નવરાત્રિમાં ત્વચા પર જામેલા મેલના થરને હટાવો આ અસરકારક ટિપ્સ દ્વારા

વરાત્રિમાં ગરબામાં ઘૂમવા જાવ એટલે મેકઅપનો ભપકો તો હોવાનો જ ને! જોકે મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે નવરાત્રિ પછી ઉજાગરા, થાક અને પ્રદૂષણને કારણે ચહેરા પરની ચમક ઓછી થતી જાય છે. અને હવે તો નવરાત્રિ પૂર્ણતાના આરે છે ત્યારે ચોક્કસપણે ત્વચા પર ધૂળ માટીને કારણે મેલના થર જામી ગયેલા હોય છે. ગરબા રમતી વખતે ઉત્સાહમાં ભલે તમે ધ્યાન ન આપ્યું હોય પરંતુ નવ નવ દિવસ મેકઅપ, પ્રદૂષણને કારણે ત્વચા નિસ્તેજ બની રહે છે.

નવરાત્રિના થોડા દિવસ બાદ જ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે નવરાત્રિનો થાક ઉતારીને તમારા ચહેરા તથા ત્વચાને પણ તાજીમાજી કરી દો. તમે ભલે નવરાત્રિ પહેલાં બોડી પોલિશિંગ, વેક્સ, ફેશિયલ જેવી બ્યૂટી ટ્રીટમેન્ટ લીધી હોય પરંતુ નવરાત્રિ દરમિયાન ચહેરા પર ધૂળ, માટી વગેરે ઊડવાને કારણે ત્વચા કાંતિહીન બની જાય છે.ત્યારે કેટલીક પ્રાથમિક બાબતોને અનુસરીને તમે ફરીથી તમારી યુવા ત્વચા મેળવી શકો છો.

સ્ટિમ

નવરાત્રિના ચાર દિવસ પસાર થાય એટલે ચહેરા પર ગંદકીના થર જામવા લાગે છે. ચહેરો એકદમ ચોખ્ખો થઈ જાય તે માટે ચારેક દિવસે એકવાર સ્ટિમ લેવી જેથી ચહેરા પર જમા થયેલી બધી જ ગંદકી દૂર થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ ચહેરો તૈલી લાગે ત્યારે ઠંડા પાણીથી ધોઈ નાખવો.

નવરાત્રિનો સમયગાળો એટલે શરદ ઋતુ. શરદ ઋતુ હોય ત્યારે ઠંડી અને ગરમી એવી બે સિઝનનો અનુભવ થાય છે. જો તમારી ત્વચા તૈલી હોય તો ચહેરા પર વધારે પ્રમાણમાં મોઇશ્ચરાઇઝર ન લગાવવું. ત્વચા સૂકી હોય તો ચહેરો ધોયા બાદ તુરંત જ મોઇશ્ચરાઝર અથવા તો કોલ્ડ ક્રીમ લગાવી લેવું.સ્ક્રબિંગ

તમે બે-ત્રણ દિવસે સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો. તમે સુગર સ્ક્રબનો ઉપયોગ પણ કરી શકો. એક ચમચી ખાંડ લઇ તેમાં પાણી મિક્સ કરીને ચહેરા પર ઘસી લેવું, જેથી મૃત ત્વચા ઉખડી જશે. તમે તમારી ત્વચાને અનુરૂપ રેડીમેડ સ્ક્રબ પણ વાપરી શકો છો.

લીંબુનો ઉપયોગ

ગળા, ગરદન અને કોણીની સફાઈ માટે લીંબુનો ઉપયોગ કરી શકાય. તમને દિવસમાં જ્યારે સમય મળે ત્યારે લીંબુનો રસ ચહેરા, ગરદન, કોણી કે ઘૂંટણ પર લગાવી દેવો. તમે લીંબુની છાલ પણ ઘસી શકો છો. આમ કરવાથી ચહેરા પરની ગંદકી દૂર થશે અને ત્વચા ચોખ્ખી અને ચમકતી બની જશે.

ચહેરાની વ્યવસ્થિત સફાઈ

મોટા ભાગે થાકને કારણે યુવતીઓ ગરબામાંથી કે કોઈ ફંક્શનમાંથી આવ્યા બાદ થાકીને લોથપોથ થઈ હોય એટલે સૂઈ જવાનું પસંદ કરે છે. પરંતુ આ બાબત યોગ્ય નથી. તમે મેકઅપ કર્યો હોય તો ઘરે પાછા આવીને તુરંત અથવાતો ફંક્શન પતે એટલે ચહેરા પરથી બધો જ મેકઅપ કાઢ્યા બાદ જ સૂવું જોઈએ. તે માટે સારા મેકઅપ રિમૂવ ક્રીમ, બેબી ઓઇલ કે કોપરેલનો ઉપયોગ તમે કરી શકો. તેના કારણે ત્વચા ડ્રાય નહીં થાય. ભલે તમે ગમે તેટલા થાક્યા  જો તમને ધૂળ અને માટી ઊડવાથી પિમ્પલ થઈ ગયા હોય તો એન્ટિબેક્ટેરિયલ ક્લિન્ઝરનો ઉપયોગ કરવો. બસ જો તમે આટલી દરકાર રાખશો તો પછી આંખો નીચેનાં કુંડાળાં, ખીલ, કાળા ડાઘા તહેવાર પહેલા જ દૂર કરી શકશો.