સંઘના ગુજરાતી પરિવારનો દીકરો બની ગયો ‘પરદેશી’

સામમાં નાગરિકોનું રજિસ્ટર તૈયાર થયું છે. તેમાં જેમનું નામ ન હોય તે ‘પરદેશી’ જાહેર થઈ શકે છે. આ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી અને જેમના નામ રજિસ્ટરમાં દાખલ ન થયા હોય તેમને હજી પણ અરજી કરવાની તક આપવામાં આવી છે. પણ અત્યાર સુધીમાં નામ દાખલ નથી થયાં તો ભવિષ્યમાં કેવી રીતે દાખલ થશે તેની ચિંતા ઘણાં બધાં લોકોને સતાવી રહી છે. ઘૂસણખોર બાંગલાદેશીઓને અલગ તારવવા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે અને વર્ષોથી ચાલી રહી છે, છતાં સરકારી રાહે જ કામ કરવા ટેવાયેલું તંત્ર તેમાં ભૂલો કરતું રહ્યું છે.લગભગ 40 લાખ નામો બાકી રહી ગયાં છે એમ કહેવાય છે અને તેના કારણે મોટો વિવાદ થયો છે. ભાજપના નેતાઓએ કહી દીધું કે જેમના નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં નથી તે બધા ગેરકાયદે બાંગલાદેશી છે. આ નિવેદનના કારણે વધારે વિવાદ થયો છે, કેમ કે બહુ બધા નામો એવા પણ છે, જે દેખીતી રીતે જ ભારતીય હોવા છતાં રજિસ્ટરમાં નોંધાઇ શક્યા નથી. ડૉક્ટર, વકીલ, પ્રોફેશનલ, સરકારી અધિકારી, સેનામાં કામ કરનારા સૈનિકો અને અફસરોના નામો પણ રહી ગયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફકરુદ્દીનના ભાઈના કુટુંબના નામો પણ રહી ગયાં છે.

નામની બાદબાકી થઈ ગઈ હોય તેવા કિસ્સામાં એક કિસ્સો ગુજરાતના લોકોને પણ રસ પડે તેવો બહાર આવ્યો છે. મૂળ ગુજરાતનો પરિવાર આરએસએસનું કામ કરવા આસામ ગયો હતો અને ત્યાં જ વસી ગયો. તેમના પત્નીનું નામ રેકર્ડમાં છે ખરું, પણ આસામમાં જ જન્મેલાં તેમના દીકરાનું નામ યાદીમાં નથી. જોકે તે બહુ ચિંતાનું કારણ નથી, કેમ કે અરજી કરીને નામ ઉમેરી શકાશે એવી આશા તેમને છે. વળી તે પોતે પણ એનજીઓ ચલાવે છે અને હાલમાં જ આવી રીતે જેમના નામો રહી ગયા હોય તેમને મદદ કરવાનું કામ પણ કરી રહ્યા છે. તેમનું નામ છે શાંતનુ નાયક. મૂળ દક્ષિણ ગુજરાતનો આ પરિવાર હવે પૂરેપૂરો આસામી થઈ ગયો છે, પણ ગુજરાતના પોતાના મૂળીયાં ભૂલ્યો નથી. આસામમાં જ તેમનો જન્મ 1964માં થયો હતો. તેમણે આરએસએસમાં થોડો સમય કામ કર્યું હતું અને હવે સ્વતંત્ર એનજીઓ ચલાવે છે. વકીલ તરીકે કામ કરતા શાંતનુના પિતા સંઘ પરિવારના ચુસ્ત સ્વંયસેવક તરીકે આસામમાં કામ કરવા માટે આઝાદી પહેલાં આવીને વસ્યાં હતાં.

નવસારીના અંચેલી તાલુકાના ઠાકોરભાઇ દેસાઇ સંઘના સ્વંયસેવક હતા. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધો હતો. તે પછી 1945માં તેમને ઇશાન ભારત મોકલવામાં આવ્યા. ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસી વિસ્તારમાં શાળાઓ અને દવાખાના ખોલીને વટલાવાનું કામ કરતી હતી. તેનો સામનો કરવા માટે માત્ર વિરોધ પ્રદર્શન ના ચાલે. તેમની જેમ જ સેવાનું કામ આદિવાસીઓ કરવું પડે. તેના ભાગરૂપે દેશના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સંઘના સ્વંયસેવકોને મોકલતા હતા. ઠાકોરભાઇ ઇશાન ભારત પહોંચ્યા અને ત્યાં સ્થાયી થયા હતા. આઝાદી પછી પણ તેઓ આસામમાં જ રોકાઈ ગયા.ઠાકોરભાઇનું નામ મતદાર યાદીમાં સામેલ થયું હતું. તેથી શાંતનુ પાસે તેનો પુરાવો હતો તે રજૂ કરવામાં આવ્યો

શાંતનુ તેમના જેવી મુશ્કેલીમાં મૂકાયેલાં અન્ય લોકોની મદદ કરી રહ્યાં છે

જોકે તેના કારણે તેમની માતા (ઠાકોરભાઇના પત્ની) શાંતાબહેનનું નામ યાદીમાં આવી ગયું છે ખરું. પણ તેમના સંતાન તરીકે શાંતનુનું નામ ઉમેરાયું નથી. મજાની વાત એ છે કે તેમના પત્નીનું નામ પણ સામેલ થઈ ગયું છે. હવે વધારે મજાની વાત – તેમના બે દીકરાનું નામ સામેલ થઈ શક્યું નથી, કેમ કે પિતાનું નામ યાદીમાં નથી. આ રીતે દાદી અને માનું નામ છે, પણ પુત્ર અને પૌત્રનું નામ દાખલ થયું નથી.
શાંતનુએ આસામમાં વકાલત શરૂ કરી હતી અને આસામમાં આરએસએસના વકીલ પાંખના તેઓ સક્રીય સભ્ય હતા. સંઘની વકીલ પાંખ એટલે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ. તેની ઇશાન ભારતના શાખાના પ્રમુખ તરીકે શાંતનુ થોડો સમય રહ્યા હતા.
હવે તેઓ સ્વતંત્ર એનજીઓ ચલાવે છે. આસામી ઉપરાંત તેમને બંગાળી પણ સારું આવડે છે અને ગુજરાતી ભૂલ્યાં નથી. ગુજરાત સાથેનો સંપર્ક પણ થોડો જાળવી રાખ્યો છે. આસામનો બીહૂ, બંગાળનો દુર્ગા પૂજા અને ગુજરાતના તહેવારો પણ ઉજવવાના અને એ રીતે ત્રણેય સંસ્કૃતિને સાથે રાખીને મારો પરિવાર ચાલે છે એમ શાંતનુ કહે છે.
શાંતનુ કહે છે કે તેને આસામમાં ક્યારેય એવું લાગ્યું નથી કે પોતે બહારના છે. આસામમાં બંગાળીઓ ઉપરાંત અન્ય ભારતીયોની હાજરીનો અસંતોષ વ્યક્ત થતો રહ્યો છે. બાંગલાદેશી ઘૂસણખોરોને કારણે મોટો વિવાદ અને આંદોલનો પણ થયાં. તે બધાંની વચ્ચે ટકી ગયેલાં શાંતનુ હવે અચાનક પોતાના જન્મસ્થાનમાં જ ‘પરદેશી’ બની ગયા છે. હાલમાં એનઆરસીને સ્થગિત કરાયું છે, પણ તેને ડિસેમ્બરમાં અપડેટ કરવામાં આવશે. ત્યાં સુધીમાં પોતે પોતાનું નામ દાખલ કરાવી શકશે એમ શાંતનુને લાગે છે.
શાંતાબહેન નાયક કહે છે તેમના લગ્ન પછી 1950ના દાયકામાં તેઓ ત્રિપુરાથી આસામના સિલ્ચરમાં આવ્યા હતા. તે વખતે બાંગલાદેશમાંથી હજારો હિન્દુઓ હિજરત કરીને આવતા હતા. તેમને થાળે પાડવાનું કામ ઠાકોરભાઇ કરતા હતા. આજે પોતાનો દીકરો ફરી એકવાર એ જ રીતે વિસ્થાપિત થયેલા અને નાગરિક તરીકે પોતાના જ દેશમાં નામ નોંધાવી ન શકતા લોકો માટે કામ કરે છે. શાંતાબહેન કહે છે કે ‘મને ચિંતા થાય છે મારું નામ આવી ગયું, તો મારા દીકરાનું કામ ના આવ્યું અને તેમના દીકરાઓનું પણ કે ના આવ્યું.’
વકીલ તરીકે સ્થિતિ અને કાયદાને વધારે સારી રીતે જાણતા શાંતનુ કહે છે કે બહુ ચિંતાનું કારણ નથી. આ સમગ્ર પ્રક્રિયા બહુ સંકુલ છે અને તેના કારણે ભૂલો થઈ શકે છે. 10 ઓગસ્ટથી વાંધા અરજીઓ આપવાની શરૂ થઈ છે અને તેના પર ડિસેમ્બર સુધીમાં પ્રક્રિયા થશે. પણ જે રીતે વિવાદ વધી રહ્યો છે તે જોતા શું થાય છે તે જોવાનું રહે છે.
બરાક વેલીમાં રહેતા ઘણા બધાના નામ આ રીતે યાદીમાં નથી. તેમના માટે પણ શાંતનુએ કામ ઉપાડ્યું છે. બરાક વેલીમાં નોર્થ ઇસ્ટર્ન લિંગ્વિસ્ટિક એથનિક કો-ઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી છે. આ વર્ષની શરૂઆત જ તેની સ્થાપના થઈ છે અને શાંતનુ પણ તેના સભ્ય છે. પોતાના પિતાનું નામ મતદાર તરીકે હતું તેના પુરાવા છતાં પોતાનું નામ ના આવ્યું, તેવી મુશ્કેલીઓ બીજા લોકોને પણ નડવા લાગી હતી. તેથી સામૂહિક રીતે આ કાર્ય ઉપાડવું પડશે તે જાણતાં હોવાથી જ આ કમિટી બનાવવામાં આવી હતી. ખાસ તો ભાગલા પછી બાંગલાદેશમાંથી આવેલા હિન્દુઓને મદદરૂપ થવાની ગણતરી આ કમિટીની છે.સિટીઝનશીપ (અમેન્ડમેન્ટ) બિલ, 2016 માટે તેઓ કામ કરી રહ્યા છે, કેમ કે તે પાસ થઈ જાય તો હિન્દુ બાંગલાદેશીઓને રાહત મળી શકે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાદમાં બાંગલાદેશમાં લઘુમતીમાં મૂકાઈ ગયેલા હિન્દુઓને ભારતનું નાગરિકત્વ મળે તે માટેનો આ ખરડો છે. ભારતમાં છ વર્ષ રહ્યા પછી તેમને નાગરિકત્વ મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.
જોકે હાલમાં તો શાંતનુ જેવા ભારતમાં જ વસેલા, ત્રિપુરા કે આસામ સહિતના ઇશાન ભારતના પ્રદેશોમાં વસેલા ભારતના અન્ય પ્રાંતના લોકો માટે પણ સમસ્યા ઊભી થઈ છે. આસામમાં બંગાળીઓની મોટી સંખ્યા હોવાથી આઝાદી પહેલાંથી જ અસંતોષ હતો. તે અસંતોષ વધતો જ રહ્યો છે. તેના કારણે હવે આસામમાં એનઆરસીમાં આટલી મોટી ગરબડ થઈ તો બાકીના ઇશાન ભારતમાં અને આગળ જતા પશ્ચિમ બંગમાં તેનો અમલ થાય તો શું થાય તે સવાલ ચિંતા કરાવે તેવો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]