અમેરિકા હવે ક્રૂડ અને ગેસના મુદ્દે જગતને રંજાડશે

મેરિકા ઈરાન સામે પાંચમી નવેમ્બરથી પ્રતિબંધોનો અમલ કરવા ધારે છે. ઈરાન અણુશસ્ત્રો બનાવે છે તેથી પ્રતિબંધો મૂકવાની વાત કરવામાં આવે છે, પણ કેટલાક જાણકારો કહે છે કે અમેરિકાનો અસલી ઈરાદો ક્રૂડ ઑઈલ અને ગેસના વેપારમાં અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લઈ રહ્યું છે. અમેરિકા એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. છેલ્લા છ મહિનામાં અમેરિકાની ક્રૂડ ઑઈલની નિકાસ વધીને બમણી થઈ ગઈ છે. રોજના 18 લાખ બેરલ ઑઈલની નિકાસ થવા લાગી છે. મોટા ભાગની નિકાસ યુરોપના દેશોમાં અને જાપાન તથા દક્ષિણ કોરિયા જેવા સાથી દેશોને થવા લાગી છે. સાથે જ રશિયાની અને ઈરાનની આવકના મોટા સ્રોતને તોડી પાડવા માગે છે.

પૂર્વ યુરોપના દેશોમાં ક્રૂડ ઑઈલ અને કુદરતી ગેસની આયાત મોટા ભાગે રશિયામાંથી થાય છે. રશિયા સાઉદી અરેબિયા પછી બીજો મહત્ત્વનો દેશ છે, જેની પાસે ક્રૂડ અને ગેસના વિશાળ ભંડારો છે. રશિયાની મુખ્ય આવકનું સાધન પણ પેટ્રોકાર્બનની નિકાસમાંથી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના પ્રમુખ સામે આમ તો વાંધો ન હોવો જોઈએ, કેમ કે અફવા અનુસાર ચૂંટણી વખતે રશિયાએ ગેરમાહિતી ફેલાવી તેનું નુકસાન હિલેરી ક્લિન્ટનને થયું હતું. ટ્રમ્પ તેમાં ફાવી ગયા હતા. પરંતુ અમેરિકાનું રાજકારણ કોઈ એક પ્રમુખની મુનસફી પર ચાલતું નથી. અમેરિકામાં પ્રમુખ બદલાઈ જાય, પણ નીતિ ઝડપથી બદલાતી નથી.

તેથી જ અમેરિકાની છેલ્લા એકાદ દાયકાથી નીતિ રહી છે કે ક્રૂડ ઑઈલનું રાજકારણ દુનિયામાંથી ખતમ કરી નાખવું. અરબ અને ઇસ્લામી દેશો તથા રશિયા બંને ક્રૂડ અને ગેસમાંથી અઢળક કમાણી કરે છે. તેના ભાવોમાં ફેરફાર વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરે છે. ક્રૂડના વધેલા ભાવના કારણે ભારત જેવી બજાર પણ ભીંસમાં આવી ગઈ છે. તેથી અમુક જ દેશોનું વર્ચસ ન રહે તે માટે અમેરિકા છેલ્લા ઘણા દાયકાથી મથી રહ્યું છે. અમેરિકામાં શેલ ગેસ તરીકે ઓળખાતા નવા સ્રોત ઊભા થયા છે. નવી ટેક્નિક પ્રમાણે જમીનની અંદર દબાણ સાથે પાણી ધકેલીને ઑઈલ અને ગેસને એક તરફ એકઠો કરવામાં આવે છે. તેના કારણે અમેરિકામાં ક્રૂડ અને ગેસનું ઉત્પાદન ખાસ્સું વધ્યું છે. તેના કારણે જ આ વર્ષેના પ્રથમ છ મહિનામાં નિકાસ બમણી થઈ ગઈ છે.

અમેરિકાના પશ્ચિમ કિનારાથી દરિયા માર્ગે સીધા જ દક્ષિણ કોરિયા અને જાપાન પહોંચી શકાય છે. આ બંને દેશો પણ મધ્ય પૂર્વમાંથી ક્રૂડ અને ગેસની આયાત કરે છે. ઈરાનમાંથી બંને દેશો ઘણી આયાત કરે છે. ઈરાનથી આ બંને દેશોનું અંતર અને અમેરિકાના પશ્ચિમ દરિયાકિનારેથી અંતરમાં બહુ ફરક નથી. તેથી અમેરિકા આ બંને દેશોમાં ક્રૂડ અને એલએનજીની નિકાસ વધારવા લાગ્યું છે. નવેમ્બર પછી તેમાં મોટો ઉછાળો આવશે, કેમ કે ઈરાનમાંથી આ બંને દેશો પોતાની આયાત ઘટાડી દેશે. ઓલરેડી ઑગસ્ટથી બંને દેશોએ ઈરાનથી થતી આયાત ઓછી કરી છે. અમેરિકાએ સ્થાનિક ધોરણે પણ એક કાંકરે બે પક્ષી માર્યા છે. સ્થાનિક ધોરણે ક્રૂડ અને ગેસનું ઉત્પાદન વધાર્યું છે. એટલું વધાર્યું છે કે તેણે આયાત કરવાની જરૂર ન રહે. ઉલટાનું તે નિકાસ કરીને કમાણી કરવા લાગ્યું છે. જોકે સીધી જ નિકાસ કરવા લાગે તો ફાયદો ન થાય. કેમ કે સપ્લાય વધવાના કારણે ભાવો ફરી નીચા જાય. નીચા ભાવે અમેરિકાને શેલ ગેસનું ઉત્પાદન પરવડે નહીં. તેથી અમેરિકા ક્રૂડના ભાવો ઊંચા રહે તેમ ઈચ્છે છે. તે માટે તેણે બીજા દેશોમાંથી પુરવઠો બંધ કરાવવો પડે.

સ્થાનિક ધોરણે અમેરિકાએ બીજા બે પક્ષીઓ પણ માર્યા છે. સોલર પાવર અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું શરૂ કરાયું છે. પેટ્રોલનો વપરાશ ઘટે તે માટે અમેરિકાના આ વિશેષ પ્રયાસો છે. સોલાર પાવરની અને ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલૉજીને બેસ્ટ બનાવીને ભવિષ્યમાં તેની નિકાસ પણ વધારાશે. દુનિયાભરમાં ઇલેક્ટ્રિક કાર દોડતી હશે, પણ તેની અંદરની ઇલેક્ટ્રિક મોટર અને બેટરી અમેરિકન કંપનીઓની હશે. એ બરાબર, પણ વિશ્વમાં ક્રૂડનો ભાવ નીચો જાય તો આમાંનું એક પણ પક્ષી મરે નહીં. તેથી બે દેશોને નિશાન બનાવાયા છે. ઈરાન સામે પ્રતિબંધ મૂકાયા છે, જેથી જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ તેમની આયાત ઓછી પણ કરી દીધી છે. ભારત જેવા દેશો પર પણ દબાણ આવશે. જોકે ભારત ઈરાનમાંથી આયાત સાવ બંધ નહીં કરે. 2012થી 2015 સુધી ઈરાન પર પ્રતિબંધ હતો ત્યારે પણ ભારતે ઈરાનમાંથી આયાત ચાલુ રાખી હતી. જોકે ઈરાનમાંથી થતી આયાતમાં થોડો ઘટાડો થઈ શકે છે. ભારતે બીજો પણ એક રસ્તો વિચાર્યો છે. ભારત રૂપિયામાં ઈરાનમાંથી ખરીદી કરશે, જેથી ડૉલરની જરૂર ન પડે.
આમ છતાં ઈરાન અને ભારત વચ્ચે વેપારમાં થોડી અસર થશે. બીજા દેશો સહિત ઈરાનને આ રીતે મોટો ફટકો પડશે. તેનું ઉત્પાદન ઘટી જશે. બજારમાં તેના ક્રૂડ અને ગેસ ઓછા આવવાથી ભાવો ઘટશે નહીં.

આ બાજુ રશિયામાંથી પણ પુરવઠો ઓછો થાય તેવા પ્રયાસો અમેરિકા કરી રહ્યું છે. પૂર્વ યુરોપના કેટલાક દેશો નાટો સાથે જોડાયેલા છે. આ દેશોને અમેરિકા હવે પોતાના ક્રૂડ અને ગેસની નિકાસ કરશે. તેથી રશિયામાંથી ખરીદી બંધ થશે. અમેરિકા તુર્કી જેવા દેશમાં પણ નિકાસ માટે પ્રયત્નશીલ છે. તુર્કીનું બજાર કબજે થાય તો ઈરાન અને રશિયા બંનેને ફટકો પડે. તેનો અર્થ એ થયો કે અમેરિકા પોતાની ઊર્જા સુનિશ્ચત કરી રહ્યો છે, પણ તેનો ફાયદો બીજા દેશોને મળવાનો નથી. અમેરિકાએ સીધી રીતે પોતાની નિકાસ વધારી હોત તો ભાવો દબાયા હોત. ભારત જેવા દેશોને તેનો ફાયદો થયો હોત. પણ અમેરિકા પોતાના લાભ ખાતર ભાવો હવે નીચે નહી જવા દે ત્યારે ભારતે વધારે લાંબા ગાળાનું આયોજન કરવું પડશે. ઈરાન અને રશિયા બંને સાથે ભારતના સારા સંબંધો છે. ભારતે તે બંને પાસેથી ઉલટાની આયાત વધારવાનો રસ્તો શોધી કાઢવો રહ્યો.

તેનાથી પણ લાંબા ગાળાનો રસ્તો છે અત્યારથી જ અમેરિકાની જેમ લાંબા ગાળાનું આયોજન કરવું. અમેરિકન સંસદમાં ઊર્જાની ભાવિ જરૂરિયાતનું શું તેની વિષદ ચર્ચા કરીને નીતિ નક્કી પણ કરી છે. ભારતે પણ સોલાર પાવર અને ઇલેક્ટ્રિક વાહનો માટે લાંબા ગાળાની નીતિ ઘડવી જરૂરી છે. સોલાર પેનલ અને સોલારના વાહનો સસ્તા પડે – બસ આટલું જ કરવાનું છે. જોકે આટલી સિમ્પલ વાત સરકારોને અને અમલદારોને સમજાતી હોતી નથી. તે દરેક વાતને સંકુલ રીતે વિચારીને ગૂંચવી નાખે છે. સોલાર અને ઇલેક્ટ્રિક વાહનોનો વિચાર થઈ રહ્યો છે, પણ એવી રીતે કે વ્યવહારમાં તેનો વ્યાપ વધે તેમાં બહુ સમય લાગશે. તેના બદલે ઝડપથી લોકોને સોલાર પેનલ લગાવવાની અને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની ફરજ પડે તેવું કરવું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]