ઈરાન સાથે રૂપિયામાં વેપાર ભારતને રહેશે ફાયદામાં

મેરિકાએ ફરી એકવાર સાઉદી અરેબિયાની ચઢવણીથી ઈરાન સામે આર્થિક પ્રતિબંધો મૂક્યા છે. સાઉદી અરેબિયા વહાબી જેહાદી ઇસ્લામની પણ નિકાસ કરવામાં આવે છે. શિયા પંથી ઈરાન સામે સાઉદીને જૂની દુશ્મન છે. અમેરિકાએ ફરીથી બહાનું કાઢીને પ્રતિબંધ મૂક્યો છે. અણુશસ્ત્રો વધારે દેશો ના બનાવે તે જરૂરી છે, પણ પાકિસ્તાન સામે અમેરિકા કડક થવા માગતું નથી અને માત્ર ઈરાનને ટાર્ગેટ કરવા માગે છે. તેમાં નુકસાન ભારત જેવા દેશોને થાય છે. ભારત સાઉદી, ઇરાક અને ઈરાનથી ક્રૂડની આયાત કરે છે. ઈરાન સૌથી નજીક પડે છે અને ઈરાનમાં ભારત ચાબહર બંદર પણ વિકસાવી રહ્યું છે. આ બંદરથી ગુજરાતના બંદરો પર આયાત ઘણી સસ્તી પડી શકે છે.

તેથી જાપાન અને કોરિયા જેવા દૂરના દેશો કરતાંય ભારતને ઈરાનથી ઓછું ક્રૂડ આયાત કરવાને કારણે એટલું નુકસાન થઈ શકે છે. ભારત લગભગ 10 ટકા ક્રૂડ ઈરાનથી આયાત કરે છે. ગત વખતે 2012થી 2015 સુધી અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતે પણ આયાતમાં થોડો કાપ મૂક્યો હતો. ભારતે આયાત સંપૂર્ણ બંધ કરી નહોતી. સાથે જ ભારતે ગયા વખતે પણ ઈરાને સાથે સમજૂતિ કરીને રૂપિયામાં ચૂકવણી કરવાની વ્યવસ્થા કરી હતી. તેનાથી બંને દેશોને ફાયદો થયો હતો. ચોખા સહિતના ખાદ્ય પદાર્થો અને દવા સહિતની જરૂરી વસ્તુઓ ઈરાન ભારતમાંથી આયાત કરી શક્યું હતું. તેની ચૂકવણી રૂપિયામા થઈ હતી. સાથે જ ઈરાને ભારતને ઉઘારી પણ આપી હતી. પ્રતિબંધોના કારણે ડૉલરના એસ્ક્રો એકાઉન્ટ બંધ થયા હતા, તેથી ભારતના ખાતે ઈરાને ઉધારી નોંધી હતી. પ્રતિબંધો હટ્યા પછી ભારતે ડૉલરમાં ચૂકવણી કરી હતી.

આ વખતે પણ ભારતે ઈરાન સાથે રૂપિયામાં ક્રૂડની ખરીદીની વ્યવસ્થા કરી છે. ભારતે દબાણ કરીને અમેરિકાને પણ વેપાર થવા દેવાની ફરજ પાડી છે. આ વખતે વધારાની એક વ્યવસ્થા થઈ છે, જેનો ફાયદો ભારત અને ઈરાન બંનેને થવાનો છે. ભારત રૂપિયામાં ચૂકવણી કરે તે એક ખાતામાં જમા થાય. આ ખાતામાંથી ઈરાન પોતાના વિદ્યાર્થીઓનો રૂપિયામાં ખર્ચ ચૂકવી શકે છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે છે. આ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ડૉલર લઈને આવતા હતા અને રૂપિયામાં વટાવતા હતા. તેના બદલે હવે ઈરાની ચલણમાંથી સીધી રૂપિયામાં ચૂકવણી થઈ શકશે.

ઈરાની વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતમાં મેડિકલ ટુરિઝમ માટે આવતા લોકોને પણ યુકોમાં ખોલાનારા એકાઉન્ટનો ફાયદો થવાનો છે. ભારતમાં મેડિકલ સુવિધાઓ વધી રહી છે તેનો લાભ આફ્રિકા, મિડલ ઇસ્ટ અને પૂર્વ એશિયાના દેશોના લોકો પણ લે છે. ભારતમાં ફરવા આવવાનું, નાનું મોટું ઓપરેશન કરાવી લેવાનું અને આરામ કરીને અને થોડું ફરીને પરત જવાનું. આવા ટુરિસ્ટને પણ ભારત અને ઈરાન વચ્ચે સમજૂતિ પ્રમાણે ખુલનારા રૂપિયાના એકાઉન્ટમાંથી ચૂકવણી કરવાનું મળશે.

ઈરાનના વિદ્યાર્થીઓ તથા મધ્યમ વર્ગના દર્દીઓને ભારતની સુવિધાઓનો લાભ મળશે. અમેરિકા અને યુરોપ કરતાં સસ્તા ભાવે ભારતમાં મેનેજમેન્ટથી માંડીને એન્જિનિયરિંગ અને મેડિકલનું શિક્ષણ મળે છે. એ વાત જુદી કે ભારતના લાખો વિદ્યાર્થીઓ યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ ભણવા જાય છે, પણ તેની પાછળનો ઈરાદો આ દેશોમાં સેટલ થવાનો પણ હોય છે. ભારતને તેમાં પણ ફાયદો થાય છે. દુનિયાભરમાં ફેલાયેલા પોતાના નાગરિકોને કારણે મળતા રેમિટન્સમાં ભારત ચીન કરતાંય આગળ નીકળી ગયું છે. દુનિયાભરમાં ફેલાયેલા એનઆરઆઈ અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ભારત મોકલે છે. તેથી તેમની વાત જવા દો, પણ ઈરાન જેવા દેશના યુવાનોને અમેરિકા કે યુરોપ જઈને ભણવાનું ના પરવડે, તે ભારત આવીને ભણી શકે છે.

મેડિકલ સુવિધાઓની બાબતમાં પણ એવું જ છે. બહુ મોંઘી સારવાર લેવા ભારતના ધનિકો યુરોપ અમેરિકા જતા હોય છે, પણ તે ઉચ્ચ મધ્યમ વર્ગને પણ પરવડે નહિ. તેની સામે ભારતમાં અમદાવાદ જેવા શહેરોમાં પણ મધ્યમ વર્ગને પરવડે તેવી ઊચ્ચ કક્ષાની સારવાર મળી રહે છે. હાલમાં જ અમદાવાદમાં રોબોટિક ઓનલાઇન સર્જરી થઈ તે એશિયામાં પ્રથમ હતી. 36 કિલોમિટર દૂર રહેલા દર્દીનું ઓપરેશન નિષ્ણાત ડૉક્ટરે પોતાની ક્લિનિકમાં બેસીને કર્યું. ભારતના મેડિકલ ટુરિઝમનો ફાયદો એનઆરઆઈ પણ લે છે અને હવે ઈરાનના નાગરિકો પણ લઈ શકશે.
ભારત અને ઈરાન વચ્ચેના વેપારમાં સ્વાભાવિક છે કે ઈરાનને વધારે આવક થાય છે. એક અબજ ડૉલર કરતાંય વધારેની કમાણી ઈરાનને ભારતમાંથી થાય છે. હવે એસ્ક્રો એકાઉન્ટમાં તેમાંની મોટી રકમ રૂપિયામાં જમા થશે. તે પૈસા ઈરાનના વિદ્યાર્થીઓ અને દર્દીઓ ભારતમાં વાપરશે. એક અંદાજ પ્રમાણે હાલમાં ભારતમાં સાતથી આઠ હજાર ઈરાની વિદ્યાર્થીઓ છે. મેડિકલ ટુરિઝમની વાત કરીએ તો દર વર્ષે 40,000 ઈરાનીઓ ભારતમાં સારવાર કરાવવા માટે આવે છે. આ બંને સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. માત્ર ટુરિઝમ માટે પણ ઈરાનીઓને આકર્ષવા ભારત કોશિશ કરી શકે છે.

ઈરાનની પેટ્રોલિયમ કંપની નેશનલ ઈરાનિયન ઑઈલ કંપની ભારતમાં યુકો બેન્કમાં ખાતું ખોલાવશે.
ભારતની રિફાઇનરીઓ યુકો બેન્કના ખાતામાં રૂપિયા જમા કરાવશે. 2012થી 1015 દરમિયાન ભારતે રૂપિયામાં ચૂકવણી કરી હતી, પણ તે કુલ સોદાના 45 ટકા જેટલી જ હતી. 55 ટકા રકમ આગળ જણાવ્યું તેમ ઉધાર રખાઈ હતી, જે ભારતે બાદમાં ચૂકવી હતી. આ વખતે ભારતે વધારે શાણપણભર્યું પગલું ભરીને અને અમેરિકા પર પણ દબાણ કરીને વ્યવસ્થા કરી છે કે 100 ટકા પેમેન્ટ રૂપિયાના ચલણમાં થાય.

ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષી વેપારમાં ઈરાન પાસે 8 અબજ ડૉલર જેટલી અનામત રહેતી હોય છે. તેમાંથી ભારત પાસેથી ઈરાન 2.6 અબજ ડૉલરની વસ્તુઓ ખરીદતું હોય છે. તેમાંથી અડધીઅડધ ખરીદી ચોખા સહિતના કૃષિ ઉત્પાદનોની હોય છે. ઈરાન સૌથી વધુ બાસમતી ચોખા ખરીદી જાય છે, લગભગ 90 કરોડ ડૉલરના.
ભારત માટે ઉર્જાની જરૂરીયાત બહુ મોટી છે. 80 ટકા જરૂરિયાત આયાત કરવી પડે છે. ગયા વર્ષે ભારતે 2.26 કરોડ ટન ક્રૂડ ઈરાનથી આયાત કર્યું હતું અને આ વર્ષે આંકડો 2.50 કરોડે પહોંચવાનો હતો. જોકે નવેમ્બરથી આયાત પર પ્રતિબંધો શરૂ થયા છે, તેથી એક્ચુઅલ આયાત થોડી ઓછી થશે. ભારત હાલના સમયમાં રોજ 5,60,000 બેરલ આયાત કરી રહ્યું હતું, પણ હવે આયાત ઘટીને રોજના 3,00,000 બેરલ થશે. આ રીતે ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષી વેપારમાં ભારતમાંથી કમાણી ઈરાનને ઓછી થશે, પણ ભારત બધી જ ચૂકવણી રૂપિયામાં કરવાનું હોવાથી ઈરાન અઢી અબજ ડૉલર જેટલી રકમ ભારતમાં વાપરે છે તે યથાવત રહેશે. કદાચ તેમાં વધારો પણ થાય, કેમ કે વિદ્યાર્થીઓ અને મેડિકલ ટુરિઝમ માટે આવનારા નાગરિકોની સંખ્યામાં જેટલો વધારો થશે એટલી આવક ભારતની વધશે.

સવાલ એ થાય છે અમેરિકા પર ભારતે દબાણ વધારીને શા માટે સંપૂર્ણપણે પ્રતિબંધમાંથી મુક્તિ ના મેળવવી જોઈએ? દુનિયાની એકમાત્ર મહાસત્તા અમેરિકા રહી છે અને અણુ ઉર્જા, આધુનિક શસ્ત્રો અને લેટેસ્ટ ટેક્નોલૉજી માટે ભારત અમેરિકા સાથે સારા સંબંધો પણ ઈચ્છે છે, તેથી તે કદાચ શક્ય નથી. પરંતુ એક વાત જે શક્ય છે તે બાબતમાં ભારતે વધારે ઝડપ કરવાની જરૂર છે. તે છે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત – પવનચક્કી અને સોલર પાવર. ખાસ કરીને સોલર પાવર. ભારતે છેલ્લા ચાર વર્ષમાં સોલર ઉર્જામાં આઠ ગણો વધારો કર્યો છે. આંકડો સારો લાગે છે, પણ ઉર્જા પાછળ આપણે જે જંગી ખર્ચ કરી રહ્યા છીએ તે જોતા વધારો ત્રણ આંકડામાં કરવાની જરૂર છે. સોલર પેનલ, બેટરી અને ઇલેક્ટ્રિક વાહનો ત્રણેયને એકબીજા સાથે જોડીને એવી નીતિની જરૂર છે કે ત્રણેયમાં હરણફાળ નહિ, પણ રોકેટફાળ ભરવામાં આવે. અબજોની વિદેશી હૂંડિયામણની બચત અને પર્યાવરણના બચાવ સહિત અનેક ફાયદા તેમાં રહેલા છે. ઈરાન પર પ્રતિબંધ જેવી કટોકટી આવે ત્યારે જ સમસ્યા વધારે વિકરાળ લાગતી હોય છે અને ત્યારે જ વધારે હિંમતભર્યા નિર્ણયો લેવાની તક પણ સરકારોને મળતી હોય છે. પણ સરકાર પાસે આવા મુદ્દાઓ પર ધ્યાન આપવાની આવડત અને દાનત અને સમય હોય તો…