લાગી ગઈ.

ભાજપ શહેરીઓની, બિનઅનામત વર્ગની અને વેપારીઓની જ પાર્ટી છે તેવી છાપ તોડવા માટે પણ આદિવાસી નેતાની ભલામણ થઈ રહી છે. ઈશાન ભારતમાં આદિવાસીઓની વસતિ વધારે છે અને તેમની વચ્ચે સંઘની સંસ્થાઓએ કામ કરીને વિશ્વાસ કેળવ્યો છે. તે વિશ્વાસને દૃઢ કરવા માટે આદિવાસી નેતાઓને પ્રમોટ કરવા જરૂરી છે. તેના બદલે પહાડીને બદલે તટપ્રદેશમાં રહેતા નેતાઓને મહત્ત્વ મળે તો લાંબા ગાળે આદિવાસીઓ ભાજપને ટેકો ના આપે. સમગ્ર ઈશાન ભારતમાં તટપ્રદેશોમાં, ખીણોમાં સદીઓથી બંગાળીઓ આવીને વસ્યા છે. આદિવાસીઓ મુખ્યત્વે પહાડીઓમાં રહે છે. તેના કારણે ઘણા રાજ્યોમાં સ્પષ્ટપણે બે ભાગ પડી ગયા હોય તેવી સ્થિતિ રહી છે.

બીજું વહીવટી કુશળતાની બાબતમાં પણ બિપ્લબ દેબ નબળા સાબિત થઈ રહ્યા હોવાનું કાર્યકરોને લાગી રહ્યું છે. અઢી દાયકાથી ડાબેરી શાસન હતું. પ્રથમવાર પોતાનો પક્ષ આવ્યો, પણ સરકારમાં પોતાના કામ થતા નથી એવું કાર્યકરોને લાગે છે. સરકાર બદલાઇ હોય એમ તેમને લાગતું જ નથી. મુખ્યપ્રધાન પોતે સિરિયસ ના હોવાથી પ્રધાનો પણ લાંબા ગાળાની નીતિને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સાંભળવાના બદલે કોન્ટ્રેક્ટરોને મળવામાં વ્યસ્ત થઈ ગયા છે તેવી ફરિયાદો દિલ્હી સુધી પહોંચી છે. એટલે પીએમ મોદીએ દેબને બોલાવ્યા તેમાં ઠપકો માત્ર સમજ્યા વિના બોલવા માટે નહિ, પણ વહીવટની બાબતમાં પણ હતો.

બીજા રાજ્યોમાં લોકસભાની બેઠકો ઘટે તેનું સાટું વાળવા માટે ઈશાન ભારત પર મદાર બાંધવામાં આવ્યો છે. ઈશાન ભારતમાં 25માંથી 21 બેઠકો જીતી લેવાનો મહત્ત્વકાંક્ષી ટાર્ગેટ સ્થાનિક નેતાઓને આપવામાં આવ્યો છે. પણ તેમની ચિંતા એ છે કે જો દેબ જેવા સીએમ અને પ્રધાનો સ્થાનિક પ્રશ્નો માટે કામ ના કરે તો કેવી રીતે ચૂંટણી જીતવી.
જોકે પહેલીવાર સત્તા મળે ત્યારે કાર્યકરોને રાતોરાત પોતાના કામ થઈ જાય તેવી અપેક્ષા હોય છે. બીજી બાજુ સરકારી તંત્ર પોતાની રીતે ચાલતું હોય છે. તંત્રની પ્રક્રીયા તોડીને કાર્યકરોના કામ કરવા શક્ય પણ નથી હોતા, પરંતુ તે બાબતમાં કાર્યકરોમાં અસંતોષ ના જાગે તે જોવાની ફરજ નવા સત્તા પર આવેલા સીએમ અને પ્રધાનોની હોવી જોઈએ. જાણકારો કહે છે કે ત્રિપુરામાં એક્ઝેક્ટલી આ જ સ્થિતિ થઈ છે. ડાબેરીઓની પકડ હતી તેમની સામે સતત સંઘર્ષ કરીને ભાજપને વિજય અપાવ્યો, પણ હજીય અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે કાર્યકરોમાં રોષ જાગે છે.

બિપ્લબ દેબને બોલવાનું ઓછું કરી દેવાનું કહેવાયું હતું અને વહીવટમાં વધારે ચુસ્તી માટે સૂચના હતી, પણ તેમણે દિલ્હીનો ફેરો ખાધા પછીય રવિન્દ્રનાથ ઠાકુરના મામલામાં અર્ધજ્ઞાન પ્રદર્શિત કરીને દિલ્હીના મોવડીઓની મુશ્કેલી વધારી છે. નવી નવી સત્તા મળી છે ત્યારે ત્રિપુરામાં નેતૃત્ત્વ પરિવર્તન તરત કરવું યોગ્ય નથી. તેથી બિપ્લબ દેબને કેમ દાબમાં રાખવા તેની ચિંતામાં ભાજપનું મોવડીમંડળ છે એમ જાણકારો જણાવી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]