આ વખતે બાંગલાદેશની ચૂંટણીમાં ભારતનો મુદ્દો કેમ?

ભારતમાં ચૂંટણી હોય એટલે કાશ્મીરના બહાને પાકિસ્તાનનો મુદ્દો ઉછળે. પાકિસ્તાનમાં પણ સદાય કાશ્મીરના બહાને ભારતનો મુદ્દો ચૂંટણીમાં ગાજે. પાકિસ્તાનની સેનાનો ટેકો મેળવવા માટે દરેક રાજકીય પક્ષના નેતાઓ સ્પર્ધા કરે કે ભારત સામે કોણ વધારે ઝેર ઓકી શકે છે. નવાઝ શરીફ જેવાના સ્વર બદલાઇ જાય અને બમણાં જોરથી ભારત સામે ઝેર ઓકે, કેમ કે તેમણે વચ્ચેના વર્ષોમાં ભારત સાથે શાંતિ મંત્રણાની કોશિશ કરી હોય. ભારતમાં પણ દરેક નેતા નોબેલલાયક થવા માટે આવીને એકવાર શાંતિમંત્રણાનો મંત્ર ભણ્યાં વિના રહેતો નથી.કાશ્મીરમાં આ વખતે રમજાન મહિના દરમિયાન શાંતિનો મંત્ર ભાજપના નેતાઓએ વિધિ પ્રમાણે ભણી લીધો છે. હવે ચૂંટણી સુધી ખાંડા ખખડાવાશે. દરમિયાન બાંગલાદેશમાં પણ ચૂંટણી આવી રહી છે. આ વર્ષના અંત ભાગમાં યોજાવાની છે. ત્યાંના જાણકારો માની રહ્યા છે કે કોઈક રીતે ભારતનો મુદ્દો ચૂંટણીમાં મહત્ત્વનો બનશે. બાંગલાદેશની ચૂંટણી વિશે અત્યારથી ચર્ચા થવાનું બીજું કારણ એ છે કે આ વખતે કોણ કોણ સ્પર્ધામાં હશે. વિપક્ષમાં રહેલો રાજકીય પક્ષ બાંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી) ચૂંટણી લડશે કે કેમ તે સ્પષ્ટ નથી.

બાંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડાંપ્રધાન ખાલેદા ઝીયા અત્યારે જેલમાં છે. તેમની સામે ભ્રષ્ટાચારના અનેક કેસ થયા હતા. તેમનો દીકરો તારિક રહેમાન હાલમાં લંડન છે અને ત્યાંથી પક્ષનું કામકાજ સંભાળે છે. પણ વિદેશમાં રહીને પક્ષનું કામકાજ લાંબો સમય અને ખાસ કરીને ચૂંટણી વખતે સંભાળવું મુશ્કેલ છે. તારિક રહેમાનને દેશનિકાલ કરવામાં આવ્યો છે એટલે બાંગલાદેશ હાલના સંજોગોમાં આવી શકે તેમ નથી. પક્ષમાં બીજું નેતૃત્ત્વ ઊભું થયું નથી. ચૂંટણી સુધીમાં પક્ષમાં ભાગલા પડે છે કે કેમ તેના પર પણ સૌની નજર છે.
નેશનલિસ્ટ પાર્ટી ચૂંટણી ના લડે તો શાસક પક્ષ અવામી લીગ માટે ચૂંટણી આસાન થઈ શકે છે. બીજો કોઈ મોટો પક્ષ તેની સામે પડકાર ફેંકી શકે તેમ નથી.

નેશનલિસ્ટ પાર્ટી કાયમ ભારતવિરોધી વલણ લઈને મતદારોનો ટેકો મેળવતી આવી છે. હવે તે પક્ષના નેતાઓને લાગ્યું છે કે ભારતમાંથી મોરલ સપોર્ટ મળે તો સારું પડે. હાલમાં જ પક્ષનું એક પ્રતિનિધિમંડળ ભારતમાં આવ્યું હતું અને સત્તાધારી પક્ષ તથા વિપક્ષના નેતાઓને પણ મળ્યું હતું. ભારત તરફથી તેને ટેકો મળવો મુશ્કેલ છે, કેમ કે બાંગલાદેશના ભારતવિરોધી તત્ત્વો સાથે જ બીએનપીને વધારે ફાવે છે. ભારત સામે સતત ઝેર ઓકતી જમાતે ઇસ્લામી સાથે પણ બીએનપીને વધારે ફાવે છે. અવામી લીગને હાલમાં આ પ્રયાસોની બહુ ચિંતા નથી. ભારતમાંથી બીએનપીને ટેકો મળવો મુશ્કેલ છે. બીજું જમાતે ઇસ્લામીની કટ્ટરપંથી પ્રવૃત્તિઓ બાંગલાદેશમાં બધાને ફાવે તેવી નથી. ભારત માટે વિરોધ હોય ત્યાં સુધી બરાબર છે, પણ જમાતે ઇસ્લામીને પાકિસ્તાન બહુ વહાલું લાગે છે. આ વાત બધા બાંગલાદેશીઓને પસંદ પડે તેવી નથી. પાકિસ્તાની સેનાએ કરેલા જુલમો બાંગલાદેશી મુસ્લિમો હજી ભૂલ્યા નથી.

ખાલેદા ઝીયાને ચૂંટણી દરમિયાન થોડો સમય જેલની બહાર આવવા મળે તેવી શક્યતા પણ ઓછી દેખાય છે. બીએનપીના નેતાઓ ભારત ઉપરાંત બીજા દેશોની મુલાકાત પણ લઈ રહ્યા છે. તેમની ગણતરી અવામી લીગની સરકાર પર આતંરરાષ્ટ્રીય દબાણ વધારવાની છે. ચૂંટણી વખતે ખાલેદા ઝીયા પ્રચાર કરી શકે તેવી ગણતરી બીએનપીની છે. ભારતનું દબાણ તેમાં કામ આવી શકે તેવી ગણતરીએ બીએનપીના નેતા જૂની વાતો ભૂલીને ભારતીય પોલિસી મેકર્સને મનામણાં કરવા કોશિશમાં લાગ્યું છે.અવામી લીગ તેની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. અવામી લીગ પણ ભારત સાથેના પોતાના સંબંધોમાં ઓટ ના આવે તેની કાળજી લઈ રહ્યું છે. સ્થાનિક ધોરણે સમર્થન મજબૂત થાય તેવા પ્રયાસો વચ્ચે પેટાચૂંટણીમાં પક્ષને ફાયદો થયો છે.

ગાઝીપુર નામના શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં અવામી લીગને સારી બહુમતી મળી છે. બીએનપીને આ ચૂંટણીમાં આસાનીથી હરાવી શકાયું તેના કારણે અવામી લીગને આગામી ચૂંટણી જીતવાની પણ આશા છે. બીએનપીમાં શક્તિશાળી કાર્યકરો હોય તેમની સામે સરકાર કાર્યવાહી પણ કરી રહી છે. કેટલાક કાર્યકરોને ડ્રગ્ઝની હેરાફેરીના આરોપમાં હાલમાં જ પકડી લેવાયા છે.

બીએનપીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમના કાર્યકરો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. ગાઝીપુરની ચૂંટણીમાં પણ તેમના ટેકેદારો પાસેથી મતપત્રકો છીનવી લેવાયાના આક્ષેપો બીએનપીએ કર્યા હતા. ચૂંટણી તંત્ર અવામી લીગના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપો પણ થઇ રહ્યા છે. જોકે બાંગલાદેશની સેના દેશના રાજકારણમાં પાકિસ્તાનની જેમ માથું મારતી નથી. તેના કારણે અવામી લીગને શાંતિ છે. ભારત સામે કેવું વલણ લેવું તે માટે સેના તરફ જોવાની જરૂર રહેતી નથી. પાકિસ્તાનમાં રાજકીય પક્ષે ભારત સામે ઝેર ઓકીને સેનાને રાજી રાખવી પડે છે. બાંગલાદેશમાં હાલમાં એવી સ્થિતિ નથી. તેના કારણે બીએનપીને પણ ખ્યાલ છે કે ભારતવિરોધી પોતાની નીતિથી બાંગલાદેશની સેનાને રાજી કરવાનો કોઈ ફાયદો નથી.

તેના કારણે જ મજબૂરીમાં બીએનપીના નેતાઓ ભારતમાં આંટાફેરા કરતા થઈ ગયા છે. ભારતનો વિરોધ ઓછો થાય તેવા બીએનપીના પ્રયાસો સફળ થાય તેવું ભારતમાં પણ જાણકારો માનતા નથી. ભારતે આ મામલામાં પડવાની જરૂર નથી, કેમ કે ભારતવિરોધી ઝેર ફેલાવનારી બીએનપી આપોઆપ નબળી પડી ગઈ છે. ખાલેદા ઝીયા જેલમાં હશે એટલે ચૂંટણીમાં મોટો પડકાર ફેંકી શકે તેવો કોઈ નેતા અવામી લીગ સામે હશે નહિ.

બીએનપી ભારતને મનામણા કરવામાં નિષ્ફળ જાય તો ફરીથી ભારતવિરોધી ઝેર ઓકવાનું શરૂ કરી દેશે એમ મનાય છે. જોકે તેની પણ અવામી લીગને ચિંતા નથી. આગળ કહ્યું તેમ બાંગલાદેશની સેના કે બાંગલા મતદારોને માત્ર ભારતવિરોધી પ્રચારથી રાજી કરવામાં કોઈ ફાયદો બીએનપીને મળવાનો નથી. જમાતે ઇસ્લામી સાથેના સંબંધો બીએનપી છોડી શકે તેમ નથી, તેના કારણે પાકિસ્તાની સેનાના અત્યાચારોને યાદ કરનારો વર્ગ ક્યારેય બીએનપીને સાથ આપે નહિ. કટ્ટરવાદી ઇસ્લામનો વ્યાપ બાંગલાદેશમાં પણ વધી રહ્યો છે તેનો ફાયદો બીએનપીને મળી શકે છે, પણ તે ફાયદો લેવા માટે તેની પાસે અત્યારે સંગઠન નથી.

બીએનપીએ એવી પણ માગણી કરવાનું શરૂ કર્યું છે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે બાંગલાદેશની સેનાને મૂકવી જોઈએ. પણ આગળ કહ્યું તેમ તેનાથી અવામી લીગને ચિંતા નથી, કેમ કે થોડા વખત પહેલાં સેનાના વડા તરીકે મૂકાયેલા અઝીઝ અહમદને રાજકારણમાં બહુ રસ નથી. નિરિક્ષકોને અત્યારે સૌથી વધુ રસ છે કે હજી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી ત્યારે ભારતના વલણની ચર્ચા બાંગલાદેશમાં થઈ રહી છે, તે આગલા મહિનામાં કેવી રહેશે. બીએનપીનું પ્રતિનિધિમંડળ ભારત આવી ગયું તે પછી હવે અવામી લીગનું પ્રતિનિધિમંડળ પણ જુલાઈમાં ભારત આવવાનું છે. અવામી લીગ પણ વડાંપ્રધાન શેખ હસીનાના રાજકીય સલાહકાર એચ. ટી. ઇમામ ભારતની મુલાકાત દરમિયાન થિન્ક ટેન્ક ગણાતી સંસ્થાઓની પણ મુલાકાત લેવાના છે. રાજકીય પક્ષોના નેતાઓને પણ મળશે. તેઓ એ જાણવાની કોશિશ કરશે કે બાંગલાદેશ વિશેના વલણમાં ભારતમાં કોઈ ફેરફાર આવ્યો છે કે નહિ. એવો ફેરફાર શોધવો મુશ્કેલ છે તે ભારતીય નિરિક્ષકો જાણે છે, કેમ કે અત્યારથી જ ભારતમાં ચર્ચાનું કેન્દ્રસ્થાન કાશ્મીર અને પાકિસ્તાન બની ગયું છે. આ નાનકડા પડોશી દેશ તરફ ધ્યાન આપવા માટે ભારતમાં હાલમાં કોઈને બહુ રસ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]