અમેરિકા યુનેસ્કોમાંથી નીકળી ગયું – નુકસાન અમદાવાદને

યુએન અને યુનેસ્કો આપણાં વાંચકો માટે પણ અજાણ્યાં શબ્દો નથી. થોડા મહિના પહેલાં ગુજરાતમાં યુનેસ્કોની ટીમ આવી હતી, કેમ કે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવાનો હતો. યુએન દુનિયાના દેશો વચ્ચે સમન્વયનું કામ કરે છે અને તેની સંસ્થા યુનેસ્કો દુનિયાના દેશો વચ્ચે સાંસ્કૃતિક સેતુબંધ બનવા કોશિશ કરે છે. બિનરાજકીય પ્રકારનું તેનું કામ હોવાથી યુનેસ્કો માટે મોટા ભાગના દેશમાં આવકાર હતો, પણ આ વખતે અમેરિકાએ યુનેસ્કોમાં પણ રાજકારણને ઘૂસાડવાની કોશિશ કરી તેનો વિરોધ થયો છે.અમેરિકાએ એવું કારણ આપ્યું છે કે યુનેસ્કોમાં ઇઝરાયલ વિરોધી માહોલ છે. 12 ઓક્ટોબરે અમેરિકાના વિદેશ મંત્રાલયે યુનેસ્કોના ડિરિક્ટર-જનરલ ઇરિના બોકોવાને પત્ર લખીને પોતે ખસી જાય છે તેની જાણ કરી હતી. યુનેસ્કોમાં પોતે સભ્ય નહીં રહે, પરંતુ નિરીક્ષક તરીકે રહેશે એમ અમેરિકાએ કહ્યું છે. નિરીક્ષક તરીકે અમેરિકા વર્લ્ડ હેરિટેજની જાળવણી, પ્રેસ ફ્રિડમ, શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રે સહકારની બાબતમાં પોતાના અભિપ્રાયો અને પોતાની ચિંતા વ્યક્ત કરવા માગે છે તેથી એક કાયમી નિરીક્ષક સંસ્થા રાખશે એમ કહ્યું છે. જોકે આવતું આખું આવતું વર્ષ અમેરિકા સભ્ય તરીકે રહેશે. તે દરમિયાન કોઈ ફેરફાર થાય તેવી પણ શક્યતા છે, પણ અત્યારે એ સવાલ છે કે અમેરિકા શા માટે યુનેસ્કોમાંથી નીકળી ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી તદ્દન નવી નીતિ અપનાવી રહ્યા છે. અમેરિકા ઇમિગ્રન્ટ્સનો દેશ છે અને ઇમિગ્રન્ટ્સને આવકાર મળે છે. ટ્રમ્પ તેના પર પ્રતિબંધ મૂકવા માગે છે. અમેરિકા જગત જમાદાર તરીકે વિશ્વના ખૂણે બનતી નાનામાં નાની ઘટના પણ ચંચૂપાત કરે છે. ગલ્ફના દેશોમાં ઇરાક સામે અને અફઘાનિસ્તાનમાં રશિયા સામે અને તાલિબાનો સામે લડવા અમેરિકાની સેના પહોંચી હતી. અત્યાર સિરિયા સામે પણ અમેરિકન સૈનિકો લડી રહ્યા છે. ટ્રમ્પ ઇચ્છે છે કે દુનિયાની પળોજણમાં અમેરિકાની સેનાએ પાતળા થવાની જરૂર નથી.

યુએનમાં 195 સભ્યો છે, પણ યુનેસ્કોમાં 197 છે. એક કૂક આઇલેન્ડ્સ અને બીજો દેશ છે પેલેસ્ટાઇન. પેલેસ્ટાઇન યુનેસ્કોમાં છે એટલે ઇઝરાયલ વિરોધી વાતો તેમાં કલ્ચરના બહાને આવે. ઇઝરાયલ અને યહુદી લોબીનું પ્રભુત્વ અમેરિકા પર છે તે જગજાહેર છે. ઇઝરાયલના દબાણના કારણે અમેરિકાએ આ પગલું લીધું અને ઇઝરાયલના વડાપ્રધાન નેતનયાહૂએ થેન્ક્યૂ પણ કહ્યું છે.

યુનેસ્કો ખાસ તો વર્લ્ડ હેરિટેજની જાળવણી થાય તે માટે દુનિયાની સરકારો સાથે સહકાર સાધતું રહે છે. મજાની વાત એ છે કે અમેરિકાએ જ 1966માં પોતાના દેશનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે જે કાયદો ઘડ્યો હતો તેના આધારે જ યુનેસ્કોએ વિશ્વની ધરોહર સમાન વારસાને જાળવવા માટેની પ્રણાલી ઊભી કરવામાં આવી છે. અમેરિકામાં જાતજાતની લોબી કામ કરે છે અને દુનિયાભરમાં પોતાના હિતો ચાલતા રહે તે માટે વૈશ્વિક સંસ્થાઓનો સહારો લેવાતો હોય છે. યુનેસ્કો તેમાં અગત્યની સંસ્થા હતી પણ હવે અમેરિકાએ જ તેને છોડી દેવાનો નિર્ણય કર્યો તેનાથી નવાઈ લાગે.યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઇરિનાએ સિરિયા અને માલીમાં યુદ્ધના કારણે સાંસ્કૃત્તિક વારસો નાશ પામ્યો તેની આકરી ટીકા કરી છે. આ તો એક વૉર ક્રાઇમ છે એમ તેમણે કહ્યું. આ સીધી જ અમેરિકાની ટીકા થઈ, કેમ કે અમેરિકા સિરિયામાં યુદ્ધ લડી રહ્યું છે. જોકે જાણકારો કહે છે કે માત્ર અમેરિકાની ટીકા કે ઇઝરાયલનો વિરોધ એ જવાબદારી પરિબળો નથી. બીજા કારણો પણ અમેરિકન વિદેશ મંત્રાલયને ટાંક્યા છે.

યુનેસ્કોમાં મૂળભૂત રીતે પરિવર્તનની જરૂર છે એમ પણ કહ્યું છે. અમેરિકા માથે યુનેસ્કોનું લેણું વધતું જાય છે તે મામલો પણ છે. આ મુદ્દાઓ પણ અગત્યના છે. યુનેસ્કો સામે માત્ર ટ્રમ્પ નારાજ નથી. અમેરિકાની નારાજી 2011થી શરૂ થઈ ગઈ હતી. ઇઝરાયલના વિરોધ છતાં 2011માં પેલેસ્ટાઇનને સભ્ય બનાવાયું. બીજું પેલેસ્ટાઇનના વેસ્ટ બેન્કમાં આવેલી હેબ્રોનને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ તેનો પણ ઇઝરાયલે વિરોધ કર્યો. આ બહાને પેલેસ્ટાઇનને ફંડ મળશે તેનો પણ વિરોધ હતો.

ઇઝરાયલના વિરોધ પછી યુનેસ્કોમાં ફંડાન્ટમેન્ટ ચેન્જીસની જરૂર છે એમ કહીને અમેરિકાએ ફંડ આપવાનું બંધ કરી દીધું હતું. 55 કરોડ ડોલરથી વધુ ફાળો અમેરિકાએ આપવાનો બાકી છે. સભ્ય તરીકે અમેરિકા ચાલુ રહે તો દર વર્ષે આ આંકડો વધતો જાય. એટલે પણ અમેરિકાએ સભ્યપદેથી નીકળી જવાનું નક્કી કર્યું છે. યુનેસ્કો દ્વારા થતા ખર્ચનો સવાલ પણ અમેરિકાએ ઉપાડ્યો છે, કેમ કે યુનેસ્કોનો 2000નો સ્ટાફ પારીસમાં બેસે છે. તેમના પગારનો બોજ મોટો છે. યુએનનું હેડક્વાર્ટર ન્યૂ યોર્કમાં છે, તેનો આડકતરો લાભ અમેરિકાને મળે, પણ પારીસમાં 2000નો સ્ટાફ હોય તો કોઈ ફાયદો થાય નહી.

અમેરિકા લગભગ 20 ટકા ફાળો યુનેસ્કોને આપતું આવ્યું હતું. આઠ કરોડ ડોલર દર વર્ષે આપતું હતું. અગાઉ 1984માં પણ અમેરિકાએ આવા જ મુદ્દાઓ ઊભા કરીને યુનેસ્કો છોડી દીધું હતું. ફરી 2003માં અમેરિકા જોડાયું, પણ એક જ દાયકામાં ફરી નારાજી વધી છે. બીજી ચિંતા એ છે કે અમેરિકાનું જોઈને બ્રિટન, જાપાન અને બ્રાઝિલે પણ જુદા જુદા કારણોસર યુનેસ્કોને પોતાનો ફાળો આપવાનું બંધ કરી દીધું છે. આ જ રીતે જો દેશો પોતપોતાના હિતો ખાતર યુનેસ્કોને ફાળો આપવાનું બંધ કરી દે તો વિશ્વભરમાં હેરિટેજની જાળવણીને અસર થઈ શકે છે. અમદાવાદ હજી નવું નવું જ હેરિટેજ સિટિ જાહેર થયું છે. અમદાવાદને પણ વધારે ફંડ મળવાની આશા હોય તે ઓછી થઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]