રાજકારણમાં લફરાંબાજી – અમેરિકામાં નિક્કી હેલીનું નામ કોની જોડે જોડાયું?

મેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના રૂઢિચૂસ્ત વિચારો માટે જાણીતાં છે. એટલા જ જાણીતાં થયાં છે તેમના રંગીન મિજાજ માટે. ચૂંટણી વખતે જ હિરોઇનો વિશેની કમેન્ટે ચર્ચા ચગાવી હતી. તે પછી હમણાં એવા ખબર આવ્યાં હતાં કે એક પોર્ન સ્ટારને દોઢેક લાખ ડોલર આપીને ચૂપ રહેવા જણાવાયું હતું. આ પોર્ન સ્ટાર સાથે ટ્રમ્પના સંબંધો હતાં. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એકાદ લફરું ચર્ચામાં આવે તો નવાઈ ન લાગે. પરંતુ આ વખતે તેમની સાથે જે નામ જોડાયું તેના કારણે વાત વધારે ચગી છે.

ભારતીય મૂળની ગણાતી નિક્કી હેલીનું નામ ટ્રમ્પ સાથે ઉછળ્યું અને નિક્કીએ બચાવ કરવો પડ્યો છે. જોકે એક બૂક અને તેના લેખકે બૂકની પબ્લિસિટી માટે કરેલા અટકચાળાથી વાત વધારે ચગી હતી. કોઈ નક્કર આધાર નિક્કી અને ટ્રમ્પને જોડી શકાય તેવો નથી. હકીકતમાં ચૂંટણી પહેલાં ટ્રમ્પ પોતાના પક્ષની પ્રાઇમરીમાં સ્પર્ધા કરી રહ્યાં હતાં ત્યારે સાઉથ કેરોલિનામાં નિક્કી હેલીએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. પરંતુ એ પ્રાઇમરી ટ્રમ્પ જીતી ગયાં અને બાદમાં પ્રમુખ તરીકે પણ જીત્યાં. તે પછી નિક્કી હેલીને યુએનમાં પ્રતિનિધિ તરીકે મોકલીને ટ્રમ્પે તેમને સારું સ્થાન પણ આપ્યું છે. જૂની વાત ભૂલીને નિક્કીએ ટ્રમ્પ કેમ્પમાં અગત્યનું સ્થાન મેળવ્યું છે.

આવા સજોગોમાં ફાયર એન્ડ ફ્યુરી નામનું પુસ્તક લખનારા માઇકલ વોલ્ફે વાતનું વતેસર કર્યું. તેના પુસ્તકમાં છેલ્લે તેમણે નિક્કી હેલી વિશે થોડું લખ્યું છે. તેમાં લખ્યું છે કે પ્રમુખ નિક્કી હેલી સાથે એર ફોર્સ વનમાં સારો એવો સમય વીતાવી રહ્યાં છે. એવું લાગે છે કે રાષ્ટ્રીય રાજકારણમાં ઉજળા ભવિષ્ય માટે તેઓ નિક્કીને ગ્રૂમ કરી રહ્યાં છે. આટલો ઉલ્લેખ જ માત્ર છે. તેના તરફ કોઈનું ધ્યાન ન ગયું હોત, પણ જે રીતે ફિલ્મોના પ્રચાર માટે ગતકડાં કરાય છે તે રીતે પુસ્તકો વેચવા માટે પણ આવા નુસખા અપનાવાતા હોય છે. પુસ્તકના પ્રચાર દરમિયાન એક ટીવી શોમાં માઇકલ વોલ્ફે ઇરાદાપૂર્વક વિવાદને હવા આપી. તેમણે કહ્યું કે તમે મારા પુસ્તકના એકદમ છેલ્લે લખાયેલું છે તે વાંચશો એટલે સમજી જશો કે હું શું કહેવા માગું છું. ડોનાલ્ડ ટ્રમ્પનું લફરું નિક્કી સાથે ચાલે છે, પણ મારી પાસે પૂરતા પુરાવા નથી એટલે મેં પુસ્તકમાં ખાસ કંઈ લખ્યું નથી. પણ મને પાકી ખાતરી છે કે ટ્રમ્પનું લફરું ચાલે છે એવું ઇન્ટરવ્યૂમાં માઇકલે કહ્યું.

નારાજ થયેલા નિક્કી હેલીએ અવગણના કરી હોત તો કદાચ ચર્ચા વધી ન હોત, પણ તેમણે ખુલાસા કર્યા કે એર ફોર્સ વનમાં તે એક જ વાર પ્રમુખ સાથે ઊડી છે. તે વખતે અન્ય લોકો પણ હાજર જ હતાં. એર ફોર્સ વન અમેરિકન પ્રમુખના પ્રવાસ માટે વપરાતના સ્પેશિયલ વિમાનનું નામ છે. આવો ખુલાસો કરવાની આમ તો જરૂર પણ નહોતી. તે પછી નિક્કીએ સામો ઇન્ટરવ્યૂ આપીને કહ્યું કે પોતે વ્હાઇટ હાઉસમાં લાંબો સમય પ્રમુખ સાથે ગાળે છે તેવી વાતો ખોટી છે.

મેં એક પણ વાર મારા રાજકીય ભવિષ્ય વિશે પ્રમુખ સાથે ચર્ચાઓ કરી નથી અને હું ક્યારેય તેમની સાથે એકલી હોતી નથી એમ નિક્કીએ કહ્યું. એ પછી નિક્કીએ બીજી વાતો પણ કરી જે સામાન્ય રીતે શક્તિશાળી નારીએ કરવી પડતી હોય છે. તેમણે કહ્યું કે જો આપણી વાત આપણે મક્કમ રીતે કહીએ અને પોતાની મક્કમતા વિશે વાતો કરો તો કેટલાક લોકોને ગમતું નથી. આ વધારે મહત્ત્વનો મુદ્દો છે અને મેં મારા જીવનમાં આ અનુભવ્યું છે. એટલે તે લોકો તમારા વિશે જૂઠાણાં ફેલાવતા હોય છે. ભૂતકાળમાં પણ મેં આવા આક્ષેપો સાંભળ્યાં છે.

નિક્કી હેલી સાઉથ કેરોલિનાના ગર્વનર તરીકે રહી ચૂક્યા છે. અમેરિકાના કોઈ રાજ્યના ગર્વનરપદે પહોંચ્યા હોય તેવા તે પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ છે. મેં ધારાસભ્ય તરીકે અને ગવર્નર તરીકે આવા જૂઠાણાંનો સામનો કર્યો છે. કોઈને લાગતું હોય છે કે આપણે બહુ મહત્ત્વાકાંક્ષી છીએ, પણ તેની પરવા કર્યા વિના આપણે આપણું કામ કરવું જ પડે.
મહત્ત્વાકાંક્ષાની વાતને કારણે જ કદાચ મામલો વધારે ચગ્યો છે. એવું માનવામાં આવે છે કે નિક્કી હેલી પ્રમુખપદની ચૂંટણી પણ લડવા માગે છે. એવી પણ ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષની બીજી ટર્મ જીતી શકે તેમ લાગતું નથી. તે સંજોગોમાં નિક્કી હેલીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ટ્રમ્પ કેમ્પનો સાથ આ સંજોગોમાં મળી રહે તેવી તેમની ગણતરી છે. ફક્ત એક દાયકાથી જ રાજકારણમાં પ્રવેશેલા 45 વર્ષના નિક્કી હેલીએ બહુ ઝડપથી પ્રગતિ કરી છે. અમેરિકાના વહીવટીતંત્રમાં અગાઉ પણ ભારતીય મૂળના લોકોને સ્થાન મળતું રહ્યું છે, પણ પ્રથમવાર નિક્કીને કેબિનેટ કક્ષાએ સ્થાન મળ્યું છે.

બચાવ કરવાની સાથે નિક્કીએ બીજી પણ કેટલીક મહત્ત્વની વાતો કરી. તેમણે કહ્યું કે પોતાના પર હેનરી કિસિન્જરનો ખાસ્સો પ્રભાવ છે. કિસિન્જર અમેરિકાના સૌથી શક્તિશાળી વિદેશપ્રધાન તરીકે યાદ કરાય છે. હું દર મહિને તેમને લંચ પર મળું છું અને તેમની પાસેથી મને શીખવા મળ્યું છે કે તમારો હરીફ કેવી રીતે વિચારે છે તે વિચારતાં શીખો. તે પછી તમારી નક્કી કરવાનું કે શું કરવું.

આવી વાતોના કારણે નિક્કી હેલીની મહત્ત્વાકાંક્ષાઓ અછાની રહેતી નથી. મહત્ત્વાકાંક્ષા રાખવી એ ખોટું નથી હોતું, પણ નિક્કી હેલી જેવી મહિલા અથવા તો તેમના જેવી વ્યક્તિ જે જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય અને ઝડપથી આગળ વધતા હોય ત્યારે તેમની મહત્ત્વાકાંક્ષાને જુદી રીતે જોવામાં આવે છે.

1972માં સાઉથ કેરોલિનામાં જન્મેલા નિક્કીનું અસલી નામ નમ્રતા છે. રંધાવા શીખ પરિવારમાં જન્મેલી નમ્રતા નાની વયે જ સાઉથ કેરોલિના રાજ્યની વિધાનસભામાં જીતી હતી અને આગળ જતાં ત્યાં જ ગર્વનર બની હતી. તે પછી ત્રણ વાર સંસદમાં જીત્યાં હતાં. તેમની માતા ફેશનેબલ વસ્ત્રોનો બિઝનેસ ચલાવતી હતી. તેમાં નિક્કીએ સારી સફળતા મેળવી હતી અને વિમેન બિઝનેસ ઓનર્સના એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ બન્યાં હતાં.
નમ્રતા રંધાવાએ માઇકલ હેલી સાથે લગ્ન કર્યા અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને તેનું નામ નિક્કી હેલી તરીકે વધારે જાણીતું થયું. જોકે તે હજી પણ ક્યારેક ગુરુદ્વારામાં જાય છે ખરી.

કેરોલિનાના ગર્વનર બન્યાં બાદ કેરોલિનાના ભૂતપૂર્વ ગર્વનર સાથે પણ હેલીનું નામ ઉછળ્યું હતું. મજાની વાત એ છે કે તે વખતના તેમના રાજકીય હરીફના રાજકીય સલાહકાર તરીકે જાણીતી વ્યક્તિ સાથે પણ નિક્કીનું લફરું હોવાનું કહેવાતું હતું. લેરી મરચન્ટ નામની વ્યક્તિએ કહ્યું હતું કે એક જ વારનો તેમનો સંબંધ હતો. નિક્કીએ તે વાત પણ નકારી કાઢી હતી. કેરોલિનામાં રીપબ્લિક પાર્ટીના નેતાઓમાંથી મીટ રોમનીનું સમર્થન નિક્કીને હતું. 2012માં બરાક ઓબામા સામે પક્ષમાંથી સ્પર્ધામાં ઊભા રહેલાં મીટ રોમની તેમના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિક્કી હેલીને પસંદ કરશે તેવી વાતો પણ ચાલી હતી. જોકે બાદમાં અન્યની પસંદગી રોમનીએ કરી હતી.

તે વખતે નિક્કીએ એવું કહ્યું હતું કે મને કેરોલિનામાં તક મળી છે તે મારા માટે ઘણું છે અને મારે વતન છોડીને ક્યાંય જવું નથી. આમ છતાં તક મળી ત્યારે તેઓ ટ્રમ્પની સાથે જોડાઈ ગયાં અને તેમને ટ્રમ્પ કેમ્પમાં અગત્યના માનવામાં આવે છે તેથી તેમની મહત્ત્વાકાંક્ષાઓ અજાણી રહી નથી.

રાજકારણ ભારતનું હોય કે અમેરિકાનું હોય, મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ સામે આવો કાદવ પણ ઉછળતો હોય છે તે વાત અજાણી નથી.