ભારતના આ બજાર માટે વિશ્વની આઈટી કંપનીઓ બકી રહી છે હોડ

ણેશ દેવની જેમ નેટના આરંભે ગૂગલને યાદ કરવું પડે તેવી સ્થિતિ છે. સ્માર્ટફોનને સ્વાઇપ કરો તો પણ ગૂગલ હાજર અને લેપટોપ ખોલો તો પણ ગૂગલ હાજર. પરંતુ તે પછીના સ્ટેપમાં લોકો જ્યાં જાય છે તે છે ફેસબૂક. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ખરીદી લેવાના કારણે આ કંપની વધારે પડતી શક્તિશાળી બની ગઈ છે અને ભારત સહિતના દેશોના રાષ્ટ્રીય અને નાગરિકોના હિતને હાનીકારક નીવડી શકે છે. પરંતુ ભારતીય સરકારને એ સમજાતું નથી અને સમજવા માગતી નથી કે ગ્લોબલ આઈટી કંપનીના ભરડામાંથી દેશને કેવી રીતે મુક્તિ રાખવો.
આ બાબતમાં ચીન દાદાગીરી કરીને કામ ચલાવે છે. ચીન દેશમાં ગૂગલને ચાલવા દેતું નથી. ચીનમાં ઇ-કોમર્સ સહિતની અન્ય વેબસાઇટ્સ પણ ચીની જ છે. ભારતમાં એમેઝોન સ્થાનિક ભારતીય કંપની ફ્લિપકાર્ટને ગળી ગઈ છે. જોકે ચીન જેવું ભારત ન કરી શકે, કેમ કે ભારતના લાખો આઈટી એન્જિનિયર્સને અમેરિકામાંથી કામ મળે છે. આમાં ઉપરથી આમાં પરસ્પર લાભ દેખાય છે, પણ અમેરિકાને ફાયદો વધારે છે. ભારતને ભાગે ચણામમરા જ આવે છે.
ભારત સરકારને આવડે તો ભારતના લોકો વિદેશી મેસેન્જરને બદલે દેશી મેસેન્જર વાપરતા થાય તેવું કરી શકે છે. મેસેજના બિઝનેસમાં સીધી કમાણી નથી, પણ મેસેન્જર જે સ્માર્ટફોનમાં હોય તેનો ઉપયોગ કરીને પેમેન્ટ સર્વિસ આપવાની લ્યૂક્રેટિવ તક ઊભી થઈ છે. ભારત સરકારે પોતાની રીતે ભીમ એપ લૉન્ચ કરીને કોશિશ કરી છે કે તેના મારફતે આર્થિક વ્યવહાર થાય. પરંતુ એકવાર તેને લૉન્ચ કર્યા પછી તેના પ્રમોશન માટે પૂરતા પ્રયાસો થયા નથી.
બીજી બાજુ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ માટે ટેસ્ટિંગ કરી રહી છે. ભારતમાં સૌથી વધુ 20 કરોડથી વધુ યુઝર્સ તેની પાસે છે, તેના કારણે પેમેન્ટ સર્વિસમાં પણ તે છવાઈ જાય તેવી શક્યતા છે. મેસેન્જરમાં સરળતા અને સુરક્ષાને કારણે તે લોકપ્રિય બની છે. પેમેન્ટમાં પણ સરળતા અને સુરક્ષા બંને આવી જાય તો પેમેન્ટમાં તેની મોનોપોલી થઈ શકે છે.ગૂગલને પણ પેમેન્ટ સર્વિસમાં કમાણીની મોટી તક દેખાઈ છે. તેના કારણે ગૂગલ પ્લે માટેનું પ્રમોશન ઓલરેડી શરૂ થઈ ગયું છે. ગૂગલ બીજી કોઈ પણ મોટી કંપનીને ગળી જવા માટે સક્ષમ છે. તેના કારણે વહેલા મોડા તે ફોનપે કે પેટીએમ જેવી કંપનીને એક્વાયર કરી લેશે તો નવાઈ નહી લાગે. અથવા એવું બને કે ગૂગલ પ્લે આપોઆપ જ સર્વવ્યાપી બની જાય તો બાકીની કંપનીઓ માટે જગ્યા જ ન વધે.
આ દરમિયાન ભારત સરકારે જાહેરાત કરી છે કે પેમેન્ટ સર્વિસ આપનારી વિદેશી કંપનીઓએ આ અંગેનો તમામ ડેટા ભારતમાં જ રાખવો પડશે. અર્થાત ભારતમાં જ સર્વર ગોઠવવા પડે અને ભારતીય યુઝર્સના નાણાકીય વ્યવહારોના ડેટા વિદેશમાં ન જવા જોઈએ. જોકે ભારતમાં ગોઠવાયેલા સર્વરમાંથી ડેટા સરકીને વિદેશ ન જતા રહે તેની કોઈ ગેરન્ટી નથી. ફેસબૂક સામે ભારે ઉહાપોહ અને અમેરિકા તથા યુરોપમાં તેની સામે કાનૂની કાર્યવાહી અને જંગી દંડ પછીય તેના ડેટા નથી ચોરતા તેની ખાતરી રાખવી મુશ્કેલ છે. ફરીથી એવા અહેવાલો પ્રગટ થયા છે કે અન્ય કંપનીઓ હજીય ફેસબૂકમાંથી યુઝર્સની માહિતી ઊંચકી જાય છે.
પેમેન્ટ સર્વિસ અંગેના ડેટા ભારતમાં જ રાખવાની ડેડલાઇન 15 ઑક્ટોબર પૂરી થઈ છે. હવે કોઈ પણ કંપની જેમણે લોકલાઇઝેશન નહી કર્યું હોય તે ભારતમાં પેમેન્ટ સર્વિસ આપી શકશે નહી. પેટીએમ અને વોટ્સઅપ જેવી કંપનીઓએ અગાઉથી જ આ માટે તૈયારી કરી લીધી હતી. બંને કંપનીના પ્રવક્તાઓએ કહ્યું છે કે તેમણે ડેટાને ભારતમાં જ રાખવા માટેની વ્યવસ્થા કરી છે. આ બેમાંથી જોકે અત્યારે માત્ર પેટીએમની સર્વિસ જ ફન્ક્શનલ છે. વોટ્સએપની પેમેન્ટ સર્વિસનું હજી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બીજી બાજુ ગૂગલ આમાં મોડું પડ્યું છે અને 15 ઑક્ટોબરની ડેડલાઇન ચૂકી ગયું છે. ગૂગલ કંપનીના સીઈઓ તરીકે અત્યારે ભારતીય સુંદર પીચાઈ છે. તેમણે ભારત સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે ડેટાની આપલે વિશ્વભરમાં મુક્ત રીતે થતી રહેવી જોઈએ. ગૂગલને મુક્ત બજારમાં વધારે રસ છે, કેમ કે દુનિયાની 95 ટકા બજાર તેના કબજામાં છે. ચીન જેવા દેશને બાદ કરતાં ગૂગલ વિના કોઈનો ઉદ્ધાર નથી.
જોકે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા પેમેન્ટ સર્વિસની બાબતમાં કોઈ છૂટછાટ આપવા માગતી નથી. તેથી ભારતમાં જ ડેટાને સ્ટોર કરવા માટેની શરત અચૂક રાખવામાં આવશે. કદાચ ડેડલાઇન થોડા મહિના માટે લંબાવવાની જાહેરાત ટૂંકમાં થાય તે જુદી વાત છે, પણ વહેલા મોડા વિદેશી કંપનીઓને ડેટા લોકલાઇઝેશન માટે ફરજ પડાશે તેમ લાગે છે.
હકીકતમાં આ પ્રકારના બીજા ઘણા પગલાં ભારતે લેવાની જરૂર છે. અમેરિકા અને યુરોપ પછી ચીન અને ભારત વિશ્વની જાયન્ટ આઈટી અને નેટ કંપનીઓ માટે મોટા અને અગત્યના બજારો છે. આ બે દેશોની અવગણના થઈ શકે તેમ નથી. જોકે અહીં મામલો પરસ્પર ગરજનો પણ છે. ભારતના લોકો, ભારતના વેપારીઓ, ભારતના એન્ટ્રપ્રન્યોર પણ ઇચ્છે છે કે વૈશ્વિક નેટવર્કનો સીધો લાભ ઘરે બેઠા મળે. પરંતુ ટેક્નોલૉજી વધારે ને વધારે આગળ વધી રહી છે અને ભારતમાં  આઈટી એક્સપર્ટ્સનો પાર નથી.ભારતમાં આઈટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશાળ ઊભું કર્યું છે. તેથી સ્વંય એવા ઉપાયો કરી શકે છે કે વિદેશી કંપનીઓને મોનોપોલી ન રહે. જોકે રાબેતા મુજબ તેમાંય ભારતમાં મોડું થયું જ છે. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, ત્યારે પ્રમોદ મહાજને ટેલિકોમ પ્રધાન તરીકે રસ લીધો હતો કે ભારતમાં ઓપ્ટિકલ ફાઇબરનું જબરદસ્ત મોટું નેટવર્ક ઊભું થાય. દેશનો ખૂણેખૂણો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાઇ જાય તેવી મહત્ત્વકાંક્ષા યોજના હતી, પણ તે આગળ વધી નહોતી. આજે હવે દરેક ગામ સુધી, ભારતના તમામ સાડા પાંચ લાખ ગાંમડાં સુધી ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે, પણ આ જ કામ થોડા વર્ષો પહેલાં થઈ ગયું હોત તો વધારે ફાયદો થયો હોત. એટલું જ નહીં, દેશનું પોતાનું આંતરિક અને અલગ અને સક્ષમ નેટવર્ક હોત તો દેશ પોતાની રીતે ઉપયોગ કરી શક્યું હોત. હજી પણ કરી શકે છે. વિદેશી કંપનીઓ પર આધાર રાખવાને બદલે અને પરસ્પર ગરજને કારણે જતું કરવાને બદલે ભારત ડિજિટલ અચરજનો વધારેમાં વધારે ફાયદો લઈ શકે છે.