સુપરસ્ટાર રજનીકાંતનું રાજકીય સૂરસૂરિયું

સુપરસ્ટાર રજનીકાંતના જોક્સ કરનારી આખી જમાત છે. આ જમાતને હવે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યાં સુધી રજનીકાંતનું રોકેટ કઈ રીતે ફસડાઈ ગયું તેના જોક્સ બનાવવાની તક મળશે. આ ફટાકડો ફૂટ્યો જ નહીં અને સૂરસૂરિયું થઈ ગયું, કેમ કે રજનીકાંત છેલ્લે ઘડીએ પાણીમાં બેસી ગયો અને જાહેરાત કરી કે પોતે લોકસભાની ચૂંટણી લડશે નહીં.

રજનીકાંત રાજકીય પક્ષની સ્થાપના કરશે અને રાજકારણમાં છવાઈ જશે તેવી હવા વચ્ચે રજનીકાંતની હવા આખરે નીકળી ગઈ, કેમ કે એક વર્ષ સુધીમાં રાજકીય પક્ષની સ્થાપના પણ થઈ શકી નથી. બીજી બાજુ કમલ હાસને રાજકીય પક્ષ બનાવી પણ લીધો છે અને ચૂંટણી પણ લડવાનો છે. કમલ હાસને ફિલ્મદુનિયામાં પોતાના સાથી
એવા રજનીકાંતના ખીલ્લી ઊડાવી છે. તેમણે રજનીકાંતનું કાર્ટૂન બની શકે તેવું વર્ણન પણ કર્યું. મક્કામ નિધિ મૈયમ નામના પક્ષના નેતા કમલ હાસને કહ્યું કે કુસ્તીબાજ તેલ ચોળીને, બાવડા કસીને અખાડામાં આવે અને પછી કહે
કે ના, ભઈ ના આજે કુસ્તી નહીં.

કમલ હાસને કહ્યું કે અત્યાર સુધી જાંધ પર થાપા કેમ મારી રહ્યાં હતાં. ‘શું માત્ર અવાજ કરવા માટે સાથળ થપથપાતાં હતાં?’ એવો સવાલ કમલ હાસને પત્રકારો સાથે વાતચીત કરતાં પૂછ્યો. રજનીકાંતે ચૂંટણીના મેદાનમાંથી નાસી જવાની વાત કરી, ત્યારે કમલ હાસને જાહેરાત કરી કે તેમનો પક્ષ બધી જ 40 બેઠકો પર લડશે. દિલ્હીમાં જે પણ સત્તામાં બેસે તેની અસર તામિલનાડુ પર થાય છે. તેથી અમે જ દિલ્હીમાં જઈને સત્તામાં બેસવા માગીએ છીએ એમ કમલ હાસને કહ્યું. જો તેમનો ઈશારો મહાગઠબંધન તરફ હોય તો સમસ્યા એ થશે કે ડીએમકે સામે કમલ હાસન ચૂંટણીમાં ઉતરશે તો એકબીજાને જ નુકસાન કરશે. જોકે કમલ હાસન શું કરશે તેની ચર્ચા આગળ ચાલતી રહેશે, પણ અત્યારે રજનીકાંત કેમ પાણીમાં બેસી ગયો તેની ચર્ચા છે.

એઆઇએડીએમકેના નેતાએ કહ્યું કે રજનીકાંત માત્ર પત્રકારને મળતો હતો, જનતાને મળતો નહોતો. રજનીકાંતને
જનતાને એવી અપીલ પણ કર છે કે સ્થિર સરકાર માટે મત આપવો. આ નિવેદન ભાજપની વિરુદ્ધનું નથી, કેમ કે ભાજપ જ સ્થિર સરકાર આપી શકે તેમ છે એવું ભાજપના પ્રદેશ મહામંત્રી સુંદરરાજને કહ્યું હતું. એક વર્ષ પહેલાં રજનીકાંતે હલચલ મચાવી હતી, કેમ કે તેમણે રાજકીય પક્ષની સ્થાપનાની વાત કરી હતી. કોડામ્બક્કમમાં આવેલા રાધવેન્દ્ર કલ્યાણ મંડપના પોતાના નિવાસસ્થાને એક અઠવાડિયા સુધી ચાહકો અને હિતેચ્છુઓ સાથે રજનીકાંતની ચર્ચાઓ ચાલી હતી. 2017ના ડિસેમ્બરના છેલ્લા દિવસે તેમણે વિશાળ સભા કરી હતી અને કહ્યું હતું કે પોતે ચોક્કસ રાજકારણમાં આવવાના છે.જોકે પ્રારંભથી જ એવી શંકા થવા લાગી હતી કે રજનીકાંતનું રાજકારણ ભાજપનેફાયદો કરાવવા માટેનું છે. જયલલિતાની ગેરહાજરીમાં એઆઇએડીએમકે કેન્દ્રનીમદદથી સત્તા ટકાવી શક્યો છે, પણ આગામી ચૂંટણીમાં ડીએમકે સામે ટક્કર લઈ શકશે કે કેમ તે સવાલ છે. રજનીકાંતે ‘આધ્યાત્મિક રાજકારણ’ની વાતો શરૂ કરી હતી, જેનો અર્થ ઘણાએ ‘કેસરિયું રાજકારણ’ એવો કાઢ્યો હતો. જોકે ફિલ્મોમાં અમિતાભને પણ આંટી દે તેવો રજનીકાંત રાજકારણમાં ચાલશે નહીં તેમ દેખાવા લાગ્યું હતું. પ્રથમ સભામાં ભારે ભીડ થઈ હતી, પણ તે પછી સંગઠન માટેનું માળખું બનાવવા માટે જે મહેનત કરવી પડે તે દેખાતી નહોતી. દરમિયાન તેની ફિલ્મોનું શૂટિંગ પણ ચાલતું રહ્યું હતું. હાલમાં પણ વધુ એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું કામ ચાલી જ રહ્યું છે. તે સંજોગોમાં તામિલનાડુના રાજકારણમાં, જયલલિતા અને કરુણાનિધિની ગેરહાજરીમાં ઊભી થયેલી અનિશ્ચિતતામાં રજનીકાંત શું કરી શકશે તેની શંકા ઊભી થવા લાગી હતી.

રાજકીય મુદ્દાઓની અને જનતાના મિજાજની સમજ હોય તેવું પણ દેખાયું નહોતું. સુપરસ્ટાર તરીકે ફેન ક્લબના લોકો તમારી વાહવાહ કરે, પણ જનતા તમે કયા મુદ્દા પર શું વિચારો છો તે ધ્યાનપૂર્વક જોતી હોય છે. થોડા મહિના પહેલાં
તામિલનાડુમાં સ્ટરલાઇટ કંપનીની પ્લાન્ટના વિરોધમાં મોટું આંદોલન જાગ્યું હતું. દેખાવકારો પર પોલીસે ફાયરિંગ કર્યું તેનો મોટો વિવાદ થયો હતો. પોલીસે પગમાં ગોળી મારવાને બદલે શિકાર કરતાં હોય તેમ લોકો પર ગોળીઓ છોડી તેની દેશભરમાં ટીકા થઈ હતી. પણ રજનીકાંતે પોલીસને બચાવ કરતાં નિવેદનો કર્યા તેનાથી ટેકેદારો પણ આઘાત પામી ગયાં હતાં. પોલીસ ગોળીબારનો બચાવ કરીને ભાજપની કઠપૂતળી તરીકે, ભાજપે ટકાવી રાખેલી સરકારની જ રજનીકાંતે તરફેણ કરી તેવું ઘણાને લાગ્યું હતું. રજનીકાંત ખરેખર કેવા પ્રકારનું રાજકારણ કરવા માગે છે તેની ગૂંચ ઊભી થવા લાગી હતી.

એક તરફ ભાજપ અને નરેન્દ્ર મોદીની ભક્તિ દેખાતી હતી, તો તેની ફિલ્મોમાં હજીય દ્વવિડ રાજકારણની તરફેણ દેખાતી હતી. સ્થાનિક રાજકારણમાં તેને વધારે રસ છે કે રાષ્ટ્રીય રાજકારણમાં તેનો તાળો પણ મળતો નહોતો.
સુપરસ્ટાર તરીકે રજનીકાંત ટોળાં વચ્ચે આવીને હાથ હલાવીને ફેનને ખુશ કરે તે એક વાત છે અને નેતા તરીકે જનતા વચ્ચે ફરીને તેમની વાત સાંભળવી જુદી વાત છે. તેમના મુદ્દા સમજવા અને તેના વિશે પોતે શું માને છે અને શું કરી શકે છે તેની વાત કરવી પણ જરૂરી છે. રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવાની જાહેરાત કર્યાના એક વર્ષ દરમિયાન તે કરી શક્યો નહોતો. રજનીકાંત હજીય સુપરસ્ટાર જ રહ્યો છે, રાજકીય નેતા બની શક્યો નથી. રજનીકાંત ફેન ક્લબ રજની મક્કાલ મન્દ્રમ એક પ્રકારના રાજકીય સંગઠન તરીકે કામ કરતું રહ્યું હતું. ફેન ક્લબમાં સક્રીય અને રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવનારા માનતા હતા કે આમાંથી રાતોરાત રાજકીય પક્ષ ઊભો થઈ જશે.

આ ક્લબના નેતાઓ કહે છે કે દ્વવિડ રાજકીય પક્ષોને તામિલનાડુના 68,000 બૂથમાં માળખું ઊભું કરતાં 30 વર્ષ લાગ્યા હતા. તેની સામે એક જ વર્ષમાં દરેક બૂથમાં અમારા કાર્યકરો અમે ગોઠવી શક્યા છીએ એવો દાવો ફેન ક્લબના વર્તુળો કરે છે. ગાઝા વાવાઝોડું આવ્યું ત્યારે દરિયાકાંઠે ભારે તબાહી મચી હતી. તે વિસ્તારમાં રાહત કાર્યોમાં ફેન ક્લબના સભ્યોને લગાવાયા હતા. તે રીતે લોકોની વચ્ચે સારી છાપ ઊભી કરવાની કોશિશ થઈ હતી. જોકે રાજકીય સંગઠન માટે આટલું પૂરતું નથી. સત્તાવાર રીતે રાજકીય પક્ષની નોંધણી કરાવવી પડે, ગામથી માંડીને રાજ્ય કક્ષા સુધી સમિતિઓ અને હોદ્દેદારો નીમવા પડે. સુપરસ્ટાર ફિલ્મસ્ટારની ફેન ક્લબમાં સભ્ય થવું એક
વાત છે અને સક્રીય રાજકીય પક્ષના કાર્યકર બનવાની વાત જુદી છે.

દરેક ફેન મતદાર બની શકે, પણ કાર્યકર બની શકે તે જરૂરી નથી. કાર્યકરની પણ રાજકીય મહત્ત્વાકાંક્ષા હોય છે અને પક્ષ માટે તો જ કામ કરે જો સત્તાના ફળ મળવાના હોય. રજનીકાંતની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ સ્પષ્ટ થઈ ખરી, પણ કઈ દિશામાં જવુંછે અને કેવું રાજકારણ કરવું છે તેની અસ્પષ્ટતા પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે સુપરસ્ટાર હોવા છતાં રાજકારણમાં રજનીકાંતની કોઈ અસર થવાની નથી. રાજકીય રીતે વિલન પણ ન બની શકે, કેરેક્ટર એક્ટર પણ ન રહે અને કદાચ એક્સ્ટ્રા તરીકે પણ નંબર ન લાગે તેવી સ્થિતિ તમિલ ફિલ્મોના સૌથી મોટા હીરો માટે ઊભી થઈ હતી. તેના કારણે જ આખરે રજનીકાંતે સામેથી જ લોકસભાની ચૂંટણીમાં પોતે કે પોતાનો પક્ષ નહીં લડે તેવી જાહેરાત કરી દીધી. તે જાહેરાત પણ સૂરસૂરિયાં જેવી જ સાબિત થઈ છે અને ખાસ કોઈ ચર્ચા વિના શમી પણ ગઈ છે.