આંધ્ર NDAમાં ડખા, બજેટ પહેલાં બાર્ગેઇનિંગ

2018ના બજેટમાં આંધ્રપ્રદેશ માટે વિશેષ પેકેજ જાહેર થશે? આ સવાલ પૂછાઈ રહ્યો છે, કેમ કે આંધ્રપ્રદેશમાં ભાજપના સાથી પક્ષ તેલુગુ દેસમ પક્ષે ભાજપનો સાથે છોડી દેવા સુધીની ધમકી આપી દીધી છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પોતે હાલમાં જ સ્પષ્ટ કહ્યું કે ભાજપને અમારી સાથે ન ફાવતું હોય તો છેડો ફાડી શકે છે. જોકે શિવસેના પછી વધુ એક પક્ષ એનડીએમાંથી નીકળી જાય તો ખોટો મેસેજ જાય એ ભાજપ સમજે છે. તેથી જ હાલમાં વડાપ્રધાન મોદી સાથે નાયડુની મુલાકાત થઈ તેમાં આંધ્રની માગણીઓ વિશે વિચારાશે તેમ જણાવાયું હોવાનું મનાય છે.

માગણી તો રાજ્યને વિશેષ પેકેજ આપવાની છે. બિહાર માટે સવા લાખ કરોડનું વિશેષ પેકેજ આપીશું એવી જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી. પણ આ રીતે કોઈ રાજ્યને વિશેષ પેકેજ આપવું શક્ય નથી હોતું. આંધ્ર જેવા વિકસિત રાજ્યને સહાય આપવાની થાય તો બાકીના પછાત રાજ્યોમાં ઉહાપોહ વધે. પરંતુ આંધ્ર પાસે સજ્જડ બહાનું છે કે રાજ્યના ભાગલા પડ્યાં અને નવી રાજધાની અમરાવતી વિકસાવવાની છે. તે માટે નવા બનેલા રાજ્યને કેન્દ્રની સહાયની જરૂર છે.

ગયા વર્ષે પણ બજેટ પ્રવચનમાં અરૂણ જેટલીએ આંધ્રને વિશેષ પેકેજ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. તેનો અમલ થયો નથી. આંધ્રની માંગણી અઢી લાખ કરોડ રૂપિયાની છે. આ બજેટમાં તે શક્ય બનશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. હાલ પૂરતું વચન અપાયું છે એટલે બજેટ પછી આર્થિક અસરો જે થાય તે, આંધ્રમાં રાજકીય અસરો પણ થવાની છે.
હકીકતમાં છેલ્લા દોઢેક વર્ષથી નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન નાયડુને મળવાનું ટાળતા હતા. એક સમયે નાયડુ રાષ્ટ્રીય નેતા તરીકે ઉપસી રહ્યાં હતાં અને ભાવિ વડાપ્રધાન તરીકે ગણાવા લાગ્યાં હતાં. તે પછી આંધ્રમાં જ તેમની બૂરી હાર થઈ. નાયડુનું કદ કપાઇ ગયું હતું. મોદી કદ વધ્યું હોય તેને પણ કાપી નાખતાં હોય છે, ત્યારે કોઈનું કદ ફરી વધે તે કદી ના ઇચ્છે.

મહારાષ્ટ્રમાં શિવસેના જેવા જૂના સાથીનું કદ ધીમે ધીમે ઘટાડવા માટેના પ્રયાસો થતા રહ્યાં છે. કંટાળીને શિવસેનાએ જાહેરાત કરી દીધી છે કે લોકસભાની આગામી ચૂંટણીમાં તે ભાજપ સાથે સમજૂતી કરશે નહીં. નાયડુએ પણ કંઈક એવી જ ધમકી હાલમાં આપી હતી. તેમણે કહ્યું કે ભાજપને અમારી સાથે ન રહેવું હોય તો અમે અમારો માર્ગ શોધી લઈશું.
આ નારાજી પાછળનું એક કારણ કેન્દ્રમાંથી સહાય ન મળી તે પણ છે. બીજું વધારે નક્કર કારણ છે જગન મોહન રેડ્ડીનું નિવેદન. રેડ્ડીએ કહ્યું કે ભાજપે સાથીદાર બદલવો હોય તો દોસ્તી કરવા માટે અમે તૈયાર છીએ. મજાની વાત એ છે કે રેડ્ડીએ પણ આંધ્રને કેન્દ્રની સહાયનો મુદ્દો જ લીધો છે. તેમણે કહ્યું કે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો ભાજપ આપે તો અમે તેની સાથે સમજૂતી કરવા તૈયાર છીએ.

ચૂંટણીમાં જે મુદ્દે લોકો પાસે જવાનું છે એ જ મુદ્દે પોતે વધારે સક્રિય છે એવી છાપ પાડીને રેડ્ડીએ તેલુગુ દેસમને મુશ્કેલીમાં મૂકી દીધો છે. નવા રાજ્યની રચના પછી નાયડુ અલગથી કંઈ ‘ચમત્કાર’ કરી શક્યા નથી. હૈદરાબાદ હતું એટલે આઇટીના ક્ષેત્રમાં છાકો પાડવાની તક હતી. વિશ્વભરના નેતાઓ આઇટી માટે હૈદરાબાદ આવતા હતાં અને નાયડુની ચમકદમક દેખાતી હતી. એ ચમકદમક દેખાડી શકાય તેમ નથી ત્યારે કેન્દ્રના અન્યાયનો મુદ્દો તેલુગુ દેસમે પોતાની નિષ્ફળતાના બહાના તરીકે આગળ કરવો પડે.

જગન મોહન રેડ્ડી જેલમાં જઈ આવ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા તેમને દબાવવાના અનેક પ્રયાસો છતાં રેડ્ડી રટ લઈને બેઠા છે. આંધ્રમાં રેલીઓ કાઢીને અત્યારથી જ ચૂંટણીનો પ્રચાર શરૂ પણ કરી દીધો છે. તેલુગુ દેસમ સામે તેના પિતાએ મજબૂત વિકલ્પ ઊભો કર્યો હતો તે ભૂલી શકાય તેમ નથી. તેમના પિતાનું હેલિકોપ્ટર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું તે પછી મુખ્યપ્રધાન બનવા મળ્યું નહીં તેથી જગન મોહન રેડ્ડીએ કોંગ્રેસમાં ભાગલા પડાવ્યાં હતાં. કોંગ્રેસને તે ફટકાની કળ વળી નથી.

બીજી બાજુ નાયડુએ પોતાની રીતે જગન મોહનને ફટકો માર્યો હતો. તેમના પક્ષ વાયએસઆર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને તેમણે આવકાર્યા અને તેમાંથી ચારને પ્રધાનો પણ બનાવ્યા. એટલે ભાજપ કરતાંય વાયએસઆર કોંગ્રેસના એક જૂથ સાથે ટીડીપીનું ગઠબંધન હોય તેવી છાપ વધારે પડે. આ ઘા પર જ ભાજપના આંધ્ર વિધાનસભા પક્ષના નેતા વિષ્ણુકુમાર રાજુએ હાલમાં જ મીઠું ભભરાવ્યું. તેઓ વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય બી. રાજેન્દ્રનાથ રેડ્ડી સાથે એક કાર્યક્રમમાં હાજર રહ્યા. એટલું જ નહીં મંચ પરથી ટીડીપીની ટીકા કરીને કહ્યું કે તેણે સત્તા માટે વાયએસઆર કોંગ્રેસને તોડી છે. આ પછી નાયડુએ નિવેદન આપવું પડ્યું છે કે અમે ગઠબંધનનો ધર્મ અપનાવીને ચૂપ રહ્યાં છીએ, પણ ભાજપને ગઠબંધનમાં રહેવું ન હોય તો નમસ્કારમ્… સરકારમાંથી નીકળી જાય.

હાલમાં તેમની સરકારમાં ભાજપના બે પ્રધાનો પણ છે. એ જ રીતે કેન્દ્રમાં પણ ટીડીપીના બે પ્રધાનો છે. આમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર અન્યાય કરે છે તે રાગ નાયડુ આલાપતાં રહે છે. વિશેષ દરજ્જો પણ નથી મળ્યો અને વિશેષ આર્થિક સહાય પણ મળી નથી. કેન્દ્ર સરકાર જો એપી સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્સ, 2014 પ્રમાણે, રાજ્યના ભાગલા વખતે મળેલા વચનો પ્રમાણે, સહાય ન કરે તો સુપ્રીમ કોર્ટમાં જવાની વાત પણ તેલુગુ દેસમ કરતું રહ્યું છે.
આ મુદ્દા કરતાંય નરેન્દ્ર મોદીએ જે રીતે નાયડુની અવગણના કરી છે તે વધારે ધ્યાન ખેંચે તેવી છે. દોઢ વર્ષ દરમિયાન તેમને મુલાકાત આપી નહોતી. દક્ષિણના રાજ્યોમાં ભાજપ વધારે મજબૂત બનવા માગે છે. પરંતુ કર્ણાટક સિવાયના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે. આ પ્રાદેશિક પક્ષોને નબળા પાડવામાં આવે તો જ ભાજપ માટે તક છે. પ્રાદેશિક પક્ષો નબળા પડે તો કોંગ્રેસ સાથે સીધી ફાઇટ રહે, જેમાં ભાજપ વધારે સરળતાથી લડત આપી શકે. તેથી જ મહારાષ્ટ્રની જેમ જ આંધ્રમાં પણ સાથી પક્ષ ટીડીપીને નબળો પાડવામાં ભાજપને રસ રહ્યો છે. શિવસેનાને ડારવા માટે એનસીપીનો વિકલ્પ ભાજપ દેખાડતું રહ્યું છે. આંધ્રમાં પણ ટીડીપી નહીં તો વાયઆરએસ કોંગ્રેસનો વિકલ્પ દેખાડવામાં આવે છે. તમિલનાડુમાં પણ શશીકલાને દૂર કર્યા પછી વધેલા એઆઇએડીએમકે સામે રજનીકાન્તનો વિકલ્પ દેખાડવામાં આવે છે.

ભાજપ માટે વિકલ્પો વધી રહ્યાં છે ત્યારે શિવસેના અને ટીડીપી જેવા સાથી પક્ષો માટે વિકલ્પો ઘટી રહ્યાં છે. 2019ની ચૂંટણી નજીક આવતી જશે તેમ આ સંબંધોમાં બાર્ગેઇનિંગ વધતું જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]