ક્રિકેટને કારણે સતત સંઘર્ષરત દેશમાં એકતા?

અંગ્રેજોની ઘણી બાબતો ભારતીય ઉપખંડમાં એવી રીતે અપનાવી લેવાઈ છે, કે તે હવે પરદેશી પણ લાગે તેવી નથી. તેમાંથી એક ક્રિકેટ છે. સુનીલ અને કપિલ ક્રિકેટમાં સ્ટારડમ લાવ્યા, સચીન અને ધોનીએ સ્ટારડમને ઓર ચમકાવ્યું ને તેમની પાછળ વિરાટ એવો મેગાસ્ટાર ક્રિકેટર બની રહ્યો છે કે વળી અમુક દાયકા ક્રિકેટ છવાયેલું રહેશે. તેમાં જુગાર, દૂષણો, ફિક્સિંગ અને સટ્ટો વ્યાપી ગયા હોવા છતાં દેશમાં એકસમાન વ્યાપ્ત બાબતમાં ક્રિકેટને ગણવી પડે તેમ છે.

આ જ ક્રિકેટ અફઘાનિસ્તાન માટે પણ આશાની ઓવર લઈને આવ્યું છે એમ ઘણાને લાગે છે. થોડા વખત પહેલાં એશિયા કપમાં અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે અપસેટ સર્જ્યો હતો. વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકાની ટીમને 91 રનથી તેણે હરાવી દીધી. આ માત્ર અપવાદ ના રહ્યો, કેમ કે તે પછીની મેચમાં બાંગલાદેશને પણ હરાવ્યું. બાંગલાદેશની ટીમ પણ સાવ નબળી નથી મનાતી. તેથી આ જીતે પણ તેનો આત્મવિશ્વાસ વધાર્યો અને ભારત સામે લડવાનું આવ્યું ત્યારે જીતી ના શક્યું, પણ છેલ્લી ઓવર સુધી રમીને મેચને ડ્રો કરાવી અને મુકાબલો રોમાંચક સાબિત થયો હતો. ભારત જેવી મજબૂત ટીમ સામેની મેચને પણ એકતરફી થવા દીધી નહોતી.

આવા જોરદાર દેખાવ પછી ભારતના પત્રકારોને પણ અફઘાનિસ્તાનની ટીમમાં રસ પડ્યો હતો. ભારતીય મીડિયામાં અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટન સહિત કેટલાક ખેલાડીઓના ઇન્ટરવ્યૂ પણ થયા. આ ચમકદમક છેક અફઘાનિસ્તાન સુધી દેખાઈ હતી અને રાશીદ ખાન તથા નબી જેવા ક્રિકેટરો વિશ્વમાં આ રીતે ચમકે તે દેશ માટે નવું હતું. બંદૂકો લઈને માત્ર લડાઈ કરવામાં જ સમજતી પેઢી માટે આ એક નવી દુનિયા હતી. 2015માં પ્રથમ વાર અફઘાન ટીમ ચમકી હતી, કેમ કે વિશ્વ કપમાં તેને રમવાની તક મળી. એટલું જ નહિ સ્કોટલેન્ડની ટીમને હરાવી વિશ્વ કપની પોતાની પ્રથમ મેચ પણ જીતી લીધી. તે વખતે અફઘાનિસ્તાનમાં તે સમાચારને બહુ ઉત્સાહ સાથે વધાવી લેવાયા હતા.

ભારતની આઇપીએલમાં પણ અફઘાનિસ્તાનના ખેલાડીઓ રમે છે. તેમાંથી મળતા લાખો રૂપિયો અફઘાન ક્રિકેટર માટે કરોડો સમાન છે. ત્રાસવાદી જૂથોમાં લડીને મરવાનું થાય, પણ રમતના મેદાનમાં લડીને કમાણી થાય તે વાત અફઘાનની નવી પેઢી માટે આકર્ષક સાબિત થઈ શકે છે. આ જ અનુસંધાને ગયા અઠવાડિયે યોજાયેલી અફઘાનિસ્તાનની પોતાની લિગ ટુર્નામેન્ટ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહી છે. કેમ કે છેલ્લા કેટલાક સમયથી અફઘાન ક્રિકેટરોને મળેલું એટેન્શન અને તે પછી યોજાઈ આ લિગ ટુર્નામેન્ટ. તેમાં હજરાતુલ્લા જજાઈ નામના યુવાન ક્રિકેટરે એક જ ઓવરમાં છ છગ્ગા માર્યા તે સમાચાર ભારત સહિત ક્રિકેટવિશ્વમાં ચમક્યા હતા.

અફઘાનિસ્તાનમાં હજી હાલત ખરાબ છે. સારું સ્ટેડિયમ પણ તેની પાસે નથી. છે ત્યાં મેદનીને એકઠી કરીને લિગ રમાડવી સલામતીની દૃષ્ટિએ શક્ય નથી. હજીય અફઘાનિસ્તાનમાં ગમે ત્યારે આતંકી હુમલાનો ખતરો રહે છે. તેથી પ્રીમિયર લિગ શારજાહરમાં યોજાઈ હતી. પણ તેની વ્યાપક ચર્ચા અફઘાનિસ્તાનમાં થઈ હતી. એક જ ઓવરમાં છ છગ્ગા મારવાની ઘટના અદ્વિતિય નથી, પણ જ્યારે કોઈ ખેલાડી છ છગ્ગા મારે ત્યારે તે ઓવર યાદગાર બની જાય છે. ગેરી સોબર્સ પછી વર્ષો વીતિ ગયા ત્યારે રવિ શાસ્ત્રીએ છ છગ્ગા માર્યા અને પછી યુવરાજસિંહે. યુવરાજસિંહ ભલે પુનરામગન કરી શક્યો નથી, પણ તેના છ છગ્ગા કોઈ કદી ભૂલી શકશે નહિ.

એશિયા કપમાં ધ્યાનાકર્ષક દેખાવ પછી અફઘાનની ક્રિકેટ ટીમ હવે ક્રિકેટ જગતમાં ચમકવા માટે તૈયાર છે. જાણકારો કહે છે કે શ્રીલંકાની જેમ બહુ ઝડપથી અફઘાન ટીમ છવાઈ જાય તો નવાઈ પામવી નહિ. આ સ્થિતિને કારણે ક્રિકેટજગત કરતાંય અફઘાનિસ્તાનમાં શું અસર થશે તેના તરફ કેટલાક વિશ્લેષકોનું ધ્યાન ખેંચાયું છે.
એ વાત જુદી છે કે ભારત જોડનારા બીજા ઘણા તત્ત્વો છે, અને તેમાંથી માત્ર એક બાબત એટલે ક્રિકેટ, પણ ક્રિકેટ અફઘાનિસ્તાનમાં એકતા ઊભી કરવાનું મહત્ત્વનું પરિબળ બની શકે છે. અફઘાનિસ્તાનને એક કરી શકે તેવી કોઈ બાબત નથી. ભારતના જ્ઞાતિવાદ કરતાંય કબિલાઓની અંદરોઅંદરની લડાઈ વધારે જૂની અને વધારે કટ્ટર છે. અંગ્રેજો પણ સંપૂર્ણપણે અફઘાનમાં કબજો કરી શક્યા નથી. લગભગ 1000 વર્ષથી આ ભૂમિ યુદ્ધની ભૂમિ બની છે. ઇસ્લામ આ માર્ગે જ આગળ વધ્યો હતો. ઇસ્લામના આગમન પછી ધર્મ ચારે બાજુ ફેલાયો, પણ કબિલાની પરંપરા તૂટી નથી.

અફઘાનમાં હજારા, પખ્તુન, પશ્તુ, પઠાણ, ઉઝબેક, તાજિક, બલોચ અને તેમાં પણ પેટા કબિલા એમ અનેક જૂથો છે. દરેકનો પોતપોતાનો વિસ્તાર છે. પોતપોતાના મુખીઓ છે. પોતપોતાની પરંપરાઓ છે. ઇસ્લામી વિજેતાઓએ સમગ્ર પ્રદેશને એક કર્યો હતો અને ધર્મ એક કર્યો, પણ કબિલા કદી એક થયા નથી. તો શું ક્રિકેટ આ કબિલાઓ વચ્ચે એકસમાન રસની બાબત સાબિત થઈ શકે?

અફઘાનના યુવાનોને પોતાનો જોશ દેખાડવાની તક મળે અને પ્રસિદ્ધિ સાથે પૈસા પણ મળે તેવી ક્રિકેટ એકમાત્ર બાબત છે, પણ તેટલા માત્રથી એકતા સાબિત થઈ જાય તેવું જરૂરી પણ નથી. પરંતુ છેલ્લા બેએક વર્ષમાં અફઘાની યુવાનોમાં ક્રિકેટની ઘેલછા ઘણા નિરિક્ષકોને દેખાઈ છે. 2001 પછી અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનું નેટવર્ક વધ્યું છે. તેના પર ક્રિકેટ અને ક્રિકેટરોને જોવાય છે. સ્ટાર કહી શકાય તેવા પોતાના જ દેશના ક્રિકેટરોની વિદેશમાં પણ વાહવાહ થતી જોઈને અફઘાની યુવાનોને વધારે રસ પડી રહ્યો છે.

સંજોગોવશાત અફઘાન યુવાનોમાં ક્રિકેટનો પ્રવેશ થયો છે. તે માટે કોઈ પ્રયત્ન થયો નથી. અફઘાન યુવાનો શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં આવતા થયા તેના કારણે ક્રિકેટ અને તેના માટેની ઘેલછાનો પરિચય નવી પેઢીને થયો.પઠાણ અથવા પખ્તૂન લોકો બ્રિટિશરોની સેનામાં હતા અને અફસરોને ક્રિકેટ રમતા જોતા હતા. પણ તે રમવામાં ખાસ રસ પડ્યો નહોતો. પરંતુ પેશાવર જેવા પાકિસ્તાન શહેરમાં શરણાર્થી શિબિરોમાં રહેતા યુવાનોને ક્રિકેટમાં રસ પડવા લાગ્યો હતો. સોવિયેટ સંઘના આક્રમણને કારણે અફઘાન હિજરતીઓ પાકિસ્તાનમાં આવ્યા હતા. દરમિયાન ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાન 1992માં વિશ્વ કપ જીતી ગયું. તે વખતે દેશમાં વિશ્વવિજય જેવી ઉજવણી થઈ હતી. ઇમરાનની લોકપ્રિયતા કલ્પનાતીત બની ગઈ હતી. અફઘાન યુવાનો પણ ક્રિકેટ માટેના આ માહોલથી અલગ રહી શકે તેમ નહોતા. વર્ષો જતા ક્રિકેટનું આકર્ષણ વધતું જ રહ્યું હતું. રશિયનો પરત જતા રહ્યા તે પછી વતન ગયેલા અફઘાનો ક્રિકેટ રમતા થયા હતા. રશિયનો ગયા તે પછી પણ દેશમાં ગૃહયુદ્ધ સાવ બંધ થયું નહોતું. તાલિબાનોનું શાસન અને તેની સામે અમેરિકન સેનાની હાજરીને કારણે ફરી સ્થિતિ વિકટ બની હતી. તે સંજોગોમાં મનોરંજનનું કોઈ સાધન ના હોવાથી, ઘણા યુવાનો માટે ક્રિકેટ એક નવું આકર્ષણ બન્યું હતું.

જોકે અફઘાનિસ્તાનના દક્ષિણ વિસ્તારોમાં, કાબૂલથી દૂર અને યુદ્ધથી દૂરના વિસ્તારોમાં જ ક્રિકેટ રમાતું હતું. પણ હવે બીજા વિસ્તારોમાં પણ ક્રિકેટ ફેલાયું છે. અત્યાર સુધી એવું હતું કે મોટા ભાગે પખ્તૂન લોકો જ ક્રિકેટ રમતા હતા. હવે બીજા કબિલાના યુવાનોને પણ તેમાં રસ પડ્યો છે. પખ્તૂન પછી તાજિકની વસતિ વધારે છે. તાજિક યુવાનોમાં ફૂટબોલ લોકપ્રિય છે. પણ તાજિક ઉપરાંત હજારા અને ઉઝબેકના કેટલાક યુવાનો પણ ક્રિકેટ રમતા થયા છે. તેથી કેટલાકને લાગે છે કે ગૃહયુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન માટે ક્રિકેટ રાહતનું કારણ બની શકે છે. યુવાનોને જોડનારું એક એવું તત્ત્વ, જે આગળ જતા કબિલાના વિખવાદ કરતાં વધારે મહત્ત્વનું બને. ક્રિકેટમાં સફળતા અને વિશ્વમાં તેની નોંધને કારણે નવી પેઢીને નવી દિશામાં વિચારવાનું મળે તો હવા બદલાઇ શકે છે. વિખવાદ ના થાય તેવા મુદ્દે હજારા, પખ્તૂન, તાજિક કે ઉઝબેક યુવાનો ભેગા થાય તો દેશમાં કદાચ નવી તાજગી પણ પેદા થાય એવું આશાસ્પદ અવલોકન કેટલાક જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]