વિશ્વના એક ડઝન યુવાન નેતાઓ, અને સૌથી વૃદ્ધ નેતાની સલાહ

ફિનલેન્ડમાં સોમવારે વડાં પ્રધાન તરીકે સના મારિનની નિમણૂક થઈ અને જગતભરમાં તેમની વર્તમાન યુગના સૌથી યુવાન નેતા તરીકેની નોંધ લેવાઈ. તેમની ઉંમર છે 34 વર્ષ અને તેઓ ટ્રાન્સપોર્ટ પ્રધાન હતા, તેમાંથી વડા પ્રધાન બન્યા, કેમ કે ફિનલેન્ડની સંયુક્ત સરકાર પડી ભાંગી હતી. (ભારતમાં આપણને ખબર છે કેવી રીતે સંયુક્ત સરકારો પડી ભાંગે.) તેઓ સોશ્યલ ડેમોક્રેટ પક્ષના નેતા છે અને તેમની પક્ષના નેતા તરીકેની પસંદગી સાથે નવી સરકારના વડાં તેઓ બનશે તે સ્પષ્ટ થઈ ગયું હતું. ફિનલેન્ડના તે ત્રીજા મહિલા નેતા છે, પણ આજ સુધીના સૌથી યુવા.

જોકે વિશ્વમાં અગાઉ તેમનાથી પણ નાની ઉંમરે કેટલાક નેતાઓ વડા બની શક્યા હતા, પણ અત્યારે તે સૌથી નાના છે. વિશ્વમાં 12 જેટલા નેતાઓ એવા છે, જે રાષ્ટ્રના અને ઇટાલીમાં નગરરાજ્યના બે જણ 40થી પણ નાની ઉંમરે વડા બની શક્યા છે. સના 2015માં સાંસદ તરીકે ચૂંટાયેલા ત્યારે પણ દેશમાં સૌથી નાની ઉંમરના નેતા હતા. અગાઉ તેઓ સ્થાનિક નગર ચૂંટણીમાં જીત્યા હતા. માત્ર 27 વર્ષની ઉંમરે રાજકારણમાં દાખલ થયા હતા. તેમનું વતન ટેમ્પિઅર ઔદ્યોગિક વસાહત ધરાવતું નગર છે. તેની સ્થાનિક ચૂંટણીમાં તેઓ જીત્યા હતા. 2010માં સોશ્યલ ડેમોક્રેટિક યૂથના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. 2012માં પ્રથમ ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા, પણ 2015માં જીત્યા, છ મહિના પહેલાં વાહનવ્યવહાર પ્રધાન બન્યા હતા અને હવે વડાં પ્રધાન બની શક્યા.

સનાનો ઉછેર તેમની માતાએ એકલા હાથ કર્યો હતો. તેમની માતાએ લગ્ન કર્યા હતા, પણ પછી છુટ્ટા થઈ ગયા હતા અને તેમનો સંબંધ અન્ય એક મહિલા સાથે હતો. સના પોતાને રેઇનબો ફેમિલીની ગણાવે છે, કેમ કે તેના વાલીઓ બંને સ્ત્રી છે એટલે કે લેસ્બિયન છે. આ બાબતની ચર્ચા ફિનલેન્ડમાં સાવ નથી થતી એવું નથી, પણ તેને એકથી વધુ મહત્ત્વ નથી અપાતું. તેમની માતાએ ફરિયાદ પણ કરેલી છે કે તે લેસ્બિયન હોવાથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાંય આજે તેમની દીકરી વડાં પ્રધાન બની ગઈ તે પણ હકીકત છે.

સનાનું કુટુંબ બહુ વગદાર નહોતું. મધ્યમવર્ગીય હતું અને તેમના પરિવારમાંથી પ્રથમવાર યુનિવર્સિટીમાં ભણી હોય તો તે સન્ના. સન્ના પણ લગ્ન વિના માતા બની છે. તેમનો પાર્ટનર છે માર્કસ રેઇકોનન, જેનાથી જાન્યુઆરી 2018માં તેને સંતાન થયું હતું. ફિનલેન્ડમાં તેમને વડાં પ્રધાન બનવાની તક મળી તેનું કારણ કદાચ એ પણ છે કે અત્યારે ત્યાંની સંસદમાં ઘણી પ્રભુત્વ ધરાવતી મહિલા નેતાઓ છે. તેમના પક્ષ સાથે જોડાણ કરનારા સેન્ટર પાર્ટીના નેતા કેટ્રી પણ મહિલા છે અને માત્ર 32 વર્ષના છે. ડાબેરી પક્ષોનું સંગઠન પણ તેમની સરકાર સાથે જોડાયું છે. તેમના નેતા છે લી એન્ડરસન અને તેમની ઉંમર પણ માત્ર 32 વર્ષની છે. ગ્રીન્સ પાર્ટીના નેતા છે મારીઆ ઓહિસેલો. તેમની ઉંમર કેટલી છે? નવાઈ ના પામશો, તેમની ઉંમર પણ 34 વર્ષની જ છે. આ યુવતીઓને સાથ મળ્યો છે 55 વર્ષનાં નેતા એન્ના-મેજા હેન્રીક્સનનો, જેઓ સ્વિડિશ પિપલ્સ પાર્ટીના નેતા છે.

આ રીતે ફિનલેન્ડમાં મહત્ત્વના રાજકીય પક્ષોનું સૂકાન મહિલા નેતાઓના હાથમાં છે, તે આપણે જાણીએ ત્યારે નવાઈ ના લાગે કે સના નાની ઉંમરે વડાં પ્રધાન બની ગયા. આ બાબતમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકામાં મતદારોને બહુ નવાઈ નહિ લાગે, કેમ કે આ બધા દેશે શક્તિશાળી મહિલા વડાં પ્રધાનો જોયા છે. ભારતમાં સોનિયા ગાંધી, માયાવતી, મમતા બેનરજી, જયલલિતા, સુષ્ણા સ્વરાજ, નિર્મલા સીતારમણ વગેરે નામ તરત બધાને યાદ આવે. ફિનલેન્ડના જુદા જુદા પક્ષની યુવા નારીઓએ ભેગા થઈને અત્યારે સરકાર બનાવી છે, પણ આ સંયુક્ત સરકાર કેટલી લાંબી ચાલશે એ જોવાનું રહ્યું.

જેસિન્ડા આર્ડર્ન

પરંતુ અત્યારે જુદા જુદા દેશોમાં દસેક નેતાઓ નાની ઉંમરે રાષ્ટ્રના વડા બન્યા છે. તેમાં પણ મહિલાઓ તરત ધ્યાન ખેંચે છે. ન્યૂ ઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન પણ માત્ર 37 વર્ષના છે. 2008થી રાજકારણમાં આવેલા જેસિન્ડા પણ સનાની જેમ પોતાને સોશ્યલ ડેમોક્રેટ ગણાવે છે અને દસ જ વર્ષમાં તેઓ સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યા. તેઓ ન્યૂ ઝિલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન હેલેન ક્લાર્ક અને યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરના સંશોધનકાર અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમનો એ અનુભવ કામ આવ્યો અને ગયા ઑગસ્ટમાં તેઓ લેબર પાર્ટીના નેતા બન્યા હતા.

સેબેસ્ટિયન કર્ઝ

હાલના દાયકામાં સૌથી નાની ઉંમરે વડા બનવાનો રેકર્ડ ઓસ્ટ્રિયાના સેબેસ્ટિયન કર્ઝનો છે. તેઓ ડિસેમ્બર 2017માં માત્ર 31 વર્ષની ઉંમરે ચાન્સેલર બન્યા હતા. જોકે મે 2019માં તેમણે પદ ગુમાવવું પડ્યું, તેના કારણે જ હાલ સૌથી નાની ઉંમરના વડા તરીકેનું માન સન્નાને મળ્યું છે. કર્ઝ ફરીથી સત્તા પર આવવા માટે કોશિશ કરી રહ્યા છે. તેમનો પક્ષ ઓસ્ટ્રિયાની ગ્રીન્સ પાર્ટી સાથે વાટાઘાટો કરી રહ્યો છે. તેની સાથે મળીને સંયુક્ત સરકાર બનાવીને ફરી સત્તામાં આવશે તો 33 વર્ષની ઉંમરે બીજી વાર તેમને સત્તા મળશે.

એમ તો નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉન 2011માં માત્ર 30 વર્ષની ઉંમરે, કર્ઝ કરતાંય એક વર્ષ નાની ઉંમર સત્તા પર બેસી ગયો હતો. જોકે તેને ચૂંટાયેલો નેતા ગણવો કે કેમ તે સવાલ છે, કેમ કે ઉત્તર કોરિયામાં તાનાશાહી ચાલે છે. તેમના દાદા વખતથી તાનાશાહી ચાલી આવે છે. વર્ષો સુધી તેમના પિતાએ લોખંડી હાથ શાસન કર્યું અને હાલમાં કિમ જોંગ ઉન સત્તા પર ચીટકીને બેઠા છે. અત્યારે 38 વર્ષ તેમનો સમાવેશ 40થી નાની ઉંમરના નેતાઓમાં થાય છે, પણ તેમને હકીકતમાં નેતા કરતા, રાજાશાહી અને તાનાશાહીના પ્રતિનિધિ જ ગણવા પડે.

એવી જ રીતે કતારમાં પણ રાજકુંવર તમિમ બિન હમદ અલ થાની જૂન 2013થી શાસક બન્યા છે. તેમના પિતાએ ગાદી છોડી પછી તેમને કતારના આઠમા અમીર બનાવાયા છે. તેમની ઉંમર પણ 40થી ઓછી છે. ભૂતાનમાં પણ હજી રાજાશાહી ચાલે છે. ભૂતાનના જીગ્મે નામ્ગ્યાલ વાંગચૂક પણ 39 વર્ષના છે.

વર્તમાન સદીના સૌથી નાના વડા તરીકે ઓસ્ટ્રીયાના ચાન્લેસર સેબેસ્ટિયન કર્ઝ ગણાશે, કેમ કે 2017માં ચાન્સેલર બન્યા ત્યારે 31 વર્ષના હતા. હાલમાં સત્તા નથી, પણ ફરી સત્તા મળશે તો ફરીથી તેઓ સૌથી વર્તમાન યુવાન નેતા પણ બની જશે. કેમ કે સન્નાની ઉંમર 34 વર્ષની છે, જ્યારે કર્ઝ 33 વર્ષના. જોકે કિમ જોન્ગ ઉન 2011માં ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા જાહેર થયા ત્યારે તેમની ઉંમર 30ની હતી, પણ તેમણે રાજા જેવા જ ગણવા પડે તેમ છે.

ઇતિહાસમાં ચૂંટાયેલા વડા તરીકે સૌથી નાની ઉંમરનો રેકર્ડ બહુ જૂનો છે. 1783માં બ્રિટનમાં વિલિયમ પીટ્ટ વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હતી. બિનરાજાશાહીના તે આજ સુધીના સૌથી યુવાન નેતા છે.
અને સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રના વડા છે મલેશિયાના મોહમ્મદ મહાતીર, 94 વર્ષ. મહાતીર બહુ લાંબો સમય વડા પ્રધાન રહેવાનો પણ વિક્રમ ધરાવે છે. વર્તમાન સમયના તેઓ સૌથી લાંબો સમય વડા પ્રધાન રહ્યા છે. 1981માં તેઓ વડા પ્રધાન બન્યા હતા અને સતત 22 વર્ષ એટલે કે 2003 સુધી સત્તા પર રહ્યા હતા. જોકે તે પછી તેમણે સત્તા છોડવી પડી હતી. તેમણે 94 વર્ષની ઉંમરે ફરી સમગ્ર વિરોધ પક્ષોને એકઠા કર્યા અને ચૂંટણી લડ્યા. તેમાં જીત્યા અને તેના કારણે મે 2019માં ફરીથી વડા પ્રધાન બન્યા છે.

94 વર્ષના મહાતીર મોહમ્મદને ફિનલેન્ડની યુવા નારી વિશે ખબર આપવામાં આવ્યા ત્યારે તેમણે અભિનંદન આપ્યા, પણ સાથે સલાહ પણ આપી હતી. વિશ્વના સૌથી વૃદ્ધ, લાંબો સમય સત્તામાં રહેલા અને અનુભવી મહાતીરે યુવાન નેતાને સલાહ આપી કે અનુભવીને પૂછીને કામ કરવું. આપણે ત્યાં વડીલો કહેતા હોય છેને તેમ, ઘરડાં ગાડાં વાળે. રાષ્ટ્રના નેતા યુવાન હોય તે સારું કહેવાય, પણ સલાહ લેવાની થાય ત્યારે વૃદ્ધ લોકોને પૂછવું એમ મહાતીરે કહ્યું. યુવાની અને અનુભવનો તો સંગમ થશે અને તે સારું રહેશે એમ મહાતીરે કહ્યું. તેમની વાત કંઈ ખોટી લાગતી નથી. માત્ર યુવાન નેતાઓએ શા માટે, બધા જ નેતાઓએ મોટા અને અનુભવીને પૂછીને કામ કરવું જોઈએ, તમારી સલાહ શું છે?