સાઉદીના શેખ રશિયા પહોંચ્યા, પણ સોનાનું એસ્કેલેટર અટક્યું…

સોનાની થાળી અને ચાંદીના વાટકા, વૈભવ હોય ત્યારે સોનાના નળ અને નકૂચા. સોનાનું એસ્કેલેટર લઈને સાઉદી અરેબિયાના શેખ સલમાન રશિયા પહોંચ્યાં, પણ તે ચાલ્યું નહીં. 82 વર્ષના શેખ વિમાનમાંથી નીચે ઉતરી શકે તે માટે સીડીની જગ્યાએ એસ્કેલેટર મૂકાયું હતું. તે અધવચ્ચે અટકી પડ્યું હતું. તેનો વીડિયો વાઇરલ થયો છે તે જોજો, તમનેય બે ઘડી મોજ આવશે. કિંગ સલમાન પોતાની સાથે 1500 માણસોનો કાફલો લઈને રશિયાની મુલાકાતે ગયાં છે. એ કાફલાની વિગતો પણ તમને અન્યત્ર વાંચવા મળશે એટલે અહીં તેને રીપીટ નથી કરતા, પણ ઇતિહાસમાં સૌપ્રથમવાર સાઉદીના રાજા રશિયા પહોંચ્યાં છે તે ઐતિહાસિક ઘટના છે અને આ ઐતિહાસિક મુલાકાત પછી બંને દેશો વચ્ચેના સંબંધો અટક્યા વિના ચાલશે કે કેમ તેના પર દુનિયાની નજર રહેશે.

દુનિયાની નજર એટલા માટે રહેશે કે જો સાઉદી અને રશિયા વચ્ચે દોસ્તી થઈ તો જગતને ઝટકો લાગે તેમ છે. આપણે ક્રૂડ ઓઈલની વાત કરીએ ત્યારે સાઉદી અરેબિયા યાદ આવે. પણ ઘણા લોકોએ એ ખ્યાલ નહીં હોય કે રશિયા પોતે પણ ક્રૂડ ઓઈલનું બહુ મોટું ઉત્પાદક છે. અને એ પણ યાદ નહીં હોય કે સૌથી વધારે ક્રૂડ ઓઈલ રીઝર્વ કેનેડા પાસે છે, ગલ્ફના દેશો પાસે નહીં. એટલે જગતના બે મોટા ક્રૂડ ઉત્પાદક દેશો વચ્ચે દોસ્તી થાય અને ક્રૂડનું ઉત્પાદન ઓછું કરવામાં આવે તો ભાવો ભડકે બળે. ઓપેક નામનું સંગઠન છે, તેમાં ક્રૂડનું ઉત્પાદન કરનારા દેશો છે અને સૌથી વધુ દેશો તેમાં મુસ્લિમ દેશો છે. ઓપેકને બેલેન્સ કરવા માટેની તાકાત રશિયામાં છે અને તેનો ઉપયોગ કરવો પડે ત્યારે રશિયા કરે છે. અમેરિકા સાઉદી અરેબિયાને પોતાના ખોળામાં બેસાડી રાખે છે અને દાઝ કાઢવા રશિયા ક્રૂડમાં સપ્લાયમાં જરૂર પ્રમાણે ફેરફાર કરતું રહે છે.

હવે થયું છે એવું કે અમેરિકામાં પણ જમણેરી સરકાર આવી છે અને ટ્રમ્પનો મુસ્લિમ દ્વેષ જાણીતો છે. તેમણે મુસ્લિમ દેશોની યાદી તૈયાર કરીને ત્યાંના નાગરિકોને વિઝા ના આપવા તેવું નક્કી કર્યું હતું. ટ્રમ્પને ઈમિગ્રન્ટ્સ સામે જ વાંધો છે, પણ વધુ ચિંતા એ છે કે મુસ્લિમ દેશોમાંથી ઈમિગ્રન્ટ્સ આવે તેમાં ત્રાસવાદીઓ પણ સાથેસાથે આવી જાય. એ સંજોગોમાં અમેરિકા સાથેના સંબંધોમાં ફેરફાર થાય તો જગતના જમાદાર સામે, જગતના કોન્સ્ટેબલ રશિયા સાથે દોસ્તી કરવી પડે તેમ સાઉદીને સમજાયું હશે. એ વાત જુદી છે કે અમેરિકાને માત્ર પોતાના દેશમાં જેહાદી ત્રાસવાદી નથી જોઈતો. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા ત્રાસવાદીઓને ઉછેરે અને ભારત જેવા દેશો પર હુમલા કરવા મોકલે તેની અમેરિકાને કંઈ પડી નથી. પાકિસ્તાન અને સઉદી સાથેની દોસ્તી આ ઘડી સુધી અકબંધ જ છે.

પણ કાલ કોણે જોઈ છે – એ નાતે સાઉદીના શેખ સલમાન બિન અબ્દુલઅઝીઝ રશિયા પહોંચી ગયાં છે. ઊર્જા અને સંરક્ષણના ક્ષેત્રે અબજો ડોલરની ડીલ પર સહીસિક્કા થશે. રશિયા પાસેથી કાલાશ્નિકોવ રાઇફલો ખરીદવાના અને એસ-400 મિસાઇલ ડિફેન્સ ખરીદવાના સોદા થયાં. ગલ્ફના દેશોમાં સઉદી પોતાનો દબદબો જાળવવા માગે છે, પણ તે માટે પોતાની સેનાની તાકાત નથી. એટલે અમેરિકાના સૈનિકોની ઉછીની તાકાત પર આધાર રાખવો પડે છે. ઇરાકના સદ્દામ સામે કાર્યવાહી કરવા છેક અમેરિકાથી લાખો સૈનિકો આવ્યાં હતાં. સિરિયામાં પણ અમેરિકા લડી રહ્યું છે. તેથી સઉદી માટે અમેરિકાનો આશરો અનિાવાર્ય છે. અત્યાર સુધી ઓઈલને કારણે અને રશિયાને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ સાઉદીને સાચવ્યું છે – સઉદી અબજો ડોલર ઈસ્લામી જેહાદી ત્રાસવાદીઓને આપે છે તો પણ. પણ ટ્રમ્પના આવ્યાં પછી અને યુરોપ તથા અમેરિકાને પણ હવે ઈસ્લામી જેહાદી ત્રાસવાદીનો સ્વાદ ચાખવા મળવા લાગ્યો છે ત્યારે ગલ્ફ અને મધ્યપૂર્વમાં અમેરિકા કેવી નીતિ રાખશે તેની ખાતરી રાખી શકાય નહીં.

આ જ કારણસર સાઉદીના સલમાન રશિયા પહોંચી ગયાં. ઈરાન સામે પણ સઉદીને વાંકુ પડેલું છે. અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યાં તેની રશિયાએ પરવા કરી નહોતી. આ મુદ્દો સાઉદીને નડે, પણ તેની અવગણના કરીનેય સંબંધો સુધારવાની કોશિશ છે એવું રશિયાના જાણકારો કહી રહ્યા છે. ઈરાનના મામલામાં રશિયા શું મદદ કરી શકે તે સ્પષ્ટ નથી, કેમ કે ઈરાનમાં રશિયન પ્રભુત્વ હોય તેવું જોવા મળ્યું નથી. પ્રતિબંધોનો વિરોધ કર્યો તે ઈરાનને મદદ કરવા નહી, પણ અમેરિકાના વિરોધ માટે હતો.

બીજું સીરિયામાં પણ રશિયા અને સાઉદી સામસામે છે; કેમ કે સાઉદી અને અમેરિકા સાથેસાથે છે. સીરિયાની સરકારને ઉથલાવી નાખવા માગતાં ઉદ્દામવાદીઓને તેઓ મદદ કરે છે, ત્યારે રશિયા સીરિયાની બશર અલ-અસદ સરકારને મદદ કરી રહી છે. આ સંજોગોમાં સાઉદીનું વલણ બદલાયું હશે કે કેમ તે પણ રશિયાની મુલાકાત પછી વધારે સ્પષ્ટ થશે. બશર અલ-અસદને હટાવી દેવાની વાત કિંગ સલમાન ના કરે તેનો અર્થ એ થાય કે સીરિયામાં તેમની નીતિ બદલાઈ રહી છે. પોતાના પડોશી અને મુસ્લિમ દેશમાં સતત લાંબુ યુદ્ધ ચાલે તેવી ઈચ્છા સઉાદીની નહીં હોય, પણ અમેરિકાને યુદ્ધ કરતું અટકાવી શકાતું નથી. તેના કારણે પણ રશિયા સાથે દોસ્તીનો દાવ હોઈ શકે છે.

જોકે બંને દેશો વચ્ચે સૌથી અગત્યનો અને બંનેના સ્વાર્થનો મુદ્દો ક્રૂડ ઓઈલ જ છે. ક્રૂડના ભાવો સતત ઘટતા રહ્યાં છે અને તેના કારણે સાઉદી અને રશિયાની બંનેની મુખ્ય આવકનો સ્રોત સૂકાતો રહ્યો છે. સાઉદી જૂની રીત પ્રમાણે જમીનમાંથી તેલ ઓછું કાઢીને, અછત ઊભી કરીને ભાવો ઊંચા લઈ માગે છે, જ્યારે રશિયાને એ રીતમાં રસ પડતો નથી. રશિયા ભાવ ગમે તે મળે, વધારે આવક મળે તેમ ઈચ્છે છે. ઓપેક સાથે રશિયા પણ કેટલાક કરારો કરે છે, પણ મોટા ભાગે તેણે પાળ્યાં નથી. તેથી સઉદી સાથે પણ ક્રૂડની બાબતમાં થયેલા કરાર પાળવામાં આવશે તેની ખાતરી નથી. ઓપેકના બીજા દેશો પણ ખાનગીમાં વધારે ક્રૂડ કાઢીને કમાણી કરી લેતું હોય તો રશિયા શા માટે નુકસાની ભોગવે તે પણ સવાલ છે.

સમય બદલાયો છે અને ક્રૂડમાંથી કમાણી વધે તેમાં સાઉદી અને રશિયા બંનેને ગરજ છે. બંનેને એ પણ ગરજ છે કે અમેરિકાનો એકાધિકાર ઓછો થાય. બંનેને ગરજ છે કે સીરિયામાં અને ઈરાનમાં અને મધ્યપૂર્વના બીજા દેશોમાં તંગદિલી ઓછી થાય. બંનેના સંબંધો સુધરે તો સોનાનો સૂરજ ઊગે, પણ સાઉદીના શેખનું સોનાનું એક્સલેટર પ્રથમ ગ્રાસે જ અટક્યું…