મોગાદિશુમાં ટ્રક બોમ્બ – 250થી વધુના મોતના કોણ જવાબદાર?

સોમાલિયાનું નામ સમુદ્રી ચાંચિયાને કારણે બદનામ થયું છે. સુએઝની કેનાલમાં થઈને યુરોપિય ઝડપથી પહોંચી શકાય છે. તેથી એશિયાના જહાજો રાતા સમુદ્રમાં થઈને આગળ વધે છે. તે પહેલાં એડનનો અખાત આવે. અખાતમાં ઉપરની તરફ યમન છે અને નીચે સોમાલિયા છે. આ વિસ્તારમાં સોમાલિયાના ચાંચિયા જહાજોનું અપહરણ કરીને રેન્સમ લે છે. તેનું કારણ એ છે કે સોમાલિયામાં બીજો કોઈ ધંધો છે નહિ. બેકાર યુવાનો લૂંટફાટ પણ કરે તો કોની કરે તે સવાલ છે. એથી વિદેશના માલવાહક જહાજોને લૂંટવા પડે છે. સોમાલિયામાં લૂંટ કરી શકાય એટલી સમૃદ્ધિ પણ નથી. ને છતાં આ દેશને પણ ત્રાસવાદનો ભોરિંગ નડી રહ્યો છે.

અરબસ્તાનમાં ઇસ્લામ ફેલાયો તે પછી અહીંથી વટલાયેલા મુસ્લિમોના ધાડા રાતા સમુદ્રની સામે પાર આવેલા આફ્રિકા પર ફરી વળ્યા હતા. વટલાયેલા મુસ્લિમોએ આફ્રિકાના આદિવાસીઓને વટલાવ્યા અને ઇસ્લામ ફેલાવ્યો. આદિવાસીઓ પણ અંદરોઅંદર લડતા હતા. કબિલાઓની લડાઈ આપસમાં ચાલતી રહેતી હતી, પણ ઈસ્લામ આવ્યા પછી તેમાં ધર્મઝનૂન ભળ્યું હતું અને લડાઈઓ વધારે હિંસક બની હતી.મોગાદિશુમાં ગયા શનિવારે બજારમાં એક ટ્રક નીકળ્યો અને પછી ભીડ હતી ત્યાં આવીને ફાટ્યો. આખેઆખો ટ્રક ફાટ્યો, કેમ કે આ ટ્રક નહોતો, આ તો ટ્રકબોમ્બ હતો. ટ્રકમાં ખીચોખીચ વિસ્ફોટકો ભર્યા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના મકાનો સાવ જ સળગી ગયા. અઢીસોથી વધારેનાં મોત થયા છે. સોમાલિયામાં આજ સુધીનો આ સૌથી ખતરનાક ત્રાસવાદી હુમલો છે.

રાજધાની મોગાદિશુમાં જ્યાં પ્રધાનો બેસે છે ત્યાં ટ્રક બોમ્બ ધડાકો કરાયો. તેમાં પ્રધાનો તો બચી ગયા, પણ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો. બીજા અઢિસોથી વધુ બૂરી રીતે દાઝી ગયા હતા. અલ કાયદાની એક બ્રાંચ સોમાલિયામાં ઊભી થઈ છે. અલ-શબાબ નામના ઈસ્લામી જેહાદી ત્રાસવાદી સંગઠને આ બોમ્બધડાકો કરાવ્યો હોવાનું સરકાર માને છે. સોમાલિયાના પ્રમુખ મોહમ્મદ અબ્દુલાહી મોહમ્મદે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. બીજી બાજુ વડાપ્રધાન હસન અલી ખૈરે અફસોસ વ્યક્ત કર્યો કે સૌથી ભીડવાળા વિસ્તારમાં ટ્રક બોમ્બ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ છે.

જોકે સરકાર આવા હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ છે તે પણ હકીકત છે. અલ-શબાબના આતંકીઓ મોગાદિશુંમાં નિયમિત બોમ્બધડાકા કરતું રહે છે. અલ-શબાબને લાગે છે કે સોમાલિયાની સરકાર પૂરતી મુસ્લિમ નથી. માત્ર ઈસ્લામનું જ શાસન ચાલવું જોઈએ અને ખિલાફતની સ્થાપના થવી જોઈએ એવા બદઇરાદાથી અલ-કાયદા સાથે સંકળાયેલા આ ત્રાસવાદીઓ મુસ્લિમોનો જ ભોગ લઈ રહ્યા છે. સોમાલિયાનું લશ્કર અલ-શબાબના ત્રાસવાદીઓનો સામનો કરી શકવા સક્ષમ નથી. અમેરિકા અહીં પણ લશ્કરી મદદ કરી રહ્યું છે. અમેરિકા ડ્રોન દ્વારા અલ-શબાબના અડ્ડાઓ પર હુમલા કરે છે. બદલામાં આતંકીઓ શહેરી વિસ્તારમાં બોમ્બધડાકા કરી જાય છે. બંને બાજુ મુસ્લિમોનો જ ભોગ લેવાય છે.

સોમાલિયામાં સ્થિતિ એટલી ગંભીર છે કે સંયુક્ત આફ્રિકન દળોને પણ અહીં ગોઠવવા પડ્યા છે. આફ્રિકન યુનિયન દ્વારા સોમાલિયામાં 20 હજારથી વધુ સૈનિકો મોકલાયા છે. જોકે આટલા સૈનિકો પૂરતા થાય તેમ નથી. ઉલટાનુ અમેરિકાના હુમલા અને આફ્રિકન યુનિયનના સૈનિકોની હાજરીથી અસંતોષ વધ્યો છે. આ અસંતોષનો લાભ લઈને સોમાલિયાના તદ્દન બેકાર યુવાનોને અલ-શબાબ ઈસ્લામી જેહાદી આત્મઘાતી ત્રાસવાદી બનાવવા મનાવી લે છે.
શનિવારે હુમલો થયો તેના બે દિવસ પહેલાં જ આફ્રિકામાં ઈસ્લામી જેહાદી ત્રાસવાદ સામે લડતા અમેરિકન દળોના વડા સોમાલિયામાં હતા. આફ્રિકન કમાન્ડના વડા સોમાલિયાના પ્રમુખને મળ્યા હતા. અમેરિકાને મેસેજ આપવા માટે બે જ દિવસ પછી અત્યંત શક્તિશાળી વિસ્ફોટ કરીને અઢીસોનો ભોગ લઈ લેવાયો. બે દિવસ પહેલાં સોમાલિયામાં કેટલીક રાજકીય ગતિવિધિઓ પણ થઈ હતી, જે સરકારમાં બધું ઠીક નથી તેનો ઈશારો કરતી હતી.

સોમાલિયાના સંરક્ષણ પ્રધાન અને સેનાના વડા બંનેએ સાગમટે રાજીનામાં આપી દીધા હતા. તેમના રાજીનામાનાં કારણો જાહેર થયા નથી, પણ આતંકીઓ સામે લડવામાં સેના નિષ્ફળ ગઈ છે અને અમેરિકા અને આફ્રિકન યુનિયનની મદદ સોમાલિયાએ લેવી પડે છે તે સ્થિતિ વચ્ચે સેનાના વડા અને તેના વડા સંરક્ષણ પ્રધાન બંને રાજીનામાં આપી દે તે સૂચક છે. સોમાલિયામાં સ્થિતિ સુધરવાની નથી, પણ વકરવાની છે અને આજ સુધીના સૌથી ખતરનાક બોમ્બ બ્લાસ્ટ કરતાંય વધુ ખતરનાક ત્રાસવાદી હુમલા થવાના છે તે ચિંતાજનક ભાવિ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]