અરવિંદ કેજરીવાલે તાપણું પેટાવી દીધું છે…

રવિંદ કેજરીવાલે સમયસર તાપણું પેટાવી દીધું છે. ઠંડી આવવાની બાકી છે, પણ અત્યારથી જ તાપણું પેટાવી દીધું છે, જેથી સૌ પોતપોતાના સ્વાર્થ માટે તાપણે ટોળે વળે. સૌ એકલતાને તાપણે ટોળે વળે છે એવી સરસ મજાની પંક્તિ એક કવિએ લખી છે. રાજકીય પક્ષો આ તાપણે તાપવા આવી જશે એવો અંદાજ કેજરીવાલને હશે. તેવું થયું પણ છે. ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમને મળવા માટે પહોંચ્યાં હતાં. લેફ્ટનન્ટ ગર્વનરના બંગલે જઈને અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ સાથી પ્રધાનો ધરણાં પર બેસી ગયાં છે. બંગલે વેઇટિંગ રૂમમાં તેમણે અડ્ડો જમાવ્યો છે અને ત્યાંથી હટતાં નથી.અરવિંદ કેજરીવાલની આ જ કલા છે, જેને પહોંચી વળવું મુશ્કેલ છે. મુદ્દો ઊભો કરતા તેમને આવડે છે અને બીજા પક્ષોએ તેને રિસ્પોન્સ આપવો પડે છે. કેજરીવાલનો પક્ષ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત હતો, પણ તેમણે દેશભરમાં આંધી જગાવી હતી. ઠેર ઠેર કેજરીવાલ પહોંચી જતાં હતાં અને મુદ્દા ઊભા કરતાં હતાં. ગુજરાતમાં પણ 2012ની ચૂંટણી પહેલાં તેઓ આવી પહોંચ્યાં હતાં અને આવો જ ડ્રામા કર્યો હતો. અમારે કેટલાક સવાલો પૂછવા છે એમ કહીને તેઓ ગાંધીનગર જવા નીકળી ગયાં હતાં. અમારે બસ (તે વખતના) મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળવું છે. ભારે ડ્રામા થયો હતો અને સૌનું ધ્યાન ખેંચાયું હતું. ગુજરાત કોંગ્રેસ જે નહોતી કરી શકી તે કેજરીવાલે કરી બતાવ્યું હતું.
તે પછી જોકે સમય પલટાયો અને વચ્ચેના આ બેએક વર્ષ કેજરીવાલ શાંત બેઠાં હતાં. દિલ્હીમાં મળેલી અભૂતપૂર્વ સફળતા પછી તેમને ખ્યાલ આવી ગયો હતો કે વાતો કરવી ઠીક છે, સરકારી તંત્રમાં કામ કરવું મુશ્કેલ છે. બીજી બાજુ 2014માં તેમણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું હતું અને વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડ્યાં. તેમાં હાર થઈ. એટલું જ દિલ્હીમાં પણ મોટો ઝટકો લાગ્યો, કેમ કે લોકસભાની સાતેસાત બેઠકો ભાજપ જીતી ગયું.

આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસ દ્વારા ખાલી થઈ રહેલી જગ્યા લેવા માટે થયો છે એવું લાગતું હતું. તે માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત હોવા છતાં અરવિંદ કેજરીવાલને કારણે તેની હાજરી દેશભરમાં વર્તાવી હતી. પંજાબ, ગોવામાં ચૂંટણી લડી, તેમાં પંજાબમાં થોડી સફળતા મળી, પણ ગોવામાં કોઈ ફાયદો થયો નહી. ગુજરાતમાં પણ ધમાલ મચાવ્યા પછી ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું હતું, કેમ કે સંગઠન ઊભું થઈ શક્યું નહોતું. તેના કારણે આપને ખ્યાલ આવી ગયો કે તે રાતોરાત ભારતભરમાં છવાઇ શકે તેમ નથી. હવે દિલ્હીમાં પણ તેના માટે મુશ્કેલી છે. ગત વખત જેવી સફળતા મેળવવી મુશ્કેલ છે. પેટાચૂંટણીમાં તેની હાર થઈ ગઈ હતી. તે પછી રાબેતા મુજબના આંતરિક ઝઘડા પણ આમ આદમી પાર્ટીમાં થયા. કેજરીવાલે ઘીટ રાજકારણની જેમ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણનો કાંટો કાઢી નાખ્યો. કુમાર વિશ્વાસ જેવા વિરોધ કરે છે, પણ તેને ફાવવા દીધા નથી. દિલ્હીમાં જ કેટલાક એમએલએ બળવો કર્યો. આ ઘટનાઓથી સાબિત થયું કે આમ આદમી પાર્ટી દેશની બીજા પ્રાદેશિક પાર્ટી જેવી જ છે. તેના નેતાઓ પણ સરેરાશ છે અને તેમનું રાજકારણ પણ એ જ જૂની ભાતનું છે. રાજ્યસભામાં ટિકિટો કોને આપવી તેની વાત આવી ત્યારે બે ધનિક લોકોને ટિકિટ આપી દેવાઇ. આમ આમ આદમી પાર્ટીને બહુ ઝડપથી રાજકારણની વાસ્વવિકતાનો અનુભવ થઈ ગયો હતો.

તેનો અર્થ એ થયો કે પોતે કોંગ્રેસ અને ભાજપ બંનેથી અલગ છે અને નવા જમાના પ્રમાણે દેશને એક વિકલ્પ આપી શકે તેવી રાજકીય પાર્ટી છે તેવી વાત હવામાં ઓગળી ગઈ છે. બહુજન સમાજ પક્ષના કાંશીરામ એવું કહેતા કે ભાજપ નાગનાથ અને કોંગ્રેસ સાપનાથ છે. અમે બંને પક્ષનો વિરોધ કરીએ છીએ. માયાવતીએ વારાફરતી ભાજપ અને કોંગ્રેસનો સાથ લેવાની જરૂર પડી છે. એટલું જ નહિ, પોતાના દલિત રાજકારણને ઊંધે માથે પછાડીને બ્રાહ્મણોને મેક્સિમમ બેઠકો આપીને બહુમતી મેળવવી પડી હતી. તે પ્રયોગ પણ ખતમ થયો અને માયાવતીની અજેયતા પણ ખતમ થઈ ગઈ.અરવિંદ કેજરીવાલનું એકલા ચલો રેનું ગાન પણ પૂરું થઈ ગયું છે. કેજરીવાલ એકલા ચાલી શકે તેમ નથી. તેણે પ્રાદેશિક પક્ષોના શંભુમેળામાં ભભૂત લગાવીને, બીજા બધા જ બાવા જેવા બાવા થઈને ચાલવું પડે તેમ છે. પણ ભભૂત લગાવતા પહેલાં પોતે લગાવેલી ભભૂત અદભૂત છે એવું દેખાવડાની કોશિશ કેજરીવાલ કરી રહ્યા છે. તેમણે એટલે જ પોતાનું અલગ તાપણું પ્રગટાવ્યું છે. અથવા ધૂણો ધખાવ્યો એમ કહેવું હોય એમ કહો. હવે આ ધૂણા પર ધૂણવા માટે બીજા પ્રાદેશિક પક્ષોના નેતાઓને તેઓ આવકારી રહ્યા છે. અહીં આવીને સૌ સામૂહિક ભભૂત લગાવીને ધૂણી રહ્યા છે અને ભાજપવિરોધી મોરચા માટે અહાલેક જગાવી રહ્યા છે.

પણ દાદ આપવી પડે કેજરીવાલને કે ડ્રામા કરતા તેમને જ આવડે છે. તેમણ જબરો ડ્રામા કર્યો છે અને પબ્લિકમાં સપોર્ટ ઓછો થઈ રહ્યો હતો અને કાર્યકરો હતાશ થઈ ગયા હતા તેમને જગાડ્યા છે. ફરી પાછા વિરોધ પ્રદર્શન, ધરણા અને દેખાવો શરૂ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી રેલી કાઢવામાં આવી તેમાં પબ્લિક ભેગી કરી શકાઇ હતી.  સાથોસાથ માસ્ટર સ્ટ્રોક એ લાગ્યો કે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો કેજરીવાલની વહારે આવ્યા. દિલ્હીમાં નીતિ આયોગની બેઠક હતી અને રાજ્યોના મુખ્યપ્રધાનો દિલ્હીમાં આવ્યા હતા. તેમાંથી પશ્ચિમ બંગના મમતા બેનરજી, કેરળના પીનારી વિજયન, આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને કર્ણાટકના નવા નવા સીએમ બનેલા કુમારસ્વામી તેમને મળવા પહોંચ્યા. આ ચારેય રાજકારણીઓ પણ ડ્રામામાં જોડાયા. પાંચેક કલાક તેમણે રાહ જોઈ, પણ અમને કેજરીવાલને મળવા દેવાયા નથી એવી ફરિયાદ કરીને પાછા ફર્યા. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે કટોકટી કરતાંય ખરાબ સ્થિતિ છે, એક ચૂંટાયેલા સીએમને બીજા ચાર મુખ્યપ્રધાનો મળી પણ શકતા નથી.આ મુદ્દો બરાબરનો ચગ્યો. બીજા દિવસે નીતિ આયોગની બેઠક પછી ચારેય સીએમ અલગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા. તેમને કહ્યું કે દિલ્હીમાં આવી મડાગાંઠ ઊભી થઈ તે યોગ્ય નથી. આનો ઉકેલ લાવવો જોઈએ. દિલ્હી પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી. થોડી વધારે સગવડ સાથેની યુનિયન ટેરિટરી જ છે. લેફ્ટનન્ટ ગર્વનર કેન્દ્ર સરકારના ઇશારે કામ કરતા રહે છે. કેજરીવાલે કશું કરવાનું આવતું નથી. પરંતુ જે હોય તે પ્રજાની મુશ્કેલી સમજીને વડાપ્રધાને દરમિયાનગીરી કરવી જોઈએ એમ ચારેય નેતાઓએ કહ્યું.

આ સમગ્ર ઘટનાક્રમ માત્ર દિલ્હી માટે નહોતો. મમતા બેનરજીએ ફરી એકવાર વિપક્ષના જૂથની આગેવાની લીધી છે. તેઓ પોતાને દિલ્હી માટે પ્રોજેક્ટ કરી રહ્યા છે. નાયડુને પણ ઇચ્છા સળવળે છે એટલે તેઓ પણ ભાજપને છોડ્યા પછી વિપક્ષી મોરચમાં દેખાઇ રહ્યા છે. કુમારસ્વામી કોંગ્રેસની દયા પર છે, પણ તેના પર દબાણ લાવવા માટે મમતા સાથે જોડાયા છે.
કોંગ્રેસ દિલ્હીમાં પોતાના સ્થાનિક રાજકારણ ખાતર આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે. ભાજપવિરોધ કરતાંય તેમને આમ આદમી પાર્ટીના વિરોધમાં વધારે રસ હોય તેવું લાગ્યું. તે સંજોગોમાં વિપક્ષી એકતાનું શું થશે તે મુદ્દો ધ્યાન ખેંચે તેવો હતો. ચાર મુખ્યપ્રધાનોએ કોંગ્રેસને પડતી મૂકીને કેજરીવાલને ટેકો આપ્યો. આ સૂચક છે અને કોંગ્રેસને ઇશારો છે. કોંગ્રેસને ઇશારો છે કે તેણ પોતાનું રાજકારણ પડતું મૂકીને વિપક્ષી એકતાનું રાજકારણ કરવું પડશે. તે પોતાના મોટા ભા સમજે અને તેની મરજી પ્રમાણે વિપક્ષી એકતાનું રાજકારણ ચાલે તે શક્ય નથી. કોંગ્રેસે બીજા પક્ષોનું અનુસરણ કરવું પડશે. આ મેસેજ સ્પષ્ટ છે.
કદાચ કોંગ્રેસે મેસેજ મેળવી પણ લીધો છે, કેમ કે અહેવાલો અનુસાર કોંગ્રેસના નેતા અહમદ પટેલ ખાસ મમતા બેનરજીને મળવા ગયા હતા. સોનિયા ગાંધીને દૂત તરીકે તેઓ મળવા ગયા હતા તેમ મનાય છે. કોંગ્રેસનું વલણ શું છે તે સ્પષ્ટતા થઈ હશે. પશ્ચિમ બંગમાં પણ કોંગ્રેસે મમતાના જૂનિયર પાર્ટનર તરીકે થોડી બેઠકો પર લડવું પડે તેવી સ્થિતિ છે. તે સંજોગોમાં કોંગ્રેસે નમતું જોખવાનું છે અને મમતાએ કેજરીવાલની તરફેણ કરીને કોંગ્રેસને નમવા માટે મજબૂર પણ કરી છે.આ બધામાં કેજરીવાલે પણ પોતાનો ફાયદો લઈ લીધો છે. કેજરીવાલ પ્રથમથી જ એવું રાજકારણ કર્યું છે કે તે ભારતમાં એક વિકલ્પ છે. તે ભાજપ નથી, કોંગ્રેસ નથી, પ્રાદેશિક પક્ષ નથી. એકવીસમી સદીના ભારતના રાજકારણનો વિકલ્પ આપ છે તે મુદ્દો બહુ ચાલે તેમ નથી. કેજરીવાલે ત્રીજા મોરચામાં જોડાવું જરૂરી છે, પણ સીધી રીતે જોડાઇ તો તેમનું આગવું રાજકારણ હવાઇ જાય. બહુ ચાલાકીપૂર્વક કેજરીવાલ ત્રીજા મોરચામાં ગોઠવાઇ ગયા છે. ત્રીજો મોરચો ખુદ ચાલીને તેમના તાપણે તાપવા માટે આવી ગયો અને કેજરીવાલે તેમને આવકારી લીધા છે.

કર્ણાટકમાં કુમારસ્વામીની શપથવિધિમાં તેઓ ગયા હતા. ટ્રાફિકને કારણે તેઓ મોડો પડ્યા એટલે વિપક્ષી એકતાની તસવીરમાં તે ક્યાંય દેખાયા નહોતા. તેઓ સ્ટેજ સુધી પહોંચી શક્યા નહોતા. પરંતુ હવે સ્પષ્ટપણે દિલ્હીના મુદ્દે કેજરીવાલ પણ વિપક્ષની સાથે છે તેવો મેસેજ ગયો છે. કોંગ્રેસે પોતાને દિલ્હીનો પ્રાદેશિક પક્ષ સમજીને હવે આપ સાથે સમાધાન કરવાનું જ રહ્યું. બીએસપી પણ નાનકડા પ્લેયર તરીકે દિલ્હીમાં છે ત્યારે ત્રણેય પક્ષો વચ્ચે સમજૂતી કરવી પડે અને તેમાં કોંગ્રેસે જૂનિયર પાર્ટનર બનવાનું રહ્યું. કેજરીવાલ કમ સે કમ દિલ્હીમાં સિનિયર પાર્ટનર રહ્યા છે, કેમ કે જો સમજૂતીની વાત આવે તો પંજાબમાં તેમણે કોંગ્રેસના જૂનિયાર સાથી બનવું પડશે. સાથોસાથ પોતાના ટેકેદારોને કોઈ ખુલાસો કર્યા વિના તેઓ વિપક્ષની સાથે બેસી ગયા છે. આમ પણ ભૂતકાળમાં મમતા બેનરજીએ કેજરીવાલની ભેર કરી હતી. દિલ્હીમાં તેઓએ સંયુક્ત રેલી પણ ભૂતકાળમાં કરી હતી. પણ તે સિવાયના પક્ષોને કેજરીવાલની કોઈ ગરજ નહોતી. દિલ્હી સિવાય તેમની ક્યાંય હાજરી નથી. દિલ્હીમાં લોકસભાની માત્ર સાત બેઠકો છે એટલે કેજરીવાલ વિપક્ષમાં ભળે કે ના ભળે બહુ ફરક પડવાનો નહોતો. કોઈ તેમને માન આપવાનું નહોતું, પરંતુ ભાજપ કઈ રીતે નાના પક્ષોને અને વિપક્ષને સતાવે છે તે મુદ્દાને બરાબર ચગાવીને કેજરીવાલે વિપક્ષી નેતાઓ સાથે મંચ પર પોતાનું સારું સ્થાન પાકું કરી લીધું છે.