સુપર રીચ ટેક્સની સરપ્રાઇઝ આવશે ખરી?

રુણ જેટલી સારવાર માટે અમેરિકા ગયા છે, પણ સમયસર પરત ફરી જશે અને બજેટ રજૂ કરશે એમ જણાવાઈ રહ્યું છે. આ વખતનું બજેટ મોદી સરકારનું પાંચમું અને છેલ્લું બજેટ છે. બજેટના બદલે વૉટ ઓન એકાઉન્ટ પણ હોઈ શકે છે અને પૂર્ણ બજેટ પણ હોઈ શકે છે. 10 ટકા અનામતનું ગતકડું કાઢ્યા પછી હવે બજેટના કોથળામાંથી શું બિલાડું નીકળશે તેની ચર્ચા છે. હજી એક કે બે મોટી જાહેરાતો કરાશે એવી હવા ભાજપના નેતાઓએ ચલાવી છે. બજેટમાં ખેડૂતોને મોટી રાહત અપાશે તેવી વાતો ચાલે છે, પણ તેનાથી ઉલટું થઈ શકે છે.

મોદી સરકાર અમીરો અને ઉદ્યોગપતિઓની સરકાર ગણાય છે. નોટબંધીમાં ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની કમર તૂટી ગઈ. બીજી બાજુ ધનિક વર્ગ વધારે ધનવાન બન્યો છે. ઓક્ઝફામ નામની સંસ્થાએ 2018ના આંકડાં જાહેર કર્યા તેમાં જણાવાયું છે કે ભારતના અમીરોની રોજની આવકમાં 2200 કરોડનું વધારો થતો રહ્યો હતો. એક તરફ ભારતના પૈસાદાર લોકોની રોજની આવકમાં 2200 કરોડ રૂપિયાનો વધારો થતો હતો, ત્યારે દેશમાં 22 કરોડ લોકો અંદાજે દેશમાં એવા હશે જેમની 2018ના વર્ષમાં રોજની આવકમાં 2200 કરોડનો ઘટાડો રહ્યો હોવો જોઈએ. 22 કરોડ કુટુંબની આવકમાં રોજનો 100 રૂપિયાનો ઘટાડો…

ઓક્ઝફામે દર વખતની જેમ આ વખતે પણ ટોચના એક ટકા લોકોની સંપત્તિ કેટલી છે તે આંકડો પણ રિપિટ કર્યો છે. અભ્યાસ અનુસાર દેશની સંપત્તિનો 51.33 ટકા હિસ્સો દેશના માત્ર એક ટકા લોકો પાસે છે. 99 ટકા લોકો પાસે 49 ટકા કરતાંય ઓછી મિલકતો છે. ટોચના દસ ટકા 77.4 ટકા મિલકતો ધરાવે છે, તે રીતે જુઓ તો 90 ટકા લોકો પાસે માત્ર 33 ટકા સંપત્તિ જ છે.

10 ટકા અનામત જાહેર કરીને ભદ્ર વર્ગનું તુષ્ટિકરણ કર્યા પછી અને ભાજપ માત્ર ઉપલા વર્ગના લોકોની જ પાર્ટી છે તે વાતને દૃઢ કર્યા પછી બેલેન્સ કરવા માટે ધનવાન લોકો પરનો ટેક્સ વધારવામાં આવે તેવી પણ શક્યતા છે. ઉદ્યોગપતિઓની સરકારના સતત આક્ષેપ પછી સરકાર સુપર રીચ ટેક્સ, એટલે કે વધુ કમાતા લોકો પર વધુ ટેક્સ લાવશે તેવી વાતો થઈ હતી. 2016-17ના બજેટમાં સુપર રીચ લોકો પર ટેક્સ વધારવાનો દેખાવ કરાયો હતો. માત્ર દેખાવ કરાયો હતો, કેમ કે ટેક્સ ખરા અર્થમાં વધારાયો નહોતો. ઇન્કમ ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વિના અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે એક કરોડથી વધુ કમાણી કરનારા કરદાતાઓ પર સરચાર્જ વધારાશે. હકીકતમાં ચિદંબરમે છેલ્લા બજેટમાં 10 ટકાનો સરચાર્જ નાખ્યો હતો. જેટલીએ 2015-16ના બજેટમાં તેમાં બે ટકાનો વધારો કર્યો. (પણ વેલ્થ ટેક્સ નાબુદ કર્યો હતો.) 2016-17ના બજેટમાં ત્રણ ટકાનો વધારો કરીને 15 ટકા કરી દીધો. પરંતુ તે પછીના છેલ્લા 2017-18ના બજેટમાં પ્રથમ સ્લેબમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.

આ પાંચ ટકાના ઘટાડાની અસર એ થઈ કે એક કરોડથી વધારે કમાણી કરનારાનો ટેક્સ ઉલટાનો 14,810 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. નાના કરદાતાને થયેલો ફાયદો મામુલી હતી, પણ તેનો લાભ ધનિકને વધારે મળ્યો. તેથી ખેડૂતો માટે મોટી જાહેરાતના બદલે બેલેન્સ કરવા માટે આ વખતે ખરા અર્થમાં એક કરોડથી વધુની આવક ધરાવનારા પર નવો ટેક્સ સ્લેબ દાખલ કરાશે ખરો એવો સવાલ પૂછાઈ રહ્યો છે?

દુનિયાભરમાં ભારત જેવી જ સ્થિતિ છે. ટેક્સમાં ફેરફારો એવી રીતે થતા હોય છે કે ધનવાનોને ફાયદો થાય. મધ્યમ વર્ગે માત્ર રાજી થવાનું હોય છે. મધ્યમ વર્ગને પણ કદાચ રાજી કરાશે એવી શક્યતા છે. ભાજપ સરકારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ખાસ કોઈ ફેરફારો કર્યા નથી. પાંચ લાખ સુધીની આવકને ટેક્સમાંથી કાઢી નાખવાની વાતો લાંબા સમયથી, કોંગ્રેસની સરકાર હતી ત્યારથી, ચાલે છે પણ અમલ થયો નથી. જોકે સરકારે આવકનો વિચાર કરીને નિર્ણય લેવો પડે.

નોટબંધી પછી બેન્કોમાં રોકડા જમા કરાવાયા તેના કારણે ઘણા બધા લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ફરજ પડી છે. કરદાતાઓની સંખ્યા 6 કરોડથી વધી ગઈ છે, પણ તેમાંથી મોટા ભાગના લોકોએ પાંચ લાખથી ઓછી આવક જ બતાવી છે. એક તરફ સરકારનો ઇરાદો ટેક્સ નેટ વધારવાનો છે, પણ જો પાંચ લાખનો સ્લેબ કરી દેવાય તો વળી મોટી સંખ્યામાં કરદાતા ઓછા થઈ જાય.

સામી દલીલ એ છે કે મામુલી ટેક્સ મળતો હોય અને વહીવટી ખર્ચ અને ઝંઝટ વધારે થતી હોય તેના બદલે રાહત આપી દેવી વધારે સારી. મધ્યમ વર્ગને તે બહાને રાજી પણ કરી શકાય. બીજી બાજુ સુપર રીચ ટેક્સ થોડો પણ વધારવામાં આવે તો મોટી આવક થઈ શકે છે. ઓક્ઝાફામના આવક અને સંપત્તિના આંકડાં સાથે એવો પણ અંદાજ આપવામાં આવ્યો છે કે સુપર રીચ પર થોડો ટેક્સ વધારવામાં આવે તો પણ ભારતને મોટી આવક થઈ શકે છે. ઓક્ઝાફામના અહેવાલના લેખકોએ એવો અંદાજ મૂક્યો છે કે ભારતના સુપર રીચ પર અડધો ટેક્સ વધારવામાં આવે તો તેમાંથી એટલી આવક થાય કે ભારતનું આરોગ્યનું બજેટ 50 ટકા વધારી શકાય.

ચૂંટણી આડે ત્રણ મહિના જ રહ્યા છે ત્યારે દરેક બાબતની અસર તેના પર પડવાની. ઓક્ઝફામનો રિપોર્ટ પણ ચર્ચામાં રહેવાનો, કેમ કે એક તરફ રોજગારી મળતી નથી અને બીજી તરફ ભારતના ધનવાનોની સંપત્તિ રોજના 2200 કરોડ રૂપિયા વધી જાય છે તે આંકડો મધ્યમ અને ગરીબ વર્ગમાં રોષ વધારી શકે છે. પાંચ ઉદ્યોગપતિઓ મોદી સરકાર ચલાવે છે એવું કોંગ્રેસ કહેતી હોય છે. બે પાંચ ધનવાન લોકો ધારે તેવી નીતિઓ અમલમાં લાવીને પોતાને ફાયદો કરાવે તેવા આક્ષેપો નવા નથી. આ વખતના અહેવાલમાંથી એવું પણ તારણ કઢાયું છે કે ભારતના ટોચના 9 ઉદ્યોગપતિઓ દેશની 50 ટકા સંપત્તિ ધરાવે છે. ડૉલરમાં બિલિયનની વ્યાખ્યા પ્રમાણે ભારતમાં આ વખતે 18 નવા અબજપતિઓ થયા. તે સાથે દેશના કુલ અબજપતિઓની સંખ્યા 119ની થઈ છે. આ 119માંથી 9 સૌથી શક્તિશાળી છે, તે કોણ છે કે ટોપ ટેન ધનવાનો યાદી શોધી કાઢો એટલે ખબર પડી જશે.

દુનિયામાં પણ આવું જ ચાલે છે. સમગ્ર દુનિયાની અડધોઅડધ સંપત્તિ ફક્ત 26 ઉદ્યોગપતિઓ પાસે છે. દુનિયાના સૌથી ધનવાનોની યાદીમાં હાલમાં નંબર વન પર છે એમેઝોનના જેફ બેઝોસ. તેમની સંપત્તિ વધીને 112 અબજ ડૉલરની થઈ છે. આ કેટલી જંગી સંપત્તિ છે તે સમજવા માટે ઇથિયોપિયાના બજેટ સાથે તેની સરખામણી થઈ હતી. 10 કરોડની વસતિ ધરાવતા ઇથિયોપિયાનું આરોગ્ય બજેટ એક તરફ અને જેફ બેઝોસની સંપત્તિનો ફક્ત એક ટકો સામેની તરફ. જેફ એક ટકો રકમ દાનમાં આપી દે તો આખા દેશના દવાખાના તેના પર ચાલી જાય.

આવી અસમાનતાને કારણે જ ઓક્ઝાફામે દુનિયાના દેશોને અરજ કરી છે કે સુપર રીચ લોકો પર ટેક્સ વધારવો જરૂરી છે, જેથી સામાજિક આક્રોશ ના ઊભો થાય. સૌની સંપત્તિમાં વધારો થતો હોય ત્યાં સુધી રોષ કાબૂમાં રહેશે, પણ અહેવાલ અનુસાર તળિયાના લોકોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના સૌથી ગરીબ, તળિયાના 308 કરોડ લોકોની આવકમાં ઘટાડો થયો છે એવો પણ અંદાજ છે.

ભારતમાં પણ આ સ્થિતિ વિકરાળ બની છે. ખેડૂતોની આવકમાં હકીકતમાં ઘટાડો થયો છે તેમ ઘણા જાણકારો કહી રહ્યા છે. તે જ રીતે નોટબંધી પછી ગરીબ માણસોની આવકમાં ઉલટાનો ઘટાડો થયો છે. દેશનો જીડીપી છેલ્લા બે વર્ષમાં વધ્યો છે અને ગરીબ રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રોજગારી વધવાને બદલે ઘટી છે. ખેડૂતો માટે ખાતર, બિયારણ અને દવાના ભાવ વધ્યા છે, જ્યારે ગરીબો માટે રોજબરોજની વસ્તુઓના, શિક્ષણ અને આરોગ્યના ખર્ચા વધ્યા છે, જ્યારે આવકમાં વધારો થયો નથી. વધારો થયો હોય ત્યાં એટલો ઓછો છે વધેલા ખર્ચ સામે બચત ઓછી થઈ છે.

આ સ્થિતિ સરકાર વાકેફ છે કે કેમ અને વાકેફ હોય તો પણ કેફમાં રહીને તેની અવગણના કરવા માગે છે કે કેમ તે જોવાનું રહે છે. ખેડૂતોની દેવા માફી નહી થાય તેમ વડાપ્રધાને વર્ષના પ્રથમ દિવસે પ્રચાર માટે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેથી ખેડૂતોને એકર દીઠ વાર્ષિક સહાયની યોજનાની જાહેરાત થશે તેવી અપેક્ષા છે. સાથે જ પોતે અમીરતરફી નહિ, પણ વિરોધી છે તેવું દેખાડવા માટે સુપર રીચ ટેક્સ પણ લાદવામાં આવશે તેવી ગણતરી છે. જોઈએ હવે…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]