કાશ્મીર અને ગુજરાતઃ એક આશ્ચર્યજનક સરખામણી એવી કે…

કાશ્મીર અને ગુજરાત વચ્ચે શું સંબંધ – એક મિનિટ, કોઈ રાજકીય જવાબ ન આપતાં, એવા કોઈ રાજકીય ગુજરાતી કનેક્શનની વાત અહીં નથી. બીજી મિનિટ, ગુજરાતીઓ આ દીવાળીએ કાશ્મીર ફરવા નહી જાય એટલે ત્યાંનું ટુરિઝમ પડી ભાંગશે – એની વાત પણ અહીં નથી. આ વખતે ટુરિઝમ પર અસર થશે અને કશ્મીરીઓની દીવાળી ફિક્કી રહેશે, એ વાત ખરી, પણ રસપ્રદ બીજી એક વાત બહાર આવી છે.

ગુજરાતીઓ અને કશ્મીરીઓ કામ કરતાં નથી – આ એક સરખામણી કરવી પડે તેવી સ્થિતિ કાશ્મીર ખીણમાં ઊભી થઈ છે. અમરનાથ યાત્રા ચાલી રહી હતી અને સરકારે ચેતવણી જાહેર કરી. સૌ પ્રવાસીઓને જણાવાયું કે શક્ય એટલી ઝડપથી કાશ્મીરમાંથી બહાર નીકળી જાવ. ત્યારબાદ સેનાની ટુકડીઓ ગોઠવવાનું શરૂ થયું. સ્થિતિ કંઈક ગંભીર છે એવું લાગતાં, કાશ્મીરમાં કામ કરનારા ઘણાં લોકો પણ બહાર નીકળવા લાગ્યાં હતાં. પછી તો કલમ 370 હટાવી દેવાઈ અને સમગ્ર કાશ્મીરમાં કરફ્યૂ જેવી સ્થિતિ લાગુ કરી દેવાઈ. તે સાથે કાશ્મીરમાં હજી પણ રહી ગયેલાં બહારના લોકો – એવા લોકો જે પ્રવાસીઓ નહોતાં, પણ અહીં કામ કરવા માટે આવ્યાં હતાં – તેઓ પણ કાશ્મીર છોડવા લાગ્યાં.

આજે કાશ્મીર ખીણમાં હાલત એવી છે કે બહારના લગભગ 10 લાખ લોકો જતાં રહ્યાં છે અને સ્થાનિક ધોરણે કામ કરનારા કોઈ રહ્યાં નથી. કાશ્મીરીઓને અચાનક ખ્યાલ આવ્યો કે તેમનું રોજબરોજનું જીવન કઈ રીતે બહારના લોકો પર નિર્ભર થઈ ગયું હતું. ખીણના ફળોના બગીચામાં, ડાલ લેકની બોટમાં, નાના મોટા કારખાનામાં, ઈંટોના ભઠ્ઠામાં, કડિયા કામમાં, લુહારી-સુતારી કામમાં, બાબરના કામમાં, ડ્રાઇવર તરીકેના કામમાં બહારના રાજ્યોના લોકો આવી ગયાં હતાં.

સ્થાનિક પત્રકારે એક ઉદાહરણ આપ્યું છે. એક નાઇએ ઘણાં વખતથી પોતાની દુકાન ભાડે આપી દીધી હતી. શફાઅત હુસૈને પોતાની દુકાન બિજનૌરથી આવેલા બાબરને ચલાવવા આપી દીધી હતી. પોતે આરામ કરતાં હતાં. હમણાં ત્રણ મહિના થઈ જશે એટલે હવે તેમણે વિચારવું પડશે. અન્ય એક નાઇ રિક્ષા ચલાવતાં હતાં. અત્યારે રિક્ષામાં બેસનારા રહ્યાં નથી, ત્યારે તેમણે હવે ઘરે વાળ કાપવાનું કામ ફરી શરૂ કરી દીધું છે. સાધનો પણ રહ્યાં નહોતાં, તેનો મેળ ક્યાંકથી પાડ્યો અને ઘરે અરીસા સામે ખુરશી ગોઠવીને કામ શરૂ કરી દીધું છે.

એક જણાનું મકાનનું કામ ચાલતું હતું, તે બે મહિનાથી અધૂરું જ રહી ગયું છે. બાંધકામ અટકી પડ્યું છે એટલે ઈંટોના ભઠ્ઠા બંધ થઈ ગયાં છે. આમ પણ તે ભઠ્ઠા પર કામ કરનારા બહાર જતાં રહ્યાં છે.

ગુજરાતમાં આ જ સ્થિતિ છે. ગુજરાતમાં નાનું મોટું કામ બહાર લોકો જ આવીને કરી રહ્યાં છે. આખા ગુજરાતની ખેતી લગભગ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કરી રહ્યાં છે અને ખેડૂતો મજા કરી રહ્યાં છે. (કદાચ એટલે જ પોતે બહુ મુશ્કેલીમાં છે અને સરકાર રાહત આપે તેવા આંદોલનો કરવા માટેનો પૂરતો સમય ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે.) વચ્ચે પરપ્રાંતીયોને ફટકારવાનું શરૂ થયું, ત્યારે અમદાવાદ સહિતના પરપ્રાંતીયો વતન ભેગા થઈ ગયાં હતાં. તે વખતે નાનામોટા વેપારીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, કેમ કે તેમનું કામકાજ અટકી પડ્યું હતું.

આના બે અર્થ છે. ગુજરાતની જેમ કાશ્મીર પણ સમૃદ્ધ છે અને સમૃદ્ધિને કારણે સ્થાનિક લોકો કામ કરતાં નથી. કામ બધું બહારના લોકો આવીને જ કરે છે. ગુજરાતીઓ શેઠાઈ કરે અને મજૂરી માટે આખા ભારતમાંથી લોકો અહીં આવતાં રહે છે.

તેથી બે સવાલ થાય – કાશ્મીરીઓને વિકાસ માટે ક્યાં કેન્દ્ર સરકારની જરૂર હતી? નહોતી જ વળી, આપણે જાણતાં હતાં કે વિકાસનું ગાણું તો ગાવા ખાતર ગાવાનું હતું. કલમ 370 કંઈ કાશ્મીરના વિકાસ માટે નહોતી હટવાઈ. અરે ભક્તજનો, પૂરું સાંભળી તો લો… અમે એમ કહીએ છીએ કે કલમ 370 હટાવવી જરૂરી હતી અને દેશહિતમાં તે કાર્ય કરવા જેવું હતું. કલમ 370 લઘુમતી તૃષ્ટિકરણનું એક જીવંત ઉદાહરણ હતું, એટલે તેને દૂર કરવી જરૂરી હતી. પણ તે કાશ્મીરના વિકાસ માટે નહોતી અને કાશ્મીરનો વિકાસ કંઈ કરવાનો પણ નથી. આપણાં નેતાઓએ કહેલું કે કાશ્મીરને નંબર વન બનાવી દઈશું, તે અલ્યાઓ, આપણે ગુજરાતને નંબર વન નથી બનાવવાનું?

રાજકીય વાત છોડો, મૂળ મુદ્દા પર આવો કે કાશ્મીર અને ગુજરાતમાં આ એક સ્થિતિ સમાન નીકળી છે. સ્થાનિક લોકો કામ કરતાં નથી અને આળસી ગયાં છે. 10 લાખ લોકો કાશ્મીરમાંથી બહાર જતાં રહ્યાં છે તેવો અંદાજ છે. ગુજરાતમાં કદાચ આ આંકડો તેનાથી પણ મોટો હશે. 10 લાખ પરપ્રાંતીયો તો માત્ર સૂરતમાં હશે.

એક રીતે રાજી થવા જેવું છે કે સમૃદ્ધિની આ નિશાની છે. ગુજરાતીઓ પાસે વેલ્યૂ એડિશન કરી શકાય તેવા બીજા ઘણાં કામ છે એટલે તેઓ મજૂરી કામ બીજાને સોંપી દે છે. પણ સાથે આ ટ્રેન્ડ લાંબા ગાળે કોઈ પ્રદેશને કઈ દિશામાં લઈ જાય તેનો પણ વિચાર કરવો પડે.

પોતાનું કારખાનું હોય અને ત્યાં કામ કરવા માટે પરપ્રાંતીય મજૂરો મળતાં હોય તે રાખવા જોઈએ. આવા કારખાનાનો ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રેક્ટ સ્થાનિક ગુજરાતી લેશે, પણ ટ્રકો લાવીને, તેને ભરાવવા, મોકલવા, હિસાબ રાખવો વગેરે કામ માટે પણ માણસ રાખી લેવામાં આવે છે. કોન્ટ્રેક્ટરનો દીકરો ડ્રાઇવિંગ ન કરે, પણ ટ્રકની માથે ઊભો રહીને, ભરાવવાનું, હિસાબ રાખવાનું ક્લેરિકલ કામ કરી શકે કે ન કરી શકે? એટલું કામ પણ કરવાની તૈયારી નવી પેઢીમાં નથી. આ શક્તિ અને ક્ષમતાનો વ્યય છે કે નહીં? નવરું મગજ, નવરું રહેવાનું નથી. કશો કામધંધો કરવાનો નહીં અને કમાણી નિયમિત થયાં કરે, તે સમાજનો સામાજિક અને માનસિક વિકાસ કેવો થાય? નવરો પડેલો માણસ સોશિયલ મીડિયાની ગંદકી ફેલાવવાના કામમાં પડે કે ના પડે? કેવી કરૂણ સ્થિતિ થાય કે ગંદકી રાચનારો તે માણસ પોતાને ખુશ પણ સમજે?

હાલનું જ ઉદાહરણ જૂઓ. બિનસચિવાલય વર્ગની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ થઈ કેમ કે અચાનક બુદ્ધિના બારદાન જેવા સત્તાધીશોને યાદ આવ્યું કે 12 ધોરણ પાસની પરીક્ષા નથી લેવાની. છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી ત્યારે બોર્ડના ચેરમેન વોરાએ એવું કહ્યું કે મને તો ખબર જ નથી, કેમ પરીક્ષા રદ થઈ. તેનો અર્થ શો થયો? ચેરમેન પણ પેલા કોન્ટ્રેક્ટરના દીકરાની જેમ સોશિયલ મીડિયામાં કે ક્યાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં? અને કશું જ કામ નહી કરવાની વૃત્તિને કારણે વિરોધ કરવો, આંદોલન કરવા, કાળી પટ્ટી ધારણ કરી દેખાવો કરવા, શાંતિમય કાર્યક્રમો આપીને કોઈ એકાદ સત્તાધીશને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ પેદા કરવી – કશું જ ન થયું, બોલો.

અને કાશ્મીરમાં છેલ્લા થોડા દાયકામાં શું થતું આપણે જોયું છે? કશુંજ કામ કર્યા વિના કમાણી કરી રહેલાં, નવરા પડેલાં કાશ્મીરીઓ, નવરા પડેલાં કાશ્મીરી યુવાનોએ શું કર્યું? તે લોકોએ પથ્થરબાજી કરવાનું કામ કર્યું. તે યુવાનોએ જેહાદનું ઝેર પીધું. પરિણામ શું આવ્યું?

સમૃદ્ધિનો અર્થ એ ખરો કે જીવનમાં કશું કામ જ ન કરવું, શ્રમ જ ન કરવો? અમિતાભ બચ્ચનનો 77મો જન્મદિવસ હતો ત્યારે કોઈએ તેઓ સેટ વચ્ચે ખાટલા પર સૂઈ ગયાં હતાં તેવી તસવીર મૂકી હતી. સાથે પોસ્ટ કર્યું હતું કે આ માણસને 77 વર્ષે કશાની જરૂર નથી. સંપત્તિ કે પ્રસિદ્ધિ કશાની ખામી નથી, પણ તે 77 વર્ષેય કામ કરે છે.

અલબત, નિવૃત્ત પણ થવું જોઈએ. આ પણ એક અતિરેક છે, પણ કશું જ કામ ના કરવું અને બીજા પાસે કામ કરાવી લેવું તે પણ અતિરેક છે. કાશ્મીર અને ગુજરાતમાં મધ્યમ વર્ગ સુધી પહોંચેલી સમૃદ્ધિએ કેવી સ્થિતિ ઊભી કરી તેની આ નાનકડી સરખામણી છે. તેનો સાર એ છે કે અતિની ગતિ નહીં.