હેટ-ટ્રિકઃ (3-બોલમાં-3 વિકેટ) – દરેક બોલરનું સપનું હોય, સાકાર એનું થાય જે નસીબનો બળિયો હોય…

કુલદીપ યાદવઃ કોલકાતામાં કાંગારુંઓને કાંડાની કમાલ બતાવનાર આ સ્પિનર ૨૦૧૯ની વર્લ્ડ કપમાં ભારતનું મુખ્ય શસ્ત્ર બની શકે છે

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતમાં પગ મૂક્યો એ પહેલાંથી જ એમને ખબર હતી કે ભારતની ધરતી સ્પિન બોલિંગને યારી આપવા માટે જાણીતી છે અને આ વખતની ટીમમાં બે રિસ્ટ સ્પિનર – કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યા છે. વન-ડે સિરીઝ રમવાનું શરૂ કર્યું એ પહેલા ઓસ્ટ્રેલિયનોએ સ્પિન બોલિંગ સામે કેવી રીતે રમવું એની પ્રેક્ટિસ કરી હતી, પણ એમને તોય ભારે એટલા માટે પડી ગયું કે એમણે બોલના એક ઈંચ જેટલા સ્પિન સામે રમવાની પ્રેક્ટિસ કરી હતી જ્યારે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ તો બોલને આઠ-આઠ ઈંચ જેટલો સ્પિન કરે છે.

સ્ટીવ સ્મીથની ઓસ્ટ્રેલિયન ટીમે આ લખાય છે ત્યાં સુધીમાં પહેલી ત્રણેય વન-ડે મેચ હારી જઈને પાંચ મેચોની સિરીઝ 3-0થી ગુમાવી દીધી હતી. એટલું જ નહીં, આ ટીમે ભારતને-કુલદીપ યાદવને એક હેટ-ટ્રિકની સિદ્ધિની પણ ‘ભેટ’ આપી છે.

ભારતને છેક 26 વર્ષે વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક પ્રાપ્ત થઈ. આ બહુમાન મેળવ્યું છે કુલદીપ યાદવે, જેની કોલકાતા ODI એની કારકિર્દીની માત્ર 9મી જ હતી. 26 વર્ષ પહેલાં ઈડન ગાર્ડન્સમાં હેટ-ટ્રિકની સિદ્ધિ હાંસલ કરી હતી કપિલ દેવે – 1991માં શ્રીલંકા સામે. કપિલે ઈડન ગાર્ડન્સમાં જ હેટ-ટ્રિક લીધી હતી. કપિલે એ સિદ્ધિ મેળવી હતી ત્યારે કુલદીપે હજી આ જગતમાં જન્મ પણ લીધો નહોતો.

ઈડન ગાર્ડન્સમાં 22 વર્ષીય કુલદીપ યાદવ 21 સપ્ટેંબરે કાંગારુઓ પર ત્રાટક્યો એ પહેલાં આ ઐતિહાસિક મેદાન પર હેટ-ટ્રિક સિદ્ધિ હાંસલ કરનાર સ્પિનર હતો હરભજન સિંહ, જેણે સ્ટીવ વોની ટીમના ત્રણ બેટ્સમેનને લગાતાર બોલમાં આઉટ કર્યા હતા. પરંતુ એ ટેસ્ટ મેચ હતી. એ યાદગાર ઘટના 16 વર્ષ પહેલાં બની હતી. ત્યારે કુલદીપ માંડ 6 વર્ષનો હતો.

વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના ત્રણ બોલર છે – ચેતન શર્મા (1987માં નાગપુરમાં ન્યુ ઝીલેન્ડ સામે) અને કપિલ દેવ (1991માં ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે). શર્મા અને કપિલ બંને ફાસ્ટ બોલર હતા જ્યારે કુલદીપ વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતનો પહેલો જ સ્પિનર બન્યો છે.

ચેતન શર્માની હેટ-ટ્રિક વિશેષ એ રીતે છે કે એણે ન્યુ ઝીલેન્ડના ત્રણેય બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.

બીજી એક રસપ્રદ બાબત એ છે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં માત્ર બે જ રિસ્ટ સ્પિનર્સે હેટ-ટ્રિક લીધી છે. કુલદીપ પહેલાં હેટ-ટ્રિક લેનાર હતો શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા.

(કુલદીપ યાદવની હેટ-ટ્રિક)

httpss://twitter.com/krazzycricket/status/911128857503084545

બોલ જ્યારે આટલો બધો ટર્ન થતો હોય ત્યારે અમુક બોલ જો ઓછો ટર્નવાળો કે સીધો સટ આવી પડે તો બેટ્સમેન મુંઝાઈ જાય. કોલકાતા વન-ડેમાં એવું જ થયું હતું. વિકેટકીપર મેથ્યૂ વેડ બોલ્ડ થયો હતો, ત્યારબાદ આવેલો એશ્ટન એગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્રીજો પેટ કમિન્સે જે બોલનો સામનો કર્યો હતો એ ટર્ન થયો નહોતો અને સીધો એના બેટ પર ગયો હતો અને બોલ બેટની ધારને અડીને કીપર ધોનીના ગ્લોવ્ઝમાં પડ્યો હતો.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો વન-ડે ક્રિકેટમાં કુલદીપે લીધેલી હેટ-ટ્રિક 43મી હતી. આ યાદીમાં સૌથી પહેલું નામ છે પાકિસ્તાનના જલાલુદ્દીનનું, જેણે 1982માં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટની પહેલી હેટ-ટ્રિક લીધી હતી.

શ્રીલંકાના લસીથ મલિંગાએ કુલ 3 વાર હેટ-ટ્રિક લીધી છે તો બે-વાર હેટ-ટ્રિક લેવાની સિદ્ધિ મેળવનાર છે – વસીમ અકરમ, સકલૈન મુશ્તાક (બંને પાકિસ્તાન), ચામિન્ડા વાસ (શ્રીલંકા).

કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ ઝડપથી અનુભવ મેળવી રહ્યા છે અને પાકટ બની રહ્યા છે. કુલદીપની હેટ-ટ્રિક બાદ તો કહી શકાય કે 2019ની વર્લ્ડ કપ સ્પર્ધામાં એ ભારતનું મુખ્ય હથિયાર બની શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના પાંચ બોલરોઃ

1. ચેતન શર્મા (ફાસ્ટ બોલર) – 1987 (ન્યુ ઝીલેન્ડ સામે નાગપુરમાં વન-ડે મેચ, 1987 રિલાયન્સ વર્લ્ડ કપ)

2. કપિલ દેવ (ફાસ્ટ બોલર) – 1991 (શ્રીલંકા સામે કોલકાતામાં વન-ડે મેચ, એશિયા કપ ફાઈનલ)

3. હરભજન સિંહ (ઓફ્ફ સ્પિનર) – 2001 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં ટેસ્ટ મેચ)

4. ઈરફાન પઠાણ (ડાબોડી ફાસ્ટ બોલર) – 2006 (પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટ મેચ)

5. કુલદીપ યાદવ (ડાબોડી ચાઈનામેન બોલર) – 2017 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં વન-ડે મેચ)

 

ઈડન ગાર્ડન્સમાં ભારતના હેટ-ટ્રિક બોલરો અને એમના 3 શિકાર…

કપિલ દેવ : 1991 (એશિયા કપ ફાઈનલ, વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

શ્રીલંકાના 3 બેટ્સમેનો – રોશન મહાનામા, સનત જયસૂર્યા અને ચંપક રમાનાયકે.

હરભજન સિંહ : 2001 (ટેસ્ટ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન.

કુલદીપ યાદવ : 2017 (વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – મેથ્યૂ વેડ, એશ્ટન એગર અને પેટ કમિન્સ.

 

શું કહે છે, હેડ સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી?

ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે સિરીઝમાં અત્યાર સુધી યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે મેળવેલી સફળતા માટેનો શ્રેય ઘણે અંશે ભૂતપૂર્વ લેગસ્પિનર નરેન્દ્ર હિરવાણીને જાય છે, જેઓ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ સ્પિન કોચ છે. એમણે જ ભારતીય ટીમમાં સ્પિનરોની સંખ્યા વધારી આપી છે. આ ટૂકડીમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી છે તો ચહલ, યાદવ અને અક્ષર પટેલ જેવા પ્રમાણમાં ફ્રેશ બોલરો છે.

હિરવાણીનું માનવું છે કે હાલના ભારતના તમામ સ્પિનરો ટર્નવાળા બોલ સામે રમવાની બેટ્સમેનોની ખામીઓને બરાબર પારખી શકે છે.

હિરવાણીની ઓળખ એ છે કે એમણે 1972માં એમની ડેબ્યૂ ટેસ્ટમેચમાં કુલ 136 રનમાં 16 વિકેટ ઝડપી હતી. મદ્રાસમાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બંને દાવમાં 8-8 વિકેટ ઝડપીને એમણે એક વિશ્વવિક્રમ કર્યો હતો. હિરવાણીએ બોબ મેસ્સીનો 137 રનમાં 16 વિકેટનો રેકોર્ડ માત્ર 1 રનથી તોડ્યો હતો. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.