અમેરિકાની યુનિવર્સિટીમાં રીસર્ચ ફેલોશિપ મેળવનાર ગુજરાતી વિદ્યાર્થિની..

શિકાગો- વિશ્વકક્ષાએ ગુજરાતીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે, પછી તે વેપાર હોય કે હોય રાજનીતિ..પરંતુ આજે એક ગુજરાતીએ મેડિકલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી. ગુજરાતીઓ માત્ર વેપારી હોવાનું ‘મેણું’ ભાગ્યું છે.

ગુજરાતના મહુવા ગામમાં જન્મ લેનાર, અને મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાની પુત્રી ધ્રુતિ કલસરિયા બી જે મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી, પીડિયાટ્રિક વિભાગમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. ધ્રુતિ પીડિયાટ્રિક વિભાગમાં ૩ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે, ત્યારે પીડિયાટ્રિક યુરોલોજી વિભાગમાં વધારે રિસર્ચ માટે ધ્રુતિને અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા પસંદ કરવામાં આવી છે, અને ધ્રુતિને પાંચ હજાર ડોલર ફેલોશિપ આપવામાં આવી છે. ધ્રુતિ કલસરિયા એકમાત્ર ભારતીય વિદ્યાર્થીની છે કે જેને અમેરિકાની યુનિવર્સિટીએ મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચ માટે ફેલોશીપ આપી છે.

બીજે મેડિકલ કોલેજના પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. રાકેશ જોશી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ધ્રુતિ કલસરિયા પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા ઘણા સમયથી કામ કરે છે, અને હાલ તે એકમાત્ર ભારતીય વિદ્યાર્થીની છે કે, જેને યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા ડો. મોહન બુંદેલ  ટ્રાવેલ ફેલોશિપ માટે પસંદ કરવામાં આવી છે.
આ ફેલોશિપ અંતર્ગત ધ્રુતિ કલસરિયા ને  મે માસથી ઓગસ્ટ માસ સુધી અમેરિકાની વિવિધ ચાર યુનિવર્સિટીઓમાં પીડિયાટ્રિક યુરોલોજી વિભાગમાં રિસર્ચ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધ્રુતિ આ ચાર માસ દરમિયાન અમેરિકાની અલગ અલગ ચાર યુનિવર્સિટીમાં જઇને પીડિયાટ્રિક વિભાગમાં રિસર્ચ કરશે. એટલું જ નહીં આ રિસર્ચ માટે ધ્રુતિ કલસરિયાને અમેરિકાની યુનિવર્સિટી દ્વારા પાંચ હજાર ડોલર ફેલોશિપ આપવામાં આવી છે.
આ અંગે ધ્રુતિ કળસરિયા સાથે વાત કરવામાં આવતા, ધ્રુતિએ જણાવ્યું હતું કે અમેરિકામાં રિસર્ચ કર્યા બાદ પરત પોતાના વતન ગુજરાત આવીને રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલમાં ધ્રુતિ બાળકો માટે સેવા આપશે. ધ્રુતિએ એવું સ્પષ્ટ પણે જણાવ્યું છે કે તે ક્યારેય અમેરિકામાં સેટલ થઈ ખાનગી હોસ્પિટલ માં કામ કરી નાણાકીય લાભ નહીં મેળવે. ધ્રુતી ના મનમાં આજે પણ પોતાના વતન અને પોતાની સંસ્કૃતિ માટે એટલો જ લગાવ હોવાથી તે ગુજરાત પરત આવી અહીં પોતાની સેવા આપશે.
દુનિયાભરમાં ગુજરાતીઓની છાપ માત્ર વ્યાવસાયિક ક્ષેત્રમાં નિપુણ હોવાની છે, ત્યારે ધ્રુતિ કલસરિયાની  તબીબી ક્ષેત્રમાં પણ આ પ્રકારની સિદ્ધિ ગુજ્જુની છાપમાં સુધારો લાવી રહી છે. ધ્રુતિને ભલે અમેરિકાની યુનિવર્સિટી દ્વારા દેશની એકમાત્ર વિદ્યાર્થિની તરીકે પસંદ કરવામાં આવી હોય, પરંતુ તેમ છતાં ધ્રુતી ગુજરાત પરત આવી પોતાની સેવા અહીં આપી હજી પણ ગુજ્જુ ઓમાં પોતાના વતન પ્રત્યેની લાગણી અકબંધ હોવાનું સાર્થક કર્યું છે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ…
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]