વિજય માલ્યા ત્રીજી વાર પરણશે? ગર્લફ્રેન્ડ પિન્કી લાલવાનીને?

ભારતના મીડિયા દ્વારા ‘કિંગ ઓફ ગુડ ટાઈમ્સ’નું ઉપનામ પામેલો અને કિંગફિશરનો માલિક વિજય માલ્યા ત્રીજી વાર લગ્ન કરવાનો છે એવા અહેવાલો છે. આ અહેવાલો અંગે માલ્યા તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.

આ નામીચો ઉદ્યોગપતિ ભારતની બેન્કોને રૂ. 9000 કરોડથી પણ વધુની રકમનો ચૂનો લગાડીને બ્રિટન ભાગી ગયો છે. ભારત સરકાર એને દબોચીને ભારત તાણી લાવવા માટે પ્રયત્નશીલ છે.

ભારતમાં રૂ. 9000 કરોડની છેતરપીંડી કરવાનો માલ્યા પર આરોપ છે.

પોતાને દેવાળીયો જાહેર કર્યા બાદ માલ્યા ભારતમાંથી એક કાળી રાતે ભાગી ગયો અને બ્રિટનમાં આશરો મેળવી લીધો છે.

અહેવાલો અનુસાર, માલ્યા એની ગર્લફ્રેન્ડ અને વર્તમાન પાર્ટનર પિન્કી લાલવાની સાથે લગ્ન કરવાનો છે. કહેવાય છે કે માલ્યાની જિંદગીમાં તમામ તબક્કે પિન્કી એને સાથ આપતી રહી છે.

અહેવાલો જો સાચા હોય તો 62 વર્ષનો માલ્યા અને એક સમયે કિંગફિશર એરલાઈન્સની એરહોસ્ટેસ રહેલી અને ત્યારબાદ માલ્યા સાથે ડેટિંગ શરૂ કર્યા બાદ બંને જણ લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને આજે પણ છે.

આ બંને જણ પહેલી વાર 2011માં મળ્યા હતા. ત્યારબાદ બંને જણ અવારનવાર વિવિધ પાર્ટીઓ અને કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા હતા. પિન્કી ઘણી વાર માલ્યાની માતા સાથે પણ જોવા મળી હતી.

માલ્યાએ કિંગફિશર કેલેન્ડર માટે પણ પિંકી લાલવાનીનું ફોટોશૂટ કરાવ્યું હતું. માલ્યા 2016માં જ્યારે ભારતમાંથી ભાગી ગયો ત્યારે પિંકી પણ એની સાથે દેશ છોડીને જતી રહી હતી.

ભારત સરકારે માલ્યા સામે પ્રત્યાર્પણનો કેસ કર્યો છે. એની કાર્યવાહી લંડનની કોર્ટમાં ચાલી રહી છે. કાર્યવાહી વખતે અનેક વાર પિન્કી માલ્યાની સાથે જોવા મળી હતી.

માલ્યાના પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે થયા હતા. એ એર ઈન્ડિયાની એરહોસ્ટેસ હતી. એનાથી માલ્યાને દીકરો થયો છે – સિદ્ધાર્થ.

અમુક વર્ષો બાદ માલ્યાએ સમીરાને છૂટાછેડા આપીને બેંગલોરમાં એના મિત્રની પત્ની રેખા સાથે લગ્ન કર્યા હતા. રેખાનો પહેલો પતિ મહેમૂદ માલ્યાનો મિત્ર હતો.

પિતાના મૃત્યુ બાદ વિજય માલ્યા યૂનાઈટેડ બ્રુવરીઝ કંપનીનો માલિક બન્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]