ટ્રમ્પે પાકિસ્તાનને આપેલી ચેતવણીથી ભારતે રાજી થવું?

ના. બહુ રાજી થવા જેવું નથી. ભારતના રાજદ્વારી વર્તુળોએ પણ સમજીને બહુ ઉત્સાહ દાખવ્યો નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી અમેરિકાની પાકિસ્તાન વિશેની નીતિ મહદ અંશે બદલાઇ જવાની નથી. ખરેખર બદલે ત્યારે ભારત અલગથી પ્રતિસાદ આપી શકે છે, પણ અત્યારે ભારતે શાણપણ દાખવીને સહજ પ્રતિસાદ જ આપ્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિજાજ માટે જાણીતા છે. તેમણે હાલમાં જ ટ્વીટ કરીને લખ્યું કે અમેરિકાએ મૂર્ખામી કરી છે અને 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરથી વધારેની સહાય કરી છે. તેના બદલામાં અમારી સાથે જૂઠાણા ચલાવ્યાં છે અને છેતરામણી જ કરી છે. અમારા નેતાઓને મૂર્ખા સમજીને આવું કર્યું છે. અમે અફઘાનિસ્તાનમાં જે ત્રાસવાદીઓ સામે લડીએ તેને પાકિસ્તાન આશરો આપે. આવું ચાલશે નહીં.આવી કડક ચેતવણીની ભાષા પછી અમેરિકાની પાકિસ્તાન તરફની નીતિ બદલાશે તેવી આશા ભારતમાં જાગે, પણ તરત જ બહુ રાજી થવા જેવું નથી. અમેરિકાએ તાત્કાલિક આ વર્ષની સહાય અટકાવી છે. પણ તેય નવું નથી. ભૂતકાળમાં અમુક વખતે અમેરિકાએ સહાય અટકાવી હતી અને ફરી ચાલુ પણ કરી દીધી. ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ સંતાઇને બેઠો હતો. અમેરિકાએ ગુપ્ત ઓપરેશન કરીને તેને ઠાર કર્યો. તે પછી દેખાવ ખાતર સહાય અટકાવી હતી, પણ વળી પાછું રાબેતા મુજબ થઈ ગયું હતું. લાંબો અનુભવ દર્શાવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પસંદગી કરવાની વાત આવે ત્યારે અમેરિકા પાકિસ્તાનની જ ભેર કરે છે.

અમેરિકાને સ્વતંત્ર રીતે ભારત સાથે સંબંધ રાખવામાં રસ છે. ભારત સાથેના સંબંધો સુધર્યા પણ છે. પરંતુ પાકિસ્તાન તરફની અમેરિકાની નીતિ પણ તેના હિત ખાતર ભારતથી સ્વતંત્ર છે. પાકિસ્તાનનો ઉપયોગ ભૂતકાળમાં રશિયા સામે અને હાલમાં ચીન સામે કરવામાં અમેરિકાનું હિત છે. મુસ્લિમ અને અરબ દેશોમાં પોતાની નીતિ ખાતર પણ અમેરિકાને પાકિસ્તાન પોતાના ખોળામાં રહે તેમાં રસ છે.

બીજું ભારતના રાજદ્વારી વર્તુળોએ સ્પષ્ટતા કરી તે પ્રમાણે પ્રમુખ ટ્રમ્પે ઉકળાટ ઠાલવ્યો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓ સામેની લડાઇમાં પાકિસ્તાન મદદ નથી કરતું તેની અકળામણ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા લાંબો સમયથી કોઇ નિરાકરણ લાવી શક્યું નથી. તાલિબાનો અને હક્કાની નેટવર્કને આટલા વર્ષો પછી અમેરિકા ખતમ કરી શક્યું નથી. એક તરફ પાકિસ્તાનની સહાય સાથે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ લડવાનું, પણ જેમની સામે લડવાનું તે તાલિબાની અને હક્કાણી નેટવર્કના આતંકવાદીઓને પાકિસ્તાનમાં આશરો પણ મળી જાય. અમેરિકાની ભીંસ વધે એટલે તાલિબાનો પાકિસ્તાની સરહદમાં જતાં રહે.

અમેરિકાને પોતાની આ લડાઇમાં રસ છે. ભારતની ત્રાસવાદ સામેની લડાઇની તેને બહુ રસ નથી. કાશ્મીર નજીક પાકિસ્તાન આતંકવાદી અડ્ડા ચલાવે તે અટકાવવામાં અમેરિકાને રસ નથી. તેને ગરજ એ છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદે તાલિબાન અને હક્કાની નેટવર્કને અડ્ડા ન બનાવવા દે. પાકિસ્તાન માટે તે શક્ય નથી, કેમ કે સ્થાનિક લોકોની લાગણી અવગણીને પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે કામ કરી શકે તેમ નથી. આખા દેશમાં પાકિસ્તાને ત્રાસવાદનું ઝેર ઉછેર્યું છે તે જલદી ઉતરે તેવું નથી.

અમેરિકા સહાય અટકાવવાની વાત કરે છે, પણ તેમાં જે શરતો જોડે છે તેનાથી ભારતને કશો જ ફાયદો નથી. અમેરિકા એમ કહે કે ત્રાસવાદીઓને સહાય બંધ કરો ત્યારે તેનો ઇશારો હક્કાની નેટવર્ક હોય છે; ભારત સામે જેહાદ ચલાવતા લશ્કરે-તૈયબાની કામગીરી ચાલતી રહે તો અમેરિકાના પેટનું પાણી પણ ના હલે. નવેમ્બરમાં જ અમેરિકન સંસદમાં પાકિસ્તાનને સહાય માટે ચર્ચા થઈ ત્યારે હક્કાની નેટવર્કને પાકિસ્તાને મદદ ના કરવી તેવી શરત રખાઇ હતી. આ શરત પાળે તો જ પાકિસ્તાનને સહાય મળે તેવો નિયમ દાખલ કરાયો, પણ લશ્કરે-તૈયબા પર પ્રતિબંધ મૂકવો અને તેને મદદ ન કરવી તે નિયમને પડતો મૂકી દેવાયો હતો.

પાકિસ્તાન જાણે છે કે અમેરિકાને પણ તેની ગરજ છે. અફઘાનિસ્તાનમાં જ્યાં સુધી અમેરિકા છે ત્યાં સુધી પાકિસ્તાનની ગરજ છે. એ જ રીતે એશિયામાં ચીનના પ્રભુત્વને ખાળવા પાકિસ્તાનને સાચવવું જરૂરી છે. ચીન સામે ઉપયોગ માટે ભારતની પણ જરુર છે, પણ ભારતની પોતાની સ્વતંત્ર નીતિ ચીન વિશે છે અને અમેરિકાની સહાય લેવાનું ભારતને ચોક્કસ ગમે, પણ પોતાની શરતે અને પોતાના હિતો પ્રમાણે. એ સંજોગોમાં ચીનના મુદ્દે પાકિસ્તાનને વધારે સાચવવું પડે.

ચીન વિષયક મુદ્દે હલચલ થઇ પણ છે. અમેરિકાના પ્રમુખના આકરા વલણ પછી ચીનમાંથી પાકિસ્તાનને હૂંફ મળે તેવા નિવેદનો આવ્યાં છે. પાકિસ્તાન પોતાનું મિત્ર છે એવું ચીને ફરીથી કહ્યું છે. બીજી બાજુ પાકિસ્તાને પણ ચીનનું પત્તું બરાબર ખેલ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન અમને મૂર્ખ બનાવવાનું બંધ કરે તે પછી તરત પાકિસ્તાને ચીન કાર્ડ દેખાડ્યું. પાકિસ્તાને જાહેરાત કરી છે કે ચીન સાથેનો દ્વિપક્ષી વેપાર હવે યુઆનમાં થઈ શકશે. અમેરિકન ડોલરમાં વેપાર કરવાના બદલે સીધો ચીની ચલણ યુઆનમાં જ વેપાર થઈ શકે. તેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ગાઢ બનશે. ચીન દ્વારા પાકિસ્તાનમાં જે રોકાણ થઈ રહ્યું છે, 60 અબજ ડોલર જેટલું, તે અમેરિકાની સહાય કરતાંય વધારે છે. પાકિસ્તાનમાં બંદર તૈયાર કરીને ત્યાંથી સમગ્ર દેશની વચ્ચેથી પસાર થતો હાઇવે ચીન બનાવી રહ્યું છે. ચીન પોતાનો વિશ્વ વેપાર આ માર્ગે કરી શકે છે. એ રીતે ચીન પાકિસ્તાનને ખાસ્સું મહત્ત્વ આપી રહ્યું છે.

આ સ્થિતિમાં ભારતે વધારે સાવધ રહેવું પડે, કેમ કે અમેરિકાની નીતિના કારણે ઉલટાનું ચીન અને પાકિસ્તાન વધારે નજીક આવે. બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ પ્રધાને આ અઠવાડિયે કરેલું નિવેદન પણ સાંભળવા જેવું છે. ખ્વાજા આસિફે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ તો ભારતની ભાષા બોલી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા નિષ્ફળ ગયું છે અને બલિનો બકરો પાકિસ્તાનને બનાવે છે એમ પણ તેમણે કહ્યું. ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો પણ સારા છે. એટલે અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકાના પ્રમુખ ભારતની ભાષા બોલી રહ્યાં છે એમ કહીને પાકિસ્તાને સ્થાનિક ધોરણે અમેરિકાવિરોધી લાગણી ઊભી થાય તેવી કોશિશ પણ કરી છે. પાકિસ્તાન પર આડકતરો કબજો ધરાવતી સેના અમેરિકાની દાદાગીરી ભારતીય ભાષામાં છે એમ કહીને નાગરિકોની સહાનુભૂતિ મેળવે અને વધારે મજબૂત થાય. અમેરિકાએ વધારે મજબૂત બનેલી પાકિસ્તાન સેના અને તેના સ્થાપિત હિતો સાથે કામ પાડવાનું આવે ત્યારે ભારતનું હિત તેમાં ક્યાંય જોવાનું આવે નહીં. તેથી ભારતે આમાં બહુ હાલ રાજી થવા જેવું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]