મોદીની સભામાં ટ્રમ્પઃ અમેરિકાની ચૂંટણીમાં ભારતીય કનેક્શન

‘હાઉડી મોદી’ નામે યોજાનારા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના પ્રમુખપદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે એવા સમાચાર તમે વાંચ્યા હશે. 2014માં જીત પછી નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ભારતીયોએ તેમનું ‘રૉકસ્ટાર’ જેવી સ્વાગત કર્યું હતું. આ વખતે હ્યુસ્ટનમાં કાર્યક્રમ યોજાશે તેમાં ટ્રમ્પ પણ હાજર રહેશે, ત્યારે કોને કોની વધારે જરૂર છે એવી ચર્ચા થવાની. ભારતને અમેરિકાના સાથની જરૂર છે તેનો ઇનકાર નથી. પાકિસ્તાન સાથે અમેરિકાની ગાઢ દોસ્તી છે અને તેમ છતાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની તરફેણ કરતાં અમેરિકાને રોકી શકાયું છે. અમેરિકાના પ્રમુખ સાથે મારે સારી દોસ્તી છે એવું નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં પણ તેમનો હાથ થપથપાવીને દર્શાવ્યું હતું. પરંતુ અમેરિકામાં યજમાન ટ્રમ્પ મહેમાનના મંચ પર હાજર રહેશે, તેમાં ટ્રમ્પને પણ ફાયદો દેખાય છે.
અમેરિકન નાગરિકની સરેરાશ માથાદીઠ આવક કરતાં ઇન્ડિયન અમેરિકનની માથાદીઠ આવક વધારે છે.

ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી દુનિયાની બે જંગી આઈટી કંપનીના સીઈઓ મૂળ ભારતીય છે. અમેરિકામાં ભારતીય સમુદાયની સંખ્યા કરતાંય તેનું આર્થિક અને સામાજિક મૂલ્ય વધારે છે. એમ કહો કે ભારતીયોનો દબદબો છે. અમેરિકમાં પ્રમુખ બનવા માગતી વ્યક્તિએ પ્રથમ પોતાના જ પક્ષમાં સ્પર્ધા કરવાની હોય. તેને પ્રાઇમરી કહે. પ્રાઇમરી જીતવાથી શરૂ કરીને પ્રમુખપદ માટેનો પ્રચાર કરવા સુધી આયોજન કરવાનું હોય તેને કેમ્પેઇન એટલા ટૂંકા નામે જ ઓળખવામાં આવે છે. કેમ્પેઇનનું સ્વરૂપ નક્કી કરવા માટે ટીમ બની હોય. હાલમાં અમેરિકામાં પ્રાઇમરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દર અઠવાડિયે સમાચાર આવતા હોય છે કે કોઈ ને કોઈ ભારતીયની નિમણૂક કેમ્પેઇનમાં થઈ. દાખલા તરીકે છેલ્લે સમાચાર હતા કે જો બિડેન કેમ્પેઇનમાં એશિયન અને પેસિફિક આઇલેન્ડરના ડિરેક્ટર તરીકે અમીત જાનીની નિમણૂંક થઈ છે.

અમેરિકા ઇમિગ્રેશનથી બનેલો દેશ છે. એટલે સરખામણી કરવા એવું કહી શકાય કે ભારતમાં જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને આયોજન થાય છે, તેમ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ઇમિગ્રન્ટ્સ જૂથોને ધ્યાનમાં રાખીને આયોજન થાય છે. અમીત જાનીને જવાબદારી મળી છે કે તેમણે એશિયન સમુદાયના લોકો તથા પેસેસિફ સમુદ્રના ટાપુ દેશોથી અમેરિકા આવીને વસેલા લોકો સાથે સંપર્ક રાખવો. એશિયનની વાત કરો એટલે તેમાં પાકિસ્તાન અને બાંગલાદેશ પણ આવી જાય, પણ એશિયન લોકોને રીઝવવાની વાત આવે ત્યારે પ્રતિનિધિ તરીકે મોટાભાગે ભારતીયની જ પસંદગી થાય છે.


ભારતીય સમુદાયનો સામાજિક દરજ્જો અમેરિકામાં એટલો ઊંચો છે કે અગ્રણી ભૂમિકામાં ભારતીયની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આઈટી કંપનીઓ જ નહિ, બિઝનેસ હોય, સ્પોર્ટ્સ હોય, રમતગમત હોય, ફિલ્મ અને ટીવી સહિતનું મનોરંજનનું ક્ષેત્ર હોય, તબિબિ સેવા હોય કે સામાજિક સેવા આપતી સંસ્થાઓ હોય, દરેક જગ્યાએ ભારતીય મૂળની વ્યક્તિ અગ્રસ્થાને હોય છે. આ વખતે તો સૌની આંખે ઊડીને વળગે તેવી વાત એ છે કે બે મહિલા નેતાઓ પ્રમુખપદની રેસમાં છે, તેની સાથે ભારતીય કનેક્શન છે. કમલા હેરિસ અને તુલસી ગબાર્ડના નામ અત્યારથી ગાજવા લાગ્યા છે. તુલસી ગબાર્ડ હવાઇ ટાપુથી જીતેલા સાંસદ છે. તેમના માતા વૈષ્ણવ પંથમાં જોડાયા હતા અને હિન્દુ બન્યા હતા. મૂળ ભારતીય નથી, પણ ભારતીયપણું સંપૂર્ણપણે અપનાવ્યું છે. તુલસીના ભાઈબહેનોના નામ પણ ભારતીય છે. સત્તાવાર રીતે તુલસીએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે એટલે અમેરિકાની સંસદમાં સત્તાવાર રીતે તેઓ હિન્દુ સાંસદ છે.

કમલા હેરિસના માતાપિતા મૂળ પંજાબી. જોકે કમલાએ લગ્ન ખ્રિસ્તી સાથે કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. એટલે હિન્દુ સાંસદ ના કહેવાય, પણ મૂળ ભારતીય મહિલા નેતા તરીકેની તેમની ઓળખ છે. ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરીમાં આ વખતે પાંચ મહિલાઓ સક્રીય બની છે, તેમાંથી આ બંને આગળ છે અને બંનેના નામે સતત ભારતીયતા સંદર્ભમાં અમેરિકામાં ચર્ચા ચાલતી રહે છે. સૌથી અગત્યની વાત છે ફંડ રેઇઝિંગ. કેમ્પેઇન શરૂ થાય અને ટીમ તૈયાર થાય ત્યારથી જ અલગ હિસાબ રાખવાનું શરૂ થઈ જાય છે. ભારતમાં ઉમેદવારી પત્રક માન્ય થઈ જાય તે પછી અલગ ખાતું રાખઈને ઉમેદવારે હિસાબ રાખવાનો હોય છે. ચૂંટણી પ્રચારમાં કેટલો ખર્ચ કર્યો તે બાદમાં ચૂંટણી પંચને જણાવવાનું. પહેલાં કરતાં પંચની ચોંપ થોડી વધારે છે, પણ ચૂંટણીમાં બેફામ ખર્ચો થાય છે તે દરેક ભારતીય જાણે છે. અમેરિકામાં પણ હિસાબી ચોપડે ના ચડતો ખર્ચો થતો જ હશે, પણ તેનું પ્રમાણ ઓછું હોય છે. કેમ્પેઇનની શરૂઆતથી જ ફંડની ચર્ચા પણ શરૂ થાય છે અને કયા નેતાએ વધારે ફંડિંગ મેળવ્યું (ફંડ માટેનું કમિટમેન્ટ) તેની પણ ચર્ચા થાય છે. પ્રાઇમરી વખતે નેતાઓ પોતાના ફંડિંગનું કમિટમેન્ટ જાહેર કરે ત્યારે અંદાજ આવે કે તેમનું સમર્થન કેટલું છે એટલે ચૂંટણી લડવા માટે તેઓ કેટલા સક્ષમ છે.


આવા ફંડિંગમાં ભારતીય લોકોની, ભારતીય સમુદાયની અને ઇન્ડિનય અમેરિકન સંસ્થાઓની ભૂમિકા અગત્યની હોય છે. દાખલા તરીકે આ મહિને એકથી વધુ ભારતીય સંસ્થાઓએ ફંડિંગની ચર્ચા કરવા માટે મિટિંગો બોલાવી છે. કયા ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન્સને વધારે અનુકૂળ છે, પ્રાયમરીમાં કોણ આગળ વધશે અને જીત મેળવવા માટે કેટલા સક્ષમ છે તેની ચર્ચા કરાશે. ત્યારબાદ ફંડ આપવા માટેની જાહેરાત થશે. ફંડ રેઇઝિંગ માટે ડિનર સહિતના કાર્યક્રમો યોજાય તેમાં પણ સૌથી મોટી સંખ્યામાં ભારતીયો હોય છે. આ બધા કારણસર પણ ઇન્ડિયન અમેરિકન્સ અમેરિકાની ચૂંટણીમાં સૌથી અગત્યના બની ગયા છે.


સામાન્ય છાપ એવી છે કે અમેરિકામાં વસતા ઇન્ડિયન અમેરિકન્સમાંથી વધુ લોકો ડેમોક્રેટિક પાર્ટીના ટેકેદાર છે. પણ તેમાં ફેરફાર થઈ શકે છે અને ઉમેદવાર પ્રમાણે ટેકામાં ફેરફાર થઈ શકે છે. વિધારધારાને વળગી રહેવાની વાત અહીં બહુ આવતી નથી. બીજું સાંસ્કૃત્તિક અને ધાર્મિક કાર્યક્રમો, ઇમિગ્રન્ટ્સ માટેના મુદ્દા તથા વાણિજ્ય વિષયક કાર્યક્રમોમાં બધા ભારતીયો એક સાથે એકઠા થતા હોય છે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ 50,000 લોકો હાજર રહેવાના છે. કાર્યક્રમના સ્થળે હાજર ના હોય તેઓ પણ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવાના છે. કાશ્મીરના મુદ્દાને કારણે પાકિસ્તાની અમેરિકન્સમાંથી કેટલાકે નિવેદનો કરીને ઉશ્કેરણી કરેલી. તેના કારણે થયું એવું કે ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી અને ફ્રેન્ડ્ઝ ઓફ કોંગ્રેસ પણ એક થયા હતા. આવા વિવાદોના કારણે પણ હાઉડી મોદી કાર્યક્રમ અમેરિકામાં એશિયન સમુદાયમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકન, નેપાળી, ભૂતાની, અફઘાની, બર્મી… બધા જ હાઉડી કાર્યક્રમ કેવો રહેશે તેની ઉત્સુકતા ધરાવે છે. તેનો અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર્યક્રમમાં હાજરી અને તેઓ શું બોલે છે તેના પર સૌનું ધ્યાન તરત જ જશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશનની નીતિઓ કોઈને ગમે તેવી નથી. ટ્રમ્પ રૂઢિચૂસ્ત શ્વેત માનસિકતા ધરાવે છે. તેમને માત્ર શ્વેત લોકો જ અમેરિકા આવે તેવું ગમે. યુરોપિયન સિવાયના લોકો અમેરિકામાં આવીને ભાગ પડાવે છે તેવી શ્વેત માનસિકતા ટ્રમ્પની છે. અમે દુનિયામાં ઊંચા એવી ભેદભાવની નીતિ ધરાવતા શ્વેત સમુદાયના નેતા ટ્રમ્પ છે. તેના કારણે ઇમિગ્રેશન વિશે નવું શું બોલે છે તેના પર સૌની નજર રહેશે. ટ્રમ્પ પણ જાણતા હશે કે હાઉડી મોદી કાર્યક્રમમાં માત્ર ભારતીયો હાજર છે, પણ અહીં તેમની હાજરી અને ભાષણ આપશે તે સમગ્ર એશિયા, પેસિફિક આઇલેન્ડર્સ અને આફ્રિકા થતા દક્ષિણ અમેરિકાના લોકો પણ સાંભળવાના છે. તે રીતે પણ ટ્રમ્પ માટે આ કાર્યક્રમ અગત્યનો છે. પણ સૌથી અગત્યનો એટલા માટે કે હવે પછી તેમન કેમ્પેઇન આગળ વધસે તેમાં ભારતીય સમુદાયના નિષ્ણાતો, ભારતીય પ્રોફેશનલ્સ અને ભારતીય ફંડિંગ અગત્યનું બની રહેવાનું છે. તેથી નરેન્દ્ર મોદીને પોતાની ઇમેજ ચકચિકત કરવા માટે તેમની હાજરીની જેટલી જરૂર હતી, તેટલી જ જરૂર ટ્રમ્પને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની છે. ઇતિ સિદ્ધિમ્.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]