ચીન શા માટે ત્રાસવાદી મસૂદની ભેર તાણે છે?

ભારતની રજૂઆતને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દરખાસ્ત તૈયાર થઈ હતી કે મૌલાના મસૂદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવામાં આવે. જોકે ચીને તેનો વિરોધ કર્યો અને આખરે વીટો વાપરીને નિર્ણય ના થવા દીધો. તેના કારણે એ સવાલ ભારતમાં સૌને મૂંઝવે છે કે ચીન શા માટે ત્રાસવાદી મસૂદની ભેર તાણે છે. હકીકતમાં ચીન માત્ર પાકિસ્તાનની ભેર તાણી રહ્યું છે. પાકિસ્તાન મસૂદની ભેર તાણી રહ્યું છે, કેમ કે પાકિસ્તાનની સેના અને આઇએસઆઇ મસૂદની ભેર તાણી રહ્યું છે.

ત્રાસવાદી મૌલાના મસૂદ અઝહર બહાવલપુરમાં બેઠો બેઠો જેહાદી આતંકવાદીઓ તૈયાર કરે છે અને ભારતમાં હુમલા કરવા માટે મોકલે છે. બહાવલપુરમાં વિશાળ કૉમ્પ્લેક્સ ઊભું કરાયું છે જ્યાં ખુલ્લેઆમ જેહાદી આતંકવાદી તૈયાર કરવાની ફેક્ટરી ચાલે છે. કશું ખાનગી નથી. મૌલાના મસદૂ અઝહર ખુલ્લેઆમ ફરે છે. ગત ચૂંટણીમાં તેણે ઇમરાન ખાનને ટેકો આપ્યો હતો. ઇમરાન ખાન પાકિસ્તાનનો વડા પ્રધાન બન્યો તે પછી મૌલાના વધારે બેફામ બન્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણના કારણે નવાઝ શરીફે મૌલાનાને કાબૂમાં રાખવાની કોશિશ કરી હતી, પણ તેણે સત્તા ગુમાવી.

ચીને પાકિસ્તાનમાં મોટા પાયે રોકાણ કર્યું છે. ગ્વાદર નામનું બંદર ચીને વિકસાવ્યું છે. ગ્વાદર બંદરથી શરૂ થતો હાઈવે સમગ્ર પાકિસ્તાન વીંધીને હિમાલયમાં અક્સાઇ ચીનમાં થઈને તીબેટ થઈને ચીનને જોડે છે. ચીન વન રોડ વન બેલ્ડ (ઓરઆરઓબી) વિકસાવી રહ્યું છે તેમાં પણ પાકિસ્તાન સામેલ છે અને આ હાઈવે તેનો હિસ્સો છે. ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર પણ આ હાઈવે પર આવેલો છે. હાઈવેનો એક હિસ્સો બલુચિસ્તાનમાંથી પણ પસાર થાય છે. આ ઉપરાંત પીઓકે નજીક હિમાલયની પહાડીઓમાંથી પણ આ હાઈવે પસાર થાય છે.

આ હાઈવેનું બાંધકામ ચાલતું હોય ત્યારે તેમાં કામ કરતાં ચીની નાગરિકો અને ભવિષ્યમાં આ માર્ગ પર વેપારી પરિવહન થતું હોય ત્યારે તેની સુરક્ષા જરૂરી છે. બલુચિસ્તાનમાં માથાભારે કબીલાનું રાજ ચાલે છે. તેમની સાથે જેહાદી ત્રાસવાદી સંગઠનો સંકળાયેલા હોય છે. તેથી ચીને જેહાદીઓને સાચવવા પડે. આ ઉપરાંત પીઓકે નજીકના વિસ્તારમાં પણ મસૂદના ત્રાસવાદી અડ્ડાઓ આવેલા છે. આ વિસ્તારમાં મસૂદના રક્ષણની ચીનને જરૂર પડે. તેના કારણે પણ મસૂદને અંગત રીતે સાચવી લેવામાં ચીનને રસ છે.

ભારતને ભીંસમાં લેવાની એક પણ તક ચીન જતું કરવા તૈયાર નથી. તેથી પણ ચીન પાકિસ્તાનને મદદ કરતું રહે છે. અમેરિકા તરફથી અબજો ડૉલરની સહાય મળતી હતી તેમાં થોડો કાપ મૂકાયો છે, ત્યારે પાકિસ્તાનને પણ ચીનમાંથી મળતી સહાયની ગરજ છે. ચીનની મહત્ત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખવામાં ભારત જ્યાં ઉપયોગી થાય ત્યાં

અમેરિકા ભારતને મદદ કરી શકે છે. (પણ પાકિસ્તાનના મુદ્દે અમેરિકા ભારતના બદલે પાકિસ્તાનને જ મદદ કરે છે તે ભૂલવું ના જોઈએ. અમેરિકાએ સાચી દાનતથી પાકિસ્તાનમાં ચાલતા ત્રાસવાદી અડ્ડા બંધ કરાવવાની કોશિશ કરી નથી.) ભારત અને અમેરિકા બંને દક્ષિણ સમુદ્ર ચીનમાં ચીનની વિરુદ્ધ વિયેટનામ, ફિલિપાઇન્સ સહિતના દેશોની તરફેણ કરે છે. તેના કારણે પણ ચીન ભારત સામે ખાર રાખે છે.

ત્રાસવાદી હુમલાની ટીકા ચીન કરે છે, પણ મસૂદના મામલે ‘ટેક્નિકલ’ બહાનું કાઢીને ટેકો આપતું નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઠરાવ તૈયાર થયો, પણ ચીને વીટો વાપર્યો. હાલમાં જ ચીનના ઉપ વિદેશ પ્રધાન લી બાઓડોન્ગે કહ્યું હતું કે ‘ચીન બધા પ્રકારના ત્રાસવાદનો વિરોધ કરે છે. ત્રાસવાદનો સામનો કરવાના મામલે કોઈ બેવડા ધોરણો હોવા જોઈએ નહિ, કે કોઈએ કાઉન્ટ-ટેરરિઝમના નામે પોતાના રાજકીય હિતો આગળ વધારવા જોઈએ નહિ.’ એટલે કે ચીન ભારતના પ્રયાસોને રાજકીય હિત ખાતરના પ્રયાસો ગણે છે. મૌલાના મસૂદને ત્રાસવાદી જાહેર કરવામાં માત્ર ત્રાસવાદનો સામનો નહિ, પણ ભારતનું પોતાનું રાજકારણ પણ છે એવો બેહૂદો તર્ક આગળ કરીને ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાનો ઠરાવ પસાર થવા દેતું નથી.

પઠાણકોટ એરબેઝ પર હુમલા બાદ ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ઠરાવ મૂક્યો હતો, પણ પાકિસ્તાનના કહેવાતી ચીને માર્ચ 2016 અને ત્યાર બાદ ઑક્ટોબર 2016માં બંને વાર તેને અટકાવી દીધો હતો. ચીને ઠરાવ પર ‘ટેક્નિકલ હૉલ્ડ’ મૂક્યો હતો એટલે કે કામચલાઉ અટકાવ્યો હતો.  તેની મુદત ડિસેમ્બર 2016માં પૂરી થવાની હતી તેના આગલા દિવસે આખરે ચીન વીટો વાપર્યો હતો. ભારતે પ્રયાસો છોડ્યા નહિ અને ફરી જાન્યુઆરી 2017માં અમેરિકા, યુકે અને ફ્રાન્સની મદદથી ફરી ઠરાવ આગળ કર્યો ત્યારે ચીને ફરીથી તેના પર ટેક્નિકલ હૉલ્ડ મૂકી દીધો હતો.

રાજદ્વારી બાબતોના જાણકાર અને બિજિંગમાં કામ કરી ચૂકેલા એક અધિકારી કહે છે કે દલાઈ લામાને ભારતે આશરો આપ્યો છે તે પણ એક કારણ છે. ભારત માટે હાફિઝ સઇદ અને મૌલાના મસૂર ત્રાસવાદીઓ છે અને કાશ્મીરને ટુકડો કરવા માગનારા છે. તે રીતે દલાઈ લામાને ચીન ત્રાસવાદી અને ચીનમાંથી તીબેટનો ટુકડો કરવા માગનારા છે.

પુલવામામાં હુમલા પછી ફરી એકવાર ભારતે દુનિયાભરના દેશોનું સમર્થન માગ્યું છે અને પાકિસ્તાને એકલું પાડી દેવાની કોશિશ કરી છે. આમ છતાં ચીન મચક આપવા માગતું હોય તેમ લાગતું નથી. 40નો ભોગ લેનારા હુમલામાં જૈશનો સ્પષ્ટપણે હાથ હોવાનું જણાવાયું ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એવું બહાનું કાઢ્યું કે જૈશે મોહમ્મદ જૂથને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવમાં ત્રાસવાદી ઠરાવાયેલું છે. તે ઠરાવના આધારે જરૂરી પ્રતિબંધો ચીન લગાવતું રહેશે એટલું કહીને મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની વાતને ટાળી દીધી હતી.

અમેરિકાએ અત્યારે ફરીથી પાકિસ્તાન પર દબાણ કર્યું છે કે જૈશે મોહમ્મદને ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલું છે તે ધ્યાનમાં રાખીને તેની સંપત્તિઓ અને મિલકતો જપ્ત થવી જોઈએ. જોકે તેવી કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા દેખાતી નથી. ચીન પાસે પણ વીટો પાવર હોવાથી અમેરિકા પણ ખાસ કશું કરી શકે તેમ નથી. આ સંજોગોમાં ચીન કે અમેરિકા પાસે નિવેદનોથી વધારે કોઈ આશા રાખવી અસ્થાને છે. ભારતે પોતાની લડાઈ સ્વંય લડવી પડશે. બહાવલપુરમાં વિશાળ ઇમારતોમાં મૌલાના મસૂદના ત્રાસવાદી અડ્ડા ધમધમે છે. તેના પર બૉમ્બમારો થાય કે નહિ? બે પાંચ બૉમ્બ કે એક બે મિસાઇલ આડા ફાટીને, ચીન જે હાઈવે બાંધી રહ્યું છે તેના બ્રીજ પર જઈને પડી શકે કે નહી?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]