પેઇનકિલર કિલર સાબિત થઇ રહી છે…

ફીણ રંગ અમીરી, ભાંગ રંગ ભૂતિયા
ગાંજા રંગ ગુલાબી, શરાબ રંગ જૂતિયા

વું જૂના માણસો કહેતા હોય છે અને પછી હથેળીમાં કસુંબો મૂકે. કસુંબો લેવા પડે નહીં તો સમ આપે. જૂના રિવાજોના નામે આપણે ત્યાં વ્યસનો ચાલે, ભજન માટે ગાંજો ચાલે. ચલમો ફૂંકવાનીને મસ્તીમાં રહેવાનું. કલાકારો માટે કલાનો નશો તો ખરો, પણ બીજો નશો હોય તો જ મોજ પડે.

ડ્રગ્સ શબ્દ અંગ્રેજીમાં બંને અર્થમાં છે – નશાની ચીજ અને દવા. અફીણ પણ આપણે ત્યાં દવા ગણાતી આવી છે. દુખાવાની દવા અને ગાંજો, ભાંગ દુખની દવા.

ગાંજો ગુલાબ રંગ, ભાંગ રંગ ભૂતિયા, અફીણ શૂરા રંગ, દારૂ રંગ જૂતિંયા એવી કહેવત પણ મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દવા અને કેફી દ્રવ્ય એકબીજાના ક્યારેય પર્યાય પણ બની જાય છે. કેટલીક દવા પણ નશાના દ્રવ્ય તરીકે વપરાય છે તે વાત પણ બહુ અજાણી નથી.

આ ડ્રગ્ઝમાં એક દવા હાલમાં અમેરિકામાં બહુ બદનામ થઈ રહી છે. જુદી જુદી બ્રાન્ડ હેઠળ મળતી પેઇનકિલર, પીડાશામક દવાઓના વધારે પડતા સેવનના કારણે થતાં મોત. ટોમ પેટ્ટી નામના એક કલાકારનો પોસ્ટમોર્ટમાં જણાવાયું કે તેણે વધારે પડતી ફેન્ટાનિલની ગોળીઓ લીધી હતી. તે પછી હાલમાં જ વધુ એક લેડી સિંગર ડોલોરસ રિઓર્ડનનું પણ અચાનક મોત થયું. તે પણ પેઇનકિલર લેતી હોવાનું મનાય છે. પ્રિન્સ અને માઇકલ જેક્સન જેવા નામાંકિત પોપસ્ટાર પણ વધારે પડતી પેઇનકિલરને કારણે જ મોતને પામ્યા હતા.

આ પછી અમેરિકામાં ભારે ઉહાપોહ થયો છે અને જાણકારો કહે છે કે ફેન્ટાનિલ સૌથી ઘાતક દવા સાબિત થઈ રહી છે. જીવનને પીડાથી મુક્ત રાખવા માટે અમેરિકનો દુખાવાની દવા લીધા કરે છે અને જીવનમાંથી જ મુક્ત થઈ જાય છે. જોકે કલાકારો નશેડી હોય છે અને ડ્રગ્ઝના બંધાણી હોય છે એવી સજ્જડ માન્યતા છે. એટલે માત્ર પેઇનકિલરને મોતનું કારણ માનવામાં આવતું નથી, પણ આ મુદ્દે ચિંતા વધી રહી છે. પ્રિન્સ તેનો સૌથી જાણીતો દાખલો છે. પ્રિન્સને કોઈ વ્યસન નહોતું. તે શરાબ પણ પીતો નહોતો. પણ તેને કમરમાં ભારે દુખાવો થતો હતો. સતત સ્ટેજ પર રહીને કાર્યક્રમો કરવાના કારણે આરામ મળતો નહોતો. કમરનો દુખાવો વધતો જ રહ્યો અને એક દિવસ વધારે પડતી પેઇનકિલરે આ કલાકારને કિલ કરી દીધો. ટોમ પેટ્ટીના પોસ્ટમોર્ટમમાં ફેન્ટાલિનનું પ્રમાણ મળી આવ્યું હતું. તે પણ કોઈ કારણસર દવા લેતો હતો, કેમ કે તેની બહુ લાંબી મ્યુઝિક ટૂર યોજાઈ હતી. કદાચ તેના કરિયરની સૌથી મોટી ટુર હતી. એક પછી એક 100 શહેરોમાં તેના કાર્યક્રમો થયા. આરામ વિના સતત કામના ભારણમાં પેઇન નિવારવા તે દવા લેતો રહ્યો અને આખરે ઢળી પડ્યો.

અમેરિકાના કલ્ચરના કેટલાક પ્રોબ્લેમ છે. અમેરિકન લોકોને પેઇન સહન નથી કરવું. સામાન્ય માથું દુખે તે પણ અમેરિકનને ચાલે નહીં. દુખાવો મટાડવા ભારતીયો પણ અફીલ લે અને કશી જ સગવડ વિના રહેતા બાવાઓ ગાંજો પીધા કરે તે પણ મસ્તીમાં રહેવા. પણ અહીં ફરક છે. ભારતીયો નાનામોટા દુખાવાને ગણકારતા નથી. હાથમાં, પગમાં, કમરમાં દુખાવો થતો હોય તો સહન કર્યા કરે. પીડા સહન કરવાની વૃત્તિ આપણામાં છે. પીડાને આપણે કર્મનો હિસ્સો ગણીએ છીએ. પીડા માંડી હશે ભાઇ… એમ આપણે કહીએ છીએ. અમેરિકનો પ્રારબદ્ધવાદી કે કર્મવાદી નથી. તેને લાગે છે કે પેઇનકિલર હાજર હોય અને પીડાતા રહેવું તે મૂર્ખામી છે.

એથી જ અમેરિકામાં પેઇનકિલરનું મોટું માર્કેટ છે. અમેરિકામાં ફાર્માનું જ મોટું માર્કેટ છે. અમેરિકન ફાર્મા કંપનીઓ જંગી બજેટ ધરાવે છે. તે નવી નવી દવાઓ શોધ્યા કરે છે અને દુનિયાભરમાં વેચ્યા કરે છે. તેથી પેઇનકિલર સામે બહુ ઉહાપોહ થાય ત્યારે કરોડો રૂપિયાની એડ કેમ્પેઇન ફાર્મા લોબી ચલાવતી હોય છે. વધારે પડતી દવાઓને કારણે 64,000નાં મોત થયાં હોય તેવા કિસ્સામાં સૌથી વધુ દર્દીઓએ ફેન્ટાનિલ, ઉપરાંત ઓક્સિકોન્ટિન અને પર્કોસેટ નામની પેઇનકિલર દવાઓ લીધી હતી. ફાર્મા કંપનીઓના વકીલો દલીલ કરતાં હોય છે કે દવાના કારણે નહીં, દવાના વધારે પડતા સેવનના કારણે લોકો મરે છે.

વાત તાર્કિક છે, પણ આ જ દવાઓને વેચવા માટેની જે જાહેરખબરો હોય છે તે બહુ ફૂલગુલાબી હોય છે. આ દવાઓને બહુ સેફ ગણાવવામાં આવે છે. તેની સાઇડ અસર બસ ખાસ કંઈ છે જ નહીં તેવી છાપ ઊભી કરાય છે. વાસ્તવિકતા એ છે કે દરેક દવાની અને પેઇનકિલરની ખાસ આડઅસરો હોય છે. બીજું, અમેરિકનો જરાક અમથો સ્નાયુ દુખે ત્યાં એક ગોળી મોંમાં ઓરી દે તે કલ્ચર ઊભું કરવામાં ફાર્મા કંપનીનો ફાળો છે.

અમેરિકામાં દરેક ધંધો મોલ ટાઇપનો થઈ ગયો છે તેમાં હોસ્પિટલો પણ બાકાત નથી. ભારતમાં પણ આપણે અમેરિકાના ચાળે ફાઇવસ્ટાર હોટેલોના ચાળે ચડ્યા છીએ. સાથોસાથ મેડિક્લેઇમનું દૂષણ ઘૂસાડી દેવાયું છે. આ બંને ઇન્ડસ્ટ્રીઝ એવું ચક્કર ચલાવે છે કે સાજોસારો માણસ વિનાકારણે દવાઓ લીધા કરે. એટલું જ નહિ સારવારની પદ્ધતિ એવી વિકસી છે કે હોસ્પિટલો, ડોક્ટરો, ફાર્મા કંપનીઓ અને મેડિકલ વીમા ઉતારવાની કંપનીઓ પણ ચિક્કાર કમાય. દર્દીઓને સારું ફિલ થાય તેવી દવા આપવા માટે મોટી ક્લિનિકોમાં ડોક્ટરો પર પ્રેશર હોય છે. ડોક્ટર અંગત રીતે નુકસાન થયાનું જાણતો હોય તો પણ પ્રેશરમાં આવીને દવાઓનું પ્રિસ્ક્રીપ્શન લખી આપતો હોય છે. સામાન્ય લોકો મરતા રહે છે, પણ કલાકારનું મોત થાય ત્યારે હવે નશીલા ડ્રગ્ઝ સાથે મેડિકલ ડ્રગ્ઝની પણ ચર્ચા થાય છે. જોકે ઇમિગ્રેશન જેવા મુદ્દામાં અડવાયેલી વર્તમાન અમેરિકન સરકાર માટે આ મુદ્દો મહત્ત્વનો ન હોવાથી ખાસ કશો ફેર પડે તેમ જાણકારો માનતા નથી. ઓબામા વખતે મેડિકેરની બાબતમાં ચર્ચાઓ ચાલી હતી. તેમના ઓબામાકેર તરીકે ઓળખાતા પ્રોગ્રામમાં પણ બહુ વિવાદો થયા એટલે સારવારના ક્ષેત્રને સારવારની જરૂર છે તે થઈ જ નથી એમ કહી શકાય.