ટીડીપી પછી હવે અકાલી દળ ભાજપ સાથે છેડો ફાડશે?

આંધ્ર પ્રદેશમાં છેલ્લાં કેટલાક સમયથી હલચલ ચાલી જ રહી હતી. ટીડીપીએ ગણગણાટ શરૂ કરી દીધો હતો અને ક્યારે ભાજપનો સાથે છોડે તેની જ રાહ જોવાતી હતી. ગત અઠવાડિયે આખરે ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી કે તેઓ વધુ રાહ જોઈ શકે તેમ નથી. તેમના બે પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં છે. ચંદ્રબાબુ નાયડુ શા માટે એનડીએ છોડી દેવા માગે છે તેની ચર્ચા ચિત્રલેખાએ તેના અગાઉના આ લેખમાં ((((( —– )))) કરી હતી.શિવસેનાએ પણ જાહેરાત કરી દીધી છે 2014ની ચૂંટણી તે ભાજપ સાથે રહીને લડશે નહીં. ભાજપ શિવસેનાના મનામણાં કરી રહી છે. બાબુના મનામણાં કરવાના પ્રયાસો પણ ચાલે છે, પણ આ પ્રયાસો દેખાવ ખાતરના છે તે જાણનારા જાણે છે. આ બંને પ્રાદેશિક પક્ષો નબળા પડે તેનો લાભ લઈને પોતાને મજબૂત કરવાની ભાજપની ગણતરી છે. બિહારમાં નીતિશકુમારને ભાજપે ઓલરેડી નબળાં પાડી દીધા છે. મમતા બેનરજીને બંગાળમાં હરાવી દેવાશે તેવો આત્મવિશ્વાસ ભાજપનો વધ્યો છે. મમતા પછી પ્રાદેશિક નેતામાં લાંબો સમય સત્તામાં રહેલા અને મજબૂત ગણી શકાય તેવા એક માત્ર રહે છે ઓડિશાના નવીન પટનાયક. તેમણે રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા દાખવી નથી અને સીધી રીતે ભાજપનો વિરોધ પણ તેઓ કરતાં નથી.

આ સંજોગોમાં ચંદ્રબાબુ નાયડુ પાસે છૂટા થવા સિવાયનો વિકલ્પ નહોતો. પ્રાદેશિક ધોરણે અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ ગાજતું રહે તે માટે ભાજપ સાથે લાંબો સમય રહેવામાં સાર નહોતો. દક્ષિણમાં જો બીજી વાર સિદ્ધરમૈયા જીતી જાય તો તેમનું કદ વધશે. કમલ હસન અને રજનીકાંતે હજી ચૂંટણીમાં પાત્ર ભજવવાના બાકી છે તે સંજોગોમાં દખ્ખણમાં એક માત્ર મહત્ત્વના નેતા તરીકે બાબુએ બળવો કરવો જરૂરી હતો.

આ પછી હવે ચર્ચા એ થશે કે પંજાબમાં અકાલી દળ અને તેના પર કબજો જમાવીને બેસેલું અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારી ગણાયેલું બાદલ કુટુંબ ભાજપ સાથે રહેશે કે કેમ. પંજાબમાં બાદલ પરિવારે સત્તા ગુમાવી છે. તેના નેતા પ્રકાશસિંહ બાદલ વયોવૃદ્ધ છે અને બીજી પેઢી સુખબીર બાદલમાં એટલાં વેતા નથી. તેથી તામિલનાડુમાં ડીએમકે જેવી તેની હાલત છે. આમ મજબૂત ગણાય, પણ નવી પેઢીના હાથમાં વારસો ટકી શકશે કે કેમ તે સવાલ છે.
પોતાનું અસ્તિત્વ બચાવવા બાદલની નવી પેઢી અને અકાલી દળ અલગથી વિચારશે ખરી એવો સવાલ થાય. સવાલ થવાનું બીજું કારણ હાલમાં જ દિલ્હીની શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના વડા મનજિતસિંહે કરેલી ભાજપની ટીકા છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શીખવિરોધી નીતિઓ ધરાવે છે એમ તેમણે કહ્યું. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યાં તેમને જરાય કોઠું આપવામાં આવ્યું નહીં. તે બહાને મનજિતસિંહે ભાજપ સરકારની ટીકા કરી છે. ટ્રુડો ભારતના શીખોને રાજી કરવા આવ્યાં હતાં, પણ ભારતના શીખોને હજીય ખાલિસ્તાન માટે મોહ હશે એમ સમજીને તેમનો પક્ષ કેનેડામાં રાજકારણ ચલાવે છે. તેથી ભારત સરકારે ટ્રુડોને ઠેંગો બતાવ્યો હતો. કેનેડામાં તેમની ભારતની પિકનિક જેવી મુલાકાતની ભારે ટીકા થઈ છે.આ સંદર્ભમાં મનજિતસિંહે ટીકા કરી, પણ તેની પાછળ ઇરાદો બીજો કંઈ છે ખરો એવો સવાલ પૂછાયો છે. કેનેડાના સંદર્ભમાં ટીકાનો કોઈ અર્થ નથી, કેમ કે પંજાબની કોંગ્રેસ સરકારે પણ ટ્રુડોને ઠંડો આવકાર જ આપ્યો હતો. કોંગ્રેસના સીએમ અમરિંદરસિંહે કેનેડાના સંરક્ષણપ્રધાન બનેલા શીખને મળવાની ના પાડી દીધી હતી. ટ્રુડો સાથે પણ કરવા ખાતર જ મુલાકાત કરી હતી.

પરંતુ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણી ભાજપની ટીકા કરે તે ધ્યાન ખેંચે તેવું છે. એ વાત જાણીતી છે કે બાદલ પરિવારની પૂરેપૂરી પક્કડ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પર છે. આ ધાર્મિક સંસ્થા પર કબજો રાખીને રાજકીય સત્તા જાળવી રાખવામાં આવી છે. તેના કોઈ નેતા ભાજપની ટીકા કરે ત્યારે બાદલ કુટુંબની મરજી હશે તેમ માની લેવાય.
જોકે આ સંબંધ તૂટવો સહેલો પણ નથી. શિવસેના કે ટીડીપીની જેમ અકાલી દળે શરતો સાથે ભાજપ સાથે સંબંધ રાખ્યો નથી. 1996માં પ્રકાશસિંહ બાદલે વાજપેયી સરકારને બિનશરતી ટેકો આપ્યો હતો. નરેન્દ્ર મોદીને પણ પ્રથમથી જ તેમણે સમર્થન આપ્યું હતું. ભાજપના કેટલાક જૂથોમાં નરેન્દ્ર મોદીને પીએમના દાવેદાર બનાવવા સામે વિરોધ હતો, પણ બાદલે કહ્યું હતું કે અમારો નાનો પક્ષ છે એટલે અમારે આ મુદ્દે કંઈ કહેવાનું નથી. ભાજપ જે કંઈ નિર્ણય કરે તેને અમારો બિનશરતી ટેકો હશે એમ તેમણે કહ્યું હતું.આ પછી બંને નેતા એકબીજાના વખાણ કરતા રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં બાદલને ભારતના મન્ડેલા કહ્યાં હતાં. મન્ડેલા એટલા માટે કે તેઓ જુદાજુદા સમયે લગભગ 17 વર્ષ જેલમાં રહ્યાં છે. કટોકટી વખતે તેમને કોંગ્રેસનો વિરોધ કરેલો અને જેલમાં ગયેલાં. તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે લડત ચલાવેલી અને ભારતીય બંધારણનો પણ વિરોધ કરેલો. 1984 પછી સંબંધો વધારે વણસ્યાં હતાં. તેનો રાજકીય લાભ મળ્યો હતો અને કોંગ્રેસને હરાવીને અકાલીઓ પંજાબમાં સત્તા મેળવી શક્યાં હતાં. પાંચ વાર પ્રકાશસિંહ બાદલ સીએમ બન્યાં છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી તેમના વખાણ પણ કર્યાં હતાં. ભારતમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે અને ભારતના ભવ્ય વારસાને મોદી પુનઃસ્થાપિત કરશે એવી પ્રસંશા તેમણે કરી હતી.

88 વર્ષના થયેલા પ્રકાશસિંહ બાદલ પાસે હવે દીકરાને સેટલ કરવા સિવાય કોઈ લક્ષ્ય રહ્યું નથી. હવે પછીની ચૂંટણીમાં 92 વર્ષના થઈ ગયાં હશે. બીજું પંજાબમાં આમ આદમી પાર્ટીના નામે નવું પરિબળ ઊભું થયું છે. કોંગ્રેસ કરતાંય સૌથી વધુ નુકસાન આપે કર્યું છે. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું શક્ય નથી. આપની સ્ટ્રેટેજી ગઠબંધન કર્યા વિના પોતાને સૌથી અલગ અને અનોખા ગણાવીને વિકસવાનો છે. તે સંજોગોમાં ફક્ત બાપના જોરે રાજકારણમાં રમતાં સુખબીર પાસે ભાજપ સિવાય કોઈ આરો નથી.પંજાબના જાણકારો કહે છે કે 1984 પછી પરિસ્થિતિ બદલાઈ હતી. ઇન્દિરા ગાંધીની હત્યા અને તે પછી દિલ્હીમાં શીખોની કત્લેઆમ પછી લાંબા ગાળાની શાંતિ માટે દરેક પક્ષે જીદ છોડવી પડે તેમ હતી. વિભાજનની વાત હવે પંજાબમાં ફરી પ્રબળ થઈ શકે તેમ નથી. થાય છે એવી છાપ ન પડે તે માટે પંજાબના રાજકારણીઓ કેન્દ્ર સરકાર સાથે સારા સંબંધો અને કેન્દ્રની નીતિને અનુસરવામાં સાર સમજે છે. એ માનસિકતાના કારણે જ કોંગ્રેસી સીએમે કેનેડાના વડાપ્રધાન સામે ભાજપની કેન્દ્ર સરકાર જેવી જ નીતિ અપનાવી હતી, એમ નિષ્ણાતો કહે છે.

બીજું, વાજપેયી સરકારને ટકી જવા માટે ટેકાની જરૂર હતી ત્યારે જ અકાલીઓએ ટેકો આપ્યો હતો. ભાજપ ઝડપથી તે ભૂલી શકે તેમ નથી. બીજું ભાજપની જેમ અકાલીઓનું રાજકારણ ધર્મના પરિઘમાં ફર્યા કરે છે. ભાજપ પોતાની કોર પોલીસી પંજાબમાં પણ અમલમાં મૂકવા માગે તો તેમણે શીખ ધાર્મિક અને રાજકીય નેતાગીરીનો જ આશરો લેવો પડે. પંજાબી હિન્દુ નેતાગીરીને પ્રમોટ કરવાને કારણે વિરોધાભાસ ઊભો થાય એવો છે, જેને સમજાવવો મુશ્કેલ પડે. તેથી બીજા રાજ્યોમાં ભાજપ ભલે સાથીને નબળા પાડવા કોશિશ કરે, પંજાબમાં અકાલીઓને હાલમાં ચિંતા નથી ને અકાલીઓને જ અત્યારે ભાજપની વધારે ગરજ છે. સરવાળે પંજાબની રાજકીય સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં યથાસ્થિતિ રહેશે એમ મનાય છે.