ગોડ હોવાનો પુરાવો આપો એટલે આપું રાજીનામુંઃ ફિલિપિન્સના પ્રમુખ

મે ઇશ્વરને જોયો છે ખરો? તમે ઇશ્વરના દર્શન કર્યા છે ખરાં? ભારતમાં આવા સવાલોને આપણે સહજ માનીએ છીએ. શ્રદ્ધાના સમુદ્રમાં પાણીનાં ટીપાં જેવાં સવાલોથી આપણાં ગુરુઓ નવાઈ નથી પામતાં. સવાલનો સરસ મજાનો જવાબ આપે અથવા કહે તું જ ઈશ્વર છે. તું જ છે સર્વસ્વનો અંશ. અહં બ્રહ્માસી અને જીવ એ જ શિવના સૂત્રો જ્યાં જીવનમાં વણાયેલાં છે, ત્યાં ઈશ્વર વિશેના સવાલોની ચર્ચા ચાલતી રહે છે, પણ ફિલિપિન્સના પ્રમુખે પૂછેલાં સવાલો ઈશ્વર વિશેના નથી, ગોડ વિશેના છે.ઈશ્વર અને ગોડ અલગ છે. આ કોઈ ધાર્મિક વિવાદનો મુદ્દો નથી એટલે વિવાદ કરવો નહીં. આ તાત્ત્વિક ચર્ચા છે અને તાત્ત્વિક ચર્ચા જ ફિલિપિન્સના પ્રમુખ રોડ્રિગો દુટર્ટે કરી રહ્યા છે. આ પ્રમુખ બેફામ છે. બેફામ બોલે છે. થોડા વખત પહેલાં તેમણે કહેલું કે તમારો ગોડ સ્ટુપિડ છે, જ્યારે મારો ગોડ વધારે સારો છે. આ રીતે સ્પષ્ટપણે તેમણે ગોડમાં ભેદ પાડ્યાં છે. તેના કારણે નારાજ થયેલા કેથલિક પાદરીઓએ તેમને સાયકોપેથ કહ્યાં છે, પણ આ પ્રમુખને બહુ ફરક પડતો નથી, કેમ કે છે જ માથાફરેલાં.
તેમણે કહ્યું કે મને ફક્ત એક, ફક્ત એક સાક્ષી એવો લાવી આપો જેમણે ગોડને જોયો હોય. તે તસવીર કે એવો કોઈ પુરાવો ગોડને મળ્યાનો આપે તો હું પ્રમુખપદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. મારો ગોડ અને તમારો ગોડ એવી પ્રમુખની વાતો સાંભળી ફિલિપિન્સ ઉપરાંત બીજા ખ્રિસ્તી દેશોના પાદરીઓ પણ હચમચી ગયાં છે. જોકે રોડ્રિગોને કંઈ ફરક પડતો નથી, કેમ કે તેમણે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપને પણ અપશબ્દો કહ્યાં હતાં. પોપ જ્યાં પણ જાય ત્યાં ભારે ભીડ એકઠી થાય. આવી ભીડમાં પ્રમુખ રોડ્રિગો ફસાયાં હતાં એટલે નારાજ થઈને તેમણે પોપ વિશે પણ એલફેલ વાતો કરી હતી.
પાદરીઓ સામે તેમની નારાજગીનું મૂળ કારણ મનાય છે, ચર્ચમાં ચાલતો વ્યભિચાર. રોડ્રિગો જે શાળામાં ભણતાં હતાં ત્યાં પાદરીઓ બાળકોનું જાતીય શોષણ કરતાં હતાં. રોડ્રિગો કબૂલ કરી ચૂક્યાં છે કે તેમને પણ પાદરીનો ખરાબ અનુભવ થયો હતો. ચર્ચના સેક્સ સ્કેન્ડલ પણ સમયાંતરે બહાર આવતાં રહે છે. તે બધાને કારણે પાદરીઓ સામે રોડ્રિગોની નારાજગી છે. ભારતમાં આ વાત પણ આપણે સમજી શકીએ છીએ, કેમ કે પાખંડી બાવાઓ સામે આપણે વધુ છૂટથી રોષ વ્યક્ત કરીએ છીએ. ભારતમાં મોટાભાગના લોકો જે નથી સમજતાં અને સમજવા જેવી વાત છે એ છે ગોડ, ઈશ્વર, અલ્લાહ અને તેમના સ્વરૂપો બંને અલગ બાબત છે. ભારતમાં અનેક દેવસ્વરૂપો માનવામાં આવે છે. આપણે ત્યાં તો 33 કરોડ દેવતા સુધીની વાત છે. દેવતત્ત્વ, સર્વોચ્ચ તત્ત્વ, સર્વોચ્ચ શક્તિ, સર્જનહાર, સૃષ્ટા, સર્વમાં સમાન શિવ કે બ્રહ્મ એ વિશે લગભગ એકસરખી ધારણા છે. કંઈક હશે, કોઈક છે એ માન્યતા બધાં જ ધર્મોમાં છે. પરંતુ તે પછી દેવસ્વરૂપો આપે છે. આ જે ‘કંઈક’ અને ‘કોઈક’ છે, તેની સીધી પૂજા કરવાના બદલે મનુષ્યો તેના સ્વરૂપોની પૂજા કરે છે. દરેક ધર્મ આ સર્વોચ્ચના સ્વરૂપો મનુષ્યોને દેખાડે છે, સમજાવે છે, વર્ણવે છે, તેમના રૂપ, રંગ, ગુણ, સ્વભાવની ચર્ચા કરે છે.
સમસ્યા ત્યાંથી જ શરૂ થાય છે. સર્વોચ્ચ વિશે વાત કરવામાં આવે તો થોડીવારમાં વિવાદ શમી જાય છે, કેમ કે નિર્ગુણ, નિરાકાર વિશે વધુ ચર્ચા શું કરવાની? પણ સ્વરૂપોનું વૈવિધ્ય એટલું હોય છે કે ચર્ચા અનંત ચાલ્યાં જ કરે. દરેક ધર્મમાં વળી સર્જનની કથા હોય છે. સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું તેની કથાઓ હોય છે. દરેક ધર્મ પોતાની કથાને સાચી માને છે, પોતે વર્ણવેલા દેવસ્વરૂપને જ સાચું માને છે.

ખ્રિસ્તી ધર્મમાં સર્જનની કથા સાથે ઓરિજનલ સીનની કથા જોડાયેલી છે. સ્વર્ગ સમા બગીચામાં પ્રતિબંધિત ફળ ખાવાથી ઈવ અને આદમ વચ્ચે પ્રેમ પ્રગટ્યો અને તેમાંથી મનુષ્યનો વંશવેલો ચાલ્યો. રોડ્રિગો આ સર્જનકથા સામે અગાઉ ટીકા કરી ચૂક્યાં છે. તેમણે કહેલું કે આવી તે કેવી કથા. આદમ અને ઈવે પાપ કર્યું હતું તેમ કેમ કહેવામાં આવે છે. બાળક જન્મે એટલે પાપના બોજ સાથે જ જન્મે અને પછી ખ્રિસ્તી ધર્મ સ્વીકારે એટલે કે ગોડના પુત્ર ઈશુના શરણે જાય ત્યારે જ મુક્તિ મળે તેવી કથા શા માટે? આ પ્રકારના સવાલો પણ રોડ્રિગો કરતાં આવ્યાં છે. આવી વિચિત્ર રીત કેમ, આવી વિચિત્ર સર્જન કથા કેમ એમ કહીને રોડ્રિગોએ ગોડને સ્ટુપીડ કહ્યાં હતાં. વિવાદ થયો તે પછી પણ તેમણે માફી નહોતી માગી, પણ એટલો ખુલાસો કરાયો કે વિરોધીઓના ગોડને સ્ટુપીડ કહેવામાં આવ્યાં છે. અમારા ગોડ સારા છે. એ વિવાદના થોડા વખત પછી ગયા અઠવાડિયે તેમણે ફરી નિવેદન કર્યું અને ગોડના અસ્તિત્ત્વનો પુરાવો માગ્યો તેનાથી ખ્રિસ્તી જગતમાં હલચલ છે, પણ ફિલિપિન્સમાં બહુ નવાઈની વાત નથી.રોડ્રિગો ડોનાલ્ડ ટ્રમ્પ કરતાંય માથાફરેલા શાસક મનાય છે. પણ તેમના દેશમાં લોકપ્રિય છે. તેમણે ડ્રગ્ઝના દાણચારો સામે ઝુંબેશ ઉપાડી છે તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ રાજી થયો છે. રાબેતા મુજબ દુનિયાના બીજા લોકોએ માનવઅધિકારના નામે કકળાટ મચાવ્યો છે. ડ્રગ્ઝની હેરાફેરી કરીને યુવાનોને બરબાદ કરનારાને ગોળીએ દેવાના હોય તેવું ગરીબ પ્રજા સમજે છે અને તેથી પ્રમુખને ટેકો આપે છે. માનવઅધિકાર સંસ્થાઓ કહે છે કે આડેધડ કાર્યવાહીને કારણે કેટલાક નિર્દોષ નાગરિકો પણ માર્યા જાય છે.
માત્ર નાગરિકો નહીં, ડ્રગ્ઝની ગુંડા ટોળકીને સહાય કરનારા, ટેકો આપનારા નેતાઓ અને અધિકારીઓ પણ ઝપટે ચડી રહ્યાં છે. છેલ્લા થોડા વર્ષોમાં નવ શહેરોના મેયરોની હત્યા થઈ છે.
ડુટર્ટે બે વર્ષ પહેલાં સત્તામાં આવ્યાં અને તેમણે આવીને તરત જ ડ્રગ્ઝ કાર્ટેલ સામે ઝુંબેશ ઉપાડી છે. તેના કારણે થયેલી હિંસામાં લગભગ 23,000 લોકોના મોત થયાંનો અંદાજ છે. માનવઅધિકાર સંસ્થાઓ કહે છે કે લગભગ 4300 જેટલાંને ન્યાયતંત્ર સમક્ષ કામ ચલાવ્યા વિના જ ઠાર કરી દેવાયાં છે. વિશ્વ તેની ટીકા કરી રહ્યું છે, પણ ફિલિપિન્સનો ગરીબ અને મધ્યમવર્ગ પ્રમુખને ટેકો આપી રહ્યો છે, કેમ કે દેશમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્ઝના કારણે સામાજિક કટોકટી જેવી સ્થિતિ હતી. તેમની ભાષા પણ બહુ કડવી છે, જે દુનિયાને માફક ન આવે, પણ તેમના ટેકેદાર વર્ગને આ જ ભાષા ફાવે છે. તે શબ્દો ચોર્યાં વિના બોલે છે અને જાહેરમાં ગાળો પણ બોલે છે. પોપને પણ ગાળ આપે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ગાળો આપે. વચ્ચે એવું પણ બોલી ગયેલાં કે હિટલરે યહૂદીઓને ખતમ કરી નાખ્યાં તે રીતે હું ડ્રગ્ઝ માફીયાઓને ખતમ કરી નાખીશ. જોકે તેમણે સ્થાનિક યહૂદી નેતાઓને બાદમાં બોલાવીને પોતાનો કહેવાનો ભાવ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે તેમનો વિરોધ યહૂદીઓ સામે નહીં, પણ ડ્રગ્ઝનું દૂષણ ફેલાવનારા તત્વો સામે છે.