જ્યારે વેપારી પ્રતિબંધને કારણે જર્મની ફાવી ગયું

મેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સામે પણ વેપાર યુદ્ધ શરૂ કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. જોકે ગયા અઠવાડિયે જાપાનમાં જી20 દેશોનું સંમેલન મળ્યું, તેમાં અમેરિકા અને ભારત તથા અમેરિકા અને ચીન વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો પણ થઈ. તેના કારણે હાલ પૂરતું વેપારી યુદ્ધ આગળ વધતું અટક્યું છે. ચીનમાં ઉત્પાદિત થતી વધારે વસ્તુઓ પર હાલમાં અમેરિકા આયાત જકાત વધારશે નહિ. ભારતથી થતી ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સહિતની વસ્તુઓની આયાત સામે પણ તાત્કાલિક આયાત જકાત વધશે નહિ. પરંતુ ભવિષ્યમાં, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી જીતીને બીજી ટર્મ માટે પ્રમુખ બને ત્યારે વધારે કડક વેપારી પગલાં નહિ લે તેની કોઈ ખાતરી નથી.

દરેક દેશને કેટલીક વસ્તુઓની આયાત કરવી જરૂરી હોય છે, કેટલીક વસ્તુઓની નિકાસ કરવી જરૂરી હોય છે. સામસામે ગરજ પ્રમાણે આયાત-નિકાસ થતી રહે ત્યાં સુધી વાંધો નથી આવતો, પરંતુ ઘણી વાર સ્થાનિક ઉદ્યોગો અને નાગરિકોને ખુશ રાખવા માટે ચૂંટાયેલી સરકારે આયાત અને નિકાસ અટકાવવા પડે છે. ચીનમાંથી ટાયરથી માંડીને ટાઈલ્સ સુધીની આયાત વધી પડે ત્યારે ભારતના ઉદ્યોગો સરકાર પર દબાણ કરતાં હોય છે. ભારત આવી વસ્તુઓ પર આયાત જકાત વધારીને તેને મોંઘી બનાવે.


આવું થાય ત્યારે મામલો આંતરરાષ્ટ્રીય તખતા પર જાય અને આંતરરાષ્ટ્રીય દબાણ વધે ત્યારે સરકારે નિર્ણયો બદલવા પડે છે. આવી રીતે દેશના વેપારને, આયાત-નિકાસને નિયંત્રણ કરવાની વાત નવી નથી. પરંતુ દર વખતે નિયંત્રણો અસરકારક સાબિત થતા નથી. જર્મનીને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધતું અટકાવવા માટે ઇંગ્લેન્ડે કોશિશ કરી તેનું ઉલટું પરિણામ આવ્યું હતું. વેપાર પર નિયંત્રણો માટેના પ્રયાસોનું કેવું પરિણામ આવી શકે તેનું ઉદાહરણ આપવા માટે જર્મનીનો દાખલો આજે પણ આપવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વિશ્વ વેપાર પર ઇંગ્લેન્ડનો કબજો ચૂસ્ત બન્યો હતો. નાની મોટી અનેક પ્રકારની વસ્તુઓ ઇંગ્લેન્ડમાં જ બનતી હતી અને દુનિયાભરમાં ફેલાયેલા સામ્રાજ્યમાં અને અન્ય દેશોમાં પણ જતી હતી. સાથેસાથે હવે જર્મનીમાં પણ પ્રગતિ થવા લાગી હતી. જર્મન કંપનીઓ ઇંગ્લેન્ડની પદ્ધતિઓ જાણીને જાતે તેનું ઉત્પાદન કરવા લાગી હતી. તે વખતે હજી પેટન્ટની પદ્ધતિ એટલી ચૂસ્ત બની નહોતી એટલે ટેક્નોલૉજીની બિન્ધાસ્ત નકલ કરી લેવામાં આવતી હતી.

જોકે જર્મનીમાં ડીઝલ એન્જિનની શોધ થઈ અને પ્રથમ કાર બની તેના કારણે તે પણ હવે ઔદ્યોગિક ક્રાંતિમાં આગળ વધવા લાગ્યું હતું. 1885-1886માં પ્રથમ કાર ડેઇમલરે બનાવી હતી, જેનું નામ હતું બેન્ઝ પેન્ટન્ટ મોટર કાર. વાહનો સિવાયના ઉત્પાદનોમાં ઇંગ્લેન્ડ બહુ આગળ હતું. 1700મી સદીની શરૂઆતથી ઔદ્યોગિક ઉત્પાદન થવા લાગ્યું હતું એટલે ગ્રેટ બ્રિટન દુનિયાનું કારખાનું કહેવાતું હતું. (આજે ચીન દુનિયાની ફેક્ટરી ગણાય છે.)
આધુનિક યુગનું અર્થતંત્ર બ્રિટનમાં તૈયાર થવા લાગ્યું હતું અને દુનિયાભરમાં તેનું સામ્રાજ્ય છવાયું તેના કારણે દોમદોમ સાહ્યબી હતી.

રેલના પાટા, ડબ્બા અને સ્ટિમ એન્જિનથી માંડીને અરીસા, ચાંદીના વાસણો, લીનન, ફર્નિચર જેવી ઇંગ્લેન્ડમાં બનતી વસ્તુઓ દુનિયાભરમાં વેચાતી હતી. પટ્ટાના બકલ, શર્ટના બટન, રિબન જેવી નાની નાની વસ્તુઓ પણ ઇંગ્લેન્ડમાં બનતી અને દુનિયાભરમાં વેચાતી હતી. સદી કરતાં વધારે સમય સુધી આધુનિક વસ્તુઓના વેપારમાં ઇંગ્લેન્ડનો દબદબો રહ્યો. પરંતુ નવી સદીની શરૂઆત સાથે જર્મની સ્પર્ધા કરવા લાગ્યું. ડીઝલ એન્જિન વરાળયંત્ર કરતાં વધારે આધુનિક હતું. બીજું રાજકીય રીતે બહુ મોટું પરિવર્તન આવ્યું હતું. છુટ્ટાછવાયા જર્મન રજવાડાંને એક કરીને બિસ્માર્કે 1871માં અખંડ જર્મન રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. યુરોપના મધ્યમાં જ એક નવું શક્તિશાળી રાષ્ટ્ર તૈયાર થયું તેના કારણે તે હવે ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ જેવા મોટા દેશો સામે સ્પર્ધા કરી શકે તેમ હતું. 19મી સદીમાં પ્રવેશ સાથે જ સ્ટીલના ઉત્પાદનમાં જર્મની અગ્રેસર પણ થઈ ગયું.

સ્ટીલના ઉત્પાદનની ટેક્નોલૉજી જર્મન ઉદ્યોગપતિ આલ્ફર્ડ ક્રૂપ બહુ ચાલાકીપૂર્વક ઇંગ્લેન્ડથી શીખી આવ્યા હતા. ખોટું નામ ધારણ કરીને તેઓ બ્રિટન પહોંચ્યા હતા અને ત્યાંના કારખાનેદારોને મળવા લાગ્યા. ઇંગ્લેન્ડના કારખાનામાં કેવી રીતે જાતભાતની વસ્તુઓ બનતી હતી તેની ઝીણવટભરી નોંધ તેઓ કરવા લાગ્યા.  વતન પાછા ફરીને તેમણે આ બધી જ વસ્તુઓની નકલ કરવાનું શરૂ કરી દીધું. થોડા જ વખતમાં બજારમાં જર્મનીમાં ઉત્પાદિત વસ્તુઓ આવવા લાગી. પ્રારંભમાં જર્મનીની વસ્તુઓ ગુણવત્તામાં નબળી પણ હતી. પણ તે સસ્તામાં વેચાતી હતી એટલે ચાલવા લાગી હતી. એટલું જ નહિ, વસ્તુઓ બનાવ્યા પછી તેના પર મેઇડ ઇન ઇંગ્લેન્ડનો સિક્કો મારી દેવાતો હતો.

થોડા વખતમાં ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓને ખ્યાલ આવ્યો કે જર્મની પોતાના ઉત્પાદનોની નકલ કરી રહ્યું છે. ખાસ કરીને ‘શેફિલ્ડ મેઇડ’ તરીકે જાણીતી કટલરીની વસ્તુઓની સારી એવી શાખ હતી. ઇંગ્લેન્ડ પોતાની આ બ્રાન્ડ માટે ગૌરવ લેતું હતું. તેની પણ જર્મનો નકલ કરતાં હતા તે જોઈને ઇંગ્લેન્ડે નક્કી કર્યું કે જર્મનોને અટકાવવા પડશે.
જર્મન કંપનીઓને વેપારમાં પગપેસારો કરતી રોકવા માટે અંગ્રેજો વિચારતા રહ્યા તે દરમિયાન જર્મન કંપનીઓ પોતાની પ્રારંભિક સફળતા પછી ઉત્પાદનમાં સુધારા કરવા લાગી હતી. (જાપાની પહેલવાન તરીકે નબળી ગણાતી વસ્તુઓ આગળ જતા ગુણવત્તાનું ચિહ્ન બની હતી અને તકલાદી ગણાતી, મોબાઇલ સહિતની ચીની વસ્તુઓ આજે ટકોરાબંધ ગણાવા લાગી છે તેના જેવું.) જર્મનીની એક પછી એક વસ્તુ વખણાવા લાગી. કેક નાઇફ જેવી સાદી કટલરી આઇટમ પણ લોકોને પસંદ પડવા લાગી. જર્મનીની વસ્તુઓની ગુણવત્તા સુધરતી ગઈ અને તેનું વેચાણ ઇંગ્લેન્ડમાં પણ વધવા લાગ્યું હતું.

1887 સુધીમાં ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓ એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે નેતાઓ પર દબાણ કર્યું કે જર્મન વેપાર રોકવા માટે સંસદમાં કાયદો બનાવો. જર્મન કંપનીઓની વસ્તુઓને અટકાવવા શું કરવું તેના પર વિચાર કરતાં એવો ઉપાય બ્રિટિશરોને સૂઝ્યો કે આખરે તેનો જ ફાયદો જર્મનીને થઈ ગયો. આ એક વક્રતા હતી કે જર્મનીની વસ્તુઓને અલગ તારવવા માટે અને તેની આયાત અટકાવવા માટે જે નિયમ લાગુ કરાયો તેનો જ ફાયદો જર્મનીને થઈ ગયો. વક્રતા એ હતી કે ગુણવત્તાવાળી વસ્તુઓ તો જર્મન બનાવટની છે તેની જાણ લોકોને પણ હવે થવા લાગી હતી!

જર્મન કંપનીઓએ નકલથી શરૂઆત કરી હતી. આગળ જતા ગુણવત્તા સુધરી પછીય નકલી બ્રાન્ડ માથે મારવાનું ચાલુ રાખ્યું હતું. કેટલીક વસ્તુઓ પર જર્મનીની બ્રાન્ડ દેખાવા લાગી હતી, પણ જૂની આદત પ્રમાણે જાણીતી બ્રાન્ડ લોકો ખરીદતા રહે તે માટે ઇંગ્લેન્ડની બ્રાન્ડ અથવા મેઇડ ઇન ઇંગ્લેન્ડ એવી છાપ જર્મનો પોતાની વસ્તુઓ પર મારી દેતા હતા. બ્રિટિશરોએ વિચાર્યું કે વસ્તુઓ ક્યાં બને છે તે દેખાડવું ફરજિયાત બનાવીએ તો ઇંગ્લેન્ડની વસ્તુઓ અલગ તરી આવશે. જર્મનીમાં બનેલી વસ્તુઓ પર મેઇડ ઇન જર્મની લખલું હશે એટલે લોકો ભેદ પારખશે અને જર્મનીના બદલે ઇંગ્લેન્ડની વસ્તુઓ ખરીદશે. બ્રિટને મર્કેન્ડાઇઝ માર્ક્સ એક્ટ બનાવ્યો અને વસ્તુઓ જ્યાં બનતી હોય તે દેશની છાપ મારવાનું ફરજિયાત બનાવ્યું. મેઇડ ઇન ઇંગ્લેન્ડ લખેલું હશે એટલે સ્થાનિક કંપનીઓ ફાવશે અને જર્મનો પાછા પડશે તેવી ધારણા સાથે કાયદો લાગુ પડાયો, પણ પરિણામ ઉલટું જ આવ્યું.

હવે વસ્તુઓ પર મેઇડ ઇન ઇંગ્લેન્ડ અને મેઇડ ઇન જર્મની એવા સિક્કા લાગવા લાગ્યા તેના કારણે ઘણા બધા લોકો ચોંકી ગયા. ધારણા બહાર ઇંગ્લેન્ડમાં અનેક લોકો જર્મનીમાં બનેલી વસ્તુઓ વાપરતા થઈ ગયા હતા. રાષ્ટ્રભાવનાને કારણે હવે તે વસ્તુઓ ખરીદવાનું બંધ થશે એવી ધારણા પણ ખોટી પડી. લોકોએ ઉલટાની જે વસ્તુઓ વધુ સારી હતી તે જ ખરીદવાનું ચાલુ રાખ્યું. હવે તેના પર મેઇડ ઇન જર્મની લખેલું હતું તેટલો જ ફેર પડ્યો હતો. ચીની વસ્તુઓના બહિષ્કારની ખોખલી વાતો પછીય ભારતીયો ચીની મોબાઇલ ખરીદતા રહે છે તેના જેવું આ થયું.
આ નિયમ લાગુ પડ્યો તે પછી જર્મનીથી આયાત ઘટવાને બદલે ધીમે ધીમે વધતી જ રહી. સાથે સાથે એક મોટો ફાયદો એ થયો કે આડકતરી રીતે જર્મનીની વસ્તુઓની ગુણવત્તાની મજબૂત છાપ લોકોમાં ઊભી થવા લાગી. એક સમય એવો આવ્યો કે મેઇડ ઇન જર્મની એટલે ઉત્તમ વસ્તુ એવું મનાવા લાગ્યું. તેના કારણે મેઇડ ઇન જર્મની બીજી વસ્તુઓ પણ વધારે વેચાવા લાગી.

ચીની વસ્તુઓની ચર્ચાને કારણે ઘણા બધા લોકોને એ માહિતી પણ મળવા લાગી છે કે એપલના ઉત્પાદનો બને તો છે ચીનમાં જ. તેના કારણે ચીની વસ્તુ તકલાદી હોય તેવી છાપ ભૂંસાવા લાગી અને ચીનની અઢળક ઇલેક્ટ્રોનિક્સ આઇટેમો ભારતમાં વધુ ને વધુ વેચાઈ રહી છે. ચીની વસ્તુઓની વધારે ટીકા સાથે, તેની વધારે ચર્ચા સાથે સાર એવો નીકળ્યો કે છે સસ્તી અને મોટા ભાગે ચાલી જાય છે. કોઈ વાર નકામી નીકળે, પણ સરવાળે ચીની વસ્તુ સસ્તી પડે છે એવી છાપ લોકોના મનમાં બેસી ગઈ છે.

130 વર્ષ પહેલાં અદ્દલ આવું જ જર્મનીના ઉત્પાદનો સાથે થયું હતું. બ્રિટનને હતું કે જર્મન ઉત્પાદનો સામે નિયમો બનાવીને તેને અટકાવીશું. મેઇડ ઇન જર્મની લખવાની ફરજ પાડીશું એટલે મેઇડ ઇન ઇંગ્લેન્ડની વસ્તુઓ અલગ તરી આવશે. લોકો મેઇન ઇન ઇંગ્લેન્ડની વસ્તુઓ જ ખરીદશે. એવું કશું થયું નહોતું. દેશદાઝ કરતાં લોકોને ખીસ્સા કેટલા દાઝે છે તેની વધારે ચિંતા હોય છે. મેઇડ ઇન ઇંગ્લેન્ડની વસ્તુઓ વધારે ના વેચાણી, ઉલટાની મેઇડ ઇન જર્મનીની ગુણવત્તાની છાપ ગ્રાહકોના મનમાં દૃઢ થઈ અને આજ સુધી જર્મનીને વેપારમાં ફાયદો થઈ રહ્યો છે. જર્મન કાર એટલે જોરદાર… એવું આપણે સાંભળીએ છીએ કે નહિ?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]