ત્રાસવાદના મામલે પારકાંને જતિ કરવામાં ઉસ્તાદ છે ચીન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઓછી કરવામાં અમે ભૂમિકા ભજવી હતી તેવા નિવેદનો ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાલમાં કરે છે. ત્રાસવાદનો સામનો કરવાની બાબતમાં ભારતને ટેકો આપીએ છીએ એવું પણ કહે છે. પણ કેવો ટેકો આપે છે તે આપણે જાણીએ છીએ. પુલવામાના બનાવ પછી ત્રાસવાદ સામેની કાર્યવાહીમાં ભારતને ટેકો આપ્યો, પરંતુ મસૂદને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાની વાત આવી ત્યારે ફરી ફેરવી તોળ્યું.

આ જ ચીનના વિગુર વિસ્તારમાં લઘુમતીની વસતિ છે અને ચીન ત્યાં કેટલી કડક કાર્યવાહી કરે છે તેની વિગતો વચ્ચે વચ્ચે બહાર આવતી રહે છે. જોકે સાચી માહિતી ચીનમાંથી બહાર આવવી મુશ્કેલ છે. ચીનમાં સરકારી નિયંત્રણો કડક છે અને ચીનની આપખુદ સરકારની સરકારી એજન્સી જેટલા સમાચાર આપે તેટલા જ બહાર આવતા હોય છે. હાલમાં જ કેટલીક માહિતી બહાર આવી છે તે પ્રમાણે ચીનની સરકારે ફરી એકવાર કડક કાર્યવાહી વિગુર વિસ્તારમાં કરી છે. શિન્જિયાંગ પ્રાંતમાં વિગુર વિસ્તાર આવેલો છે, જેને સ્થાનિક લોકો પૂર્વ તુર્કિસ્તાન પણ કહે છે. અહીં દાયકાઓથી લઘુમતી મુસ્લિમ વસતિ છે. ચીન સામ્યવાદી દેશ હોવાથી ધર્મની બાબતને શાસનથી દૂર રાખે છે. ધર્મ વ્યક્તિગત રીતે પાળી શકાય છે, પણ તેનું જાહેર પ્રદર્શન ચીની સરકારને બહુ ગમતું નથી. પહેરવેશથી માંડીને અનેક બાબતમાં એકસમાનતા રહે તેવી સરકારની ઇચ્છા હોય છે.

હાલમાં એવી માહિતી બહાર આવી છે કે ચીની સરકારે 2014થી શરૂ કરેલી કાર્યવાહી પછી અત્યાર સુધીમાં 13000 ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. વિભાજનવાદી તત્ત્વો સામે આ કાર્યવાહી કરાઈ છે તેમ ચીની સરકારે જણાવ્યું છે. વિશ્વના એવા દેશોને જેને ત્રાસવાદની બહુ સમસ્યા નડતી નથી તેઓ સુફિયાણી વાતો કરતા હોય છે. તેઓ વારંવાર ચીનની ટીકા કરતા રહે છે. પણ ચીન તેની પરવા કર્યા વિના પોતાની રીતે કાર્યવાહી કરતું રહે છે.

ચીન સરકાર અહીં શિક્ષણ કેમ્પ પણ ચલાવે છે, જેથી વસતિ પોતાના રિતરિવાજો પાળવાના બદલે સમગ્ર ચીનમાં હોય તેવા સામાન્ય રિતરિવાજો પાળતી થાય. બાળકોને આધુનિક તાલિમ આપીને મદરેસાથી દૂર રાખવાની કોશિશ થાય છે. સરકારી દસ્તાવેજો અનુસાર 1588 ત્રાસવાદી ગેંગોનો નાશ કરાયો છે. આવી ટોળકીઓ પાસેથી 2052 વિસ્ફોટકો મળ્યા છે. કુલ 12,995ની ધરપકડો થઈ છે. ગેરકાયદે ગણાતી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા બદલ 4858 કેસો કરવામાં આવ્યા છે. આ કેસો ચલાવીને 30,645 લોકોને સજા કરવામાં આવી છે. ધાર્મિક ગ્રંથો અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું, તેની સંખ્યા 3,45,229ની છે.

સામાન્ય રીતે આવી માહિતી ચીનની સરકાર બહાર આવવા દેતી નથી. પરંતુ આ વખતે ચીની સરકારે પોતે જ એક શ્વેતપત્ર સોમવારે બહાર પાડ્યું છે અને તેમાં આવી વિગતો આપવામાં આવી છે. જોકે ચીની સરકારે આ વિગતો એવું દર્શાવવા માટે જાહેર કરી છે કે શિનજિયાંગના કેટલાક વિસ્તારોમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધી છે અને ધાર્મિક ઉદ્દામવાદીઓની ઘૂસણખોરી વધી છે.

ઘૂસણખોરી વધે અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ વધે ત્યારે શું થાય તે ભારતના લોકો વધારે સારી રીતે સમજી શકે છે. પરંતુ ભારત જ્યારે ત્રાસવાદનો સામનો કરવાની વાત કરે છે, ત્યારે વિશ્વના દેશો પોતપોતાનો સ્વાર્થ ગણીને તે પ્રકારે વર્તે છે. ચીનને પોતાના વિસ્તારમાં જેહાદી ત્રાસવાદ ચાલે તે ગમતો નથી, પણ પાકિસ્તાનમાં આતંકીના અડ્ડા હોય અને ત્યાંથી ભારત પર હુમલો થતો હોય તેમાં બહુ મોટી વાત લાગતી નથી.

ચીનના શ્વેતપત્રમાં એવું પણ જણાવાયું છે કે ધાર્મિક શિક્ષણ આપવાની કોશિશ થાય છે તેના કારણે સ્થાનિક વસતિ યોગ્ય રીતે ચીની ભાષા સમજી, બોલી કે લખી શકતી નથી. તેમને કાયદાઓનું પણ પૂરતું ભાન હોતું નથી. તેના કારણે આવી વ્યક્તિઓને ત્રાસવાદી અને અંતિમવાદી તત્ત્વો ગુનાખોરીના માર્ગે વાળે છે તેવું ચીને શ્વતેપત્રમાં જણાવ્યું છે. ભારત પણ આ જ વાત કરી રહ્યું છે કે કાશ્મીરના યુવાનોનું બ્રેઇનવૉશ થઈ રહ્યું છે. યુવાનોને ભરમાવીને મુખ્યધારાથી અલગ કરીને ત્રાસવાદના રસ્તે ચડાવવામાં આવે છે.

સમસ્યા એક છે, પણ દરેક દેશનું પોતાનું વલણ અલગ હોય છે. ત્રાસવાદનો સામનો કરવાના મામલે દેશો નિવેદનો આપીને ટેકો આપશે, પણ સાચી વાત એ છે કે દરેક દેશે મજબૂતીથી આ સમસ્યાનો સામનો સ્વંય કરવો પડે. ચીને લખ્યું છે કે ત્રાસવાદનો સામનો કરવામાં અને ડિ-રેડિકલાઇઝેશન કરાવવામાં ઘણી પ્રગતિ થઈ છે, પણ સમસ્યા હજી નાબુદ થઈ નથી. ત્રાસવાદ, વિભાજનવાદ અને ઉદ્દામવાદ એ ત્રણેય પરિબળો હજી દૂર થયા નથી. ‘ઇસ્ટ તુર્કિસ્તાન’ના આ તત્ત્વો ગરબડ ઊભી કરવાની ફિરાકમાં જ હોય છે એમ પણ ચીને લખ્યું છે.

જોકે ભારતની જેમ ચીન પણ મુસ્લિમ દેશોને પણ સાથે રાખવાની કોશિશ કરી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન અને કેટલાક મુસ્લિમ દેશોના પ્રતિનિધિમંડળને વિગુર પ્રાંતમાં પ્રવાસે લઈ જવાયા હતા. વિગુર પ્રાંતમાં લાખો લોકોને કેદ જેવી સ્થિતિમાં રખાયા છે તેવા અહેવાલો ખોટા છે તેવું દેખાડવા માટે ચીને મુસ્લિમ દેશોના પ્રતિનિધિઓનો પ્રવાસ કરાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીન વિગુર પ્રાંતના સ્થાનિક રહેવાસીઓ સામે કડક કાર્યવાહી કરે છે. ખાનગીમાં છાવણીઓ ઊભી કરીને તેમાં મોટી સંખ્યામાં નાગરિકોને પુરી રખાયા છે એવી મતલબના અહેવાલોની નોંધ સંયુક્ત રાષ્ટ્રસંઘે લીધી હતી. ચીને આવી છાવણી હોવાની વાતનો સાવ ઇનકાર નથી કર્યો, પણ બચાવમાં એવું કહ્યું છે કે આવા કેમ્પ પાછળનો ઇરાદો દુષ્પ્રચારનો સામનો કરવાનો છે. સ્થાનિક વસતિને ધર્મના નામે ભડકાવવામાં આવે છે તેનો સામનો કરવા અને નાગરિકોને સાચે રસ્તે વાળવા માટે આ પ્રક્રિયા છે એમ ચીને જણાવ્યું હતું.

ચીન આ રીતે પોતાની ત્રાસવાદની સમસ્યાનો સામનો પોતાની રીતે કરી રહ્યું છે, પણ ભારતને મદદ કરવા તૈયાર નથી. ભારત માટે સહાનુભૂતિ વ્યક્ત કર્યા પછી પાકિસ્તાન પર દબાણ કરવા માટે તે તૈયાર નથી. હકીકતમાં પાકિસ્તાનના કબજામાં રહેલા ત્રાસવાદી અડ્ડાઓનો ઉપયોગ ચીન પોતાના હિતો માટે કરે છે. આ વિસ્તારમાંથી હાઇવે પસાર થાય છે જે તિબેટ સુધી પહોંચે છે. ચીન ત્રાસવાદીઓને જ હપ્તા ચૂકવીને આ હાઇવે પર ચીની વાહનોની હેરફેર સલામત રાખે છે. મસૂદના ત્રાસવાદીઓને ચીનના હપ્તા નિયમિત મળે છે.

ચીન આ રીતે પારકાને સલાહો આપે છે કે ત્રાસવાદનો સામનો કઈ રીતે કરવો જોઈએ અને શા માટે તેમાં રાજકારણને દૂર રાખવું જોઈએ. પરંતુ પોતાના વિસ્તારમાં કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોતાના જ ધારાધોરણો પ્રમાણે કામ કરે છે. ભારતના રાજદ્વારીઓ પણ આ વાત સમજે છે અને તે પ્રમાણે જ ચીન સાથે વાતો ચાલતી રહે છે. ચીનના બેવડા ધોરણો છતાં ભારતે પણ પોતાના હિતો ખાતર ચીન સાથે વાતચીત ચાલતી રાખવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અલગ અંદાજમાં ચાલતા હોય છે. ચીન આપણને સાથ આપે કે ના આપે, ચીન સમક્ષ પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા ચાલે છે તેની માહિતી રજૂ કરતી રહેવી જરૂરી છે. ચીન ઉપરાંત આંતરરાષ્ટ્રીય તખ્તા પર સાથ મળે કે ના મળે પાકિસ્તાનને ખુલ્લું પાડવાની કોશિશો ભારતે ચાલુ રાખવી પણ જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]