ભારતીયની નવી ઓળખઃ ખીચોખીચ ભરાયેલા એનઆરજી સ્ટેડિયમમાં…

ત રવિવારે હ્યુસ્ટનનું વિશાળ એનઆરજી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. સ્ટેડિયમના બધા જ સ્ટેન્ડ ભરાઈ ગયા હતા અને ઉપરની તરફ રાખેલા વિશાળ સ્ક્રીન પર એક ભારતીયની તસવીર પ્રગટ થઈ. આટલા વિશાળ સ્ટેડિયમમાં શાંતિ ફેલાઈ ગઈ. સૌ કોઈ મૌન થઈ ગયા. આ મૌન સૌ કોઈના દિલને સ્પર્શી જાય તેવું હતું. એ ભારતીયની બહાદુરીએ સ્ટેડિયમમાં હાજર સૌ કોઈ, તેમ જ જીવંત પ્રસારણ જોઈ રહેલા લાખો દર્શકોના દિલ પણ જીતી લીધા હતા અને તેના માટે જ હતું આ એક મિનિટનું મૌન…

રવિવારે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હ્યુસ્ટન ટેક્સન્સ અને કેરોલિના પેન્થર્સ વચ્ચેની ફૂટબોલ મેચ હતી. ફૂટબોલ અમેરિકામાં પણ બેઝબોલની સાથે લોકપ્રિય છે અને એટલે સ્ટેડિયમ ભરેલું હતું. પરંતુ મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટ માટે મૌન પાળવામાં આવ્યું હતું તે હતું ભારતીય મૂળના શીખ અને પોલીસ ઓફિસર સંદીપ ધાલીવાલ માટે.

હેરિસ કાઉન્ટીમાં શેરિફ્સ ડેપ્યુટી તરીકે સંદીપ ધાલીવાલ કામ કરતાં હતાં. શેરિફનો હોદ્દો મેયરના હોદ્દાને મળતો આવે છે. શેરિફ્સ ડેપ્યુટી એ પોલીસનો એક પ્રકારનો હોદ્દો છે, જેનું કાર્યક્ષેત્ર સમગ્ર કાઉન્ટીમાં હોઇ શકે છે. સંદીપ ધાલીવાલ આવા જ એક શેરિફ્સ ડેપ્યુટી પોલીસ ઓફિસર હતા અને એક કારને તેમણે રોકવાની કોશિશ કરી ત્યારે તેમની હત્યા થઈ ગઈ હતી.

ઘટનાની નોંધ સમગ્ર અમેરિકામાં લેવાઈ હતી અને સંદીપ ધાલીવાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમનો પ્રસંગ તેમાંનો એક જ હતો, પણ તેનું પ્રતીકાત્મક મહત્ત્વ એટલા માટે વધી ગયું કે હજી અઠવાડિયા પહેલાં જ અહીં 50,000થી વધુ ભારતીયો એકઠા થયા હતા. તેના કારણે અમેરિકન સમાજમાં ઇન્ડિયન અમેરિકન્સ અને મૂળ ભારતીયોનું સ્થાન શું છે તેનો અંદાજ આવ્યો હતો.

આ વખતે સ્ટેડિયમાં ફૂટબોલ ચાહકો હતો. ફૂટબોલ ચાહકોમાં બધા પ્રકારના અમેરિકન્સનો સમાવેશ થઈ જાય છે. શ્વેતની સાથે અશ્વેત, હિસ્પેનિક સાથે એશિયન, ચીની સાથે પેસિફિક આઇલેન્ડર એમ બધા જ પ્રકારના ઇમિગ્રન્ટ્સ હોય છે. આવા વૈવિધ્યસભર પ્રેક્ષકો વચ્ચે ભારતીય શીખની તસવીર નામ સાથે વિશાળ સ્ક્રીન પર પ્રગટ થઈ અને સૌએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી.

સંદીપ ધાલીવાલ પાઘડીધારી અને દાઢીધારી શીખ હતા. તેમને પોલીસ યુનિફોર્મ સાથે દાઢી રાખવાનો અને શીખ પાઘડી પહેરવાનો અધિકાર મળ્યો હતો. પોલીસ યુનિફોર્મ તેમને પોલીસની ઓળખ આપે, પણ શીખ દાઢી અને પાઘડી બહુ આગવી ઓળખ ઊભી કરે છે. તે દૂરથી પણ એક ઓળખ ઊભી કરી આપે છે.

યાદ કરો અમેરિકા જેને 9/11 તરીકે ઓળખે છે તે ત્રાસવાદી હુમલો. ટ્વીન ટાવર્સ પર વિમાનથી આતંકી હુમલો થયો તે પછી આટલા વર્ષો સુધી અમેરિકામાં શ્વેત અને અશ્વેત સિવાયની ઘઉંવર્ણી પ્રજા અને દાઢી રાખનારી પ્રજાને શંકાથી નજરે જોવાતી રહી છે. જાહેરમાં પણ દાઢીધારીને અપમાન સહન કરવાનો વારો આવતો. ઘઉંવર્ણી પ્રજાને આમ તો બ્લેક કેટેગરીમાં ગણાતી હતી અને તેમની સામે ભેદભાન થતો હતો. પરંતુ આતંકી હુમલા પછી આ કેટેગરીના અશ્વેત લોકોને ત્રાસવાદી જ સમજી લેવાની વૃત્તિ રહેતી હતી.

શીખ પાઘડીધારી પર હુમલો થઈને તેમની હત્યા થઈ હોય તેવા બનાવો પણ વચ્ચેના વર્ષોમાં બન્યા હતા. કેનેડામાં વધુ શીખ હોવા છતાં અને ત્યાંના જાહેર જીવનમાં તેમની હાજરી વધારે ઊડીને આંખે વળગે તેવી હોવા છતાં ત્યાં પણ દાઢી અને પાઘડીને કારણે મુસ્લિમ સમજીને હુમલા થયા હતા.

અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીમાં સીઈઓ બની ચૂક્યા છે. માસ્ટર કાર્ડ અને પેપ્સીકો જેવી કંપનીના વડા તરીકે ભારતીયો રહી ચૂક્યા છે. આ બધાને કારણે ભારતીયોને છાપ અલગ ઊભી થઈ હતી, પણ તેમને દેખાવથી બીજા એશિયનથી જુદા પાડવા મુશ્કેલ હોય છે. ખાસ કરીને દાઢી રાખી હોય ત્યારે.

આ સંજોગોમાં હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં વિશાળ ભારતીય સમુદાયનો કાર્યક્રમ યોજાયો અને તેમાં અમેરિકાના પ્રમુખ પણ હાજર રહ્યા તેના કારણે અમેરિકામાં પણ ઠીક ઠીક તે ઘટનાની નોંધ લેવાઈ હતી. ભારતીયોના સોફ્ટપાવરનો પરિચય અમેરિકન લોકોને વધારે સારી રીતે થયો. તેના જ એક અઠવાડિયા પછી, સમગ્ર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતી મેદની વચ્ચે દાઢી અને પાઘડી ધારી ભારતીય સંદીપ ધાલીવાલની તસવીર સાથે, તેની બહાદુરી અને ફરજપરસ્તી બદલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી તે ખાસ કરીને ભારતીય અન સમગ્ર એશિયન વસતિ માટે બહુ હકારાત્મક સાબિત થઈ શકે છે.

સંદીપ ધાલીવાલ અને તેમને દાઢી અને પાઘડી રાખવા માટે મળેલી મંજૂરીથી માંડીને તેમની ફરજપરસ્તી વિશે આ અઠવાડિયામાં અખબારોમાં લખાતું રહ્યું છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેના, મીણબત્તી સાથે પ્રદર્શનના, રેલીના કાર્યક્રમો ટીવીમાં પણ પ્રગત થતા રહ્યા છે. તેઓ જે વિસ્તારમાં રહેતા હતા અને બનાવ બન્યો ત્યાં અશ્વેત વસતિ પણ ઘણી હતી. તેમાંથી ઘણાએ કહ્યું કે તેમની પોલીસ તરીકેની કામગીરી ઉમદા હતી અને અમારા માટે તેઓ મિત્ર સમાન હતા. અમેરિકન પોલીસ પ્રોફેશનલ ગણાય છે, પણ બિનઅશ્વેતો સામે તેમની કામગીરીની ફરિયાદ રહેતી હોય છે. શ્વેત પોલીસથી ભરપુર વિભાગમાં સંદીપ ધાલીવાલ જેવા દાઢીધારી પોલીસની કામગીરીથી અશ્વેતોને ઘણીવાર સારું લાગતું હતું.

આ સમગ્ર બાબતનો ફાયદો એ થયો કે ભારતીયોની આગવ ઓળખ અમેરિકામાં ઊભી થઈ રહી છે, તેમાં એક છોગું ઊમેરાયું. ખાસ કરીને દાઢી અને પાઘડી સાથે પોલીસનો યુનિફોર્મ – એ તસવીર વારંવાર અમેરિકનોની નજર સમક્ષ આવતી રહી. તેના કારણે શંકા જગાવતું આ રૂપ ઉલટાનું રક્ષણ કરનારું રૂપ છે તે વાતની મનોમન નોંધ લેવાઈ હશે. સંદીપ ધાલીવાલ જેવા ભારતીયો માત્ર આઇટી પ્રોફેશનલ્સ, ડૉક્ટર્સ અને વેપારી નથી, પણ પોલીસ તરીકે સારી કામગીરી કરનારા પણ છે તેવી એક નવી ઓળખ ઊભી થઈ હશે, જે ભારતીય સમુદાય માટે હકારાત્મક પરિવર્તન ગણી શકાય.

સંદીપ ધાલીવાલ ટેક્સાસ સ્ટેટમાં પોલીસ ઓફિસર બનનારા પ્રથમ ભારતીય મૂળના હતા. તે વખતે પણ સમાચાર બન્યા હતા. તેમને દાઢી અને પાઘડી માટેની છૂટ મળી તે પણ સમાચાર બન્યા હતા અને તેમણે ફરજ બજવણી વખતે જીવ ગુમાવ્યો તેના પણ સમાચાર બન્યા, તે આમ દુઃખદ, પણ આમ પણ ગૌરવ અપાવનારા બની રહ્યા.