ફાઇલો ખૂલે એ કેટલાક ને કેમ નથી ગમતું?

ઈ ફાઇલોની વાત ચાલે છે તેવો પહેલો સવાલ થશે. ગુજરાતમાં ચૂંટણી છે એટલે અનેકની ફાઇલો ખૂલી રહી છે. આ વખતે ફાઇલો એટલે ઓડિયો અને વિડિયો ટેપ. પણ આપણે જે વાત કરવાની છે તે ફાઇલો એટલે સરકારી દસ્તાવેજો ધરાવતી અસલી ફાઇલો. ટોપ સિક્રેટ લખેલી ફાઇલો સરકારી તીજોરીમાં બંધ પડી હોય છે. તે ખુલે ત્યારે તેમાંથી એવી વાતો બહાર આવે જે સત્તાસ્થાને બેઠેલા લોકોને ફાવે નહિ. કેટલીક ફાઇલો એવી હોય છે જે સમગ્ર રાષ્ટ્રને ક્ષોભમાં મૂકી શકે. હવે તમને યાદ આવી જશે કે સુભાષચંદ્ર બોઝ વિશેની ફાઇલો આ કેટેગરીમાં આવે છે. પણ અહીં જે વાત કરવાની છે તે બોઝની ફાઇલો વિશે નથી, પણ અમેરિકામાં કેનેડીની હત્યા થઈ તે વિશેની ફાઇલોની વાત છે.ગયા અઠવાડિયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2800 દસ્તાવેજો સાથેની ફાઇલો ખૂલી મૂકી. આ ફાઇલો 1963માં તે વખતના અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીની હત્યા અને તેની આસપાસ ગૂંથાઈ ગયેલા રહસ્યના ઝાળાં વિશેની છે. ભારતમાં બોઝ વિશેની ફાઇલો પણ જાહેર કરવી કે કેમ તેનો લાંબો વિવાદ ચાલ્યો હતો. બધી જ ફાઇલો જાહેર કરી શકાઈ નથી. તેવું જ અમેરિકામાં પણ થયું છે. એફબીઆઇ અને સીઆઇએ દ્વારા કેટલીક ફાઇલો જાહેર ના કરો તેવું સૂચન મળ્યું હતું. 1963માં હત્યા થઈ તેને 45 વર્ષ થઈ ગયા છે, પણ ફાઇલોમાં કેટલીક એવી વાતો છે જે આજે પણ રિલેવન્ટ થઈ શકે છે. તે કારણે કેટલીક ફાઇલો હાલ પૂરતી બંધ રખાઈ છે. 1992માં અમેરિકન સંસદમાં એવો નિર્ણય લેવાયો હતો કે 26 ઓક્ટોબર, 2017ના રોજ આ ફાઇલો જાહેર કરવી.

બાકીની ફાઇલો માટે પણ થોડા વખતમાં નિર્ણય લેવાશે, પણ તે પહેલાં સંબંધિત સત્તાતંત્ર સાથે પ્રમુખ ચર્ચા કરશે. અહીં મામલો રાજકીય ઓછો, પણ વ્યૂહાત્મક ઓછો છે. તેનું કારણ એ કે કેનેડીની હત્યામાં રશિયા અને ક્યુબાનો સાથ હતો તેવી એક થિયરી હતી. આ બે દેશો સાથેના સંબંધો પર આજેય અસર થઈ શકે તેવી કેટલીક માહિતી ફાઇલોમાં હોઈ શકે છે.

એ માહિતી આમ બહુ શુષ્ક હશે, પણ રાજદ્વારી મામલામાં વિવાદ થઈ શકે. આપણે અહીં કેટલીક રસપ્રદ થિયરીઓ જોઈએ, જે આજ સુધી ચર્ચાતી રહી છે. કેનેડીની હત્યા થઈ તે એક વ્યક્તિ દ્વારા થઈ હતી કે તેની પાછળ કોઈ મોટું કાવતરું હતું તે વાત સૌથી ચર્ચાસ્પદ રહી છે. હત્યા કરનારની પણ બે જ દિવસમાં હત્યા થઈ ગઈ એટલે કાવતરું હતું તેવી વાત લોકોના મનમાં બેસી ગઈ. સરકારે નિમેલા તપાસ પંચોમાં કાવતરું ના હોવાની વાતો લખાઈ ગઈ છે, પણ લોકોને વાત ગળે ઉતરતી નથી. પાંચ દાયકા પછી પણ સર્વે કરવામાં આવે તો બે તૃતીયાંશ લોકો એવું કહે કે કેનેડીની હત્યા મોટું કાવતરું હતું.

લોકોને સમજાવવા માટે જ તપાસ પંચો બેસાડવા પડ્યા હતા. અમેરિકાના આજ સુધીના સૌથી લોકપ્રિય પ્રમુખ કેનેડીનો કાંટો કાઢી નાખવા પાછળ મોટું કાવતરું નહોતું તેવું સાબિત કરવાની કોશિશ થતી રહી છે. 22 નવેમ્બર 1963ના રોજ કેનેડી ડલાસમાં ખૂલી કારમાં નીકળ્યા હતા. તે વખતે એક મકાનની બારીમાંથી લી હાર્વે ઓસ્વાલ્ડે ગોળી છોડી અને સચોટ નિશાનને કારણે કેનેડીનું મોત થઈ ગયું.

અસંખ્ય પુસ્તકો અને લેખો આ વિશે લખાયા છે. એક લેખકે મહેનત કરીને તારણ કાઢ્યું છે કે કેનેડીની હત્યા માટે 42 જૂથ, 82 હત્યારાઓ અને 214 સાગરિતો પર કુલ મળીને શંકાઓ કરવામાં આવી છે. તેમાં ઇટાલિયન માફીયા, ક્યુબા, રશિયા, અમેરિકાનું જાસૂસી તંત્ર, કેનેડીના સ્થાને પ્રમુખ બનેલા લિન્ડન જ્હોનસન અને કેનેડીના ભાઇ રોબર્ડ કેનેડીનો સમાવશે થતો હતો.

આખો મામલો રહસ્યમય એટલા માટે બન્યો કે કેનેડીની હત્યાના બે જ દિવસ પછી ઓસવાલ્ડની પણ હત્યા થઈ ગઈ. એક નાઇટક્લબના માલિક જેક રુબીએ હત્યા કરી હતી, તેથી સૌએ માની લીધું કે ઓસવાલ્ડની પાછળ કોણ છે તે રહસ્ય ક્યારેય બહાર ના આવે તે માટે તેને એલિમિનેટ કરી દેવાયો છે. જેક રુબી પાછળ પણ કોઈ મોટી તાકાત હશે તેવું તપાસ પંચને લાગ્યું નહોતું. પ્રથમ તપાસ પંચે અહેવાલ આપ્યો હતો કે ઓસવાલ્ડ અને રુબી બંનેએ પોતપોતાના કારણોસર એકલા હાથે હત્યાઓ કરી હતી. આ એક યોગાનુયોગ હતો અને કોઈ મોટું કાવતરું નહોતું, પણ અમેરિકાની પ્રજા આજ સુધી તે વાત માનવા તૈયાર નથી.

આ માનસિકતા આપણે સમજી શકીએ તેમ છીએ, કેમ કે ભારતમાં પણ બહુ મોટો વર્ગ એ માનવા તૈયાર નથી કે સુભાષચંદ્ર બોઝનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું. ભારતમાં પણ વર્ષો સુધી તપાસની માગણી થતી રહી હતી અને પંચો બેસાડાતા રહ્યા હતા. અમેરિકામાં પ્રથમ વર્ષે બેસાડેલા પંચ પર કોઈને ભરોસો નહોતો. તેથી 13 વર્ષ પછી ફરીથી નવું પંચ બેસાડાયું હતું. 1976માં અમેરિકન સંસદે સિલેક્ટ કમિટી બેસાડી હતી અને તેને કામ સોંપ્યું હતું કે કેનેડી અને સાથોસાથ માર્ટીન લ્યુથર કિંગ જુનિયરની હત્યાની તપાસ કરે. સિલેક્ટ કમિટીને પણ કોઈ પુરાવા મળ્યા નહિ કે જેથી ક્યુબા, રશિયા, સીઆઇએ, લિન્ડન જ્હોનસન કે રોબર્ટ કેનેડી પર શંકા કરી શકાય. પણ આ કમિટીએ એક નવો ફણગો ફોડ્યો. કમિટીએ કહ્યું કે કેનેડીની હત્યા કદાચ કોઈ બીજાની ગોળીથી જ થઈ હતી તેમાં શંકા રહે છે.
આ થિયરી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. ઉપરના માળેથી, દૂરથી ઓસવાલ્ડ ગોળી છોડે અને એક જ ગોળીથી કેનેડી મરી જાય તેવું ઘણાને ગળે ઉતરતું નથી. તેથી સીઆઈએના કોઈ ટ્રેઇન્ડ જાસૂસે બહુ નજીકથી ગોળી મારી હશે તેમ મનાતું રહ્યું છે.

એક થિયરી વળી એવી પણ નીકળી કે કેનેડીની કારના ડ્રાઇવરે ગોળી છોડી તે કેનેડીને લાગી ગઈ. ડ્રાઇવર પાછળ ફરીને હુમલાખોરને ગોળી મારવા માગતો હતો, પણ લાગી ગઈ કેનેડીને એવું કશુંક. એ વાત પણ ખોટી છે તેવું વારંવાર જણાવાયું છે, પણ પેલી કમિટીએ શંકાનું બીજ વાવેલું તે વૃક્ષ બનીને આજેય ઊભું છે.

કેટલાક પુસ્તકોમાં ભરપુર કલ્પનાઓ કરવામાં આવી હતી. તેના પરથી થ્રીલર જેવી ફિલ્મો પણ બની હતી. એક ફિલ્મમાં કાળી છત્રીવાળી વ્યક્તિ પર ફોકસ હતું. 1991માં આવેલી જેએફકે નામની ફિલ્મમાં કાળી છત્રી સાથેની વ્યક્તિને ઇશારો કરીને ગોળી છોડવાનો આદેશ આપતો દેખાડાયો હતો. તે વખતની તસવીરોમાં ખરેખર એક વ્યક્તિ છત્રી સાથે દેખાતી હતી. તડકાના કારણે તે છત્રી લઈને કેનેડીના કાફલાને જોવા આવ્યો હતો.

વધારે એક યોગાનુયોગ એ થયો કે વર્ષો સુધી આ વ્યક્તિને ખ્યાલ જ નહોતો કે તે તસવીરમાં આવી ગયો છે અને તેની ભારે ચર્ચા થઈ રહી છે. હત્યાના 15 વર્ષ પછી 1978માં લૂઈ સ્ટિવન વીટ્ટ નામની આ વ્યક્તિને શોધી કાઢવામાં આવી હતી. તેની સાથે વાતચીત થઈ ત્યારે ખબર પડી કે તે કેનેડીને જોવા નહિ, પણ તેનો વિરોધ કરવા આવ્યો હતો. કાળી છત્રી દ્વારા વિરોધ કરવો તે પ્રતીકાત્મક ગણાય છે. આપણે કાળા વાવટા દ્વારા અને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરીએ છીએ એ રીતે. યહુદી પરંપરામાં કાળી છત્રી દ્વારા નાઝી અને નાઝીને ટેકો આપતા લોકો સામે વિરોધ કરવામાં વપરાય છે. કેનેડીના પિતા નાઝી સમર્થક હોવાની વાતથી નારાજ લૂઈ કેનેડીનો વિરોધ કરવા ત્યાં હાજર હતો.

સૌથી ચટાકેદાર થિયરી એ હતી કે લિન્ડન જ્હોનસન અને સીઆઈએ દ્વારા હત્યા થઈ હતી, કેમ કે બંનેને કેનેડીને હટાવવામાં રસ હતો. અમેરિકામાં પ્રમુખ કરતાં પણ સીઆઈએ પાવરફુલ હોય તેવી થિયરી આજેય ચાલે છે. પાકિસ્તાનમાં સરકાર ચૂંટાઈને આવી હોય, પણ સેના કહે તેમ કરવું પડે. દેશની વિદેશ નીતિ પાકિસ્તાનમાં સેના નક્કી કરે અને અમેરિકામાં શક્તિશાળી સીઆઈએ કરે તેવી લોકપ્રિય માન્યતા છે. તેમાંથી જોકે પાકિસ્તાનના મામલામાં માત્ર માન્યતા નથી, સાચી વાત છે.

અમેરિકામાં પ્રમુખની જગ્યાએ આપોઆપ ઉપપ્રમુખને સત્તા મળી જાય છે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જ્હોનસન સત્તામાં આવ્યા. તે જ રીતે કેનેડી કુટુંબનો રાજકીય વારસો પોતાને મળે તે માટે રોબર્ટ કેનેડીને પણ ભાઈની હત્યા કરાવવામાં રસ હોય તેવું માનવા અને મનાવવાનો પ્રયાસ થયો હતો. આવી કલ્પના ચાલવા લાગે ત્યારે તેનો કોઈ છેડો હોતો નથી. કેટલાક કલ્પનાશીલ લેખકોએ ત્યાં સુધીની વાતો લખી હતી કે લિન્ડન જ્હોનસને એક નહિ, આવી તો છ છ હત્યાઓ કરાવી છે. યાદ કરો, સંજય ગાંધીનું વિમાની અકસ્માતમાં મોત થયું ત્યારે ભારતમાં પણ કેવી કેવી થિયરીઓ ચાલી હતી. જ્હોનસન કે રોબર્ટ પર શંકા ના કરવી જોઈએ એવું કહેનારા અમેરિકનો મળી આવે, પણ ક્યુબા કે રશિયાએ હત્યા કરાવી હશે એવું કહેવામાં આવે તો કમ સે કમ શંકા કરવા માટે મોટા ભાગના અમેરિકનો તૈયાર થઈ જાય. ભારતમાં પણ મોટી કોઈ ભાંગફોડ થાય ત્યારે તરત જ પાકિસ્તાન પર શંકા કરી શકાય છે. અગેઇન, આ શંકાઓ શંકાઓ ઓછી અને વાસ્તવિકતા વધારે હોય છે તેવું સાબિત થતું આવ્યું છે.

રશિયા અને અમેરિકા વચ્ચે લાંબું શીતયુદ્ધ ચાલ્યું હતું. ઓસવાલ્ડ યોગાનુયોગ રશિયામાં રહીને આવ્યો હતો એટલે શંકા કરવાનો પાકો આધાર હતો. ઓસવાલ્ડ 1959માં તે વખતના સોવિયેટ યુનિયનમાં રહેવા જતો રહ્યો હતો. આવી બાબતમાં તે વખતે ભારે પ્રચાર થતો હતો. જુઓ અમેરિકાની લોકશાહી કરતાં, સોવિયેટનો સામ્યવાદ સારો છે અને તેથી ઓસવાલ્ડ જેવો અમેરિકન પણ અમેરિકા છોડીને રશિયામાં આવવા માગે છે – આવો પ્રચાર થયો હતો. એ વખતના લેખો કહે છે કે થોડો સમય માટે ઓસવાલ્ડને આ બાબતમાં પ્રસિદ્ધિ પણ મળી હતી. તે અમેરિકા પાછો ફર્યો પણ સપ્ટેમ્બર 1963માં તે ફરીથી મેક્સિકોમાં ક્યુબા અને સોવિયેટ રશિયાની એમ્બેસીના અધિકારીઓને મળવા ગયો હતો. તે કદાચ ફરીથી અમેરિકા છોડીને આ દેશોમાં જવા માગતો હતો.

અહીં રહસ્યનું જાળું એ રીતે ગૂંથાયું કે ઓસવાલ્ડ ક્યુબા અને રશિયાના જાસૂસોને મળી રહ્યો છે. મેક્સિકો અમેરિકાની સરહદે જ આવેલું છે, તેથી ત્યાંથી હત્યાનું કાવતરું પાર પાડી શકાય. અહીં સીઆઈએની ભૂમિકાનું જાળું પણ જોડાયું. સીઆઈએ એટલે આખી દુનિયાને રજેરજ જાણે એવી અમેરિકનોની કલ્પના છે. અમેરિકનો માને છે કે ઓસવાલ્ડ પર સીઆઈએની નજર હતી જ. સીઆઈએને રજેરજની ખબર હતી કે ઓસવાલ્ડ ક્યુબા અને રશિયાના જાસૂસોને મળી રહ્યો છે. તેની પાસેથી હથિયારો મેળવી રહ્યો છે. તે કેનેડીની હત્યા કરવાનો છે. બધી જ ખબર હતી, પણ સીઆઈએના જાસૂસોએ તેને અટકાવ્યો નહિ. ના અટકાવ્યો, કેમ કે સીઆઈએ જ ઈચ્છતી હતી કે ટાઢા પાણીએ કેનેડીની ખસ નીકળી જાય.

હવે કેનેડીની હત્યા પછી થયેલી તપાસ, તપાસ પંચોના અહેવાલો સહિતના સામગ્રી જાહેર થઈ છે ત્યારે રહસ્ય ઉકેલાશે કે વધુ ગૂંચવાશે? અનુભવ એવું કહે છે કે રહસ્ય વધારે ઘેરું બનશે અને વળી કોઈક નવું કાવતરું બહાર આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]