આઇસલેન્ડના ગ્લેશિયરનું અવસાન, સ્મૃતિશેષની તક્તિ મૂકાઈ

પ્રિય વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેમની વસમી વિદાય પછી, શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાતો હોય છે. સ્મૃતિશેષ થઈ ગયેલાની કાયમી યાદ માટે તેમને સ્તુતી કરતી તક્તિ પણ મૂકાતી હોય છે. કશું કાયમી નથી, પણ પ્રિયની વિદાય વસમી પડે. ખાસ તો કુટુંબનો, સંસ્થાનો, કંપનીનો, ગામનો આધારસ્તંભ જતો રહે ત્યારે તેની ખોટ પડે છે. આઇસલેન્ડના નિવાસીઓને પણ આવી ખોટ પડવાની હવે શરૂ થઈ છે. નવા પરિવારમાં પ્રથમવાર વડીલની વિદાય થાય ત્યારે વધારે આઘાત લાગે છે. આઇસલેન્ડમાં હજારો ગ્લેસિયર છે, પણ તેમાંથી સેંકડોનો વિનાશ થવાનો છે. આવી ચેતવણી લાંબા સમયથી મળતી હતી, પણ તબિયતની ચેતવણી છતાં આપણે બેકાળજી રાખીએ તેમ માનવ સમાજ કુદરતની બેકાળજી કરતો રહે છે.  આઇસલેન્ડના નિવાસીઓને હવે ખ્યાલ આવ્યો કે ચેતવણી વાસ્તવિકતા છે. ચારે બાજુ બરફથી છવાયેલી તેની ભૂમિમાંથી બહુ ઝડપથી બરફ ઓગળવા લાગ્યો છે. સદીઓથી જામેલો બરફ પાણી બનવા લાગ્યો છે. ગ્લેસિયર ખસવા લાગ્યા છે. આવા સેંકડો ગ્લેસિયરમાંથી આખરે એક ગ્લેસિયરનો કાયમી નાશ થઈ ગયો છે.

સત્તાવાર રીતે ઓક્જોકુલ નામના ગ્લેસિયરને ખતમ થયેલો ગણી લેવાયો છે. આઇસલેન્ડનો આ પ્રથમ ગ્લેસિયર – ગ્લેસિયર એટલે આમ તો બરફનો પહાડ, એટલે બરફને ગાઢ રીતે વળગેલો બરફ – આખરે કાયમ માટે ઓગળી ગયો છે. નાગરિકોએ ગયા રવિવારે તેનું બેસણું પણ ગોઠવી દીધું. કાયમ માટે ઉજ્જડ થઈ ગયેલા ઓક્જોકુલ ટેકરા પર સૌ ચડ્યા, ત્યાં પ્રાર્થનાસભા ગોઠવી અને તમને સદાય યાદ કરીશું એવી તક્તિ પણ ત્યાં મૂકી. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. તેની ચેતવણી લાંબો સમયથી મળતી હતી, પણ કોઈ ધ્યાન આપતું નહોતું. છેલ્લા ત્રણ વર્ષમાં જ દોઢ ડિગ્રી તાપમાન વધ્યું પછી હવે આપણને શહેરોમાં ખ્યાલ આવ્યો કે ઉનાળો કેવો આકરો પડે છે. ભારે ગરમી પડે અને પછી વરસાદ આવે ત્યારે એક સાથે આવે. તેના કારણે દુકાળ જેવી સ્થિતિ હોય ત્યાં પુર જેવી સ્થિતિ થઈ જાય. પછી વરસાદ ખમૈયા કરે, પણ ઉપર સૂરજ મહારાજ તો એવા તપતા હોય કે ઉકળાટ થાય. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસે ટાઢોડું જ ક્યાં થાય છે!

1986ની સ્થિતિ

ક્લાઇમેટ ચેન્જની એ જ આપણને સમજાય તેવી નિશાની છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઓક્સોજુલ ગ્લેસિયર નાબુદ થયો તે પણ એની જ નિશાની છે. આ ટેકરી પર કાયમ બરફ છવાયેલો રહેતો હતો. તે હવે ઉજ્જડ થઈ ગઈ છે. તેની બે તસવીરો જુઓ એટલે ખ્યાલ આવશે કે થોડા જ દાયકામાં કેવી હાલત થઈ છે. 1986ની તસવીર અને આજની તસવીર – બરફની જગ્યાએ વેરાન ટેકરી. 1986ની તસવીર નાસા અર્થ ઓબ્ઝર્વેટરીની છે, જેમાં પુષ્કળ બરફ દેખાય છે. બીજી તસવીર આ વર્ષની પહેલી ઑગસ્ટની છે.

2019ની સ્થિતિ

ચાર ધામની યાત્રાએ જઈએ કે હિમાલયના બીજા ફરવાના સ્થળે જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગ્લેસિયર શું કહેવાય. ગૌમુખ એ ગ્લેસિયર જ છે. મનાલીથી આગળ બરફ જોવા જઈએ ત્યારે પણ ગ્લેસિયર મળે. લદ્દાખમાં બહુ દુર્ગમ વિસ્તારમાં પણ ગ્લેસિયર મળે. સિયાચેન તો બહુ વિશાળ અને જબ્બર ગ્લેસિયર છે. ગૌમુખમાં બરફ ઓગળતો જોઈ શકો છો, પણ આ તો સાવ નાનકડો નમૂનો છે.  આઇસલેન્ડ દુનિયામાં સૌથી વધુ બરફનો જથ્થો ધરાવતો, ઉત્તર ધ્રુવને અડીને આવેલો પ્રદેશ છે. અહીંના ગ્લેસિયરની વિશાળતાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ ગ્લેસિયર ઉનાળામાં તૂટતા હોઈ તે જોવા પણ એક નજારો છે. આમ પણ ડરાવનારો એ નજારો, પૃથ્વી સામેના ખતરાનો ડર પણ દેખાડે છે.

વિજ્ઞાનીઓ ક્યારનાય તેના માટેની ચેતવણી આપી રહ્યા છે. આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડ સહિતના બરફિલા પ્રદેશોમાં હવે વિશેષ અભ્યાસો થઈ રહ્યા છે. કેટલી ઝડપથી બરફ ઓગળી રહ્યો છે અને દરિયાની સપાટી કેટલી વધશે તેના રોજ નવા નવા તારણો આવી રહ્યા છે. દરિયામાંથી બેઠી થઈને મુંબઈ નગરી પાછી ક્યારે પાણીમાં ગરક થઈ જશે?

ઓક્જોકુલ ટેકરી પર વિજ્ઞાનીઓ અને નાગરિકો રવિવાર ચડ્યા અને ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો. ભરશિયાળે હજી આ ટેકરી પર બરફ છવાશે, પણ ગ્લેસિયરની વ્યાખ્યામાં આવે તેવો નહિ. 2014 પછી ત્યાં એટલો બરફ જામ્યો જ નથી. તેથી જ સત્તાવાર રીતે તેનું બેસણું કરીને ત્યાં પ્લેક લગાવવાનું કામ કરાયું.  “Ok (ઓક્જોકુલ) ગ્લેસિયરનો દરજ્જો ગુમાવનાર પ્રથમ આઇસલેન્ડિક ગ્લેસિયર છે. આવતા 200 વર્ષોમાં આપણા બધા જ ગ્લેસિયર એ જ માર્ગે જવાના છે. અમે જાણીએ છીએ કે શું થઈ રહ્યું છે અને શું કરવાની જરૂર છે. અમે એવું ખરેખર કરી શક્યા એ તો તું જ જાણી શકીશ…” એવું ભાવી પેઢીને સંબોધીને તેમાં લખાયું છે. તક્તિ માથે જ લખ્યું છે – ભાવી પેઢીને પત્ર.

 

મજાની વાત એ છે કે એક તરફ ચારે બાજુ બરફ છવાયેલો છે, તે આઇસલેન્ડમાં ઠેર ઠેર જવાળામુખી પણ છે. બરફની વચ્ચે આગ ઓકતો જવાળામુખી ફાટે ત્યારે કુદરતનો અસલી કરિશ્મા જોવા મળતો હોય છે. જવાળામુખી તો હજીય એમના એમ છે. વચ્ચે વચ્ચે કોઈ જવાળામુખી સક્રિય થતા હોય છે. પરંતુ ગ્લેસિયર ધીમે ધીમે વધુ ને વધુ ઓગળી રહ્યા છે તે હવે વાસ્તવિકતા નજરે ચડે એવી છે.

વિજ્ઞાનીઓ કહે છે કે અત્યાર સુધી વધતા તાપમાનની ચર્ચા થિયરીમાં જ થતી હતી. પરંતુ આઇસલેન્ડ સહિતના આર્ક્ટિક પર આવેલા દેશોમાં હવે તે થિયરી વાસ્તવિકતામાં દેખાવા લાગી છે. હવે કોઈ થિયરી વાંચવાની જરૂર નથી પડતી કે આર્ક્ટિકમાં બહુ ઝડપથી અને સ્પષ્ટપણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહી છે. નરી આંખે તે જોઈ શકાય છે.
2000ની સાલથી આઇસલેન્ડના પ્રકૃતિપ્રેમીઓ ગ્લેસિયરનો પોતાની રીતે પણ અભ્યાસ કરી રહ્યા છે. સેટેલાઇટ તસવીરોથી વધારે સારી રીતે સ્થિતિ થાય છે, પણ સાથે જ હવે ધરતી પર પણ સેન્સર અને રડારથી નજર રાખવામાં આવે છે. તક્તિ મૂકવા અને ગ્લેસિયરના અવસાન પર શોક વ્યક્ત કરીને ભાવી પેઢીને સંદેશ આપનારા લોકોએ ચર્ચા પણ કરી હતી કે કેવી રીતે નાના નાના 56 ગ્લેસિયર છેલ્લા બે દાયકામાં જ ગાયબ થઈ ગયા છે.

ભારત જેવા દેશો માટે હિમાલયના ગ્લેસિયર ઓગળે તે વધારે જોખમી છે. સમગ્ર ભારતીય ઉપખંડ અને પેલી તરફ સમગ્ર ચીન હિમાલયની પર્વતમાળામાંથી વહેતી મહાકાય નદીઓ પર નભે છે. તમે મોટી મોટી નદીઓ નામ યાદ કરો – ગંગા, યમુના, સિંધુ, બ્રહ્મપુત્રા, સતલજ, રાવી અને બીજી નાની મોટી અસંખ્યા નદીઓ હિમાલયના પહાડોમાંથી વહેતી વહેતી આવે છે.

ચોમાસામાં પણ પાણી આવે અને ઉનાળામાં બરફ ઓગળે ત્યારે ફરી પાણી આવે. એ પીગળેલો બરફ ગ્લેસિયરનો નહિ, બરફવર્ષાનો હોવો જોઈએ. ગ્લેસિયર ઓગળવા લાગ્યા છે ત્યારે નદીઓમાં પાણી ભરપુર આવે છે, પણ ગ્લિસયર ખતમ થઈ જશે ત્યારે આ નદીઓ ખાલીખમ થઈ જશે…